સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૯ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૯

ભાગ :- ૯

આપણે આઠમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ પોતાની જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સૃષ્ટિ સાર્થકને પોતાના ભૂતકાળ વિશે જાણ કરી ફરી પાછી સૂઈ જાય છે. સાર્થક જેવો સવારમાં નેટ ઓન કરે ત્યારે સૃષ્ટિના આટલા બધા મેસેજ જોઈ ખુશ થઈ જાય છે. એના માટે મહત્વનું એ હતું કે સૃષ્ટિ એની ઉપર વિશ્વાસ કરી રહી છે અને આ જ વિશ્વાસ એને કેળવવો હતો. આ સંબંધ એક નવા વિશ્વાસ સાથે આગળ વધારવો હતો.

"એક ડગલું આગળ વધી છે વાત,"
જોઈએ હવે..
જીવન શું આપે છે સૌગાત.!?"

આમને આમ સમય વીતતો જાય છે અને પાયલ, અનુરાધા, નિરવ, મનસ્વી, અનુજ આ બધાની જાણ બહાર આ સંબંધ આગળ વધવા લાગે છે. કદાચ બંનેની જાણ બહાર મનોમન મિત્રતાથી એક ડગલું આગળ વધી જાય છે. સમય સાથે સૃષ્ટિને બીજી એકવાત જાણવા મળે છે કે સાર્થક ખુબજ સારો ડિજિટલ ડ્રમ પ્લેયર છે, પણ જ્યારથી એની પત્ની સૌમ્યા એની જિંદગીમાંથી ચાલી ગઈ ત્યારથી સાર્થકે પોતાના દરેક શોખ અને ખાસ તો સંગીતને જીવનમાંથી તિલાંજલિ આપી દીધી હતી.

સૃષ્ટિની ખુબ સમજાવટને કારણે જ્યારે સાર્થક ફરી આ મ્યૂઝિકની દુનિયામાં પગ મુકવા તૈયાર થાય છે ત્યારે સૃષ્ટિ ખૂબ જ ખુશ થઈ જાય છે. એક તરફ એને લાગે છે કે સાર્થકને જિંદગી તરફ વાળવામાં એ એક ડગલું આગળ વધી રહી છે અને બીજી તરફ સાર્થકના જીવનમાં પોતાના અભિપ્રાયનું આટલું મહત્વ જોઈને સૃષ્ટિ પોરસાઈ જાય છે.

આમને આમ સમયની એરણ ઉપર આ સંબંધ આગળ વધતો જાય છે અને નિતનવા અધ્યાયો એમાં જોડાય છે. બહુ સમયથી સાર્થક એવું કહી રહ્યો હતો કે એકવાર એકલા રૂબરૂ ક્યાંક મળવું છે. આખરે સૃષ્ટિએ પણ સાર્થકને રૂબરૂ મળી લેવાનો દ્રઢ નિર્ધાર કર્યો. આ વખતે નિરવ એમની ટુર ઉપર જાય એની રાહ જોવામાં સૃષ્ટિ લાગી ગઈ. સૃષ્ટિ ભલે સાર્થકની નજીક આવી રહી હતી પણ હજુ સુધી નીરવથી એટલી દૂર નહોતી થઈ શકી. ખબર નહીં કેમ પણ સૃષ્ટિના મનમાં હજી પણ ઊંડે ઊંડે નીરવને પોતાનો બનાવીને રાખવાની જ ભાવના હતી.

આખરે નિરવના ટુર ઉપર જવાનો સમય આવી ગયો. આ વખતે એ ૧૦ દિવસ માટે બેંગ્લોર જઈ રહ્યો હતો. સૃષ્ટિએ પોતાના મનની વાત સાર્થકને કહી અને સાર્થક પણ જાણે આ વાત સાંભળવા આતુર બેઠો હોય એમ ખુશ થયો. જેમ વસંતમાં ફૂલવાડી મહેંકી ઉઠે એમ આ વાત સાંભળતા જ એનું મન મહેંકી ઉઠયું હતું. આખરે આ શનિવારે બપોર પછી ૩ થી ૫ નો સમય મળવા માટે નક્કી કર્યો.

આજે સાર્થક પોતાની ગાડી લઈને આવ્યો હતો. એ સૃષ્ટિના કહ્યા મુજબ ગાંધીનગરની નક્કી કરેલી જગ્યાએ ગાડી લઈને ઊભો રહ્યો. સૃષ્ટિ પણ આજે કાંઈક ખાસ લાગી રહી હતી. જેવી એ ગાડીમાં બેસી એના શરીર ઉપરથી પ્રસરી રહેલ મહેક ગાડીમાં એક અલગ અનુભૂતિ કરાવી રહી હતી. સાર્થક જાણે પહેલેથી તૈયાર હોય એમ ગાડીમાં રોમાન્ટિક ગીતોની લાઇન સજાવી બેઠો હતો. તો સૃષ્ટિ પણ સાર્થકને જોઈ ખીલી ઊઠી હતી. આટલું ધ્યાનથી તેણે ક્યારેય નિરવને પણ નહોતો જોયો એટલું ધ્યાનથી એ સાર્થકને નિરખી રહી હતી. આમપણ કહેવાય છે ને જો કોઈ આપણી ઉપર પ્રેમ વરસાવી નિરખે તો આપણે પણ એના થઈ જઈએ આ એવુંજ એક પ્રકરણ હતું.!

"નિરખી થઈ ગયો હું પાવન કે થઈ તું પાવન,
યૌવન હિલોળા મારી રહ્યું, તારું થયું તન મન,
આ પળ અહીંજ રોકાઈ જાય, ના ટોકાઈ જાય,
જીવન યથાર્થ થઈ જાય જો મળી જાય આ મન."

સાર્થકના મનમાં લાગણીઓ હિલોળા લઈ રહી હતી. સાથે સૃષ્ટિ પણ ડર અને અત્યંત રોમાંચ સાથે સાર્થકની બાજુમાં બેસી ક્યાંક ઊંડે ખોવાઈ ગઈ હતી. આખરે આ ગાડી સરદાર પટેલ રીંગ રોડ અગોરા મોલ પાસે સર્વિસ રોડ ઉપર ઉભી રહી. આ એકાંતને યાદગાર બનાવવા જાણે બંને થનગની રહ્યા હતા.

વાતનો દોર સાર્થકે હાથમાં લીધો અને સૃષ્ટિને કહ્યું કે, "મારી લાગણીઓને માન આપી તમે મળવા આવ્યા મને ખૂબજ ગમ્યું."

સામે સૃષ્ટિએ પણ કહ્યું, "મળવાની ઇચ્છા તો મને પણ હતી. પણ હું ડરતી હતી કારણ કે આમ ક્યારેય એકલી હું જીવનમાં ક્યાંય ગઈ જ નથી. તેથી મારા માટે આ નિર્ણય લેવો એક્દમ કપરો હતો ને હું જલ્દી નિર્ણય નહતી લઈ શકી."

સાર્થકે કહ્યું કે, "મારે તમને એક વાત કહેવી છે, જે મેં હજુ સુધી નથી કહી. હું નથી ઇચ્છતો કે હું કોઈપણ વાતથી તમને અજાણ રાખું."

અને સાર્થક સૃષ્ટિની સામે જોવે છે. સૃષ્ટિ થોડા આશ્ચર્ય અને પ્રશ્નાર્થ સાથે સાર્થકની સામે જોઈ રહી હોય છે.

સાર્થક એક ઊંડો શ્વાસ લે છે અને જાણે ભૂતકાળમાં ખોવાઈ ગયો હોય એમ બોલવાનું ચાલુ કરે છે. "ખરેખર મારું મ્યૂઝિક છોડવાનું કારણ મારી પત્ની સૌમ્યા નહોતી, પણ હું જે મ્યુઝિક ગ્રુપમાં હતો તેમાં આવતી ગાયિકા શાલિની હતી. સૌમ્યા સાથે સાથ છૂટયા પછી મારું બધુંજ ધ્યાન મેં સંગીતમાં પરોવ્યું. સંગીતમાં કોઈપણ ભાવ, કોઈને કહ્યા વિના અનુભવી અને માણી શકાય છે. હું એ ધૂનમાં બસ ખોવાઈ જવા માગતો હતો, મારો ભૂતકાળ ભૂલાવી જવા માગતો હતો અને હું ઘણાખરા અંશે સફળ પણ રહ્યો.! આ બધું કરતા હું સૌમ્યાને તો ભૂલી ગયો પણ ભવિષ્યમાં શાલિની જોવા લાગ્યો હતો. એની સાથે વાતો કરવી, મસ્તી કરવી મને ગમતું હતું.. અને હું એના પ્રેમમાં પડ્યો.. શાલિની પણ મારી સાથે એ જ ભાવથી જોડાઈ હતી. પણ સંગીત તો ચંચળ છે ને મારી સાથે એ ચંચળતા કરી ગયું."

સાર્થક એક પળ અટકાય છે, સૃષ્ટિની આંખમાં જોવે છે અને ફરી બોલવાનું ચાલુ કરે છે. "શાલિની સાથેનો મારો સાથ બહુ લાંબો ના ટકયો. કહેવાય છે ને સંગીત કોઈનું થયું નથી ને થતું નથી એ તો જે એને સમજી શકે એ જ એને પામી શકે.! એવુંજ કાંઈક થયું અને શાલિની પણ આ સાર્થકને છોડી ચાલી ગઈ. પોતાની ખુશી, પોતાનું સુખ, પોતાના જીવનની એક અલગ કેડી ઉપર. આથી જ મેં એ મ્યૂઝિકલ ગ્રુપ છોડવાનો નિર્ણય કર્યો અને સાથે મારો શોખ પણ.."

સૃષ્ટિ આ બધું સાંભળી રહી હતી અને ખબર નહી ક્યારે એનો હાથ સાર્થકના હાથમાં પહોંચી એનો સાથ આપી ગયો.

બંનેમાંથી કોઈ પણ પોતાનો હાથ ખસેડવા નહતું માંગતું. સાર્થકના હાથમાં એમ જ પોતાનો હાથ રહેવા દઈને સૃષ્ટિ, સાર્થક સાથે પોતાના જીવનની વાત અને એમાં આવેલા મહત્વના પાત્રો જેમ કે અનુરાધા, રાકેશ, અનુજ બધાની જ વાત કરે છે.

સાર્થક આ વાતો અને સૃષ્ટિની આ પાત્રો સાથેની નજદીકી જોઈ સવાલોના ઝંજાવાતમાં ઘેરાઈ જાય છે અને એનાથી પૂછાઈ જાય છે કે, "સૃષ્ટિ શું તમે આટલા બધા વર્ષો સુધી મિત્રતા જાળવી શકો છો..!!??"

સૃષ્ટિના ચેહરા પર ગર્વના ભાવ આવી જાય છે અને એ કહે છે, "હા અમે મિત્રો હતા અને છીએ. એકમેક માટે હમેશાં ઊભા રહ્યા છીએ એકમેક સાથે.!"

સાર્થક માટે આ વાત માન્યમાં આવે એવી નહોતી, કારણ કે.. એણે કોઈપણ સંબંધ પોતાની જીંદગીમાં આટલો લાંબો જોયો કે અનુભવ્યો નહોતો.

સાર્થક ફરી નિરુત્તર બની જાય છે અને મનમાં કાંઈક ચાલતું હોય એમ પૂછી બેસે છે કે, "અનુજ સાથે મિત્રતા જ છે કે કાંઈક બીજું..!?"

સૃષ્ટિ એકપણ પળનો વિલંબ કર્યા વિના સ્વસ્થતાથી જવાબ આપે છે, "મિત્રતા..."

પણ સાર્થકના મનમાં કંઇક અલગજ ચાલતું હતું. અલબત્ત એને એવુંજ લાગતું કે કોઈ પણ સ્ત્રી પુરુષ આટલા સામીપ્ય પછી ખાલી મિત્ર..!?

સૃષ્ટિ, સાર્થકના કહ્યા વગર એના મોઢાના હાવભાવથી બધું સમજી જાય છે. એ સમજતી હોય છે કે આ સંબંધ જ એવા હોય છે. એક સ્ત્રી પુરુષની મિત્રતા આ સમાજ માટે એટલી સ્વીકાર્ય નથી.! પણ સૃષ્ટિને પોતાના આ નવા બંધાઈ રહેલા સંબંધ ઉપર પુરી શ્રદ્ધા હતી, કે આ સંબંધ કોઈ પરભવનું પુણ્યફળ છે.!

એણે સાર્થકને સમજાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે, સાચેજ મિત્રતાથી વિશેષ બીજું કાંઈજ નથી.! છતાં આ સંબંધ મારા માટે ખૂબ મહત્વનો છે. સૃષ્ટિ આ કહી રહી હતી..!!, સમજાવી રહી હતી..!!, કે પછી પોતાનું સ્થાન સાર્થકના જીવનમાં ટકાવવા આ સંબંધોની રેખા આંકી રહી હતી એ વાત અહીં સૃષ્ટિને પણ નહતી સમજાઈ રહી. બસ એના મનમાં એવું થઈ આવ્યું કે, "અત્યારે મારે સાર્થકનો સાથ જોઈએ છે અને એ માટે મારે જે કરવું જોઈએ હું એજ કરી રહી છું.!"

"મન કેમ વણમાંગ્યા ખુલાસા આપી રહ્યું છે આજે.!?
શું આ કોઈને ખોવાનો ડર છે.!? કે કંઇક પામવાની મથામણ.!?
ભાવવિશ્વમાં મન કેમ આવું અટવાઈ રહ્યું છે આજે.!?"

થોડીવાર સુધી બંને નિ:શબ્દ બની એકમેકના હાથમાં હાથ નાખી જાણે ભવોભવના સાથી હોય એમ શબ્દો વગર લાગણીઓનું આદાન પ્રદાન કરતા હોય એમ બેસી રહે છે. એટલામાં જ એક પેટ્રોલીંગ પોલિસ વાન એમની ગાડી આગળ આવી ઉભી રહે છે.

*****

સૃષ્ટિના વિચારો અને સંબંધો સાર્થકને શું વિચારતો કરી જશે?
સૃષ્ટિની સાર્થક મેળવવાની શું આ અધિરાઈ છે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ