Suryoday - ek navi sharuaat - 6 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૬ 

ભાગ :- ૬

આપણે પાંચમા ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે ફરી એ જ અસલ મિજાજમાં આવતી જાય છે જે એ લગ્ન પહેલા હતી. શ્રાવણ વરસતો જોઈ એને પહેલા જેટલો જ રોમાંચ થાય છે. અને કોઈ અલ્લડ યુવતીની જેમ એની આંખો ત્યાં ચા પીવા આવેલા યુવાન ઉપર ટકી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

"નવજીવનનો વિચાર જીવનમાં લાવ્યો નવીન સંચાર,
આવુંજ જીવંત રહેવું છે હવે ને આવોજ જોઈએ સંચાર.!"

એક નવા જોશ અને ઉમંગ સાથે સૃષ્ટિ અને પાયલ આજે ઓફિસમાં દાખલ થાય છે. પહેલીવાર પાયલે સૃષ્ટિનું આવું નવીન રૂપ અને આંતરિક ખુશી જોઈ હતી. પણ પછી એ વિચારીને એને કાંઈપણ પૂછવાની હિંમત ના થઈ કે બહુ દિવસે એ ખુશ છે શું કામ એમાં ભાગ પડાઉં અને બંને પોત પોતાના કામમાં લાગી જાય છે.

હજુ તો કામ ચાલુ કર્યાની 5 મિનિટ જ થઈ હતી ત્યાં તો ઓફિસનો દરવાજો ખુલ્યો અને જે બહાર ચા પીતો હતો એ યુવાન અંદર આવ્યો. સૃષ્ટિના મનમાં કેટકેટલા સવાલો, કેટલીએ ઊર્મિઓ અને કેટલાએ વિચારો આવીને શમી ગયા. એ યુવાન, સાહેબ યશ મહેતાની ઓફિસમાં દાખલ થયો અને ત્યાં જ જાણે રોકાઈ ગયો.

સૃષ્ટિની આંખો સતત સાહેબની ઓફિસના દરવાજા ઉપર એને શોધી રહી હતી, કહીએ તો મથામણ કરી રહી હતી. એ આ નવ યુવાનને શોધવા, જોવા, માણવા જાણે થનગની રહી હતી.! આટલા વર્ષના જીવન સફરમાં ક્યારેય ના અનુભવ્યો હોય એવો રોમાંચ, ઉત્સાહનો સંચાર આજે એનામાં દોડી રહ્યો હતો.

થોડીવાર પછી મોટા સાહેબ યશ મહેતા એ યુવાનને લઈને એમની ઓફિસની બહાર વર્ક પ્લેસમાં આવે છે અને બધાને કહે છે કે, "આપણા આ કુટુંબમાં એક નવા સભ્યનું આગમન થયું છે, સાર્થક વ્યાસ... બહુ સમયથી આપણે એક સારા એકાઉન્ટ અને ટેક્સ એડવાઈઝરની શોધમાં હતા એ આ સાર્થક વ્યાસના આવવાથી પૂર્ણ થઈ છે." બધો જ ઓફિસ સ્ટાફે એમને અભિનંદન આપે છે અને પરિવારમાં એમનું સ્વાગત કરે છે.

સાહેબ સાર્થકને પાયલની પાસેનું ટેબલ અને થોડું કામ ફાળવીને જતા રહ્યા. જતા જતા જરૂર પડે તો સૃષ્ટિની મદદ લેવાની સૂચના પણ આપતા ગયા. ત્યાં આમ તો આઠેક જણાનો જ સ્ટાફ હતો અને બધા જ CA મહેતા સાહેબની દેખરેખ હેઠળ કામ કરતા હતા, પણ હમણાંથી વર્ક લોડ વધુ હોવાથી સાહેબને એક યોગ્ય લાયકાત વાળા સ્ટાફની જરૂર લાગતી હતી જેના પરિણામે સાર્થકનું ઑફિસમાં આગમન થયું હતું. સાર્થકે બધાને અભિવાદન કર્યું અને સૌ પોત પોતાના કામે વળગ્યા.

સાર્થક સવારે ચાની કીટલી ઉપર બનેલી ઘટનાથી બિલકુલ અજાણ હતો તેથી એણે કામ સમજાવવા આવેલી સૃષ્ટિ તરફ એક્દમ સહજભાવે જોયું અને પોતાનું કામ કરવા લાગી ગયો. માત્ર ટેબલ વચ્ચે પાર્ટિશન કરેલી ઓફિસમાં કામ કરતા કરતા બધા એકબીજાને જોઈ શકે એવી રીતે ગોઠવણ કરવામાં આવેલી હતી. સૃષ્ટિ પોતાની જગ્યા ઉપર જઈને બેઠી અને એક નજર સાર્થક તરફ કરીને તરતજ કામ ઉપર લાગી ગઈ.

લંચ બ્રેકમાં બધોજ ઓફિસ સ્ટાફ સાથેજ બેસીને જમતો હતો. પાયલ અને સૃષ્ટિ તો શું બનાવી લાવવું એ પહેલેથીજ એકબીજા જોડે નક્કી કરીને લાવતા. આજે સૃષ્ટિનો શાક લાવવાનો દિવસ હતો એટલે એ ભરેલા રીંગણાં બનાવીને લાવી હતી. સાર્થકને પણ બધાએ એમની સાથે બોલાવી લીધો. સાર્થક ખુબજ ખુશ હતો કદાચ એનું પણ કોઈ કારણ હશે. બધા તરફથી મળેલું એ બધુંજ થોડું થોડું ખાતો હતો પણ જ્યારે એ ભરેલા રીંગણાં ખાતો ત્યારે આંગળી પણ ચાટી જતો હતો. સતત સૃષ્ટિ તીરછી નજરથી સાર્થકની દરેક ગતિવિધિ ઉપર નજર રાખી રહી હતી. ખબર નહીં કેમ પણ એને આમ કરવું ગમ્યું હતું.

આમને આમ દસેક દિવસો વીતી ગયા. સાર્થક, સૃષ્ટિ અને પાયલ એકબીજા સાથે ઓફિસ સ્ટાફથી વધુ મિત્રતાના સંબંધે આગળ વધી રહ્યા હતા. આ તરફ મનસ્વી પણ ૧૧ સાઇન્સમાં એડમિશન લઈ આગળ ભણી રહી હતી. મનસ્વી એટલી તો મોટી થઈજ હતી કે પોતાની માતાના વ્યવહાર અને જીવનમાં આવેલા પરિવર્તનની નોંધ લઇ શકે પણ એ ચૂપચાપ બધું જોયે રાખતી અને લાગણીઓનો સંચાર કરે રાખતી હતી. નિરવ દેસાઈ પણ સૃષ્ટિને સતત જોઈ રહ્યો હતો પણ એને બે વાતથી શાંતિ થઈ હતી, એક તો સૃષ્ટિની કોઈજ માંગણીઓ નહોતી અને પોતાનું જોઈતું સૃષ્ટિ તરફથી મળી જતું હતું. હા... કોઈકવાર સૃષ્ટિ એનુ ધાર્યું પણ કરતી છતાં હવે નિરવને એવી કોઈ પડી નહોતી. સ્વભાવ વશ કોઈકવાર એ સૃષ્ટિની ફરિયાદ કરવા અનુરાધાને ફોન કરતો અને સૃષ્ટિને ઘરમાં ધ્યાન રાખવા માટે સમજાવવા અનુરાધાને કહેતો. પણ અનુ જાણતી હતી પોતાની સખીને, એટલે એ લગભગ સૃષ્ટિને સમજાવવાની બાહેંધરી આપીને વાત વાળી લેતી અને કોઈ વાત યોગ્ય લાગી હોય તો ટકોર પણ કરતી. આ તરફ સૃષ્ટિને હવે નિરવના વર્તનની કાંઈજ પડી નહોતી. એના માટે એનું મન કહે એ કરવું ને પોતાના માટે જીવવું એ જ પહેલું હતું. હા... એમાં એ કોઈને દુખી ના કરવા એ વાતનું ચોક્કસ ધ્યાન રાખતી પણ બહુ વળગી ના રહેતી. મિત્ર અનુજ સાથે સૃષ્ટિ કોઈકવાર વાત કરી લેતી પણ એક અંતર જાળવીને જ.!

સૃષ્ટિને ઓફિસ કે પોતાના પર્સનલ કામમાં એકાઉન્ટને લગતી કોઈપણ સમસ્યા હોય તે અચૂક સાર્થકની મદદ લેતી અને સાર્થક પણ કોઈ પણ સમયે હમેશાં મદદ માટે તત્પર રહેતો. અને એકબીજા સાથે ફક્ત ફોન નંબર જ નહીં પણ વોટ્સ અપ પર મોટીવેશનલ, ફની ને ગૂડ મોર્નિંગના મેસેજની પણ આપલે ચાલુ થઈ ગઈ હતી.

અત્યારની આધુનિક અને દોડતી દુનિયામાં સહજ પ્રાપ્ય સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરીને હવે બંને કોઈને જાણ પણ ના થાય એમ ઘણી વાતો કરી લેતા. પહેલેથી જ સૃષ્ટિને વોટ્સઅપ ડિપી બદલવનો અને અવનવા સ્ટેટ્સ રાખવાનો શોખ હતો, એ જોઈને સાર્થક તરત રિપ્લાય કરતો અને એમાં પણ જ્યારે સૃષ્ટિનો ફોટોગ્રાફ્સ હોય ત્યારે સાર્થક અચૂક પોતાની અલગ સ્ટાઇલમાં એનો રિપ્લાય આપતો. આમને આમ સાર્થક અને સૃષ્ટિ એકબીજાના ખાસ મિત્રો બનતા ગયા, કદાચ મિત્રતાથી પણ વિશેષ કાંઈક બંનેની જાણબહાર જ આકાર લઈ રહ્યું હતું.! જોકે ઑફિસમાં બંને જણ સહકર્મચારી જ રહેતા પણ ઘરે જઈ ફોનમાં ઘણો સમય ચેટિંગ થઈ જતી. માત્ર ૧૫ દિવસના ટૂંકા સમયમાં જ બંને જણ અંગત વાતો પણ શેર કરતા થઈ ગયા હતા.

આજે ઓફિસના ૧૫ વર્ષ પૂરા થયા એનુ ઑફિસમાં જ ફંકશન રાખવામાં આવ્યું હતું. ખુબજ સરસ પ્રગતિથી ખુશ થઈ મહેતા સાહેબે બધાને આજે કામની છુટ્ટી આપી હતી અને માત્ર જમીને છૂટા પડીશું એવું કહ્યું હતું. પ્રગતિનો બધોજ શ્રેય આખા ઓફિસ સ્ટાફને આપવા સાથે એ બધાને ગિફ્ટ પણ આપવાના હતા.

સાર્થક આજે રૃટિન કરતા અલગ અંદાજમાં ઓફિસ આવ્યો હતો. એનું પરફ્યુમ આખી ઓફિસને મહેકાવી રહ્યું હતું. રોજ ફોર્મલ કપડામાં આવતો સાર્થક આજે જિન્સ અને ટી શર્ટમાં આવ્યો હતો. એની પર્સનાલિટી ઓફિસમાં એને અલગ તારવી રહી હતી.! જાણે કોઈ સ્પેશિયલ વન માટે તૈયાર થઈને આવ્યો હોય એટલી ચિવટતાથી એ આજે તૈયાર થઈને આવ્યો હતો. એના આવ્યાના પાંચ જ મિનિટમાં સૃષ્ટિ અને પાયલ એક ઓફિસમાં દાખલ થાય છે. એક તરફ મુંબઈના રંગે રંગાયેલી પાયલ વેસ્ટર્ન ડ્રેસમાં એક્દમ જોરદાર લાગી રહી હોય છે ત્યાં સૃષ્ટિ એક્દમ અલગજ ડ્રેસિંગમાં હોય છે.

સૃષ્ટિની રાહમાં દરવાજા ઉપર જ નજર ટિકાવીને બેઠેલા સાર્થકની આંખો ઘડી બે ઘડી સૃષ્ટિને જોવામાં જ ધ્યાન મગ્ન થઈ જાય છે. ગળી બ્લૂ કલરની કોટન સાડીમાં એ એક્દમ સુંદર લાગી રહી હતી. સાથે એવાજ મેંચીંગ કલરના એના ઈયરીંગ અને કપાળે મોટો ચાંદલો એની શોભામાં ચારચાંદ લગાવી રહ્યા હતા. એની કાળી મોટી આંખોમાં લાગેલી કાજલ એની આંખને એક અપ્રતિમ સુંદરતા બક્ષી રહી હતી. ઉંચી એડી વાળા ચપ્પલ એની ઊંચાઈ વધારી જાણે એનામાં કોઈ નવી ઉર્જાનું સંચારણ કરી રહ્યા હતા. પહેલીવાર આ રીતે તૈયાર થયેલી સૃષ્ટિને જોઈ પાયલ તો ખુશ હતીજ પણ સાર્થકની આંખો પણ અંજાઈ ગઈ હતી. એ એની લાગણીઓને ખાળી ના શક્યો અને ક્ષણભર માટે એકધારી માણેલી આ સુંદરતા આંખોમાં સમાવી એણે આંખોને બંધ કરી દીધી, જાણે એ એને આંખોમાં કેદ કરીને દિલમાં ઉતારી રહ્યો હતો.!

"સુંદરતા એવી કે મોહી મને ચોરી ગઈ,
બહુ દિવસે કોઈ મન મારું મોહી ગઈ.
આંખ બંધ કરી ઉતારુ આ પળ મારામાં,
જે પળ જીવન મારું આખું ચોરી ગઈ."

*****

સૃષ્ટિનું આ નવું રૂપ કયો નવો રંગ લઈને આવશે?
શું સાર્થક પણ એનાથી ૭ વર્ષ મોટી ઉંમરની સ્ત્રીને ગમાડવા લાગ્યો છે?
સાર્થકે હજુસુધી કેમ લગ્ન નથી કર્યા?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED