ભાગ :- ૨૧
આપણે વીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર ગુસ્સે થઈને એને મળવા બોલાવે છે. નિરવ પણ મનસ્વીની પરીક્ષાના સમયમાં મનમાં આખી જીવન સફર ખેડી ફરી મનસ્વી અને સૃષ્ટિને મેળવવા અમુક નિર્ણયો લે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.
*****
સૃષ્ટિ સાર્થક સાથે જાણે આજે આર યા પાર કરવાના મૂડમાં હતી. સાર્થક પણ આ ઘડી કઈ રીતે નીકળી જાય એ વિચારોમાં સૃષ્ટિ પાસે પહોંચી ગયો. જેવો એ પહોંચ્યો સૃષ્ટિ ફરી વરસી પડી... "સાર્થક તું મારા પ્રત્યે આટલો બેદરકાર કેમનો થઈ શકે.!? ફોનનો પણ જવાબ તું ના આપી શકે, અને આજે મળવાનું નક્કી જ હતું તોય તું આમ મોડો આવે.! એવું તો શું મહત્વનું હોય તારી જિંદગીમાં કે તું મને આટલી અવોઈડ કરે.!?"
"સૃષ્ટિ મારે બીજા પણ કામ હોય છે તારા સિવાય, એ તું કેમ ના સમજી શકે.!? મારે અત્યારે પ્રોગ્રામની સીઝન છે એટલે એ કામ પણ હોય છે મારા માથે. રાતના ઉજાગરા હોય અને સાથે નોકરી પણ ચાલતી હોય, આ બધુંજ સાથે કરવાનું હોય છે. તારે પણ સમજવું જોઈએ કે માત્ર મારી જવાબદારી તારા પૂરતી નથી." સાર્થક જાણે પહેલેથી જ તૈયારી કરીને આવ્યો હોય એમ ગુસ્સામાં તાડુકી ઉઠયો.
"સાર્થક હું કામ છું તારા માટે.!? તું તો કહેતો હતોને તું મારી જિંદગી છે. તારાથી વિશેષ મારા માટે દુનિયામાં કાંઈજ મહત્વનું નથી. તારી સાથે પળ વિતાવવા એ મારા માટે મારી જિંદગીના યાદગાર ભાથા સમાન છે અને અત્યારે એ કામ થઇ ગયું.!? હું તારી જવાબદારી થઈ ગઈ.!?" સાર્થકનો કોલર પકડીને એને હચમચાવી નાખતા સૃષ્ટિ એકી શ્વાસે બોલી ઊઠી.
"સૃષ્ટિ મારા કહેવાનો અર્થ એવો નહોતો. તારાથી વિશેષ મારી જિંદગીમાં કાંઈજ હોઈ ના શકે અને તેં જેવો સાથ આપ્યો એવો સાથ કોઈ આપી પણ ના શકે. હું ગુસ્સામાં એ બોલી ઊઠ્યો પણ મારા માટે તું જેટલી મહત્વની છે એટલું તો કોઈજ નથી. તારા માટે હું જે લાગણીઓ રાખું છું એ તો કોઈજ માટે ના આવી શકે મારા મનમાં કે મારા શબ્દોમાં." સાર્થક હળવેથી પોતાનો કોલર છોડાવતા સૃષ્ટિને વિશ્વાસ અપાવવા બોલતો હોય એમ બોલ્યો.
"સાર્થક તેં મને અઢળક પ્રેમ આપ્યો છે એમાં કોઈજ શક નથી. મારી જીવનને આટલા પ્રેમ અને લાગણીઓથી સીંચનાર તારા સિવાય કોઈજ મળ્યું નથી. કદાચ એટલેજ તારા આવ્યા પછી મેં મારા જીવનના કોઈપણ સંબંધને બધુંજ આપવા પ્રયત્ન કર્યો તો એ તું છે.! તને જીવનનો બધોજ સમય પણ આપ્યો અને તારી સાથે મેં મારી ઈચ્છાઓ મુકત રીતે વ્યક્ત કરીને માણી પણ.! છતાં, આજે મારે તારો ફોન જોવો છે.! મારે જોવું છે, એવું તો શું મહત્વનું કામ હતું કે તું મારો ફોન ના ઉપાડે અને મને અહીં રાહ જોવડાવે." સૃષ્ટિ ભાવાનોમાં વહીને થોડી ઢીલી થતાં લાગણીશીલ છતાં મક્કમ ભાવ સાથે બોલી ઊઠી.
"સૃષ્ટિ તું મારા ઉપર અવિશ્વાસ કરે છે.!? તારે તારા વિશ્વાસને જાળવી રાખવા આ ફોનનો સહારો જોઈએ છે.!? હું કહું છું કે કામ હતું, તો શું એ પૂરતું નથી.!?" સૃષ્ટિ ફોન ના જોવે એટલે અવાજમાં ભારોભાર નારાજગી સાથે સૃષ્ટિને લગભગ ઈમોશનલ બ્લેકમેઇલ કરતો હોય એમ સાર્થક બોલ્યો.
"સાર્થક અહીં વાત વિશ્વાસ અને અવિશ્વાસની છે જ નહીં.! હું તને મારા ફોનમાં બધુંજ બતાવું છું. મિત્રો કે કોઈપણ સાથે વાત થાય એ બધુંજ તારી સાથે શેર કરું જ છું. જ્યારે પણ તને મારા કોઈપણ સંબંધ માટે સવાલ થયો મેં એનું સમાધાન કર્યું જ છે. મેં મારા ફોનમાં કોઈપણ જોડે ચેટ થઈ હોય તને એના સ્ક્રીન શોટ પાડીને પણ મોકલ્યા જ છે. તો સવાલ વિશ્વાસનો છે જ નહીં અહીંયા. વાત ખાલી એટલી છે કે મેં કાંઈજ છૂપું રાખ્યું નથી તો હું પણ સામે એવી આશા રાખી જ શકું છું, એમાં શું ખોટું છે.!?" સૃષ્ટિએ પોતાની વાત પર ભાર આપતા સાર્થકને સામો પ્રશ્ન કર્યો.
"સૃષ્ટિ, તો તું એ પણ વિચારને કે મેં અઢળક પ્રેમ આપ્યો છે તને. તો હું શું કામ કાંઈજ છૂપું રાખું.!? અને કદાચ કાંઈક ના કહ્યું હોય તો એ પણ આપણા સંબંધના હિતમાં." સાર્થકે પોતાનો બચાવ કરતા દલીલ કરી.
સાર્થકના આટલું કહેતાજ સૃષ્ટિએ સાર્થક પાસેથી ફોન આંચકી લીધો અને ફોનમાં કોલ લિસ્ટ જોવા લાગી. સાર્થક ચૂપચાપ કોઈપણ વિરોધ કર્યા વગર બેસી રહ્યો. સૃષ્ટિએ જોયું કે કોલ લિસ્ટમાં એ સમયની કોઈજ કોલ ડીટેઇલ નહોતી એટલે સૃષ્ટિ સમજી ગઈ કે સાર્થકે એ ડીટેઇલ રિમૂવ કરી નાખી છે. પછી તરતજ એ વોટ્સએપ તરફ ગઈ અને સુનિધિને શોધીને એના અને સાર્થક વચ્ચેની વાતના મેસેજ જોવામાં લાગી ગઈ. એક એક કરી એ બધાજ મેસેજ જોતી ગઈ અને એની આંખો પણ આ પળની શાક્ષી પૂરવા આ પળમાં હાજર થઈ ગઈ. આ તો માત્ર બે ત્રણ દિવસના મેસેજની ડીટેલ હતી બાકી તો સાર્થકે ઉડાવી દીધેલી હતી. સુનિધિ સાથે થયેલી સાર્થકની વાતો એને હચમચાવવા પૂરતી હતી.
"સાર્થક તારે આવું કેમ કરવું પડયું.!? મારો પ્રેમ ઓછો પડ્યો કે લાગણીઓ.!? હું તો અઢળક પ્રેમ કરું છું તને, અને ક્યાય પાછી નથી પડી તોય તે આ બધુંજ મારાથી છુપાવ્યું.!?" સૃષ્ટિ લગભગ ચીખી ઊઠી.
"સૃષ્ટિ સવાલ છે જ નહીં તારા પ્રેમ અને લાગણીઓ ઉપર. પણ તું એ સ્વીકારવા તૈયાર જ નથી કે મારે પણ હવે એક પત્નીની જરૂર છે, મારા માટે, મારા પરિવાર માટે... જે મારું પળે પળનું ધ્યાન રાખે અને આજીવન મારા પરિવાર સાથે રહે. મારી પણ ઈચ્છા છે કે મારા પોતાના બાળકો થાય." સાર્થક પણ હવે બધું clear કરવાના મૂડમાં આવી ગયો હતો.
"હું તારી પત્ની છું. તું કહીશ તો તને બાળક પણ આપીશ. મનસ્વીના લગ્ન પછી તારી સાથે પણ રહેવા આવી જઈશ. હું બધુંજ કરવા તૈયાર છું. પણ સાર્થક મેં ચેટમાં વાંચ્યું તે સુનિધિને પણ નવું નામ આપ્યું. મને વસુ કહ્યું ત્યારે મને બહુ ગમ્યું હતું પણ તું એ પ્રેમમાં કોઈને ભાગીદાર બનાવે એ કઈ રીતે સ્વીકારું.!? તેં જે પ્રેમ ભર્યા શબ્દો મારા માટે વાપર્યા હતા અને કહ્યું હતું કે આ માત્ર તારા માટે બીજું કોઈજ હકદાર નથી એજ શબ્દો તેં સુનિધિ માટે પણ વાપર્યા તો મને દુખ કેમ ના થાય.!? મારું સર્વસ્વ તને આપ્યું છે મેં.!" એક્દમ તૂટતાં સ્વરમાં પોતાના સંબંધને બચાવવાની બનતી કોશિશ કરતા સૃષ્ટિ બોલી.
"સૃષ્ટિ હું આ વાત કહેવાનો હતો તને. ઘરે હવે મારા લગ્નની ઉતાવળ કરે છે. હા, મારે તારા માટે વાપરેલા શબ્દો સુનિધિ માટે ના વાપરવા જોઈએ એ ભૂલ છે મારી. પણ તું વિચાર આપણે પહેલાથી નક્કી જ હતું કે ક્યારેક ને ક્યારેક તો હું લગ્ન કરવાનો જ હતો. પણ તું સ્વીકારી નહી શકે એટલે હું ચૂપ રહ્યો અને આપણો સંબંધ સાચવવા મારે આ ખોટું બોલવું પડયું. ક્યાંકને ક્યાંક શું આ પ્રેમ નથી તારી સાથે જોડાઈ રહેવા માટેનો.!? હું તને એટલોજ સમય આપીશ, એવુંજ જીવનમાં સ્થાન આપીશ, એવોજ પ્રેમ કરીશ લગ્ન પછી પણ... વિશ્વાસ કર મારા ઉપર." સાર્થક એકી શ્વાસે બોલી ઊઠ્યો અને સૃષ્ટિને આલિંગનમા ભરવા ગયો.
સાર્થકને દૂર હડસેલતા સૃષ્ટિ બોલી ઊઠી. "અત્યારે હું અંદરથી તૂટી ગઈ છું. સમજાતું નથી મારે શું કરવું શું ના કરવું.! આ નિયતિ પણ કેવી છે.! મારી સાથેજ હમેશાં કાંઈક ને કાંઈક ખેલ ખેલે છે.!" હું ઘરે જાઉં છું એમ કહી સૃષ્ટિ રડતાં રડતાં એકદમ ભાંગેલા પગે ત્યાંથી નીકળી ગઈ.
સાર્થક ઈચ્છવા છતાં તેને રોકી ના શક્યો. કદાચ એણે જ ભૂલ કરી હતી સૃષ્ટિને સમજવામાં. સૃષ્ટિ અઢળક પ્રેમ આપી પ્રેમ માગી રહી હતી સાથેજ જીવનભરનો સાથ અને એ જીવનમાં આગળ વધવાના સપના જોઈ રહ્યો હતો. એને પોતાને સમજ નહતી પડતી કે આ બધું કેમ બની ગયું. એના મનમાં સૃષ્ટિ સાથે વિતાવેલી પળો કોઈ રીલની પટ્ટીની જેમ ફરી રહી હતી. વસુ એની વસુ અને આજે એજ એને દુર ધકેલી રહ્યો હતો. એણે ફોનમાં સૃષ્ટિનો ફોટો ખોલ્યો અને એને અપલક નિહાળતો રહ્યો.
"ખોટું કોઈ નહતું અહીંયા, તોય બંને ખોટા ઠરી રહ્યા હતાં,
સંજોગોની ચોપાટ પર મોહરા બની આમતેમ ફંગોળાઈ રહ્યા હતાં.
શું ખેલ ખેલશે નિયતિ એમની જિંદગી જોડે આગળ,
અસ્ત થશે કે ઉદય એમના સંબંધનો એજ પ્રશ્નો એમને મુંઝવી રહ્યા હતા."
નોંધ :- આગળનો ભાગ વાંચવા ફોલો કરો જેથી દર સોમવારે આવતા નવા ભાગની નોટિફિકેશન તમને મળતી રહે.
*****
સાર્થક અને સૃષ્ટિ આગળ શું નિર્ણય લેશે?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ