સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૨  ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૨ 

ભાગ :- ૨૨

આપણે એકવીસમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ મળે છે. અને સાર્થકે છુપાવેલું પ્રકરણ સુનિધિ છતું થઈ જાય છે. સૃષ્ટિ લાગણીસભર અને ગુસ્સે થઈ ઘણા બધા સવાલો કરી નાખે છે અને આખરે તૂટીને એ ઘરે આવવા નીકળી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સાર્થકને ઘરે જવાનું મન નહોતું થતું. વારંવાર એને મનમાં લાગી આવતું હતું કે કદાચ એણે સૃષ્ટિને સમજવામાં કોઈ ભૂલ તો નથી કરી ને.! એણે સૃષ્ટિને આમ અંધારામાં નહતી રાખવી જોઈતી. જો એણે એને વિશ્વાસમાં લીધી હોત તો સૃષ્ટિ એને સમજી શકી હોત. એની ખુશી માટે કચવાતા મને પણ એણે એના અને સુનિધિના સંબંધને સ્વીકૃતિ આપી હોત. બહુ સમય સુધી આવાને આવા જ વિચારોમાં એ એજ અવસ્થામાં ત્યાં બેસી રહ્યો. એના માથાની નસો ફાટફાટ થતી હતી, આખરે એણે સામે આવેલી ચાની લારી પરથી ચા પીધી. સૃષ્ટિને મેસેજ કરીને ઘરે પહોંચી કે નહીં એ પૂછ્યું અને ઘરે જવા નીકળ્યો.

સૃષ્ટિ ઘરે પહોંચીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આ તો કેવો નિયતિ ખેલ રચી રહી છે એ વિચારતા વિચારતા આખી તૂટી ગઈ હતી. જિંદગી પણ કેવા પળો બતાવે છે એ વિચારી વિચારીને એનું માથું દુખી રહ્યું હતું. પણ હવે એને સહજ થવું જ રહ્યું કારણ કે મનસ્વી અને નિરવના આવવાનો સમય થઈ ગયો હતો. આથી એ સીધી બાથરૂમમાં ગઈ અને નહાઈને થોડી ફ્રેશ થઈ ગઈ.

નિરવ અને મનસ્વી ઘરમાં પ્રવેશી રહ્યા હતા. સૃષ્ટિને આજે નિરવ ઘણો અલગ લાગી રહ્યો હતો. કદાચ મનસ્વી સાથે આટલો સમય અને આટલા દિવસો પસાર કર્યા પછી એ થોડો મનસ્વી તરફ વધુ લાગણીશીલ બન્યો હતો અને કદાચ એટલેજ એ સૃષ્ટિને પણ થોડો સમજી શક્યો હતો. મનસ્વીએ આવીને તરત જ સૃષ્ટિને ભેટી પડતા પેપર મસ્ત ગયું છે અને પપ્પા અને ફ્રેન્ડ્સ સાથે પિઝા ખાવાની બહુ મઝા આવી એ કહ્યું.

નિરવ એ બંનેને વાતો કરતા જોઈને મંદ મંદ મુસ્કુરાતા ફ્રેશ થવા ગયો. અને આ તરફ મનસ્વી અને સૃષ્ટિ વાતોએ વળગ્યા. મનસ્વીને બહુ વાર ના લાગી એ સમજતા કે મમ્મી આજે રડી છે અને એ જે કાંઈ પણ વાત કરી રહી છે ત્યાં સૃષ્ટિનું ધ્યાન નથી. કદાચ આ યોગ્ય સમય નહોતો પૂછવાનો એટલે મનસ્વી ચૂપ રહી અને સૃષ્ટિ સાથે ભેટી સૃષ્ટિના મનમાં ચાલતા યુદ્ધને શાંત કરવા પ્રયત્ન કરતી રહી. નિરવ પણ ફ્રેશ થઈને આવી ગયો હતો અને મા દીકરી વચ્ચેના આ ભાવનાત્મક જોડાણની સાક્ષી પુરી રહ્યો હતો.

થાકેલા હોવાથી રાત્રે જમવાનું પતાવી મનસ્વી અને નિરવ વહેલા જ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા, જ્યારે સૃષ્ટિની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. એ બહાર હીંચકે આવીને બેઠી અને સાર્થકથી છૂટા પડયા પછી તરત જ ફોનમાં બંધ કરેલું નેટ ઓન કર્યું. નેટ ઓન કરતાં જ સાર્થકના મેસેજોનો મારો ફોનમાં પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠો હતો. કોણ જાણે કેમ આટલા સમયના સંબંધ પછી આજે પહેલીવાર સૃષ્ટિને સાર્થકના મેસેજોનો મારો જોઈ આનંદ નહોતો થઈ રહ્યો. એક પછી એક મેસેજ એ વાંચતી ગઈ અને આંખોના આંસુ અવિરત વહાવતી ગઈ. સાર્થકે મોકલેલા એક એક મેસેજમાં એને લાગણીઓ ઓછી અને દલીલબાજી કરી જીતી લેવાની કે પોતાની જાતને સાચી સાબિત કરવાની હોડ વધુ લાગતી હતી. આટલા બધા બદલાયેલા ઘટનાક્રમથી એ તૂટી ગઈ હતી અને સાચુ શું કે ખોટું શું એ પળોજળમાં પડ્યા વિના માત્ર ને માત્ર લાગણીઓની ઝંખના અત્યારે એને વધુ લાગી રહી હતી.

આખરે મેસેજના કોઈપણ જવાબ આપ્યા વિના સૃષ્ટિએ મોબાઇલ બંધ કર્યો. મોઢું ધોયું અને સતત ચાલતી આ વ્યગ્રતા અને વિચારોમાં એ નિરવ પાસે આવીને સૂઈ ગઈ. એને ક્યારે ઊંઘ આવી એની ખબર જ ના રહી, પણ જ્યારે ઉઠી ત્યારે એ નિરવમાં આલિંગનમા હતી. એની છાતી ઉપર માથું મૂકીને જાણે સૂતી હતી કે શું એ પણ ખબર નથી. નિરવનો હાથ સૃષ્ટિને વીંટળાયેલો હતો. સૃષ્ટિ હળવેકથી એ હાથ બાજુમાં કરી અને પોતાના નિત્યક્રમમાં લાગી ગઈ. મનસ્વી સવારે વહેલી ઊઠીને પોતાના મિત્રો સાથે વિડિયો ચેટમાં લાગી ગઈ હતી.

નિરવ આજે આખો દિવસ ઘરે રહેવાનો હતો અને એણે નક્કી કર્યું હતું કે એ આજનો સંપુર્ણ સમય મનસ્વી અને સૃષ્ટિને આપશે. મનસ્વી અને નિરવના પહેલેથી કરેલા પ્લાન મુજબ આજે એ લોકો સવારે મંદિરમાં દર્શન કરવા, સાંજે મુવી અને ત્યાંથી ડીનર કરવા જવાના હતા. મનસ્વીએ પોતાની મા સૃષ્ટિના મનમાં ચાલતા યુધ્ધને ઠંડુ પાડવા જ કદાચ આ હથિયાર ઉગામ્યું હતું અને નિરવ પણ એને સાથ આપવા માટે તત્પર હતો.

મુવીમાં નિરવ સતત સૃષ્ટિના હાથમાં હાથ રાખી બેઠો રહ્યો. જાણે પોતાના શરીરમાંથી નિસ્તેજ અને તુટી ગયેલી સૃષ્ટિમાં એ ઉર્જા પુરી રહ્યો હોય એમ એકધારી કાળજીથી એ વાણી, વ્યવહાર, વર્તન કરી રહ્યો હતો. સૃષ્ટિનું ધ્યાન મુવીમાં સહેજ પણ નહોતું. એના મનમાં હજુ પણ ગઈકાલે સાર્થક સાથે ઘટેલો ઘટનાક્રમ ચાલી રહ્યો હતો, અને પોતે એ ઘટના પછી મજબૂત થઈ હતી એ પણ અનુભવી રહી હતી. સાથે જ મનમાં નક્કી કર્યું હતું કે જો એ મારો સાચો પ્રેમ હશે તો એને એની ભૂલનો અહેસાસ થશે અને એ મારી પાસે દોડતો ચાલી આવશે. આ બધું વિચારતા વિચારતા સૃષ્ટિ ક્યારે ઊંઘી ગઈ એને ખબરજ ના રહી. મુવી પત્યા પછી એ લોકો સાથે ડીનર કરવા ગયા અને જાણે વર્ષો પછી સહપરિવાર એક ઉર્જાનો સંચાર થયો હોય એમ એકબીજા સાથે વર્ત્યા.

આજે આખા દિવસ દરમિયાન સાર્થકના કેટલાએ મિસ કોલ, મેસેજ આવ્યા હતા પણ સૃષ્ટિ સાર્થકને એની ભૂલનો અહેસાસ અપાવવા માંગતી હતી. કોઈપણ દલીલમાં પડી સાચું કોણ ખોટું કોણ એ વાતમાં પડવા માગતી નહોતી. સૃષ્ટિ જાણતી હતી કે અહીં સાચું ખોટું કરી કોઈપણ જીતી જાય તો પ્રેમની તો હાર જ થવાની હતી આ તર્ક વિતર્કના ખેલમાં.! સૃષ્ટિને પોતાના પ્રેમની હાર કોઈપણ રીતે કબૂલ નહોતી આથી એ આ રમત રમવાજ નહોતી માંગતી. એટલે જ કદાચ એ તર્ક વિતર્કોથી પરે થઈ વિચારી રહી હતી.

"જીતે એ કે જીતુ હું, શું ફેર પડે.!?
હા પ્રેમ મારો હારે તો બહુ ફેર પડે.!?
એને ક્યાં કોઈ ચિંતા જ છે પ્રેમની.?
નહીં તો આમ તર્ક વિતર્કમાં થોડો પડે.?"

આ બધા વિચારોની તન્દ્રામાં ખોવાયેલી સૃષ્ટિના હાથમાં એક હાથ પડ્યો અને એ એક્દમ ઝબકી ઉઠી. નિરવ એની પાસે આવીને બેઠો હતો અને જાણે એ સાંત્વના આપી રહ્યો હતો કે હું સાથે છું.

આખરે નિરવે હિંમત કરીને પૂછી લીધું કે "શું થયું સૃષ્ટિ.!? હમણાંથી હું જોઈ રહ્યો છું કે તું સતત કોઈ વિચારોમાં ખોવાયેલી રહે છે. તારા ચહેરા પર ઉદાસી ઘેરી વળી છે અને આંખોમાં સતત આંસુ ડોકાયા કરે છે.!"

"નિરવ એવું કાંઈજ નથી બહુ આ તો હમણાંથી ઘરે ને ઘરે. નોકરી જવું ગમતું હતું. ત્યાં પાયલ અને બીજા મિત્રો સાથે મળી કામ પણ થતું અને મનને રાહત પણ રહેતી કે હું પણ કાંઈ કરી શકું છું, પણ હવે જાણે હું નિષ્ફળ થઈ એવું લાગી રહ્યું છે." નિસાસા સાથે સૃષ્ટિ બોલી ઊઠી.

"સૃષ્ટિ આવું બધું કેમ વિચારે છે.!? નોકરી કે ધંધામાં ઉતાર ચડાવ તો આવતા જ રહે. મારે પણ આવતા જ હોય છે. ક્યાંક કમાવવા મળે તો ક્યાંક વળી શીખવા એટલે એક વાત તો નક્કી જ કે ગુમાવવાનું કાંઈ જ હોતું નથી. અને સૃષ્ટિ સાચું કહું તો નોકરી કરી ત્યારથી તું ખુશ રહેતી હતી એ મને ગમ્યું હતું. તું એવીજ ખુશ રહે આજીવન એવું ઇચ્છું છું. હું શું કરી શકું.!?" નિરવ જાણે સૃષ્ટિને પોતાની તરફ ખેંચવી હોય એ ભાવે આ બોલી ઊઠ્યો.

"નિરવ સાચી વાત છે તમારી. સમય સાથે ઘણું બધુ શીખવા મળે છે. અત્યારે તો મારે થોડા દિવસ ઘરે જ રહેવું છે. મનસ્વી સાથે સમય પસાર કરવો છે. ફરી એ કોલેજ જતી થશે તો પાછો અમને સમય નહીં મળે. એવું કંઈ હશે તો સમય આવે ચોક્કસ હું તમને કહીશ." એમ કહી નિરવના સવાલો ઉપર સૃષ્ટિએ પૂર્ણવિરામ મૂક્યું.

નિરવ પણ મનમાં ખુશ હતો કે ક્યાંકને ક્યાંક એને ફરી સૃષ્ટિના જીવનમાં સ્થાન મળી રહ્યું છે. જાણે એ પણ પોતાની આ એક રીતથી સૃષ્ટિને મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો. સૃષ્ટિ પણ ખુશ હતી નિરવનો આવો સાથ પામીને અને આજે એને નિરાંતની ઊંગ આવી ગઈ.

નોંધ :- આગળનો ભાગ વાંચવા ફોલો કરો જેથી દર સોમવારે આવતા નવા ભાગની નોટિફિકેશન તમને મળતી રહે.

*****

સૃષ્ટિ હવે આગળ શું નિર્ણય લેશે?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
શું સાર્થક સૃષ્ટિ ફરી મળશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ