Pa Pa Pagli books and stories free download online pdf in Gujarati

પા પા પગલી


જલધિ બારણું ખોલીને ઘરમાં પ્રવેશે છે.ઘર ખોલતા જ સવારનું આવેલું છાપુ પગમાં આવે છે.લઇને એને સાઈડમાં મૂકે છે.ઘર બંધ કરીને એ રસોડામાં જાય છે.રસોડું આમ તો ચોખ્ખું છે પણ થોડું આડુંઅવળું હતું એ સરખું કરે છે.
ફ્રીજ ખોલીને પાણી પીવું હતું એટલે ફ્રીજ ખોલે છે તો સવારે બનાવેલું શાક એમ જ પડેલું હતું.તેથી એને ફ્રીજમાંથી બહાર કાઢ્યું.ઓમકાર આજે સવારે જમ્યો નથી એવું લાગ્યુ.
ધીરે ધીરે આગળ વધીને બીજા રૂમમાં જાય છે...
ઘરના એકે એક ખૂણામાં ફરી વળે છે....
કેટલું વ્યવસ્થિત ગોઠવેલું છતાં ઓમકારે અસ્તવ્યસ્ત કરેલું ઘર હતું.ફટાફટ એ ઘર સાફ કરે છે..જમવાનું ઓવનમાં ગરમ કરે છે ઓમકાર માટે...

અચાનક એક ચીસ સંભળાય છે "ઓ માં,બહુ દુઃખે છે."
જલધિ અવાજની દિશામાં દોડી જમણી બાજુ આવેલા બીજા બેડરૂમ બાજુ જાય છે.અને "પપ્પા આવી ઉભા રહો"કહીને રડી પડે છે.
પણ રૂમમાં જતાજ સ્તબ્ધ થઈ જાય છે....પપ્પા નથી હોતા.
બીજા રૂમમાં જાય છે..જ્યાંથી મમ્મીનો અવાજ આવે છે." જલધિ આ પપ્પાનું જોતો..શુ થાય છે એમને.??" મમ્મીના રૂમમાં જઇને જુવે છે તો શૂન્યતા સિવાય કંઈજ નથી હોતું..
જલધિ માથું પકડીને બેસી જાય છે અને આંખો સામે હોસ્પિટલનું દ્રશ્ય આવી જાય છે.
ડૉ. મહેતા : જલધિ હું ખોટી આશા નથી આપતો પણ અંકલના બચવાના ચાન્સ ઓછા છે.રિપોર્ટ બરાબર નથી.હાર્ટ પ્રોબ્લેમ છે.કાર્ડિયાક રિપોર્ટ ઇઝ નોટ નોર્મલ..તમે સમજી રહ્યા છો ને?
દરેક પરિણામની તૈયારી રાખવાની છે.
જલધિ અને નિશ્રા એમની સામે જ બેઠા હતા.બંને બહેનોએ એકબીજા ની સામે જોયું અને આંખોથી વાત કરી લીધી અને ડૉ.મહેતાને મુક સંમતિ આપી દીધી...સર ઓપરેટ કરી દો.

વહાલનો દરિયો છે તું, તું છલકતો જાય છે.
લાગણી ઘેરાય છે ને ,તું વરસતો જાય છે.

ઓમકારે અચાનક બારણુ ખખડાવ્યું,અને તંદ્રામાંથી જાગી ગઈ હોય એમ જલધિએ ઉઠીને બારણું ખોલ્યું.ઓમકાર આવી ગયો હતો.
"શુ કીધું પપ્પાને જલધિ??ઓલ ઓકે??"ઓમકારે ઘરમાં આવતા જ પૂછી લીધું.
"હા, ભાઈ તું ચિંતા ના કર રિપોર્ટ ઇઝ ગુડ.કાલે ઓપરેટ કરી લેશે પપ્પાને.બધું પતાવીને હમણાં જ આવી છું.નિશ્રા છે ત્યાં મમ્મી સાથે.માટે તું જમી લે પહેલા."ખૂબ જ પોઝિટિવ રીપ્લાય આપ્યો જલધિએ.
એટલાંમાં દેવાંશ આવ્યો, કશું જ બોલ્યા વગર મમ્મી અને મામા સામું જોઈને જમવા લાગ્યો.જાણે મમ્મી હોસ્પિટલથી શુ સમાચાર લાવી હશે એ જાણી ના ગયો હોય.

જલધિ અને ઓમકાર જમવા બેઠા.બંને ભાઈ બહેન સાથે બેસીને એક જમવાની ફોર્માલીટી પુરી કરતા હતા.પરંતુ જમતી વખતે એકબીજાની આંખમાં આંખ નહોતા મિલાવી શકતા.
જાણે સમય થંભી ગયો હતો બંને માટે...માં-બાપ વગરનું ઘર ખાવા દોડતું હતું.એકે એક ખૂણામાંથી જાણે એમના અવાજ સંભળાતા હતા.ત્રણેયમાંથી એક પણને આદત જ નહોંતી મમ્મી પપ્પા વગર ઘરમાં રહેવાની.
ક્યાંક મમ્મી દાળનો વઘાર કરતી હતી તો ક્યાંક પપ્પા છાપું વાંચતા હતા.ક્યાંક..કપડાં ઘોવતા હતા..ક્યાંક..કામવાળામાસી કામ કરતા હતા...ક્યાંક સાડી સંકેલીને મૂકી હતી તો ક્યાંક પપ્પાનો શર્ટ વાળેલો હતો.ટી.વી.મોટા અવાજે મમ્મીની સિરિયલ ચાલું હોય તો ક્યાંક પપ્પા ટી. વી.નો મોટો અવાજ સાંભળીને ખિજાતા હોય.
તમે વહાલનો દરિયો,અમે તરસ્યા વાલીડા,
વેલેરા તમે આવજો,મારા વાલમ વાલીડા.

રાત્રે સૂતી વખતે આંખો બંધ કરી ત્યારે નજર સામે બાળપણ આવી ગયું.પપ્પાના હાલરડાં વગર ભાઈ સૂતો નહીં.અંગ્રેજીતો પપ્પા જેવું કોઈને ના આવડે પરીક્ષા વખતે રાત્રે જાગવાનું હોય ત્યારે પપ્પાની "ચા" વગર તો મૂડ જ ના આવે.સ્કૂલથી ઘરે ચાલતા આવવાનું હોય તો ડગલાં ગણાવે "જલધિ બેટા આઠસો પગલાં ગણ.ઘર આવી જશે બેટા અને જલધિ હાથ પકડીને પગલાં ગણતી.
"પપ્પા કૉલેજની ફી ભરવાની છે..પપ્પા તમે બહાર જાવ છો તો લો આ CD લેતા આવજો નવા પિક્ચરની છે.પપ્પા મારુ ક્રિમ લાવી આપજો."'જલધિ ઓર્ડર જ કરતી.નિશ્રા એમનું ખૂબ જ મેચ્યોર સંતાન હતી.પણ જલધિતો પપ્પાની લાડકી હતી એટલે એ તો પપ્પાને દરેક વસ્તુમાં ઓર્ડર જ કરતી.
અને પપ્પા બધું જ લાવી આપતા..
જલધીને યાદ છે કે મમ્મી પપ્પા કોઈ દિવસ એકલા તો ક્યાંય ગયા જ નથી.જ્યાં જાય ત્યાં સંતાનો તો સાથે જ હોય. એમનો જન્મદિવસ હોય કે લગ્નતિથી હોય.રસોઈ બાળકોની પસંદ ની જ બનતી હતી. આજની તારીખમાં પણ બધા મોટા થઈ ગયા તોપણ સંતાનો વગર આઇસ ક્રીમ પણ ખાતા નહોતા.

"પપ્પા ઉભા રહો..કેટલી વાતો કરવાની રહી ગઈ..અરે હજુ તો બધાએ સાથે દર્શન કરવાની બાધા હતી.અરે પપ્પા હજુ તો તમારે મારા દેવાંશને પરણાવી દેવાનો છે..ઉભાતો રહો પપ્પા ....
તમારે ઘરે પાછા જ આવવાનું છે..જીવનની વ્યસ્તતામાં તમને સમજવાનું તો બાકી જ રહી ગયું.
મમ્મી તું તો હમણાં થોડા વર્ષો અમારી સાથે જ રહેજે.તારા વગર તો ઘર ખાવા દોડે છે.ભીંતો હસે છે અમારા પર... કે જો રહી ગયાને એકલા??એક પણ ખૂણો એવો નથી કે જ્યાં તમારી યાદ ના હોય.મમ્મી હવે તું જમવા બેસ હું રસોઈ બનાવું એવું તો કહેવાનું જ રહી ગયું.
તમને કોઈ દિવસ પૂછ્યું જ નહીં કે અમે તો ઠીક છીએ પણ તમે કેમ છો પપ્પા??'"
મારા શ્વાસ ખૂટી જાય પણ,
સપનાઓ તારા તૂટે નહીં,
તૂટીને હું વિખરાઉ પણ,
કદી સપનાઓ તારા છૂટે નહીં
પા પા પગલી મેં કીધી... ઝાલીને તારો હાથ.

દોસ્તો આપણે જ્યારે નાના હોઈએ ત્યારે માતા પિતાની છત્ર છાયાનું મહત્વ નથી સમજતા હોતા.મોટા થઈને આપણા જીવનમાં ગૂંચવાઈ જઈએ છે.
જે માતા પિતા આપણને ભણાવી ગણાવી મોટા કરે છે.પરણાવીને ડાળ-પાંખડે વળગાડે છે.એમને જ આપણે આપણી જીવનમાંથી બાદબાકી કરીએ છે.
કેટલાંય સંતાનો પોતાના માં -બાપને ATM બનાવવા તૈયાર હોય છે.પરંતુ તેમનું adharcard બનવા તૈયાર નથી.

આપણા દુઃખો ગાવામાં આપણે એમને બેસુરા કરી દઈએ છે.
માં -બાપને તો ચાલે..એમને ખરાબ ના લાગે...એમને આપણા શિડયુલની ખબર ના પડે...એવું તો કઈ કેટલુંય કહેતા હોઈએ છે અને.
એમનું ધ્યાન રાખવું માત્ર દિકરાની જવાબદારી નથી..
દીકરીની પણ એટલી જ જવાબદારી છે.

જીવનની એ વ્યસ્તતામાં થોડા એમની માટે ફ્રી થઈએ જેમણે આપણને વ્યસ્તતાને લાયક બનાવ્યા છે.
કારણ કે ઈશ્વરના દરબારમાં માતા પિતા નામની ભેટ નોન refundable છે...એક વાર લીધા પછી પાછી નહીં મળે.તો ચાલો દિવસના અમુક કલાકો આપણા માં-બાપ સાથે એમની દુનિયામાં જઈએ.
આપણું બાળપણ એ એમની જીવનભરની પૂંજી છે.
ચાલો આપણા વહાલના દરિયામાં ડૂબકી મારીયે જેમણે આપણને પા પા પગલી માંડતા શીખવાડ્યું.





બીજા રસપ્રદ વિકલ્પો