જાણે -અજાણે (67) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે -અજાણે (67)

રાત ઘણી થઈ ગઈ હતી અને આજથી પહેલાં અમી આટલી રાત સુધી ક્યારેય બહાર નહતી રહી એટલે ઘરે પણ બધાને ચિંતા થવાં લાગી. જેવી જ અમી ઘેર પહોંચી ત્યાં બધાનાં જીવમાં જીવ આવ્યો. પણ દરેકનાં પુછવાં પર પણ અમીએ કોઈ વાત જણાવી નહીં અને જાણે બધું સામાન્ય હોય તેમ જમી પોતાનાં રૂમમાં ચાલી ગઈ. અમીને થાકેલી જોઈ નિયતિએ તેને આરામ કરવાં કહ્યું અને પોતે પણ બધાં પોતપોતાની રીતે રોજની માફક ચાલ્યા ગયાં. અડધી રાત થવાં આવી અને ઘરમાં પણ બધાં સૂઈ ગયા હતાં. આ વાતનો ફાયદો ઉઠાવી અમીએ દબે પગલે , જરાક પણ અવાજ કર્યા વગર બહાર જવાં દરવાજો ખોલ્યો. અને ઘરનો દરવાજો બંધ કરવો જરૂરી હતો એટલે તેણે બહારથી જ તાળુ લગાવી દીધું. અમીનું મન જોરજોરથી ધબકતું હતું, કોઈ ઉઠી ના જાય એ વાતની બીકથી પરસેવે નહાતી હતી. પણ તેની હિંમત તેની બીકથી વધારે મજબૂત હતી અને તે ચાલી નિકળી. તેનાં પગલાં પોતાનાં ઘરથી ઉપડી સીધા વેધનાં ઘેર ઉભાં રહ્યા. અમી જાણતી હતી કે વેધનો રૂમ કયો છે અને તે કેટલાં વાગ્યા સુધી સૂવે છે. આ વાતનો ફાયદો તેણે ઉઠાવ્યો અને સીધું તેણે વેધનાં રૂમમાં ચડાઈ કરી લીધી .

રૂમમાં અંધારું હતું અને વેધ ગાઢ નિંદરમાં હતો. તેણે ધીમેથી તેનાં રૂમમાં કોઈક એવી વસ્તુઓ શોધવાની શરૂઆત કરી કે જે વેધનાં ભૂતકાળને સમજાવી શકે. ટોર્ચ ની મદદથી જરાક પણ અવાજ વગર તેણે એક એક જગ્યા અને એક એક કાગળ ફેંદવાનું શરું કર્યું. ડ્રોવરથી લઈ ને કબાટ અને બેડથી લઈ ને બાથરૂમ સુધી તેણે બધું ફેંદી માર્યું. પણ તેને કશું મળ્યું નહી. તે ખુણામાં ઉભી વિચારવા લાગી "એવું કેવી રીતે હોય કે પોતાનાં ભૂતકાળ વિશે એકપણ વસ્તું ના હોય. ના કોઈ ડોક્યુમેન્ટ કે ના કોઈ ફોટો. જાણે બધું સાફ કરીને આવ્યો હોય તેમ માત્ર વર્તમાન ની જ જરૂરીયાતની વસ્તુઓ પડેલી છે. એટલામાં તેને વેધનો ફોન દેખાયો. પણ અમી ત્યાં સુધી પહોંચી નહતી શકતી. ફોન વેધનાં માથાનાં તદ્દન નજીક પડ્યો હતો. " જો હું ફોન લેવાની કોશિશ કરીશ તો કદાચ વેધ જાગી જશે. અને હું પકડાઈ ગઈ તો બધાં મુસિબતમાં પડી જશે. .... પણ બીજે ક્યાંયથી તો કશું મળ્યું નથી તો હવે એક જ આશ બચી છે આ ફોન. આજનાં જીવવાનાં ઢંગમાં તો એકમાત્ર ફોન જ એવી વસ્તું છે જે તેનાં માલિકની બધી પોલ ખોલી શકે. હોય શકે આ વેધે પણ કંઈકને કંઈક છુપાવીને રાખ્યું હોય. હવે જ્યારે આટલું રિસ્ક લીધું છે તો થોડુક વધારે. પણ ફોન તો ચૅક કરવો જ પડશે". અને અમીનાં પગલાં વેધ તરફ વધવાં લાગ્યા. હાથ લંબાલી તેણે ફોન સુધી પહોચવાની કોશિશ કરી. પણ પહોંચાયું નહિ. અમી થોડું વધારે ઝૂકી એટલામાં વેધની હલચવ થવાં લાગી. આ જોઈ અમી બેડની નજીક ખુણામાં સંતાઈ ગઈ. વેધ ફરીથી શાંત પડ્યો એટલે અમીએ ફરીથી પ્રયત્ન કર્યો. અને તેને વેધનો ફોન હાથે લાગી ગયો. અમી ફરીથી તે ખૂણામાં સંતાઈ ગઈ. અને ફોન ખોલ્યો. પણ ફરીથી નિરાશા. ફોનમાં પાસવર્ડ લગાડેલો હતો. કે જે અમીને ખબર નહતી. અમીએ બે-ચાર વાર અલગ અલગ પાસવર્ડ નાખી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં. હવે માત્ર એક ટ્રાય બાકી હતો." જો આ વખતે ખોટો પાસવર્ડ નાખ્યો તો ફોન ઓટોમેટીક બંધ થઈ જશે. પણ શું કરું મને તો કશું ખબર નથી. તેને લાગતાં- વળગતા બધાં પાસવર્ડ હું નાખી ચુકી છું . પણ ખુલતો નથી ફોન. શું હોઈ શકે?.. શું?..." અમી વિચારતી હતી એટલામાં તેને એક વાત યાદ આવી. એક વખત વેધ વંદિતા જોડે વાત કરી રહ્યો હતો અને વંદિતાને કહી રહ્યો હતો કે હવેથી તું જ મારી જીવનનો પાસવર્ડ છું. તારાં નામથી જ મારી ખુશીઓ ખુલશે. અને અમીએ વંદિતાનું નામ લખ્યું. તેનું મન ગભરાય રહ્યુ હતું છતાં તેણે ઓકે દબાવ્યું. અને ફટાકથી ફોન ખુલી ગયો.

એ બધી માથાકુટમાં ઘણી વાર લાગી ગઈ હતી અને હવે સવાર થવાની તૈયારીમાં હતું. અજવાળું થાય તે પહેલાં અમીને પોતાનાં ઘેર પહોંચવાનું હતું. એટલે અમીએ વેધનાં ફોનનો ડાટા પોતાનાં ફોનમાં કોપી કરી લીધો એ વિચારીને કે ઘેર જઈ ને શોધશે. અને તે ફટાફટ ત્યાંથી ભાગી ગઈ. પાછું જતાં જતાં તેણે વેધની બારીમાથી કૂદકો માર્યો અને તેનો પગ મચકોડાઈ ગયો. પણ પોતાની ચિંતા કર્યા વગર તે બસ ત્યાંથી ભાગી નિકળી. અને સમય રહેતાં તે પોતાનાં ઘેર પણ પહોંચી ગઈ.

જેવી જ અમી પોતાના રૂમમાં પહોંચી કે તરત નિયતિનાં આવવાનો અવાજ આવ્યો. નિયતિ રોજની માફક અમીને ઉઠાડવા માટે આવી હતી. આ સાંભળી અમી ફટાફટ સૂવાનું નાટક કરવાં લાગી. અને તે ફરી વખત બચી ગઈ. કોઈને શક ના થયો કે અમી આખી રાત ઘરની બહાર હતી. પણ હવે મુખ્ય કામ ચાલુ થવાનું હતું. વેધનો ફોન ચેક કરવાનું. પણ જેવું જ તેણે ડાટા ખોલ્યો કે ત્યાં વંદિતા આવી ગઈ. સવાર સવારનાં પહોરમાં ઘરમાં ચહેલપહેલ ચાલુ થઈ ગઈ હતી. બધાં વંદિતાનાં લગ્ન જે બે દિવસમાં કરવાનાં હતાં તેનાં કામોમાં પરોવાય ગયાં હતાં. આ વાતનો અસર અમી પર પડ્યો અને તેને વેધનો ફોન જોવાનો સમય જ ના મળ્યો. સવારથી બપોર થઈ ગઈ પણ તેને કોઈ એકલી મુકી જ નહતું રહ્યું. આખરે અકળાય ને અમીએ એક રૂમમાં પોતાને બંધ કરી લીધી. જેથી ફરી કોઈ આવી ના જાય અને તેણે એક એક કરીને બધી ફાઈલ ચેક કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તે ફોનની મેમોરીને ખોલતી ગઈ તેમ તેમ તેની આંખોમાંથી આંસુ ટપકવાં લાગ્યા. થોડીવાર પછી તે બહાર આવી. તેનાં ચહેરાં પર કોઈ ભાવ ઝલકી નહતો રહ્યો. જાણે અમીનું મગજ સૂન્ન પડી ગયું હોય તેમ તે બેધ્યાન બની બસ ચાલવાં લાગી. એટલામાં સામેં તે વેધને અથડાઈ. વેધનો ચહેરો જોવામાં પણ તેને ગુસ્સો આવી રહ્યો હતો. વેધ એ કહ્યું " શું થયું અમી!.. ધ્યાન ક્યાં છે તારું!... રાત્રે બરાબર ઉંઘી નહતી કે શું!.." વેધનાં અવાજમાં ગુસ્સો અને કટાક્ષ ચોખ્ખુ સંભળાય રહ્યું હતું. નીચી નજરે ઉભેલી અમીની નજર એકદમથી ઉપર વેધ તરફ વળી. તે સમજી ગઈ કે કદાચ વેધને કશુંક ખબર છે. તેણે તરત પુછ્યું " શું?..." વેધ એ ફરીથી કહ્યું " બધાની સામેં સમજાવું કે સાઈડમાં આવીશ?.." અને તે ઘરની બહાર નિકળી ગયો. તેની પાછળ પાછળ અમી પણ ચાલવાં લાગી. લોકોની નજરથી છુપાઈને તે એક જગ્યા ઉભાં રહ્યા. વેધે પોતાની વાત વધારી " તને શું લાગે છે તું મારાં જ ઘેર આવીને મારાં જ ફોનને કોપી કરીશ અને ચાલી પણ જઈશ તો મને ખબર નહીં પડે!... શું શોધવાં આવી હતી અડધી રાત્રે એક છોકરાંનાં રૂમમાં!..." વેધની વાતોમાં કટાક્ષ હતો. અમી તરફ ગુસ્સો હતો અને અમીનાં કામ માટે નિરાશા પણ હતી. " અને તને શું લાગ્યું તું આટલી મોટી વાત અમારાંથી છુપાવીને વંદિતા સાથે લગ્ન કરી શકીશ. આ તારું બે દિવસનું લગ્નનું નાટક કેમ ચાલે છે તે મને ખબર નહીં પડે!..અને તને શું લાગ્યું તારી હરકતોને હું ચુપચાપ જોયાં કરીશ!." અમીએ ગુસ્સામાં વેધની આંખોમાં આંખ પરોવી કહ્યું. વેધ એ અમીની બધી વાત હસવામાં કાઢી કહ્યું " કોણ રોકશે મને?.. તું?.. છે તારામાં એટલી હિંમત!" " હિંમતનું તો ખબર નથી પણ મારામાં એટલી તાકાત જરૂર છે કે હું વંદિતાનું રક્ષણ કરી શકું. " અમીએ વળતો જવાબ આપ્યો. " કેમ કરે છે તું આવું?.. શું કામ વચ્ચે પડે છે!... અંતમાં તું જ દુઃખી થઈશ. મને તારાથી કોઈ મતલબ નથી. તને કોઈ દિવસ મેં નુકસાન પહોંચાડવાનું વિચાર્યું પણ નથી. દૂર રહે આ બધી વાતથી. " વેધે અમીનો હાથ જોરથી મરોડતાં કહ્યું. અમીએ પોતાનો હાથ છટકાવી કહ્યું " અને તું શું કામ કરે છે આવું?.. વંદિતાએ પણ તારું કોઈ નુકસાન કર્યું નથી. અને એકવાતને આધાર રાખી તું બીજાં કોઈને નુકસાન નથી પહોંચાડી શકતો. એ ખોટું છે " " શું ખોટું શું સાચુ એ તો હવે મહત્વ જ નથી ધરાવતું. મહત્વનું એ છે જે હું કરું છું... બસ.." વેધે નજર ફેરવતાં કહ્યું. અમીએ વેધને પોતાની તરફ ફેરવતાં કહ્યું " જો તને તારી હરકતો સાચી જ લાગતી હોય તો કેમ નજર પરોવી નથી બોલી રહ્યો. હું તારી સામેં છું ... મારી આંખોમાં આંખ પરોવી બુલંદ અવાજમાં બોલ... " વેધે ફરીથી પોતાની નજર ઝૂકાવી કહ્યું " મારી સહનશીલતાની પરીક્ષા ના કર અમી... તું સારી છે અને મારે તને કોઈ વાતનું દુઃખ નથી આપવું. " " પણ છતાં તું મને દુઃખી કરી રહ્યો છે વેધ... અરે .... મારે તો કહેવું જોઈએ ધિરજ... એ જ નામ છે ને તારું!.. " અમીએ જવાબ આપ્યો. અને ધિરજ કશું બોલી ના શક્યો. થોડીવાર મૌન છવાયું અને ધિરજે કહ્યું " આ લગ્ન તો થઈ ને જ રહેશે. ભલે જે થઈ જાય. " " સારું તો તું પણ સાભળી લે.. આ લગ્ન તો હું થવાં નહી દઉં ભલે જે થાય..." અને અમી આટલું કહેતાની સાથે ત્યાંથી ચાલી ગઈ. ધિરજનાં મનમાં એક બીક અમીની વાતોથી આવી ગઈ. તેનાં બોલવાનો અંદાજ અને આત્મવિશ્વાસ જોઈ ધિરજ ગભરાયો. અમી ભાગતી, દોડતી નિયતિને શોધવાં લાગી" હવે જે થાય એ... નિયતિ દીદીને બધું જણાવવું જ પડશે. વંદિતાનું લગ્ન રોકવું પડશે... દીદી ક્યાં છો તમેં!..." ધિરજ અમીની પાછળ પાછળ દોડવાં લાગ્યો તેને રોકવાં માટે. ના નિયતિ દેખાય રહી હતી કે ના અમી રોકાય રહી હતી.
અમી નિયતિને શોધી રહી હતી અને પાછળથી આવતા ધિરજથી પણ બચી રહી હતી. પાછળ ધિરજ તરફ જોતી દોડતી અમી અચાનક વંદિતા સાથે અથડાઈ ગઈ. વંદિતાએ હાંફતી અમીને જોઈ કહ્યું " ઓ અમી મેડમ... કેમ આટલી ઉતાવળ!... શાંતિ રાખો થોડી.... " અને વંદિતા હસી પડી. તે આજે ઘણાં સારાં મૂડમાં હતી. પણ અમીનું મન ગભરાય રહ્યું હતું. તેણે વિચાર્યું કે તે વંદિતાને જ બધું જણાવી દેશે.
અમીએ બોલવાની શરૂઆત કરે તે પહેલા વંદિતાએ શરૂ કર્યું " અચ્છા સાંભળ અમી... હું આજે ખરેખર બહું ખુશ છું યાર... આ કંઈ સપનું તો નથી ને?... મારાં જીવનમાં આટલી ખુશી મેં ઘણાં સમય પછી અનુભવી છે . યાર આટલું બધું જોઈ લીધું છે.. કેટલાં આંસુ પણ વહેડાવી લીધાં છે. હવે કશું ખોટું તો નહી થાય ને?... જો હવે કશું થશે ને યાર... તો હું સહન નહીં કરી શકું. મારાંમાં હવે તાકાત નથી કોઈનાથી લડવા-ઝઘડવાની. " વંદિતાની આંખોમાં એક ચમક હતી. અને અમી તે ચમક ઝાંખી કરવાં નહતી માંગતી. તે વંદિતાને બધું જણાવવાં માંગવાં છતાં તેનાં મોં માંથી એક શબ્દ પણ નિકળી નહતો રહ્યો. આ વાત ધિરજે એટલે કે વેધ એ સારી રીતે અવલોકન કરી હતી. અને તેને એક રસ્તો મળી ગયો અમીનું મોં બંધ રાખવાનું. અમી ત્યાંથી રડતાં રડતાં દોડી ગઈ. તે જાતે પણ થાકી ગઈ હતી. અને અચાનક તે જમીન પર ઢળી પડી. ધિરજ તેની પાછળ જ હતો એટલે તે અમી સુધી સરળતાથી પહોંચી ગયો. જમીન પર બેઠેલી રડતી અમીને જોઈ તે પણ તેની નજીક બેસી ગયો. આસપાસનું ભાન નાં અમીને હતું કે ના ધિરજને. તે બંનેને તો માત્ર પોતાની જીદ્દ પુરી કરવાની હતી. ચોધાર આંસુઓ અને કશું ના બોલી શકવાનો ગમ અમીને અંદરથી કોરી ખાતો હતો. તેનાં મોઢામાંથી માત્ર લાચારીની આહ નિકળી રહી હતી. આ વાતનો ફાયદો ધિરજે ઉઠાવ્યો. તેણે થોડીવાર રાહ જોઈ, બસ બેસી રહ્યો અને જેવી જ અમીનું રૂદન ધીમું પડવાં લાગ્યું ત્યાં તેણે કહેવાનું શરૂ કર્યું " શું ફાયદો થયો અમી?... કહ્યું હતું તને કે જીદ્દ ના કરીશ. છતાં તું આટલું દોડી. છતાં કશું હાથે ના લાગ્યું ને!.. એ મને પણ ખબર છે ને તને પણ કે તુ આ વાત કોઈને કહી નથી શકતી. તારાં મોંઢે અવાજ જ નહીં આવે. તો શા માટે આટલી કોશિશ કરે છે!... " અમીનું રૂદન રોકાય નહતું રહ્યું. તે થાકવા લાગી હતી, આ પરિસ્થિતિથી , આ ઝઘડાઓથી અને પોતાની કીસ્મતથી. પણ અમીનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહતો લઈ રહ્યો . તેણે ધિરજનાં કૉલર પકડી બોલવાનું શરૂં કર્યું " બસ... બહું થયું તારું. હું નથી જાણતી કે તું શા માટે આ બધું કરે છે!.. અને અત્યાર સુધી મને જાણવું પણ નહતું. મને માત્ર મારાં પરિવારને બચાવવાં હતાં. પણ હવે બહું થયું. મને જાણવું છે કે તારી શું દુશ્મની છે વંદિતાથી અને નિયતિ દીદીથી?... મને જાણવું છે કે એવી તો શું વાત છે કે તને આટલું બધું કરવાં મજબૂર કરે છે?... મને જાણવું છે કે આજ સુધી તું મારી સાથે અલગ અને દીદી તથા વંદિતા જોડે એકદમ અલગ વ્યવહાર કેમ કરે છે?.. કેમ અમાંરાં બન્ને સાથે બે અલગ વ્યક્તિત્વ હોય છે તારું?.... મને બધી જ વાત જાણવી છે... કેમ તારાં મગજ પર આ ઝનૂન બેસેલું છે?... બોલ.... " અમીનો અવાજ તેની ચરમસિમાએ પહોંચી ગયો. આજ સુધી અમી કોઈ દિવસ આટલું ગુસ્સે નહતી થઈ . આ વાત ધિરજ પણ જાણતો હતો. મુશ્કેલીમાં એક નિશસ્ત્ર છોકરી પણ માં કાલીનું રુપ ધારણ કરી શકે છે. આ વાતનો અહેસાસ ધિરજને થવાં લાગ્યો. અને થોડીવાર મૌન બન્યાં પછી તેણે બધી વાત વિસ્તારથી જણાવવાની શરૂ કરી " ત્રણ વર્ષ પહેલાં સુધી હું એક છોકરીને પ્રેમ કરતો હતો. એ મારી સ્કૂલ માં મારી સાથે ભણતી હતી. અમેં સાથે રમતાં, ફરતાં , ભણતાં અને એકબીજાની હંમેશાં મદદ પણ કરતાં. પેલું કહેવાય ને કે જ્યારે કોઈ એક હદ કરતાં વધારે સમય તમારી સાથે રહે તો તેની આદત પડવાં લાગે, તેની ચિંતા થવાં લાગે. અને બસ એવું લાગે કે તેને બધી મુશ્કેલીથી બચાવીને રાખી લઈએ. કોઈ દિવસ તેનું આપણાંથી દૂર જવું પણ બરદાશ ના થાય અને તેનાં જીવનમાં આપણી જગ્યા જો બીજાને મળે તો બસ મન થઈ જાય કે આખી દૂનિયાને આગ લગાવી દઇએ. તે વ્યકિતનું આસપાસ હોવું એ જાતે જ એક ખુશી બની જાય અને તેની ગેરહાજરી મનને ખાલી કરી જાય. તેની નાની નાની વાતથી જાણે આપણને ફરક પડવાં લાગે. તેનો એક આંસુ મનમાં એક વમળ ઉઠાવી જાય. અને તેનાં ચહેરાંની એક હલ્કી મુસ્કાન પણ વાતાવરણ ખુશખુશાલ બનાવી દે.

બસ... એનું પણ મારી સાથે રહેવાં પર મને આવું જ અનુભાય રહ્યું. મને ખબર જ ના પડી કે ક્યારે મારું જીવન તેની આગળ-પાછળ ફરવાં લાગ્યું. મારાં બધાં કામ તેનાથી જોડાવાં લાગ્યા હતાં. કદાચ પ્રેમ પણ કંઈક આવો જ હોય ને?... હું પણ તેનાં પ્રેમમાં પડી ગયો હતો. અને મને હંમેશાં લાગતું કે હું તેને ઓળખું છું. હું જાણું છું કે તેનાં મનમાં શું ચાલે છે. અને બસ... એક દિવસ મેં તેને આ બધી વાત કરવાનું નક્કી કર્યું. મને કોઈ જાતની બીક નહતી. કેમકે મને ખબર હતી કે તેનો જવાબ પણ હા જ હશે. અને હું ચાહતો હતો કે બધું એકદમ પરફેક્ટ બને, યાદગાર બને. મેં મારી તરફથી પુરી તૈયારી કરવાં લાગ્યો. અને તેમાં હું એટલો ગૂચવાય ગયો કે થોડાં દિવસ તેને મળવાનું જ ના થયું .
થોડાં દિવસ આમ જ વિતી ગયાં અને તેનો જન્મદિવસ આવ્યો. બસ હું આ જ દિવસને ખાસ બનાવવાં માંગતો હતો. સવાર પડતાં જ હું તેનાં ઘર તરફ દોડ્યો. પણ ....." " પણ શું ?" શાંતિથી સાંભળી રહેલી અમીએ પુછ્યું.

ધિરજની આંખોમાં પાણી આવી ગયું. તેણે વધાર્યું " પણ તે પહેલેથી જ કોઈ બીજાં છોકરાં સાથે પોતાનો જન્મદિવસ મનાવી રહી હતી અને એ પણ ખુશી ખુશી. તેનાં ચહેરાં પર મારાં માટે એક યાદની રેખા પણ નહતી પડી. તેને તો કદાચ એ પણ નહતું યાદ કે હું કોણ છું, અને આ દૂનિયામાં છું કે નહીં.... જેવો જ જરાક હું તેનાં જીવનથી ગયો કે તરત તેણે કોઈ બીજાં સાથે......

તેને ખરેખર મારી બિલકુલ યાદ નહતી આવી. એ દિવસે હું અંદરથી તૂટી ગયો. મારાં મનમાંથી છોકરીઓ પ્રત્યેથી વિશ્વાસ જ ઉઠી ગયો. હું તૂટ્યો જરૂર હતો પણ રડ્યો નહતો. મારાં મનમાં એટલો ગુસ્સો ભરાય ગયો કે મને બધી છોકરીઓ એક સમાન જ લાગવા લાગી. મેં એ જ દિવસથી નક્કી કર્યું કે આજ પછી જે છોકરી મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે તેનો હાલ હું નરકથી પણ ખરાબ કરી દઈશ. અને આ ત્રણ વર્ષ માં હું જેટલી પણ છોકરીઓને મળ્યો હું મારાં નિર્ણય પર કાયમ રહ્યો.

રાજકોટ આવ્યો ત્યાં મને વંદિતા મળી હતી. હાં અમેં એકબીજાને નહતાં જાણતાં પણ તેનો સ્વભાવનાં કારણે તે પણ આ વાતમાં ફસાઈ ગઈ. વંદિતા એક સ્વાર્થી છોકરી છે તે મને તેને પહેલીવાર મળીને જ ખબર પડી ગઈ હતી. એ દિવસે અમારો ઝઘડો પણ થઈ ગયો હતો. પણ અફસોસ તે પોતાનાં ઘમંડમાં હતી કે તેને હું યાદ પણ નથી. એ દિવસે એવી રીતે વાતો સંભળાવીને જતી રહી જાણે મારું આ દૂનિયામાં કોઈ અસ્તિત્વ જ ના હોય. પછી તેની સાથે પણ બદલો તો લેવાનો જ હતો. એટલે મેં તેની બધી જાણકારી ભેગી કરી. એ વચ્ચે હું નિયતિ ને મળ્યો. અરે તેનામાં પણ ભરી ભરીને ગુસ્સો પડ્યો જોઈ તે પણ મારી બ્લેકલિસ્ટમાં આવી ગઈ. અને હું રોજ કૅફે આવી બેસતો રહ્યો.

પણ જ્યારે હું તને મળ્યો તો મને જરાક પણ ગુસ્સો ના આવ્યો. એક સીધી, સરળ અને બસ બધાની મદદ કરવાંવાળી છોકરી મેં જાણે પહેલીવાર જોઈ. તને કોઈ વાતનો ઘમંડ નહતો. પોતાનાં રૂપનો ખોટો ફાયદો ઉઠાવવાની ઈચ્છા પણ નહતી. એટલે તું ખરેખર મારી મિત્ર બની. અને એટલે જ હું ક્યારનો કહેતો હતો કે મારું તારાથી કોઈ દુશ્મની નથી. બસ વંદિતા અને નિયતિને સીધી કરીને જ રહીશ. " ધિરજનાં અવાજમાં બદલાની ભાવના સંભળાય રહી હતી. અમી તેને શું કહે તેને સમજાય નહતું રહ્યું. ધિરજને સમજાવવો જરૂરી હતો. પણ તે કોઈ વાત સાંભળવાં તૈયાર નહતો.

અમી કયો રસ્તો અપનાવશે ધિરજને સમજાવવાનો?!..



ક્રમશઃ
____________________________________________ છોકરીઓ કે છોકરાઓ વચ્ચે ભેદ કરવા જેવો કોઈ મતલબ નથી આ ભાગનો. એટલે કોઈનાં પણ માટે કશું ખોટી માનસિકતા લાવશો નહિ. આ માત્ર એક વાર્તાનો ભાગ છે.