Suryoday - ek navi sharuaat - 5 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૫

ભાગ :- ૫


આપણે ચોથા ભાગમાં જોયું કે સૃષ્ટિ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. હવે જોઇએ આ નવી શરૂઆત તેની જીંદગીમાં શું રોમાંચ શું તોફાનો લઈને આવે છે.!?

*****

"નવી સવાર અને એક નવો નિર્ધાર,
જીવવું ખુદ કાજ એજ એનો આધાર.
આશ્રિત નહીં રહે મારી ખુશી હવે,
ડગલે ડગલે રહેશે જિંદગીનો પ્રભાવ."

નવી સવાર નવા વિચારો સાથે સૃષ્ટિએ આજે એક્દમ ખુશખુશાલ માહોલમાં તૈયાર થઈને ઓફિસ જવાનું નક્કી કર્યું. એણે એના ગમતા આછા વાદળી રંગની કુર્તી, એને મેચિંગ દુપટ્ટો અને ચુડીદાર પહેર્યા, એના લાંબા, કાળા વાળને એક બાજુ પિન અપ કર્યા ને બીજી બાજુથી ખુલ્લા રાખ્યા. મનસ્વી તો જોયા જ કરતી હતી એની મમ્મીને.! એને થોડું અલગ લાગ્યું પણ હવે એ મોટી થઈ રહી હતી આથી એ એની મમ્મીને સમજીને એને સાથ આપી રહી હતી. અને તેથી જ સૃષ્ટિ માટે હવે આ બધું પહેલા જેવું અઘરૂ નહોતું. મનસ્વી પોતાની ખુશી રોકી નથી શકતી, એ તરત જ સૃષ્ટિને ભેટી પડી છે અને કહે છે કે "મમ્મી આવીજ રહેજે.!"

ઓફિસમાં પાયલ પણ સૃષ્ટિના આ નવા રૂપને જોઈને ખુશ થઈ ગઈ. કાંઈક અલગજ ચાલ અને આત્મવિશ્વાસ દેખાયો એને સૃષ્ટિમાં. એ દરરોજ કહ્યા કરતી કે, તારે તારા માટે જીવવું જોઈએ, તારા માટે તૈયાર થવું જોઈએ અને એવુંજ આબેહૂબ આજે એ જોઈ રહી હતી.! કદાચ આ પાયલના સાથથી જ એને એક નવી તાકાત મળી હતી ને સાથે અનુજના સાથથી એ થોડી ખીલી હતી. સૃષ્ટિએ પાયલને એના પોતાના માટે જીવવાના નિર્ણયથી વાત કહી ત્યારે એ પણ ખીલી ઊઠી અને કહ્યું, "યાર અહીં ગુજરાતમાં બીયર તો ના મળે પણ મારે રેડ બુલ જોઈએ. પાર્ટી તો બનતી હૈ." સૃષ્ટિ જાણતી હતી પાયલની પાર્ટી કરવાની આ રીતને એટલે એ બોલી, "હા... હો... તું બસ બહાના શોધ. પણ હું ખુશ છું, તો મળી જશે આજે સાંજે."

બસ, આમ જ એક નવી શરૂઆત થઈ ગઈ હતી સૃષ્ટિના જીવનમાં. એનો આ બદલાવ એના વર્તનમાં પણ દેખાઈ આવતો હતો. નિરવે પણ સૃષ્ટિની આ હરકતો નોંધી હતી પણ એને એવું કે ભલે જીવે એની જિંદગી મારે મારું મળે એટલે બસ. આમપણ એની પાસે સૃષ્ટિને આપવા માટે વધારાનો સમય નહોતો.

આમને આમ દિવસો વીતતાં જતાં હતાં અને સૃષ્ટિ ખીલતી જતી હતી. અનુરાધા પણ સૃષ્ટિમાં આવેલા આ અણધાર્યા પરિવર્તનથી ખુશ હતી. અનુજ પણ ખુબજ ખુશ હતો, એ વારેવારે સૃષ્ટિના સ્ટેટસમાં આવતા ફોટા પોતાના ફોનમાં સેવ કરી ખુશ થયે રાખતો હતો અને ક્યારેક ખુશીના અતિરેકમાં પોતાના દિલની વાત સૃષ્ટિને કહેતો પણ હતો.! પણ સૃષ્ટિ માટે એ મિત્ર અને બસ મિત્ર જ હતો એટલે વાતો પૂરતું ઠીક પણ બીજા કોઈપણ બંધનમાં બંધાવું એને સ્વીકાર્ય નહોતું.!

આ અરસામાં ઘણી બધી વાર સૃષ્ટિ, અનુરાધા, અનુજ, પાયલ એકબીજાને મળતા હતા અને મિત્રતાની યાદો બનાવીને છૂટા પડતાં હતાં. ફોનમાં પણ અઢળક વાતો અને યાદો ઉભરાઈ આવતી હતી. સૃષ્ટિ એના જૂના મિત્ર રાકેશ અને અનુરાધાના શ્યામ સાથે પણ કોઈકોઈ વાર વાત કરી લેતી હતી. સૃષ્ટિને હવે એટલી તો ખબર હતી જ કે આ એ લોકો છે જે એને જીવનમાં હમેશાં સાથ આપશે.!

અને એવામાં એક દિવસ સૃષ્ટિ ઘરે કોઈ કામમાં હતી અને અનુજનો ફોન આવ્યો. અચાનક જ એ ફરિયાદ કરવા લાગ્યો કે, "સૃષ્ટિ, કેમ હવે તું મારી સાથે ઓછી વાત કરે છે.? હું તને ચાહું છું, તું તો જાણે જ છે ને.! તો તું પણ હા પાડ.. તને મારી સાચી લાગણી દેખાતી નથી.!? મને એનો યોગ્ય પ્રતિસાદ જોઈએ છે. તું સમજતી કેમ નથી મને.! એ દિવસથી આ લગભગ નિત્યક્રમ થઈ ગયો હતો. સમય સ્થિતિ જોયા વગર અનુજ ગમે ત્યારે સૃષ્ટિને ફોન કે મેસેજ કરી દેતો હતો અને એક જ સવાલ દોહરાવ્યા કરતો કે એ કેમ એને પ્રેમ નથી કરતી.!?

સૃષ્ટિને આ વાતો હવે ગૂંગળામણ આપી રહી હતી.! એણે અનુજ માટે આવું ક્યારેય પણ વિચાર્યું જ નહતું. એના માટે અનુજ એક એવો ખાસ મિત્ર હતો જે એને સમજતો હતો, જેની જોડે એ ઘણું બધું શેર કરી શકતી હતી. અને અનુજે એ મિત્રતાને વિચિત્ર પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી. એવું નહતું કે સૃષ્ટિ સમજતી નહતી અનુજની લાગણી.. એ સમજતી પણ હતી અને માન પણ આપતી હતી પણ અનુજની ચાહત હવે હદ વટાવી રહી હતી અને સૃષ્ટિને એ વાતની ચિંતા થતી હતી કે અનુજના આ પાગલપનમાં એમની ખૂબસૂરત દોસ્તીનો ભોગ લેવાઈ જશે. એને દુઃખ થયું કે જે ખુશી જીવનમાં આવી હતી એ લગભગ છીનવાઈ રહી હતી.! સતત એ જ ટેન્શન થઈ રહ્યું હતું કે નિરવને કોઈ દિવસ આવી ખબર પડશે તો એનું જીવવાનું હરામ થઈ જશે. આમતો નિરવ મોટાભાગે પ્રવાસમાં રહેતો, છતાં પણ કોઈવાર એ ફોન કરે અને સૃષ્ટિનો ફોન વ્યસ્ત મળે તો એ પૂછી લેતો હતો કે કોણ હતું ફોન પર. સૃષ્ટિએ હવે પોતાની સલામતી માટે અને સ્વતંત્રતા છીનવાતી બચાવવા અનુજ સાથે વાતો કરવાનું ઓછું કર્યું. એને આ સંબંધમાંથી પીછેહઠ કરવાનું યોગ્ય લાગ્યું, એમ છતાં ક્યારેક તો એને અનુજની યાદ આવી જતી હતી, આથી સામેથી ફોન કરી અનુજને ખબર અંતર પૂછતી હતી. અનુજ પણ ધીમે ધીમે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, તોય મનમાં ઊંડે એને લાગી રહ્યું હતું કે એની સાથે અન્યાય થયો છે.! પણ આ તરફ સૃષ્ટિ એના વિચારોમાં કાયમ હતી, એના માટે પોતાની સ્વતંત્રતા જ મહત્વની હતી કારણ એ જ તો જોઈતું હતું જીંદગીથી.!

અનુજને પોતાના વર્તનથી સાચી પરિસ્થિતિ બતાવી દીધા પછી એણે પોતાનો મોટાભાગનો સમય પાયલ સાથે વિતાવવા માંડ્યો. બંને જણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ બહાને ફરવાનો પ્રોગ્રામ બનાવી લેતા. આમપણ દીકરી મનસ્વીની જવાબદારી હવે ઘણી ઓછી થઈ ગઈ હતી અને નિરવ પોતાના કામમાં અતિવ્યસ્ત રહેવા લાગ્યો હતો. આમ તો ઘણો ખરો સમય એ બહારગામ રહેતો અને હાજર હોય તો તોય ગેરહાજર જેવો જ રહેતો. જીવન પોતાની રીતે જીવવાની સાથે સૃષ્ટિ પોતાના ઘરની જવાબદારી સુપેરે પાર પાડી લેતી અને ઓફિસનું કામ પણ એવા જ ધગશથી કરતી. એને હવે આવું જીવન ફાવી ગયું હતું, એક્દમ તૈયાર થઈને ઓફિસ જવું, ત્યાં બધાં સાથે હળવું, મળવું, ભળવું અને ખુશનુમા સમય પસાર કરવો. કહી શકાય કે હવે તો એ જ એની જિંદગી બની ગઈ હતી.

આમને આમ દીકરી મનસ્વીની દસમાં ધોરણની પરીક્ષા સુખરૂપ પાર ઉતરતા હવે તો સૃષ્ટિ જાણે એક આઝાદ પંખી બની ગઈ હતી. પોતાની સ્વતંત્રતાને માન આપવાના મોહમાં સૃષ્ટિ મનસ્વી પ્રત્યેની પોતાની ફરજ ચૂકી નહતી. દીકરીને ભણવામાં બનતી મદદ કરવાથી માંડીને અડધી રાતે એની જોડે જાગતી પણ બેસી રહેતી. એ જરાય નહતી ઈચ્છતી કે એને અને દીકરીને નીરવ તરફથી કંઈ સાંભળવું પડે અને એના માટે એ સતત સજાગ રહેતી. જ્યારે મનસ્વી ભણતી હોય સૃષ્ટિ ઑફિસમાંથી લાવેલી બુક્સમાંથી એકાઉન્ટ અને ટેકસને લગતી જાણકારી મેળવીને પોતાની આવડત વધારવાના સતત પ્રયત્નમાં રહેતી. હવે એણે પ્રાઇવેટ એકાઉન્ટ લખવાનું કામ પણ ચાલુ કર્યું હતું ને સાથે કોઈના ઇનકમ ટેક્સ રિટર્ન પણ ભરી આપતી હતી. સૃષ્ટિ માટે એકજ વાત મહત્વની હતી કે મારે જિંદગી મારી રીતે જીવવી છે અને એના માટે મારે કોઈ આગળ હાથ લંબાવવો નથી.

"સપના દેખવા ને પૂરા કરવા છે મારે,
મરવું નથી મારે આમ કાંઈ અકાળે."

આમને આમ સૃષ્ટિના દિવસો પસાર થઈ રહ્યા હતા સાથે એના વિચારો પણ બદલાઈ રહ્યા હતા. પહેલા જે માત્ર પતિની સેવાનું અને પરિવારના સુખનું વિચારતી હતી એ સૃષ્ટિ હવે પોતાનું વિચારતી થઈ ગઈ હતી. એક અજબ જુસ્સો ને ગજબ તેજ એના ચહેરા ઉપર આવી ચડયું હતું.

શ્રાવણ મહિનાનું આગમન થયું હતું. ઝરમર ઝરમર ટીંપા વરસી રહ્યાં હતાં. એક્દમ માદક અને આહ્લાદક વાતાવરણ હતું. ગાંધીનગરમાં ચારે તરફ વનરાજી ખીલી હતી. સૃષ્ટિ આ આહ્લાદક વાતાવરણનો આનંદ લેતા લેતા આજે ઓફિસ આવવા નીકળી હતી. એની પહેલા જેવીજ અલ્લડતા આજે નિખરી આવી હતી. ઘણા દિવસે આજે એને પહેલાની જેમ આ ઝરમર વરસાદમાં પલળીને ચા પીવાનું મન થઈ આવ્યું હતું. એ ઓફિસની નીચે આવેલી કીટલી ઉપર ચા પીવા માટે રોકાઈ ગઈ અને સાથે પાયલને પણ એણે બોલાવી લીધી.

બંને સખીઓ ચાની ચૂસ્કી અને વાતોની મસ્તી માણી રહી હતી ત્યાંજ એકાએક વરસાદ વધી ગયો. એટલામાં જ એક ૨૮ એક વર્ષનો યુવાન દોડીને પોતાની જાતને પલળતા બચાવવા ચાની કીટલી આગળ આવી ઉભો રહ્યો. આ યુવાનને આમ તો આ બિલ્ડિંગમાં ક્યારેય આવેલો જોયો નહોતો.

સૃષ્ટિની નજર એ યુવાનમાં જાણે અટકી પડી. એના ચહેરા ઉપર પડેલા વરસાદના બિંદુ જાણે હોઠને સ્પર્શવા થનગની રહ્યા હતા. તોય એ આ વાતથી અજાણ હોય એમ ચાની કીટલી વાળા કાકાને Good morning કહીને ચાનો ઓર્ડર આપે છે. એના વર્તન અને દેખાવ ઉપરથી સૃષ્ટિને એ કોઈ સારા ઘરનો લાગ્યો, મનમાં થઈ આવ્યું કે આજના સમયમાં કોણ વળી નાના માણસને માન આપે..!! ચા હાથમાં આવતાજ એ ફરી વરસાદ તરફ ફરી ગયો. એનો આકર્ષક બાંધો અને દાખવેલી શાલીનતા કોઈનેપણ સ્પર્શી જાય એમ હતી. એક હાથમાં ચાને બીજા હાથે એ વરસાદના ફોરા ઝીલી રહ્યો હતો. એની ચાની ચૂસ્કીનો અવાજ સૃષ્ટિ અને પાયલને સંભળાઈ રહ્યો હતો. જાણે કોઈ શું વિચારશે એ વાતથી પરે થઈ પ્રકૃતિનો આનંદ લેવો છે એવાજ વિચાર સાથે એ ચાનો આનંદ લૂંટી રહ્યો હતો.! આટલા વર્ષમાં પહેલીવાર કોઈ પુરુષ માટે સળંગ આટલા વિચારો સૃષ્ટિના મનમાં આવ્યા હતા.

એટલામાં સૃષ્ટિની તન્દ્રા તોડતા પાયલે કહ્યું oye... શું થયું..!? ક્યાં ખોવાઈ ગઈ..!? ચાલ હવે ઓફિસમાં મોડું થશે. છતાં પણ જતાં જતાં એકવાર એ યુવાનને દેખવાનું મન સૃષ્ટિને થઈ આવ્યું. જાણે કોઈ પ્રકૃતિ નિરખી તૃપ્ત થઈ હોય એવા ભાવ સાથે સૃષ્ટિ ઓફિસમાં પાયલ સાથે દાખલ થઈ.

*****

આ યુવાન કોણ છે?
શું એ ફરી સૃષ્ટિને મળશે?
નવો સંકલ્પ એને ક્યાં દોરી જશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED