પરોઢે પાંચનું સપનું SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરોઢે પાંચનું સપનું

પરોઢે પાંચનું સપનું

“અમે બે જઈ આવશું. વહેલી સવારની ટ્રેઈનમાં ટિકિટ બુક કરીશ.” મેં કહ્યું.

“તારી બેનનું પણ બુકીંગ કરી લે. કોલેજનું તો થઈ રહેશે. એની અત્યારે જ પહેરવા-ઓઢવા, માણવાની ઉંમર છે.” બાએ કહ્યું.

આજે નસીબ સારાં હતાં.

“પાર્ટી થઈ જાય. બા, કન્ફર્મ ટિકિટ મળી.” મેં લેપટોપ શટડાઉન કરતાં મઝાક કરી.

**

બે દિવસ બાદ એક્સપ્રેસ હાઈવે પરથી મારી કારમાં જતાં હતાં. પત્ની વર્ચ્યુઅલ ડ્રાઇવીંગ કરતી બાજુમાં બેઠી હતી. પાંચમાં ગિયરમાં નાખતાં જ કાર પાણીના રેલાની જેમ સરકવા લાગતી. ક્યારેક તો લાગતું- રસ્તો સરકી રહ્યો છે, કાર સ્થિર છે. ટ્રેડમીલ કરતા માણસની જેમ.

પાછલી સીટે બેઠેલી બહેન તો એના ભત્રીજા સાથે તાળી પાડતી ઉછળતી, ગાતી હતી “ઓ ગાડીવાલે ગાડી જલ્દી હાંક રે..” જ્યારે હું 130 ઉપર સ્પીડ લઉં કે કોઈને ઓવરટેક કરું ત્યારે પત્ની “અરે ધીરે ધીરે” કહી ચીસ પાડી ઉઠે. પછી ખુશ થાય.

મેં કહ્યું કે પેલા પ્રસંગમાં આપણી કારમા જ જવું જોઈતું હતું.

પત્ની કહે "ટ્રેઈનમાં સાથે ખાતાંપીતાં, અંતાક્ષરી કે પત્તાં રમતાં ગીતો ગાતાં જઈએ એની અલગ જ મઝા છે. સાત-આઠ કલાકના અંતરે હાઈવે પર ડ્રાઇવિંગ જોખમી તો ખરું. હા એની થ્રિલ અલગ છે. તો પણ."

"સાચું કહે, તને ટ્રેઈન અને કાર એ બેમાંથી કઈ મુસાફરી વધુ ગમે?" મેં એના અંતરાત્માને ઢંઢોળ્યો.

"મને તો કારની મુસાફરી વધુ ગમે.”

મેં મઝાક કરી “એન્જીન ડ્રાઈવરને 'એ બ્રેક માર, ઇ.. મરી ગઈ.. તું તો ઉડવા મંડયો.. અરે પાસ લાઈટ.. શું કરે છે..' એવું બેકસીટ ડ્રાઇવિંગ ન થાય એટલે?”

પત્ની ધબ્બો મારી કહે "એમ તો એમ. મારા રેસિંગ ડ્રાયવર? પણ એટલે દૂર સુધી કાર ડ્રાઇવ કરવાનું આપણે જોખમ નથી લેવું.”

મેં કહ્યું “લોકો વર્લ્ડ ટુર પણ કારમાં કરી આવ્યા છે. હિમ્મતે મરદા તો મદદે ખુદા.”

બહેને અનુમોદન આપ્યું- “હા, ધ્યાન તો રાખવું પડે એની ના નહીં. એ તો શહેરના ટ્રાફિકમાં પણ ક્યાં નથી?”

અમે હસતાં રમતાં ઘેર આવ્યાં.

**

એક દિવસ ઓચિંતો બાનો પૂજા કરતાં વચ્ચેથી અવાજ આવ્યો “હેં ભલા, તમે આવતા અઠવાડિયે વહેલી સવારે જવાનાં?"

મેં હા પાડી.

બાએ વળી પુછ્યું “તો સ્ટેશન જવા ટેક્ષી બુક કરી રાખશો ને?”

મેં કહ્યું “શા માટે? ભગવાને મને કાર આપી છે, ગમે તેવા રસ્તે કે ટ્રાફિકમાં ચલાવવાની આવડત આપી છે, પછી ટેક્ષી કેમ?”

બા કહે “ભાઈ, સ્ટેશને બે દિવસ ગાડી ન મુકાય.”

મેં કહ્યું “એ ગાડી મૂકવું જ સારું રહેશે. વહેલી સવારે ટેક્ષી પણ કહ્યે આવતી નથી. એને બોલાવી ઉચાટ જીવે દોડવા કરતાં કાર દોડાવી જવામાં જોખમ ઓછું રહેશે.”

બાને ચિંતા થાય પણ આપણને આપણા પર શ્રદ્ધા હોય તો કાંઈ વાંધો નહીં. બેધ્યાન રહો તો સાઇકલ પણ ભારે પડે, સંભાળીને રહો તો એરોપ્લેન પણ સહેલું પડે.

બીજે દિવસે બાએ હઠ કરી કે હું કાર લઈ બેન, પત્ની, બાબાને લઈને જાઉં એના કરતાં ટેક્ષી જ કરું. મેં એક-બે વાર સવારે રીક્ષા મેળવવા પ્રયત્ન કરેલો અને છેલ્લી ઘડીએ પોતાનું વાહન લેવું પડેલું એ યાદ અપાવ્યું. હાલ તો વાત પુરી થઈ.

હું સાંજે ઘેર આવ્યો ત્યાં મારી પત્ની કહે કે બા ખુબ ચિંતામાં છે. અમે એમની પાસે ગયાં. બા રડમસ હતાં. ચિંતાનું કારણ પૂછ્યું. એમણે કહ્યું, "મને પરોઢે પાંચ વાગે સપનું આવેલું કે કારમાં તમે બે, બહેન અને બાબો જતાં હતાં, કારને અકસ્માત થયો અને તમે બધાં મરી ગયાં. કહે છે વહેલી સવારનાં સપનાં સાચાં પડે છે."

મેં દિલાસો આપ્યો કે એવું સાચું પડે નહીં.

બા કહે “બીજું કંઈ નહીં ને આવું જ સપનું કેમ આવ્યું? ઠીક. માન ન રાખો તો કાંઈ નહીં. ધ્યાન રાખજો.”

“અરે એમાં માનની વાત ક્યાં આવી? કોઈ મરશે નહીં. વહેલી સવારે નીકળવા અગાઉ દોડાદોડી થઈ છે અને અંતે કાર જ લેવી પડી છે.”

“બા, એના કરતાં તું જ ગાડી ચલાવી મુકી જાય તો?” બહેને ટમકું મુક્યું.

“ચૂપ રહે ચિબાવલી” કહી બા કામે તો લાગ્યાં પણ સપનાંની વાત એના મનમાંથી ખસતી નહોતી.

**

બીજે દિવસે રજા હોઈ અમે સહુ સાથે બહાર જઇ આવ્યાં. બાએ કહ્યું પણ ખરુ, “આ મુઆ રિક્ષાવાળાઓ કરતાં તું ભર ટ્રાફિકમાં પણ સરસ લઇ આવ્યો. બાકી બસવાળા તો એવા ઝટકા મારે કે ન પૂછો વાત.”

મેં કહ્યું “બા, તમે જ સર્ટિફિકેટ આપો છો તો કોઈની તાકાત નથી કે મારી કાર કે એમાં બેઠેલાંનો વાળ પણ વાંકો કરે.”

**

રાત્રે ઓચિંતાં બા બેઠાં થઈ ગયાં. પરસેવે રેબઝેબ. ધમણ જેવું હાંફે. પત્નીએ એમને પાણી આપી સુવાડયાં. બાએ પૂછ્યું “ભલા, કેટલા વાગ્યા છે?” ઘડિયાળમાં જોઈ પત્ની કહે “બા, સુઈ જાઓ. હજી પાંચ વાગ્યા છે.”

બા ઓચિંતાં ઝપ્પ કરતાં ઊભાં. કહે “ઓ મા, સવારનાં સપનાં સાચાં પડે એમ કહેવાય છે. તમે લોકો કારમાં ન જાઓ. મને ફરી સપનું આવ્યું કે તમે કારમાં સ્ટેશન જતાં હતાં અને એક્સિડન્ટ થયો. તમે બધાં મરી ગયાં. ઓ મા, મારો ટચૂકડો નાનકો ગયો, તાજાં ખીલેલાં ફૂલ જેવી દીકરી ગઈ, તું, વહુ, કોઈ ન બચ્યું. હે રામ.. હું નોંધારી થઈ જઈશ. તમારા બાપુ તો છે નહીં. હે અંબામા, આ લોકોને અમર રાખજે. હું તને ચૂંદડી ચડાવીશ.”

મેં એમને સમજાવવા પ્રયત્ન કર્યો. એ ખુબ ડરી ગયેલાં.. સવારે બાએ તો અમારી જન્મતારીખથી પ્રસંગના દિવસ સુધીનાં વરસ ગણ્યાં. ”આ તને થાય 28 વરસ, બેનને 18 વરસ, વહુને 25 વરસ. લો, ભરજુવાનીમાં મરશો. લાબું નહીં જીવો. જેવી ઈશ્વરની મરજી. દરેક ઉપરથી લખાવીને જ આવે છે. વિધાતાએ લખેલું મિથ્યા ન થાય.”

બાએ વર્ષ ઉપર મહિના અને દિવસ કેટલા એ પણ કાગળ-પેન લઈ દાખલો માંડી ગણ્યું. બાનું પ્રાથમિક શાળા કક્ષાએ ગણિત તો સારું હતું.

સાંજે હું ઘેર પહોંચ્યો ત્યાં બહેન કહે કે બાએ તો એની પાસે દિવસો ઉપરાંત કલાક પણ ગણાવેલા. એ કહે કે વરસમાં ઓછું લાગે એટલે કેટલું લાબું જીવ્યાં ગણવા.

હું હસ્યો, “તો મિનિટ, સેકન્ડ પણ ગણો. ખુબ લાં ...બો આંકડો મળશે.”

મેં ફિલોસોફી ઠોકી કે જિંદગીમાં કેટલું જીવ્યા એ કરતાં કેવું જીવ્યા એ મહત્વનું છે.

પત્નીએ હિંમત આપી, "બા, એ વિચાર જ મગજમાંથી કાઢી નાંખો.”

મને વળી થયું કે આમ ચીંતા કરાવ્યા કરતાં ભલે ટેક્ષી બોલાવીએ. શિડયુલ પિકઅપમાં બુક કરાવી લેશું. હવે બા નિરાંતે સુશે એમ માન્યું. પણ બહેન કહે બા તો રાતમાં સફાળાં જાગી જતાં અને અમે કાર અકસ્માતમાં મરી ગયાં એવું સપનું રોજ જોતાં. હવે તો અમે કેટલા વર્ષ, મહિના, દિવસો જીવ્યાં એનું કાગળ જોતાં, ભયભીત થયા કરતાં.

અમારાં ઘરથી સ્ટેશન ખાસ્સું દુર હતું. રિક્ષામાં કે ટેક્ષીમાં જઈએ તો અકસ્માત થશે કે કેમ એનો બા પાસે જવાબ નહોતો પણ વહેલી પરોઢનાં સપનાં સાચાં પડે તો એક્સિડન્ટ થશે અને અમે મરી જશુ એવો એમને સતત ફડકો રહેતો.

**

નિર્ધારિત દિવસે આગલી રાત્રે બુક કરેલી ટેક્ષી માટે સવાચાર વાગે અમે બહાર નીકળ્યાં. પાંચ, દસ, પંદર મિનિટ. ટેક્ષીનું નામ નિશાન નહીં. એને ફોન કર્યો તો કહે “હું નહીં આવું. તમને નવો નં. આવશે.”

વળી અમે બેય હાવરાંબાવરાં થઇ ગયાં અને એ જોઈ બાબો રડારોળ કરવા લાગ્યો. પાંચની તો ટ્રેઈન હતી. મેં ફટાફટ નાછૂટકે કાર કાઢી.

હવે મારે કાર ભગાવવી જરૂરી હતી. પણ કોણ જાણે કેમ બધાં ડરેલાં. બાએ જે બીક બતાવેલી !

વિચારો વસ્તુ જ એવી છે. એક ખોટો વિચાર અનેક સાચા વિચારોનું ખુન કરી ધુમાડાના રાક્ષસની જેમ મોટો ને મોટો આકાર ધારણ કરતો જાય છે.

અમે સ્પીડ લીધી. મેં કાર પાંચમાં ગિયરમાં નાખી. સવારના શાંત રસ્તે કારે સ્પીડ પકડી. જલ્દી પહોંચશું, મેં વિચાર્યુ. ત્યાં મેં ઓચિંતી ઝડપથી કારનું સ્ટિયરિંગ ફેરવી ફુલટર્ન વાળી બ્રેક મારી. બહેને ચીસ નાખી. પત્નીની આમ તો રનીંગ કોમેન્ટ્રી ચાલુ ને ચાલુ જ હોય. આજે એ અર્ધી ઊંઘમાં અને ચુપ હતી. મને કહે શુ થયું? મેં કહ્યું કાળી રાતમાં હૃષ્ટપુષ્ટ કાળી ભેંસ રસ્તાની ધારે બેઠેલી. મકાનના પડછાયામાં છેક નજીક આવતાં દેખાઈ. અથડાતી બચી.

હવે તો મને પણ ડર લાગવા માંડ્યો. યમરાજ પાડો લઈ આવે, એ કાળો જાડો મઝાનો હોય એવી વાતો યાદ આવી. એમાં સંમિશ્રણ બાની વાતોનું. મેં ડરના માર્યા કાર ત્રીજા ગિયરમાં 30ની સ્પીડે જ ચલાવવા માંડી. હું ચાર દિવસ પહેલાં એક્સપ્રેસ હાઇવે પર 130ની સ્પીડે જતો હતો એ વિસરી જ ગયો. ખાલી રસ્તે થોડી સ્પીડ આપોઆપ વધી ગઈ. ત્યાં ફરી ઊંઘવા લાગેલી પત્નીએ 'ઓ..' કરતી ચીસ પાડી અને બહેનનો 'આઉં..' કરતો સિસકારો સંભળાયો. બાબો રડવા લાગ્યો. અમે પટ્ટા વગરના સ્પીડબ્રેકર પરથી ઉછળેલાં. વળી આગળ જતાં ઝડપથી તારવતાં એક થાંભલા સાથે અથડાતાં રહી ગયાં.

સોસાયટીઓ કાકાઓ સાંજે બેસી શકે એવા ઓટલા જેવાં ઉંચા સ્પીડબ્રેકરો રાખે છે! માથું ભટકાયું પણ બચ્યાં.

ફરી કાર સ્ટાર્ટ કરી. મોડું થાતું હતું. હવે સ્પીડ લેવી અત્યંત જરૂરી હતી. હું જીવ પર આવી ચલાવવા લાગ્યો.

ઓચિંતી લાઈટો બંધ થઈ. આટલી વહેલી? સુમસામ રસ્તાઓ, અંધારું ઘોર. કારની લાઈટ પણ અપૂરતી લાગી. હવે તો મને પણ થયું કે બાનું પરોઢનું સપનું સાચું પડી શકે છે. બલ્કે પડશે. અરે મારો બાબો કેટલો નાનો.. કારના વીમાના કાગળો તો કારમાં જ છે પણ અમારા વીમાનું શું? આટલી વહેલી સવારે કોણ સામે જોશે?

ડરનો માર્યો હું હનુમાનચાલીસા જપતાં ડ્રાઇવ કરવા લાગ્યો. શ્રીમતી બાબાને કચ્ચીને પકડી રામનામ જપવા લાગી. ઓચિંતી રામમાંથી સાંઈબાબા પર ચડી ગઈ. હમણાં સાંઈબાબાના સત્સંગોમાં જતી. પેલો રામનામ હાઈવે તો સાંઈબાબા નવો એક્સપ્રેસ હાઈવે! બેન ઊંડા શ્વાસ લેવા લાગી. કારની લાઈટ ફુલ હતી, રસ્તાની લાઈટો પુરતો ઉજાસ આપતી હતી પણ અમારા મગજમાં ભયનું અંધારું છવાઈ ગયું હતું.

મકાનોના પડછાયા ભૂતાવળ જેવા ભાસવા લાગ્યા. વૃક્ષો હાથ ફેલાવી ઉભેલા રાક્ષસો જેવાં અને અંધારું જાણે અમે પૃથ્વીથી યમલોકની યાત્રાએ જતાં હોઈએ એવું લાગ્યું. હવે મને મારા તો ઠીક, બાજુમાં બેઠેલી પત્નીના ધબકારા પણ કદાચ સંભળાવા લાગ્યા.

મને શંકા ગઈ, હું કાર ચલાવું છું કે અમે યમના રથમાં બેઠાં છીએ? ને યમ સેલ્ફડ્રાયવિંગની પણ છૂટ આપે?

મને લાગ્યું, વહેલી સવારનો સુમસામ રસ્તો ટ્રેડમીલની જેમ સરકે છે, કાર સ્થિર છે. તો તો નક્કી અમે યમદ્વાર ભણી જઇ રહ્યાં છીએ. એટલે જ આટલી હળવાશ અનુભવું છું. હવે તો મને મારો શ્વાસ પણ સંભળાતો નથી! મને મારા ધબકારા પણ સાંભળતા નથી. તો તો નક્કી અમે પરલોકની યાત્રાએ જ જઈએ છીએ.

તો અમે મરી કેવી રીતે ગયાં? કાંઈ અથડાયું તો ન હતું. હા એ તો એક જ ક્ષણમાં બને. આપણને ખબરેય ન પડે.

મારી વિચારધારામાં ભંગ પડયો. એક તીવ્ર લાઈટ ફેંકાઈ. આંખો અંજાઈ ગઈ. એક ક્ષણ મને થયું યમલોકનું દ્વાર આવ્યું? આગળ મોટું મકાન હતું. ઠીક તો આ યમલોકનું સ્કાઈવે એન્ડ થવાનું ટોલબુથ હશે. પુણ્યની કમાઈમાંથી થોડો ટેક્સ અહીં ભરવો પડતો હશે. એમાં છુટા મળે? બીજા જન્મમાં જવા રિટર્ન ટિકિટ હશે?

કાન ફાડતી સીટી વાગી. મારી ગતિ વિચારો સાથે થંભી ગઈ. યમદૂત જેવો જ ઊંચો મોટો, કાળો, જાડો, કરડો પોલીસ ટોર્ચ ફેકતો હતો.

“મિસ્ટર, કેટલી સ્પીડે ગાડી દોડાવો છો, એ પણ વનવે માં? ક્યાંક અથડાશો તો યમલોક પહોંચી જશો. મારે ઇનકવેસ્ટ કરવું પડશે. ક્યાં જવું છે? પીયુસી છે, લાયસન્સ છે?” વગેરે પૂછ્યું. મારૂં મોં સૂંઘતાં મેં ઉતાવળમાં બ્રશ કર્યું હોઇ એને મસ્ત સુવાસ આવી. તુરત ઉંહું..' કરી દૂર થઈ ગયો. મને આદેશ આપતો હોય એમ સામે જોયું. ‘ચાયપાની..' મેં નવી બસ્સોની નોટ આપી.

એની આજ તો ઠીક, આખા મહિનાની ચા નીકળી ગઈ.

દૂર લાઇટની હાર દેખાઈ. અમે જીવીએ છીએ અને સ્ટેશનની નજીક છીએ એ વિચારે બધાં ખુશ થઈ ગયાં. મેં વનવેની બહાર નીકળી અંતિમ ટર્ન માર્યો ત્યાં તો 'દીવા બળે એટલે' સ્ટેશન દેખાયું. 'મામો' આજે ખરેખર મીઠો લાગેલો !

સ્ટેશને પહોંચતાં કાર પાર્કિંગ લગભગ ફુલ હતું. જેમતેમ જગ્યા ગોતી. બહેન ભત્રીજાને લબડતો લઈ દોડી. પત્ની સાડીનો છેડો ખોસતી, કછોટો વાળતી દોડી. હું થેલા ને બેગ સાથે દોડયો.

પુલ ઉતરતાં હતાં ત્યાં જ પુલ નીચેથી ઝડપ પકડતી અમારી ગાડીનો છેલ્લો ડબ્બો જોયો. મર્યાં. ગાડી ચૂક્યાં.

પત્ની કહે, "ચાલો કારમાં જતા રહીએ. ટ્રેનમાં કંઈ થવાનું હશે. પાડ માનો ભગવાનનો.”

મારૂં ડરતાં ડરતાં ધીમાં જવું, ભેંસ, સ્પીડબ્રેકર, પોલીસ, બધી રુકાવટોએ ”હમારે લિયે ખેદ હૈ“ કહેતાં અમારી ટ્રેન ચુકાવેલી. અમે પહેલાં બાને ફોન કરવા વિચાર્યું પણ સ્વપ્નાંની વાત યાદ કરી એ છળી મરશે એમ વિચારી માંડી વાળ્યું. બરોબર પરોઢના પાંચ જ વાગ્યા હતા. બીજી સ્લો ટ્રેઈન બે કલાક પછી હતી. બસમાં જઇએ? તો પ્રસંગ પહેલાં ન જ પહોંચાય.

હું ઊંઘતા બાબાનું મોં જોઈ રહેલો. આને છે કાંઈ ચિંતા? લઈ જાય એમ જવાનું.

અરે હા. અમારે પણ ઈશ્વર લઈ જાય એમ જવાનું, કાર? લો બહાર !

રોજ પતિનો પડછાયો બની ફરતી પત્ની સંકટ આવતાં ટોર્ચ બને છે. સામાન્ય સંજોગોમાં ખભા પાછળ રહેતી સ્ત્રી મૂંઝવણમાં ઢાલ બની રહે છે.

“તમે ડરો છો શુ કામ? કાર લઈ લો સાચવીને જશું. સાત કલાક તો છે.”

આખરે મેં કાર કાઢી એક્સપ્રેસ હાઈવેની વાટ પકડી.

થોડા કલાક કોઈને હોશકોશ નહોતા. કદાચ પરોઢનું સપનું સાચું પડશે એ વિચાર હજુ અમારા મનમાં ઘુમરાતો હતો. અકસ્માત થવાનું બાએ કહેલું પણ ક્યાં થશે એ એમને સ્વપ્નમાં આવ્યું ન હતું.

ફરીથી કાર દોડવા લાગી, ટ્રેડમીલની જેમ રસ્તો સરકતો હોય, કાર સ્થિર હોય એમ લાગવા માંડયું.

**

બારેક વાગે અમે મુકામ પહોંચી ગયાં. એ ટ્રેઈનમાં જ બીજે સ્ટેશનેથી ચડનારાં આવી ગયેલાં. ટ્રેઈન ખુબ મોડી પડે, અકસ્માત થઈ રોકકળ મચી જાય. એવું કાંઈ બન્યું નહીં. મહેમાનો મીઠાઈ ખાતા હતા, હું શ્વાસ ખાતો હતો.

તો અમે જીવીએ છીએ. વહેલી સવારના સપનાને વટથી ખોટું પાડીને.

પત્નીએ બાને ફોન કર્યો. અમે સલામત જીવતાં પહોંચી ગયાં, ટ્રેઈન ચુકી જતાં કારમાં જ આવ્યાં એ કહ્યું.

બાએ ધાર્યાથી ઉલ્ટું જ કહ્યું, “મારા દીકરાનું ડ્રાઇવિંગ બહુ જ સરસ છે. એને ક્યારેય એક્સિડન્ટ થાય જ નહીંને!”

!!

“તો તમારું વહેલી સવારનુંસપનું?”

“બધાં સપનાં કોઈનાં પણ સાચાં પડે છે?”

……….