મુથુલક્ષ્મી - ઇતિહાસની અજાણી વીરાંગના SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુથુલક્ષ્મી - ઇતિહાસની અજાણી વીરાંગના

ડો. મુથુલક્ષ્મી માટે કહી શકાય કે ખૂબ લડી મર્દાની થી, વહ મદ્રાસ કી રાની થી.
1886 એટલે કે દોઢ સદી પહેલાં અત્યંત સંકુચિત દક્ષીણ ભારતીય રિવાજો વચ્ચે એક કુરિવાજ દેવદાસીનો હતો. નૃત્યકલા ની જાળવણી ને નામે કન્યા કિશોરવયમાં જ હોય ત્યાં તેને દેવોને હવાલે કહી અમુક વગદાર માણસો દ્વારા શોષણ માટે ધકેલી દેવાતી હતી. પ્રસુતિ ડોક્ટર કરે તે કોઈ વિચારી શકતું નહીં તેવી એક દેવદાસીની પુત્રી પ્રથમ સ્ત્રી ગાયનેક સર્જન બની, કેન્સર હોસ્પિટલ ઉભી કરી અને ખાસ તો દેવદાસી પ્રથા નાબુદી માટે પુરી તાકાતથી દિગ્ગજો સામે લડી. એમાંપ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી પણ હતા. ખૂબ પ્રેરણાદાયી વાર્તા. મેં અંગ્રેજી માં હતી તેનું ભાષાંતર કરી અહીં મૂકી.

મુથુલાક્ષ્મીની આ વાત પ્રેરણાદાયી અને જાણવા લાયક છે.

મુથુલાક્ષ્મી રેડ્ડીનો જન્મ 1886 માં તામિલનાડુના પુદુકોટ્ટાઇ રજવાડામાં થયો હતો. તેના પિતા નારાયણસ્વામી અય્યર હતા. તેની માતા દેવદાસી હતી, જો તમને ખબર ન હોય તો, એવી મહિલાઓ કે જેઓ દેખીતી રીતે મંદિરના દેવી-દેવતાઓને “સમર્પિત” હતી, જેમને આગામી પેઢી દર પેઢી દેવને માટે નૃત્ય કરવાની કળા માટે સોંપી દેવામાં આવતી હતી. પડદા પાછળની અત્યંત વરવી વાસ્તવિકતા જુદી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને વેશ્યા સમકક્ષ ગણવામાં આવતી હતી. તેઓનું વારંવાર શોષણ કરવામાં આવતું હતું અને તેમને વેશ્યાઓ માનવામાં આવતી હતી. તેમની દશા ખરેખરની વેશ્યાગીરી કરતાં પણ ખરાબ હતી - કોઈએ દેવદાસી બનવાનું જાણી જોઈ પસંદ કર્યું ન હતું. પૂર્વનિર્ધારણ મુજબ યુવતીને ધાર્મિક વિધિ દ્વારા રજસ્વલા બનતા પહેલાં જ બાલિકાને એ પ્રણાલિકામાં પ્રવેશ આપવામાં આવી દેવાતો હતો. પરાણે ધકેલી દેવામાં આવતી હતી. જે પુરુષે તેમની યુવાની બેસતા પહેલાં તેમની ઉપભોગ માટેની સ્ત્રી તરીકેના કાયમી દરજ્જાની ખાતરી આપી હોય તે પુરૂષ તેનો આશ્રયદાતા રહે, પરંતુ દેવદાસીનો તેની અટક અથવા મિલ્કતના વારસા પર કોઈ અધિકાર રહેતો નહીં. દેવદાસીએ લગ્ન કરવાની જરૂર નથી અને તેમને "નિત્યસુમંગલી" કહેવાય, જેનો અર્થ તે ક્યારેય વિધવા ન ગણાય, તેણી સદા સોહાગણ રહે એવો છે. તે એક નિષ્ઠુર પ્રથા હતી. જો તમે લગ્ન ન કરો તો તમે વિધવા ન બની શકો. દેવદાસીનાં લગ્ન તો ભગવાન સાથે થયાં કહેવાય. ખર્ચ ઉપાડનારો પુરુષ અને અનેક લોકો તેને બહારથી નૃત્યાંગના તરીકે જાહેર કરી ખાનગીમાં ભોગવ્યા કરે. દેવદાસી ન વિધવા ગણાય ન કોઈની પત્ની.


સદ્ભાગ્યે મુથુલક્ષ્મી માટે, તેના પિતા વિદ્વાન અને એક શાળાના આચાર્ય હતા. અન્યથા તેનું શું થાત! પિતા ખારા રણમાં એકમાત્ર મીઠી વીરડી પુરવાર થયા. તેણે તેને શિક્ષણની શક્તિ આપી. કેળવણી માટે મૂકી. તેણે જે વર્ગમાં અભ્યાસ કર્યો હતો તેમાં 40 છોકરાઓ વચ્ચે 3 છોકરીઓ હતી - જેને વચ્ચે પડદો રાખી અલગ પાડવામાં આવતી હતી. તે પછી પણ છોકરાઓના માતા-પિતાએ વિરોધ કર્યો હતો કે તેમના "નિર્દોષ" પુત્રોને દેવદાસી દ્વારા ફસાવી દેવામાં આવશે. દેવદાસી સાથે ભણી તેઓનું ચારિત્ર્ય બગડી જશે તેવો તેમને ભય હતો. તેને સ્કૂલમાં મોકલવાનો એટલો તો વિરોધ થયો કે એક શિક્ષકે તો રાજીનામુ આપી દીધું. પરંતુ તેના પિતા તેની સાથે ઉભા રહ્યા હતા અને તેમણે તેને બળ પૂરું પાડ્યું. તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી દેવદાસીએ શાળામાં જવાનું નહીં, કાયમ માટે ઘેર બેસી દેવદાસી તરીકેનું 'દેવને પ્રસન્ન કરવાનું' કાર્ય જ કરવાનું રહેતું. છતાં તે સ્કૂલમાં હતી, તે દિવસોમાં જ તેણે દેવદાસી પરંપરા મુજબ કામ કરવાને બદલે કઈં બીજી રીતે સમાજરૂપી દેવની સેવાનું નક્કી કરી લીધું. તેણી ફક્ત તેના નસીબ જ નહીં, પણ અન્ય લોકોના ભાગ્યને પણ બદલવા માંગતી હતી.

તેણીએ પુદુકોટ્ટાઇના મહારાજા પાસે મેડીકલના અભ્યાસ માટે ભંડોળ માંગ્યું. આશ્ચર્યચકિત થયેલા મહારાજાએ તેને રૂ .150 ની શિષ્યવૃત્તિ આપી, જે તેનાં તૂટી ગયેલાં મનોબળને ફરી ઉભું કરવા જરૂરી હતી. આ શિષ્યવૃત્તિએ તેની આકાંક્ષાઓને પાંખ આપી.


તે મદ્રાસ મેડિકલ કોલેજમાં પ્રવેશ કરનારી પ્રથમ મહિલા બની હતી. તે ભણતી હતી ત્યારે જ તેણે અનેક ચંદ્રકો મેળવ્યા હતા. જ્યારે તેણીએ ઓબ્સ્ટેટ્રિક્સ લેવાની અને સર્જન બનવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પ્રોફેસરો ચોંકી ગયા. એક સર્જનના લોહી અને માંસ ચૂંથવાના વ્યવસાયને પુરુષનું જ કાર્યક્ષેત્ર માનવામાં આવતું. એની સાથે એક સ્ત્રી કામ પાડશે? શસ્ત્રક્રિયા, તે પાછી એક સ્ત્રી દ્વારા? તેના માટે આ અશક્ય વસ્તુ પ્રોફેસરો દ્વારા માનવામાં આવતી હતી. તેમ છતાં, દ્રઢ નિશ્ચય સાથે, તે પ્રસૂતિ નિષ્ણાત બની. એ સમયમાં કોઈ હોસ્પિટલમાં પ્રસૂતિનું વિચારતું જ નહીં એટલે સ્ત્રી મૃત્યુદર પ્રસુતિ દરમ્યાન ઘણો ઊંચો હતો. તેણે સૌ પ્રથમ ચુનંદા વ્યાવસાયિકોને સ્ત્રીઓના રોગો અને પ્રસુતિ માટે કામ કરી શકે તેવા તૈયાર કરવાનું શરૂ કર્યું. જો કે, ટૂંક સમયમાં એક વળાંક આવ્યો.


તેની બહેનને ગુદામાર્ગનું કેન્સર થયું અને આખરે તેનું મૃત્યુ થયું. તે સમયે, કેન્સરને રાજરોગોના સમ્રાટ તરીકે લોકો જાણતા નહોતા. જે કમનસીબ લોકોને તે રોગ થયો તેમનો મૃત્યુઘંટ વાગ્યો સમજવો. હતા તેઓની પાછળ કોઈ પણ ખર્ચ નકામો માનવામાં આવતો હતો. કોઈ પણ આ નિશ્ચિત મૃત્યુ પર ખર્ચ કરવા માંગતું ન હતું. તેથી ડો. મુથુલક્ષ્મીએ તેની સારવાર શીખવા યુકે જવાની તૈયારી કરી લીધી અને કેન્સરના દર્દીઓને સાજા કરવા અંગેની રોયલ માર્સેડન હોસ્પિટલમાં તાલીમ લીધી. તેણી પાસે મજબૂત મૂળ અને શક્તિશાળી પાંખોનો દુર્લભ સંયોજન હતું. તે પાછી મદ્રાસ આવી, પરંતુ કેન્સરની સારવાર અંગે તેને પીડાદાયક ઉપેક્ષા અને ઘોર ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો.


તેણીએ વુમન્સ ઇન્ડિયા એસોસિએશન તરફ વળી ત્યાં હાથ લંબાવ્યો. તેની સહાયથી મદ્રાસની અને દક્ષિણ ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ - અદ્યર કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.


એક દિવસ, નમક્કલ શહેરની ત્રણ છોકરીઓ દેવદાસી પ્રણાલી છોડીને ભાગી ગઈ અને ડો. મુથુલક્ષ્મી પાસે આવી. તેને પૂછ્યું, “હવે અમારું શું થશે? અમે ક્યાં રહીશું? ”.

તેણીએ આ ભયંકર સમસ્યાની અનુભૂતિ કરી અને અથાગ પ્રયત્નો બાદ દેવદાસી પ્રથા નાબૂદ કરવા લાંબી મજલ કાપી જે આખરે તેમની મુક્તિમાં પરિણમી.

તેણીએ તેમને તો આશ્રય આપ્યો જ, પરંતુ ફક્ત તેમને જ નહીં. તેણે અન્ય ત્યકતા કે નિરાધાર સ્ત્રીઓ માટે 'અવ્વાઈ ઘર' શરૂ કર્યું.

**

તે સરોજિની નાયડુને મળી અને નેશનાલિસ્ટ બની. રાજકીય સત્તાની શક્તિના મહત્વને સમજીને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને આગળ જતાં તેઓ બ્રિટિશ ભારતમાં ધારાસભ્ય પરિષદ (લેજીસ્લેટિવ કાઉન્સિલ)માં જોડાનાર પ્રથમ મહિલા બન્યાં. તેઓને લેજીસ્લેટિવ કાઉન્સિલનાં વિશ્વમાં સહુ પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનવાનું શ્રેય પણ મળ્યું.

તેઓ સુન્દારા રેડ્ડીને મળ્યાં અને તેમની સાથે લગ્ન કર્યાં, એ શરત સાથે કે તેઓ તેને સમાન ગણશે અને સમાન હક્ક આપશે.


હવે ડોક્ટર મુથુલાક્ષ્મી રેડ્ડી એક સાથે બે બે લડાઇઓનો સામનો કરી રહ્યાં હતાં.

એક તો કેન્સરની હોસ્પિટલ માટે જમીન શોધવા અને ભંડોળ મેળવવા માટે અને બીજી દેવદાસીઓનું મુક્તિ માટે.

આ બીજી લડાઈ માટે તેમણે ખુદ સર્વપલ્લી રાજગોપાલાચારી જેવી દિગ્ગજ વ્યક્તિની સામે પડવું પડ્યું. એક સભામાં જ્યારે સ્પીકરે દેવદાસીઓની "પતિતા" કહી વેશ્યાઓ સાથે સરખામણી કરી ત્યારે તેઓ ગર્જી ઊઠ્યાં, “તમે તેમને પતિતા કહી જ કેમ શકો? સ્ત્રીની પવિત્રતા પુરુષની પવિત્રતા વિના અશક્ય છે. જે લોકોએ તેમનું શોષણ કર્યું હતું તેઓ મોટા માણસો હતા અને તેમને દેવદાસીઓનાં શોષણ માટે જવાબદાર ઠેરવવા જોઇએ. તેમણે ઠોકી ઠોકીને કહ્યું કે દેવદાસીઓ “પતિતા” એટલે હાથે કરી પતન નથી પામી, પરંતુ સમાજના જોર જુલમે તેમને પરાણે આ વ્યવસાયમાં પોતાના અંગત સ્વાર્થ માટે ધકેલી છે.



રાજગોપાલાચારી અને સ્પીકર એસ.સત્યમમૂર્તિને, તેમણે ગર્જના કરી કહ્યું, "જો તમે સુધરેલા કહેવાતા પુરુષો કહો છો તેમ તમને કળા અને સંસ્કૃતિને જાળવવા માટે જ કોઈની દેવદાસી તરીકે જરૂર હોય, તો તમે દેવદાસીને કેમ છોડતા નથી અને તમારા ઘરની મહિલાઓને , તમારી વહુ દીકરીઓને કેમ તે કલા સંસ્કૃતિ જાળવવા મોકલતા નથી?"


બીજી કોઈ પણ સ્ત્રી આવા આકરા પ્રતિકાર સામે ઝૂકી ગઈ હોત પરંતુ તેઓ તો આગમાંથી જાણે પ્રગટયાં હતાં. તેમણે અનેક વિરોધો સામે તેમની લડતમાં આખરે જીત મેળવી. તેમના અથાગ પ્રયત્નોથી બંને મુદ્દાઓમાં સફળતા મળી.



કેન્સરની હોસ્પિટલ, ધીમે ધીમે પરંતુ સતત વિસ્તરતી ગઈ.

તેઓ જે કોઈ કેન્સર હોસ્પિટલના ભંડોળ માટે તેમને સાંભળે તે બધાંને મળ્યાં. કિંગ જ્યોર્જ વી.ટોડાય સહિતના દરેક મહાનુભાવને સમજાવ્યા કે ઘણા લોકોનું જીવન બચાવવા આવી સંસ્થા જરૂરી છે. આજે તે કેન્સર હોસ્પિટલ વિશ્વસ્તરીય સંસ્થા છે. કેન્સરના દર્દીઓના દેવદૂતની જેમ તેની પ્રતિમા ત્યાં ઉભી છે.

અને આખરે તેઓ,એક વખતની દેવદાસીના પ્રયત્નો ફળ્યા. ડિસેમ્બર 5, 1947ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીએ યુવતીઓને દેવદાસી તરીકે સમર્પણ કરતાં અટકાવવાનું બિલ પસાર કર્યું. તેમની આ અવિરત અને ભગીરથ લડતનાં દસે દિશાએ ગુણગાન ગવાયાં.



ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો. તમિલનાડુ સરકારે ગર્ભવતી સ્ત્રીઓ માટેના લાભોની યોજનાનું નામ તેમના ઉપરથી રાખ્યું છે. ચેન્નઈમાં એક રસ્તો છે જે તેમનાં નામ પર છે.


તેમની વાર્તા દુર્ભાગ્ય પર કઠોર પ્રયત્નોના વિજયની યશગાથા છે. તે યાદ અપાવે છે કે આપણે આપણા ભાગ્યવિધાતા બની શકીએ છીએ.


આપણે ક્યાંથી પ્રારંભ કરીએ છીએ તે મહત્વનું નથી, ન તો સામાજિક અસમાનતાઓ કે ન તે વખતના બ્રિટિશ ભારતની મુશ્કેલીઓ તેમની ઇચ્છાને રોકી શકી. તેણીએ જીવનમાં કહેવત 'give lime, will make lemonade' સાર્થક કરી. જાણે કે પથ્થરમાંથી ઝરણું કાઢી દીધું, જે આજે પણ તેનાં અમૃત ફળો આપતું રહે છે.


તેઓ ભૂતકાળમાં વિલીન થઈ ગયેલું એક અણમોલ રત્ન છે, જેના વિશે આપણી દીકરીઓને જાણવાની જરૂર છે. કદાચ આપણે સિન્ડ્રેલાની જગ્યાએ તેની વાર્તા કહેવી જોઈએ.


(રાધિકા સુન્દરરાજના લેખ પરથી.)