સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૭ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૭

ભાગ :- ૭

આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે સૃષ્ટિ ગળી બ્લૂ કલરની સાડીમાં એક્દમ અલગ જ લાગી રહી હતી. ઘણા સમય પછી એ આટલી તૈયાર થઈ હતી. સાર્થક પણ આ નવા રૂપને જોઈને છક થઈ ગયો હતો. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...

*****

"વ્યાખ્યા ક્યાં હોય છે આમ તો સુંદરતાની અહીં.!?
જેની સાદગી પણ મનને મોહે એજ સુંદર મારા મન મહીં.!!"

સૃષ્ટિ ગળી બ્લ્યુ કલરની સાડીમાં એટલી મોહક લાગી રહી હતી કે ઓફિસનો આખો સ્ટાફ એને જોઈને વાહ કહી ઉઠયો હતો. આજે તો સાર્થકના મનમાં પણ કાંઈક અલગજ ભાવ ઊભા થઈ રહ્યા હતા. આમપણ ઓફિસમાં કોઈ બીજું કામ તો હતું નહીં એટલે બધા લોકો એકબીજા સાથે વાતો કરવામાં લાગ્યા અને એકબીજા સાથે ફોટા પડાવી આ ક્યારેક જ આવતી ઘડીને કંડારવામાં લાગી ગયા. સૃષ્ટિ અને પાયલે પણ એકબીજા સાથે ઘણા ફોટા પાડ્યા અને પછી પાયલ બીજા સ્ટાફ સાથે ફોટા પડાવવા ગઈ.

સાર્થક જાણે આ જ પળની રાહ જોતો હોય કે ક્યારે સૃષ્ટિ એકલી પડે અને ક્યારે એનો સુંદર સહવાસ મળે એમ તરતજ સૃષ્ટિ પાસે પહોંચી ગયો અને સૃષ્ટિ પણ જાણે મનમાં કાંઈક ધારીને બેઠી હોય એમ સાર્થકને પોતાનો ફોન આપી ફૂલોના કુંડા આગળ પોતાનો ફોટો પાડવાનું કહ્યું. સાર્થક પણ ક્યાં ઓછો હતો, એણે સૃષ્ટિનો ફોન સાઇડ ઉપર મુકતા પોતાના ફોનમાં સારા ફોટા આવે છે એમ કહી ફોટા પાડવાનું ચાલુ કર્યું. સૃષ્ટિ જુદા જુદા પોઝ આપી ફોટા પડાવી રહી હતી, એનું સ્મિત પણ એવું વેરાઈ રહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એ સ્મિતનો હેવાયો થઈ જાય. એ કદાચ કેટલાયે વર્ષો પછી આવું દિલથી હસી રહી હતી અને આ પળો સાર્થક પોતાના કેમેરામાં કંડારી રહ્યો હતો.

"કંડારી લઉં એની છબી આજ હૈયામાં,
ને મઢી લઉં પછી એને જીવનની ફ્રેમમાં.!"

ઓફિસના બધાજ મિત્રો માટે આ એક યાદગાર દિવસ હતો. પણ ખાસ કરીને પાયલ, સાર્થક અને સૃષ્ટિ માટે આ પળો એક્દમ અણમોલ હતી કારણ કે એકબીજાની સાથે રહી નજીક આવી રહ્યાં હતાં એ પણ એક સંજોગ જ હતો. બધાએ સાથે લંચ કર્યું અને પછી છૂટા પડ્યા. પાયલે જ્યારે સૃષ્ટિને કહ્યું કે ચાલ હવે ઘરે જવાનો સમય થયો ત્યારે સૃષ્ટિ વહેતા સમયથી અજાણ હોય એમ એક તરફ બેસી રહી હતી, લાગે જાણે કે એના મનમાં કાંઈક ચાલી રહ્યું હતું. પાયલે એના ખભે હાથ મૂકી રીતસરની એને હલાવી ત્યારે એની તન્દ્રા તૂટી અને પછી બંને જણ ઘરે જવા નીકળ્યા.

ઘરે પહોંચતા જ સૃષ્ટિને ખુશ જોઈ દીકરી મનસ્વી પણ ખુશ થઈ ગઈ. એણે સૃષ્ટિને ફંકશનની બધી વિગતો પૂછી ને પછી બંનેએ સૃષ્ટિએ ઘરે આવતા રસ્તામાંથી લીધેલો હેવમોરનો ચોકો ચિપ આઇસ્ક્રીમ ખાધો. આમતો સૃષ્ટિ અવાર નવાર મનસ્વી માટે કંઇક લાવતીજ રહેતી કારણ કે સૃષ્ટિ માટે એની દુનિયા મનસ્વી જ હતી અને આવી નાની નાની ખુશીઓ જ એમને એકબીજાની વધુ નજીક લાવતા હતા, તો પણ મનસ્વીને આજે મમ્મી અલગ લાગી.! એ અત્યારે ૧૧ સાયન્સમાં હતી એટલે એને થોડી સમજ પડી કે મમ્મીના જીવનમાં કાંઈક નવીજ ખુશી, નવોજ ઉત્સાહ ઉભરાઈ આવ્યો છે, પણ હજુ સુધી એ આ વાતથી અજાણ હતી કે મમ્મીની ખુશીનું સાચું કારણ શું છે.

આજે નિરવ પણ ઘરે હતો, સૃષ્ટિનું આ નવુ રૂપ જોઈ એ પણ અંજાઈ ગયો હતો. પણ હવે આ સમયના વહાણ સાથે નિરવ પણ સૃષ્ટિને જાણે એની જિંદગી જીવવા માટે અડચણ બનવા નહોતો માંગતો. સાંજે સૃષ્ટિએ નિરવની પસંદનું જમવાનું બનાવ્યું અને આજે ઘણા વખત પછી નિરવ, મનસ્વી અને સૃષ્ટિ બધાજ ખુશ હતા. એકબીજા સાથે વર્ષો પછી યાદગાર સમય પસાર કર્યો હતો. સૃષ્ટિ પણ એક અવઢવમાં હતી કે નિરવમાં આટલું પરિવર્તન.! શું એ સાચેજ સાચેજ બદલાઈ રહ્યો છે..!!

આવું બધું વિચારતા સૃષ્ટિ આજે પડખા ફેરવી રહી હતી, રાતના ૧૨ વાગવા છતાં ઊંગ તો જાણે કોસો દૂર હતી. મનસ્વી અને નિરવ તો ક્યારના સૂઈ ગયા હતા. એટલામાં એની આંખો સામે ફરી આજનો આખો ઘટનાક્રમ ચાલી ગયો. સૃષ્ટિને એક્દમ યાદ આવ્યું કે સાર્થકે આજે પાડેલા ફોટા તો મોકલ્યા જ નહીં. મોબાઇલ સામે જોતા જ યાદ આવ્યું કે અરે આજે તો સાંજે ઘરે આવીને નેટ બંધ કર્યું તે કર્યું પછી બધાની સાથે રહેવામાં અને કામમાં મોબાઇલ હાથમાં લીધોજ નથી અને નેટ પણ ચાલુ નથી કર્યું.

સૃષ્ટિએ તરત મોબાઇલનું નેટ ચાલુ કર્યું અને સાર્થકના મોકલેલા ફોટાની વણઝાર લાગી ગઈ. બધાજ ફોટા એકથી એક ચડિયાતા હતા. એક્દમ મોહક અદા અને ગળી બ્લ્યુ કલરની સાડી તો એને ખુબજ સૂટ થઈ રહી હતી. સૃષ્ટિને યાદ આવ્યું કે આ સાડી લાસ્ટ સમય અનુરાધાને મળી ત્યારે એની પાસેથી લીધી હતી. એકજ વારમાં ગમી જતાં એણે અનુરાધા પાસે પહેરવા માગી હતી અને અનુરાધાએ તરતજ આપી દીધી હતી. પણ હવે આ ફોટા જોઈને સૃષ્ટિના મનમાં લાલચ જાગી, હા.... સ્ત્રી સહજ લાલચ કે, "હવે આ સાડી હું રાખું તો.!?" પણ એણે મન ખંખેર્યું અને વિચાર્યું કે અનુરાધાને પૂછી લેશે. બધાજ ફોટા વારંવાર જોયા ત્યાં તો રાતના 1:30 વાગી ગયા હતા. એણે સાર્થકને thank you so much મેસેજ કર્યો અને પાણી પીવા ગઈ.

આવીને જોવે છે તો સાર્થકનો મેસેજ હતો, Most Welcome... એણે તરતજ સાર્થકને મેસેજ કર્યો કે, "કેમ હજુ સૂતો નથી.?"

ત્યાં સાર્થકનો મેસેજ આવ્યો કે, "આજે તો સાચેજ ઊંગ નથી આવતી. ખબર નથી કેમ પણ વારેવારે તારા ફોટોગ્રાફ જોવાનું મન થાય છે.!"

આ વાંચીને સૃષ્ટિ મનોમન ખુશ થતી હતી પણ તોય સંયમ જાળવવો એને યોગ્ય લાગ્યો અને કહ્યું, "હા... હવે... સૂઈ જાઓ સવારે ઓફિસમાં મળું છું."

ત્યાંજ સાર્થકનો મેસેજ આવ્યો, "હા, સૂઈ તો જવું છે પણ લાગે છે કે....
ચાંદની વહેંચાઈ ગઈ આજે બે ભાગમાં, એક આભમાં, એક આપમાં..."
સાચેજ મનમાં આવાજ ભાવ આવી રહ્યા છે.

સૃષ્ટિ પણ અહીં શરમથી લાલ થઈ ઉઠી. જાણે એના મનના તરંગો જીવંત થઈ ઉઠયા. વસંતમાં જેમ નવો ફાલ ખીલી ઉઠે એમ એ ખીલી ઊઠી. ક્યારેય નિરવ પાસેથી આવા કોઈજ શબ્દો સાંભળ્યા નહોતા અને આજે સાર્થક આ કહી રહ્યો હતો. પણ જવાબમાં બસ એટલુંજ કહ્યું કે, "હા... સરસ લાઇન છે.... ક્યાંથી ચોરી.!?"

સામે સાર્થક પણ ઓછો નહોતો એણે પણ કહ્યું કે, "જ્યાંથી પણ ચોરી, પણ સાચેજ મનમાં આજે આવાજ વિચારો આવે છે."

સૃષ્ટિ એક અવઢવમાં પડી અને કહ્યું કે, "Thank you... મારે સૂવું છે." અને good night કહીને સાર્થકના જવાબની રાહ જોયા વિના નેટ બંધ કરી દીધું.

હવે સૃષ્ટિના મનમાં વિચારોનું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. શું એ કઈ ખોટું કરી રહી છે કે ખોટા વિચારો તરફ દોરાઈ રહી છે. આટલા વર્ષો પછી જે ખુશીની પળો આવી હતી એમાં પણ સૃષ્ટિ શું સાચું શું ખોટું એ વિચારોમાં લાગી રહી હતી. એને સાર્થકનું એની પ્રશંશા કરવું ગમ્યું હતું પણ તોય મનના ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક યોગ્ય - અયોગ્યનું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. કેટલાએ વિચારો પછી પણ એ નક્કી ના કરી શકી કે આજનો દિવસ સારો હતો કે ખરાબ અને ફરી આજે એક ટપકું આંખના કિનારેથી સરકી પડયું.

આ તરફ સાર્થક પણ આમ સૃષ્ટિએ એક્દમ ફોન મૂકી કેમ દીધો એના વિચારોમાં પડ્યો હતો. "શું મારાથી કોઈ ભૂલ થઈ કે મેં સૃષ્ટિને દુખી કરી", એ જ વિચારો એને કોરી ખાતાં હતાં. જીવનના દરેક તબક્કે સંઘર્ષ કરવો એ જ આમતો સાર્થકના નસીબમાં હતું અને આ બધા વિચારોમાં એ પણ મોડે સુધી સૂઈ ના શક્યો. આખરે એને થયું કે મારે Sorry કહેવું જોઈએ, "જો સાચેજ સૃષ્ટિને મારી વાતથી ખોટું લાગ્યું હોય તો.!? અને ખાસ મારા અતીત સાથે પણ એને મુલાકાત કરાવી દેવી જોઇએ જેથી ક્યારેય એના મનમાં મારા વિશે ખોટી ધારણા ના બંધાય.." આવું વિચારીને એ ફોનમાં મેસેજ કરવા બેઠો.

"મનમાં જોને આ કેવા અજીબ તરંગો જાગ્યા છે.!?
લાગે છે, જિંદગીએ ઇન્દ્રધનુષ જોડે કોઈ નવા રંગ માંગ્યા છે.!!"

*****

સૃષ્ટિને સાર્થકનું તારીફ કરવું ગમ્યું હતું પણ યોગ્ય અયોગ્યની આ રેખા એને ક્યાં લઈ જશે?
સાર્થક કયા ભૂતકાળની મુલાકાત સૃષ્ટિ સાથે કરાવવા માગે છે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ