Suryoday - 1 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત. - 1

ભાગ :- ૧

પ્રસ્તાવના...

કેટલાય લાડકોડથી ઉછરેલી એક દીકરી જ્યારે કોઈની પત્ની બનીને પીયુના ઘરમાં આવે છે ત્યારે એની જોડે એના કેટલાય અરમાન અને આશા લઈને આવે છે. આ વાર્તા પણ એક એવી જ સ્ત્રી 'સૃષ્ટિ'ની છે. સૃષ્ટિ પણ દરેક નવોઢાની જેમ કેટલાય સપના આંખોમાં આંજીને આવી હતી. પણ જીવનના દરેક તબક્કે એના સપના, આશા અને અરમાનોને એના પતિ દ્વારા કચડવામાં આવ્યા. વારંવાર પતિ દ્વારા થતું એના સ્ત્રીત્વનું અપમાન એનાથી અસહ્ય બનતું જાય છે. લગ્નના પંદર વર્ષ સુધી આ સંબંધમાં ઝઝૂમ્યા બાદ એના જીવનમાં એક નવી શરૂઆત થાય છે.

સૃષ્ટિના જન્મથી માંડીને એના નવા જીવનની શરૂઆત, એની જિંદગીમાં આવતા ઉતાર ચઢાવ અને એની મનોવ્યથાનું નિરૂપણ તથા એ કઈ રીતે એ પરિસ્થિતિનો સામનો કરે છે એની એ સફર એટલે જ 'સૂર્યોદય - એક નવી શરૂઆત...'

*****

" એક આશ છે ને એક વિશ્વાસ છે,
સૂર્યોદય નિરંતર ચાલતો જીવનનો પ્રાસ છે.
છુપાઈ જાય ભલે ક્યારેક વાદળ પાછળ,
સૃષ્ટિને જીવંત રાખવા એની એ માયાજાળ છે."

*****

૨૩ ડિસેમ્બર એટલેકે ઠંડીના સામ્રાજ્યના દિવસો. ગાંધીનગરમાં આમપણ વાતાવરણ ઠંડુ રહેતું અને આ ડિસેમ્બરનો અંત તો કાઢવો બહુજ કપરો હતો. શિયાળાની અંધકારમય અને હાડ થીજવે એવી રાત્રી હતી. ચારેકોર જાણે અંધારાનું અને નિરવ શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઝગમગ ઝગમગ ચમકતી લાઇટ વચ્ચે ક્યાંક ક્યાંક એકલ દોકલ વાહનની અવરજવર ચાલુ હતી. જે ગાંધીનગરના શહેર હોવાની શાક્ષી પૂરતી હતી. રાત્રીનો લગભગ 1:35 વાગ્યાનો સમય હતો.

આવી ઘનઘોર અને ઠંડી રાત્રિમાં પણ ગાંધીનગર સેક્ટર ૨૫ ના એક ઘરમાં લાઇટ ચાલુ થઈ. આ ઘર એટલે કે સૃષ્ટિ અને નિરવનું ઘર. એટલેકે સિટી સિવિલ એંજીનિયર નિરવ દેસાઈનું ઘર. એક્દમ અગાઢ શાંત વાતાવરણમાં નિરવ આજે પણ સૃષ્ટિની ઇચ્છા વિરુદ્ધ એની ઈચ્છા સંતોષી રહ્યો હતો. જાણે એક નિર્જીવ દેહને ચૂંંથી રહ્યો હતો. આજે ફરી નિરવની નીચે સૃષ્ટિનો દેહ કચડાઈને કણસી રહ્યો હતો. અને હંમેશની જેમ નિરવ એક વાર ફરી પોતાની પુરુષતા સાબિત કર્યાની ખુશી માણી રહ્યો હતો. આ તરફ સૃષ્ટિના આંખના ખૂણે ઊતરેલું પાણી જાણે ફરી એક વાર એના તૂટતા અરમાનો અને સપનાઓની શાક્ષી પુરી રહ્યું હતું.

જેવી નિરવની ઇચ્છા સંતુષ્ટ થઈ એ સૃષ્ટિથી અલગ થઈ અને બીજી બાજુ પડખું ફરી ગયો, જાણે બીજી કાંઈજ પડી ના હોય. પોતે પોતાનું ભોગવ્યુ ને આનંદ લૂંટયો એ અહેસાસ સાથે એના ચહેરા પર ચમક છવાયેલી હતી. થોડી વારમાં નિરવ એટલે કે સૃષ્ટિનો પતિ હમેશાંની જેમ સૃષ્ટિને ભોગવી મીઠી નિંદર માણી રહ્યો હતો. જાણે લગ્ન પછીનો આ જ નિત્યક્રમ બની ગયો હતો. સૃષ્ટિના લગ્નના ૧૫ વર્ષ પછી પણ સમજી જ નહોતી શકી કે એનું આ ઘરમાં અને નિરવની જીંદગીમાં શું સ્થાન છે.! દિવસે ને દિવસે સૃષ્ટિ જાણે માત્ર ભોગવિલાસનું સાધન બનીને રહી હતી. ક્યારેક તો દારૂની મહેફિલ માણીને કાંઈપણ સમય સ્થિતિનું ભાન રાખ્યા વિના એ પોતાનું ધાર્યું કરીને જ રહેતો. એને સૃષ્ટિની ઈચ્છાઓ કે એની વાતની કોઈજ પરવા કે ફિકર નહોતી, અને પછી ગાઢ નિંદ્રામાં પોઢી જતો.

સૃષ્ટિના મનમાં હજુ પણ આ જ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો કે, "શું આ જ મારી જિંદગી છે.!? આ આખા ૧૫ વર્ષ મારી જિંદગીના આ પરિવાર અને પતિ માટે આપ્યા બસ આ જ મેળવવા..!?" આજે ફરી ઘણા બધા સવાલોએ એના મનને ફરી ઝંઝોળી નાખ્યું હતું. કોલેજની એક અલ્લડ, હોશિયાર અને પ્રભાવશાળી યુવતિ સૃષ્ટિ દેસાઈ આજે આ કયા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે.? ક્યારેય, ક્યાંય પાછી ના પડતી અને બધાને જીવનના પાઠ શીખવી સાથ આપતી સૃષ્ટિ આજે કેમ નિ:સહાય અને જીવન પ્રત્યે નીરસ બની ગઈ છે.? આવીજ રીતે એ ક્યારેક ક્યારેક વિચારોમાં જ આખી રાતોની રાતો કાઢી નાખતી.

આ બધાજ વિચારો ફરીથી સૃષ્ટિને તડપાવવા એનું મનોબળ તોડવા પૂરતા હતા. સૃષ્ટિ એના ભૂતકાળથી એક્દમ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા જાણે મજબૂર થઈ રહી હતી. એવી તો શું સ્થિતિ સર્જાઈ કે આજે સૃષ્ટિ આટલી મજબૂર અને કમજોર બની ગઈ હતી.! આ બધા વિચારો જ એને ભૂતકાળમાં દોરી જતા હતા.

*****

અમદાવાદના જીવંત, ખુશનુમા અને અલ્લડ વાતાવરણમાં સૃષ્ટિનો જન્મ થયો હતો. શાહીબાગ જેવા ધનાઢય વિસ્તારમાં એમનું ઘર હતું. બે ભાઈઓ વચ્ચે એક લાડકવાયી બહેન અને પપ્પાની એક્દમ લાડકી દીકરી હતી. બધામાં સૌથી નાની એટલે ઘરમાં બસ જાણે એનું જ રાજ હતું, બોલતાની સાથે વસ્તુ હાજર થઈ જતી. પહેલેથી એનું એક આગવું વ્યક્તિત્વ હતું. એક્દમ અલ્લડ, બિન્દાસ અને જીવંત છતાં પણ ભારોભાર સમજણ અને આગવી સૂઝ તો ખરી જ.

આમ એ પોતાની અલગ જ આગવી છાપ, સૂઝ અને સમજ વચ્ચે મોટી થઈ રહી હતી. પોતાની સૂઝબૂઝ અને આત્મવિશ્વાસ માટે એ નાની ઉંમરથી જ બધાની વાહવાહી લૂંટતી હતી અને એ જ કારણ હતું કે એના ઘરે એના માટે ક્યારેય કોઈ રોકટોક હતી જ નહીં. એને કોઈ ઈતર પ્રવૃત્તિ કરવી, મિત્રો જોડે રમવું કે ભણવું એવા કોઈ જ નીતિ નિયમ એની ઉપર લાગુ નહતા કરવામાં આવ્યા, કહો ને કે એવી કોઈ જરૂર જ નહતી પડી. સૃષ્ટિના પિતા સુરેશ દેસાઈ પોતે એક કંપનીમાં એકાઉન્ટ લખવાનું કામ કરતા હતાં ને સાથે વાંચવાનાં પણ એટલા જ શોખીન હતા. એમણે ઘરમાં જ એક નાની લાઇબ્રેરી ઉભી કરી હતી. એટલે પૈસાની સમજ સાથે સંસ્કારની સમજ આપવામાં કોઈ જ પાછી પાની નહોતી કરી. અને એ જ કારણ હતું કે એ ભલે એક્દમ અલ્લડ લાગતી છતાં પણ સમજમાં એક્દમ અવ્વલ હતી. સાચું કહેવા જઈએ તો એના મોટા ભાઈઓ કરતાં પણ વધુ સમજદાર હતી.

ધીમે ધીમે એ મોટી થવા લાગી અને એ જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે એના ક્લાસમાં એક નવું એડમિશન આવ્યું અનુરાધા. પહેલેથી સૃષ્ટિ મળતાવડા સ્વભાવની હોવાથી એને અનુરાધા સાથે ભળતા વાર ના લાગી અને એની સાથે નવી મિત્રતા કેળવી. આમતો એની પાસે ઘણું મોટું મિત્ર વર્તુળ હતું છતાં એને અનુરાધાનો સ્વભાવ ખુબજ ગમ્યો હતો.

અનુરાધા એક મધ્યમ પરિવારમાંથી આવતી ધીરેન વ્યાસની દીકરી હતી. માતા પિતા તરફથી એને બધીજ છૂટછાટ હતી પણ એને એના ભાઈ અનુપથી ડર લાગતો હતો. એ હમેશાં એની નાની વાતમાં વધુ પડતી પૂછપરછ કરતો. કોઈ વાર અનુરાધાને કોઈ સહેલીના ત્યાં ભણવા જવાનું હોય કે બધા જોડે કોઈ પ્રોગ્રામ બનતો હોય દરેકમાં એટલી હદે પૂછપરછ કરતો કે કોઈ વાર અનુરાધા અકળાઈ ઉઠતી, પણ આ જ એની જિંદગી હતી. એક્દમ શાંત, સમજદાર અને સુંદરતાનો સમનવય એટલે અનુરાધા.

એક જ વર્ષમાં સૃષ્ટિ અને અનુરાધા એક્દમ સારા મિત્રો બની ગયા હતા. સૃષ્ટિ તો પહેલેથી બધાની છુટ્ટી કરવામાં માહિર હતી હવે અનુરાધા પણ એવીજ ઘડાતી જતી હતી. એ ડરતી હતી એવું નહોતું પણ એ એના ભાઈ સાથે કોઈપણ માથાકૂટમાં પડવા માગતી નહોતી.

આમને આમ એમની મિત્રતાને એક વર્ષ થઈ ગયું ને હવે સૃષ્ટિ અને અનુરાધા નવમા ધોરણમાં આવી ગયા. એમની મિત્રતાની સાથે એમની ધમાલ મસ્તી પણ આખા ક્લાસમાં જાણીતી થઈ હતી. બધાને એવુંજ લાગતું કે આ બંને જાણે એકમેક માટે બન્યા છે.

અનુરાધા થોડી ઓછી બોલકી હતી એટલે એ મનમાં વાતો ભરી રાખતી. ભાગ્યેજ મનમાં આવતી વાતો કોઈ સાથે શેર કરતી. સામે સૃષ્ટિ આખા બોલી, મનમાં કોઈ જ વાત ટકે નહીં. એ હમેશાં અનુરાધાના મનની વાતો બહાર કઢાવવા મથતી. થોડા દિવસથી સૃષ્ટિ જોતી હતી કે અનુરાધાની નજર ભદ્રેશ ઉપર ટકી હતી.

ભદ્રેશ એમના ક્લાસમાં ભણતો હતો, ખુબજ હોશિયાર અને દેખાવમાં પણ હેન્ડસમ છોકરો હતો. એની ઊંચાઈ અને એનો બાંધો કોઈને પણ એના તરફ વાળવા માટે પૂરતા હતા. એના લાંબા અને સિલ્કી વાળ હમેશાં હવા સાથે વાતો કરતા અને ક્યારેક છોકરીઓના દિલને મોહી લેતા હતા.

બીજી તરફ એમના જ ક્લાસમાં ભણતો એક બીજો છોકરો રાકેશ જેની નજર હમેશાં સૃષ્ટિ ઉપર ટકેલી રહેતી. અનુરાધા જાણતી હતી કે આ નજર કઈ એમ જ નથી પણ કાંઈક નવીન જ વાત છે. પણ અનુરાધા ક્યારેય સામેથી સૃષ્ટિને કાંઈ જ કહેતી કે પૂછતી નહોતી ને આજ એનો સ્વભાવ હતો. સામે છેડે સૃષ્ટિતો બેધડક બધુંજ કહી પણ દેતી અને પૂછી પણ લેતી.

રાકેશ એક્દમ સાધારણ બાંધાનો, નોર્મલ કરતાં સહેજ ઓછી ઊંચાઈનો, સાધારણ વાનનો ને ભણવામાં હોશિયાર છોકરો હતો. પણ હમણાંથી એ કાંઈક સ્પેશિયલ કરવાના પ્રયાસમાં હમેશાં રહેતો. જાણે સૃષ્ટિને પોતાની તરફ આકર્ષિત કરવાના પેતરા કરે રાખતો.

આખરે એક દિવસ સૃષ્ટિએ અનુરાધાને પૂછી જ લીધું કે, " અનુ.. તું આ ભદ્રેશને જ્યારે પણ જોવે ત્યારે તારા ચહેરા પર સ્માઇલ કેમ આવી જાય છે..!? આ ચક્કર શું છે..!?"

સામે તરતજ અનુરાધાએ બાજી પલ્ટી અને સૃષ્ટિને જ પૂછી લીધું કે, "આ રાકેશનું શું છે.!? મને તો ત્યાં કાંઈક તારું લાગે છે.!" અને આ વાત ઉપર અને એકબીજાની હોંશિયારી ઉપર બંને હસી પડી.

*****

વર્તમાનની સૃષ્ટિ અને ભૂતકાળની સૃષ્ટિ વચ્ચે આટલો ફેર કેમ?
અનુરાધા અને ભદ્રેશ વચ્ચે શું ચાલી રહ્યું છે?
સૃષ્ટિ અને રાકેશ વચ્ચે શું કોઈ સંબંધ હતો?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED