રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 20 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 20

પુલ તૂટ્યો અડધો...
કાળા ઓળા નીકળ્યા ડયુગોંગ પ્રાણી..
____________________________________

વરસાદ બંધ થયો. વીજળીના ચમકારા પણ બંધ થઈ ગયા. એટલે પુલ તરફ જે ધડાકો થયો એ શેનો હશે એ જ્યોર્જ , પીટર , ક્રેટી કે એન્જેલાના સમજમાં ના આવ્યું. ધડાકા સાથે જ પેલા કાળા ઓળાઓની વિચિત્ર મરણ ચીસોએ ટાપુનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. ચીસો એટલી ભયકંર હતી કે કેટલાય સમય સુધી એ ચીસોના પડઘાઓ છેક અલ્સ પહાડની ટેકરીઓની ખીણોમાં ગુંજતા રહ્યા.

"પીટર કદાચ પુલ તૂટી ગયો લાગે છે નહિતર આટલો ભયકંર ધડાકો ના થાય..' જ્યોર્જે બારી બહાર જોતાં કહ્યું.

"ઓહહ.. હજુ નગરનું નિર્માણ માંડ માંડ પતવા આવ્યું છે ત્યાં આ નવું કામ.. પુલ તૂટ્યો હશે તો ફરીથી પુલ બનાવવો જ પડશે.' પીટર નિરાશ અવાજે બોલ્યો.

"હા એ ધડાકો પુલ તૂટવાનો જ છે..' એન્જેલા બોલી.

"કેપ્ટ્ન અને બીજા સાથીદારો પણ પેલા મેદાનના રાજ્યાશનમાં છે.. પુલ તૂટી ગયો હશે તો એ લોકો પણ આ બાજુ નહીં આવી શકે..' ક્રેટી ચિંતિત અવાજે બોલી.

"જે હશે એ સવારે જોયું જશે હમણાં તો ચાલ સૂઈ જઈએ..' જ્યોર્જ ક્રેટી સામેં જોઈને બગાસું ખાતા બોલ્યો.

"હા.. ચાલ..' ક્રેટીએ પણ લાબું બગાસું ખાધું.

જ્યોર્જે ક્રેટીનો હાથ પકડ્યો અને બન્નેને પીટર અને એન્જેલાના શયનખંડમાંથી બહાર નીકળી ગયા. પીટરે એકવાર શયનખંડની બારીમાંથી પુલ તરફ નજર કરી પણ પણ ગાઢ અંધારું હોવાના કારણે કાંઈ જ દેખાતું નહોતું. પુલ તરફથી ઝોમ્બો નદીના વહેણનો અવાજ એના કાનને સ્પર્શી રહ્યો હતો. વીજળીના ચમકારા હવે સાવ બંધ થઈ ગયા હતા.

એન્જેલા પથારીમાંથી ઉભી થઈ અને પીટર પાસે ઉભી રહી બારીમાંથી આવી રહેલો ઠંડો પવન એના બદનમાં આછી ધ્રુજારી ઉત્પ્ન્ન કરતો હતો. આ ઠંડા પવન લહેરો ઉપરથી પીટરને લાગી રહ્યું હતું કે થોડીક વારમાં જરૂર ધીમો વરસાદ શરૂ થશે.

બારી પાસે ઉભેલા પીટરના શરીરને એન્જેલા પાછળથી ભીંસ માં લઈને ઉભી હતી. આ ઠંડા પવનની લહેરો બન્નેના શરીરમાં નવો રોમાંસ જન્માવી રહી હતી. પીટરે હળવેથી બારી બહાર ખેંચાયેલી પોતાની નજર એન્જેલાના મુખકમળ ઉપર સ્થિર કરી. પવનની લહેરોના કારણે એન્જેલાના ગાલ ઉપર વાળની લટો ફરફરી રહી હતી. પીટરે હળવેથી એન્જેલાના ગાલ ઉપર આવેલી વાળની લટોને કાનની પાછળ ખસેડી હોઠ ઉપર ગાઢ ચુંબન આપ્યું. પછી બન્નેને એકબીજાને ભીંસમાં લઈને ગાઢ આલિંગનમાં ડૂબી ગયા. વરસાદના કારણે બહારથી આવી રહેલા દેડકાઓના અવાજો વાતાવરણને ગુંજવી રહ્યા હતા.

સવારે ક્રેટી જાગી. બાજુમાં જ્યોર્જ ગાઢ ઊંઘમાં આરામથી સૂઈ રહ્યો હતો. ઉઠતાં જ ક્રેટીને રાતે બનેલી ઘટનાનું સ્મરણ થયું. બે હાથે દબાવીને માથું પકડી લીધું તેમ છતાં પેલી વિચિત્ર ચીસો એના કાનમાં ગુંજતી રહી. એણે સૂતેલા જ્યોર્જનું શરીર બન્ને હાથે ઢંઢોળ્યું.

"જ્યોર્જ.. ઉઠને.. ' કંટાળાભર્યા અવાજે ક્રેટી બોલી.

એક ઉંહકારો કરીને જ્યોર્જ ફરીથી પડખું ફેરવીને સૂઈ ગયો. ક્રેટીએ ફરીથી જ્યોર્જના શરીર જોરથી હલાવ્યું. ત્યારે માંડ માંડ જ્યોર્જની આંખો ખૂલી. જ્યોર્જે આંખો ખોલીને જોયું તો એની બાજુમાં ચડેલા મોઢે ક્રેટી બેઠી હતી. ક્રેટીના વિખેરાયેલા વાળ એના ચડેલા મોઢાની ભયાનકતામાં વધારો કરી રહ્યા હતા.

"તું ઉઠીશ હવે..' ક્રેટીએ મોંઢા ઉપર બનાવટી ગુસ્સો લાવીને જ્યોર્જને કહ્યું.

"હા.. આ ઉઠ્યો.. પણ આ તારું મોઢું આમ સવાર સવારથી કેમ ચડેલું છે..? જ્યોર્જે પથારીમાં બેઠા થતાં કહ્યું.

"કંઈ નહીં બસ એમજ..' ક્રેટી બોલી.એના મોંઢા ઉપરનો બનાવટી ગુસ્સો હજુ યથાવત હતો.

"ના.. બોલ કંઈક તો છે નહિતર તારું ખુબસૂરત મુખડુ આવી રીતે ચડેલું ના હોય..' જ્યોર્જ ધીમું હસતા બોલ્યો.

"જલ્દી તૈયાર થા..આપણે પુલ જોવા જવુ છે..' ક્રેટી પથારી ઉપરથી ઉભી થતાં બોલી.

"ત્યાં તો જઈએછીએ પણ તું આટલી નારાજ કેમ છે એ તો કહે પહેલા..' જ્યોર્જ ઉભી થતી ક્રેટીનો હાથ પકડતા બોલ્યો.

"કંઈ નહીં મારા કાનમાં હજી પેલા કાળા ઓળાઓની મરણ ચીસો ગુંજી રહી છે.. તું જલ્દી તૈયાર થા ને..આપણે જલ્દી પુલનું શું થયું એ જોઈ આવીએ..' આમ કહીને ક્રેટીએ જોરથી જ્યોર્જનો હાથ ખેંચ્યો.

જ્યોર્જ પથારીમાંથી ઉભો થયો.

"હું જલ્દી તૈયાર થાઉં છું.. તું પણ તૈયાર થઈ જા વ્હાલી પછી આપણે ત્યાં જવા નીકળીએ..' આમ કહીને જ્યોર્જે ક્રેટીના ગાલ હળવી ટપલી મારી.

જ્યોર્જે ટપલી મારી એટલે ક્રેટીના ચડેલા મુખકમળ ઉપર હાસ્યનું મોજું ફરકી ગયું પછી એ જ્યોર્જ સામે જોઈને હસી અને પછી સ્નાન કરવા ચાલી ગઈ. ક્રેટી સ્નાન કરીને આવી ત્યારે જ્યોર્જ તૈયાર થઈને પીટર અને એન્જેલા સાથે ગપ્પા લડાવી રહ્યો હતો. ઝટપટ તૈયાર થઈને ક્રેટી એ ત્રણેય પાસે આવી.

"ચાલો હવે જલ્દી..' ક્રેટી બધા પાસે આવીને બોલી.

"હા.. ચાલો..' એન્જેલા ઉભા થતાં બોલી.

પીટર અને જ્યોર્જ પણ ઉભા થયા પછી ચારેય નીકળી પડ્યા. હજુ તેઓ પુલથી થોડાક દૂર હતા ત્યાં એમણે આદિવાસી મજૂરોને પુલ પાસે ઉભેલા જોયા. ચારેય જણા ઝડપથી પુલ તરફ ચાલ્યા.

"શું થયું..? કેમ બધા અહીંયા ભેગા થયા છો..? જ્યોર્જે એક આદિવાસી મજૂરને પૂછ્યું.

"પુલના આગળના ભાગનો લાકડાનો જથ્થો તૂટી ગયો છે એટલે બધા અહીંયા જોવા માટે ભેગા થયા છે..' આદિવાસી મજુરે જ્યોર્જને માહિતી આપતા કહ્યું.

જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા મજૂરોની ભીડ ચીરીને પુલ તરફ આગળ વધ્યા. ક્રેટી આદિવાસીઓના નગરની રાજકુમારી હતી એટલે બધા મજૂરોએ ક્રેટી , જ્યોર્જ , પીટર અને એન્જેલાને આગળ જવા માટે રસ્તો આપ્યો.

ચારેય પુલ પાસે પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચારેય હેતબાઈ ગયા. પુલ સંપૂર્ણ રીતે તૂટ્યો નહોતો ફક્ત વરસાદના કારણે નદીમાં વધારે પાણી આવવાના કારણે પુલનો આગળનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. અડધા સાંકડા પુલ વડે નદીના બન્ને કિનારા જોડાયેલા હતા.બે વિશાળ લાકડાઓ વચ્ચે એક કાળા મહાકાય પ્રાણીનું શરીર નિષ્પ્રાણ સ્વરૂપે ફસાયેલું પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને ક્રેટીના શરીરમા કમકમાટી પ્રસરી ગઈ.

આ ચારેય જણા આમ તૂટેલા પુલનું નિરીક્ષણ કરી રહ્યા હતા છતાં આ પુલના લાકડા વચ્ચે ફસાયેલા મરી ગયેલા પ્રાણી વિશે કોઈને કશીય ખબર નહોતી.

"જુઓ કેપ્ટ્નતરફ આવી રહ્યા છે..' ક્રેટીએ સાંકડા પુલ ઉપરથી સામેના કિનારાથી આ તરફ આવી રહેલા કેપ્ટ્ન તરફ બધાનું ધ્યાન દોર્યું.

બધાએ એ તરફ જોયું તો કેપ્ટ્ન , પ્રોફેસર , ફિડલ , જોન્સન અને રોકી આ તરફ આવી રહ્યા હતા.

"અરે આ તો ડ્યુગોંગ છે.. પણ આ અહીં કેવીરીતે ફસાઈને મર્યું..? આ બાજુના કિનારા પાસે આવતા જ પુલના બે લાકડા વચ્ચે ફસાયેલા પ્રાણીને જોઈને કેપ્ટ્ન બોલી ઉઠ્યા.

"ઓહહ.. તો આ છે ડયુગોંગ.. પેલા મોટા પગલાં વાળું જેનો પીછો કરતા કરતા તમે અલ્સ પહાડની સૌથી ઊંચી ટેકરી અને પેલા પથ્થરના પુલ ઉપર ગયા હતા..' કેપ્ટ્નની વાત સાંભળીને પીટર બે લાકડાઓ વચ્ચે ફસાઈને મરી ગયેલા ડયુગોંગ તરફ જોતાં બોલ્યો.

"હા એજ.. પણ એ અહીંયા કેવીરીતે ફસાયું..? કેપ્ટ્ને ફરીથી સવાલ કર્યો.

પછી જ્યોર્જે કેપ્ટ્ન અને સાથીદારોને રાતે એમને પુલ ઉપર જેમ કાળા ઓળાઓ દેખાયા હતા ત્યાંથી માંડીને પુલ તૂટવાનો ધડાકો થયો ત્યાં સુધીની વાત કહી સંભળાવી.

"ઓહહ તો એમાં વાત છે..' જ્યોર્જની વાત ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી કેપ્ટ્ન બોલ્યા.

"હા.. અમે તો રાતે આ કાળા ઓળાઓ જોઈને ડરી જ ગયા હતા..' ક્રેટી શરમાતા બોલી.

"અરે એમનાથી ડરવાની જરૂર નથી આ પ્રાણી સાવ ભોળા હોય છે ક્યારેય કોઈને નડતર રૂપ થતાં નથી..પણ..' કેપ્ટ્ન આટલું બોલીને અટક્યા.

"પણ શું..? કેપ્ટ્નને અટકેલા જોઈને ક્રેટી અધિરાઈથી બોલી.

"પણ આ પ્રાણી ક્યારેક ઊંઘેલા માણસોને ખબર પણ ના પડે એ રીતે ઉપાડી જાય છે..' કેપ્ટ્ન બોલ્યા. અને પછી જોન્સન , પ્રોફેસર અને ફિડલ સામે જોઈને હસ્યાં. કારણ કે આજ ટાપુ ઉપર એકવાર ડયુગોંગ પ્રાણી પ્રોફેસર , ફિડલ અને જોન્સનને ઉપાડી ગયું હતું અને પછી છેક અલ્સ પહાડની સૌથી ઊંચી ટેકરીની એક શીલા ઉપર મુક્યા હતા. કેપ્ટ્નની વાતનો મર્મ સમજી જતાં પ્રોફેસર પણ હસી પડ્યા.

"તો એકવાર.. પ્રોફેસર , ફિડલ અને જોન્સનને ઉપાડી જનાર ડયુગોંગ પ્રાણી જ હતું..? એન્જેલાએ પ્રશ્ન કર્યો.

"હા અમને ઉપાડી તો ગયું પણ અમને ખબર પણ પડવા ન દીધી અને અમે છેક સવારે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમે કોઈક બીજી જગ્યાએ છીએ..' ફિડલ હસતા બોલ્યો.

ફિડલની વાત સાંભળીને બધા હસી પડ્યા.

"ચાલો હવે આમ બેસી રહીશું તો નહીં પોસાય..' કેપ્ટ્ન બધા સામે જોતાં બોલ્યા.

"તો શું કરીએ..' જોન્સન કેપ્ટ્ન સામે જોઈને બોલ્યો.

"પુલનું સમારકામ તો કરવું જ પડશે ને..' કેપ્ટ્ન બોલ્યા.

"હા.. પુલનું સમારકામ કરી લઈએ કારણ કે આવતી કાલે રાજા માર્જીયશ અને રાજયોગી વિલ્સન આ નગર રચના જોવા માટે અવવાના છે..' જ્યોર્જ બધા સામે જોઈને બોલ્યો.

"તો પછી ચાલો આજે આખોદિવસ મથીને પુલને તો ઠીક કરી દઈએ..' પ્રોફેસર ઉભા થતાં બોલ્યા.

બધા ઉભા થયા અને આદિવાસી મજૂરોને એકઠા કરી જંગલમાંથી મજબૂત લાકડાઓ લાવવા માટે મોકલ્યા. પીટર જોન્સન અને રોકી પણ એમની સાથે મજબૂત લાકડા લેવા માટે ગયા. બધા કામે લાગ્યા. અમૂક આદિવાસી મજૂરોએ પુલના બે લાકડાઓ વચ્ચે ફસાયેલું મહાકાય ડયુગોંગ પ્રાણીનું શરીર મહા મહેનતે બહાર કાઢ્યું અને પછી કિનારા પાસેની જમીનમાં દફનાવી દીધું.

કેપ્ટ્ન , જ્યોર્જ , પીટર , ફિડલ અને પ્રોફેસર પુલના તૂટેલા લાકડાઓને સરખી રીતે કરવા લાગ્યા. ક્રેટી અને એન્જેલા કિનારા પાસે બેઠી બેઠી આ લોકો જે કામ કરી રહ્યા હતા એ ધ્યાન પૂર્વક જોઈ રહી.

"એન્જેલા કાલે પિતાજી આવવાના છે.. જોજે તેઓ આ બધી કામગીરી જોઈને ખુબ ખુશ થઈ જશે..' ક્રેટી એન્જેલા સામે જોઈને હર્ષિત અવાજે બોલી.

"હા.. આ લોકોની કામગીરી જ એવી છે જેનાથી ગમે તે હોય પ્રસન્ન થઈ જાય..' એન્જેલા પણ આનંદિત સ્વરે બોલી.

"હવે કોઈ પણ અડચણ વગર અપણા બન્નેના લગ્ન જ્યોર્જ અને પીટર સાથે થઈ જ જશે..' ક્રેટીના અવાજમાં હર્ષ છલકાતો હતો.

ક્રેટી અને એન્જેલા આમ વાતો કરતી હતી ત્યાં એક આદિવાસી મજૂર દોડતો દોડતો આવ્યો.

"રાજકુમારી જંગલ તરફના કિનારે ત્રણ ચાર ડયુગોંગ પ્રાણીઓ મરેલા પડ્યા છે..' ક્રેટી સામે માથું ઝુકાવીને આદિવાસી મજૂર બોલ્યો.

"ઓહહ.. ત્રણ ચાર ત્યાં મરેલા પડ્યા છે ..' ક્રેટી દુઃખી અવાજે બોલી.

"હા મેદાન પુરુ કરીને નદી જંગલમા પ્રવેશે છે એ કિનારા ઉપર પડ્યા છે..' પેલા આદિવાસી મજુરે આગળ માહિતી આપતા કહ્યું.

"ઓહહ.. તો તું એક કામ કર તારી સાથે ચાર પાંચ માણસોને લઈ જા અને એ બધા ડયુગોંગ પ્રાણીઓને ત્યાં જ દફનાવી દો..' ક્રેટીએ એ મજૂર સામે જોતાં કહ્યું.

"જી રાજકુમારી..' પેલો આદિવાસી મજૂર ક્રેટી સામે માથું ઝુકાવીને ચાલ્યો ગયો

"બિચારા ડયુગોંગ..' આદિવાસી મજુર ચાલ્યા ગયા પછી એન્જેલા પણ દુઃખી અવાજે બોલી.

પુલનું સમારકામ પુરા જોશમાં ચાલી રહ્યું હતું. બધા ખંતપૂર્વક કામ કરી રહ્યા હતા. સૂર્ય હવે માથા ઉપર આવી ગયો હતો એટલે બધાએ જમવું જરૂરી હતું. સવારથી બધા પુલના સમારકામમા મથી રહ્યા હતા એટલે થાક પાન લાગ્યો હતો અને બધાને થોડાંક આરામની પણ જરૂર હતી. ફિડલ કંદમૂળ વગેરે લઈ આવ્યો ક્રેટી અને એન્જેલા જમવાનું તૈયાર કરવા લાગી.

"ભાભી.. આ અમારું બનાવેલું નગર તો તમારા પિતાજીને ગમશે કે નહીં..? ફિડલે હસતા હસતા પૂછ્યું.

"અરે કેમ નહીં ગમે.. કેટલી સુંદર નગર રચના છે..અમારા જુના નગર કરતા તો અનેક ઘણું મસ્ત આ નગર તમારા બધાની મહેનતથી ઉભું થયું છે..' ક્રેટીએ બધાની મહેનતને બિરદાવતા કહ્યું. ક્રેટીના અવાજમાં કેપ્ટ્ન અને સાથીદારો માટે નો આદર છલકાતો હતો.

ભોજન તૈયાર થયા પછી બધાએ આરામથી જમી લીધું આજે બનાવેલા ભોજનમાં અલગ જ સ્વાદનો આસ્વાદ સૌને
માણવા મળ્યો કારણ કે આજે ક્રેટી અને એન્જેલાએ સાચા દિલથી ભોજન તૈયાર કર્યું હતું.

પુલનું સમારકામ હવે થોડુંક જ બાકી હોવાના કારણે બધાએ સૂર્ય છેક પશ્ચિમમાં ઢળ્યો ત્યાં સુધી આરામ કર્યો પછી બધા ઉઠ્યા અને કામે વળગ્યા. મજબૂત લાકડાઓ જોડીને સાંજ સુધીમાં તો બધાએ ફરીથી ઝોમ્બો નદી ઉપર ખુબ જ સુંદર પુલનું નિર્માણ કરી નાખ્યું. આ વખતે ખુબ મહેનતથી સુંદર અને ભવ્ય પુલનું નિર્માણ કર્યું હતું.

"આજે તો બહુજ ખુશ દેખાય છે..? સાંજે સૂતી વખતે જ્યોર્જે ક્રેટીને પોતાના આલિંગનમાં ઝકડીને પૂછ્યું.

"હા આજે બહુજ ખુશ છું હું..' ક્રેટી જ્યોર્જના ગાલ ઉપર ચુંબન કરતા બોલી.

"ઓહ..કેમ આટલી બધી ખુશ છે આજે સવારે તો બહુજ નારાજ હતી તું..' જ્યોર્જે ક્રેટીના ગાલ ઉપર હળવી ટપલી મારતા કહ્યું.

"કહું તને.. હું કેમ ખુશ છું એનું કારણ..? ક્રેટી બોલી.

"હવે જલ્દી કહી દે.. લલચાવીસ નહીં મને..' જ્યોર્જ હસતા હસતા બોલ્યો.

"કાલે પિતાજી આવવાના છે.. તમારી આટલી સુંદર કામગીરી જોઈએખુશ ખુશ થઈ જશે. એ વાતનું સ્મરણ થતાં મારું મન ઉમંગોથી છલકાઈ જાય છે..' ક્રેટી જ્યોર્જને આલિંગનમાં જક્ડતા બોલી.

"જો તારા પિતાજી હવે પણ ખુશ નહીં થાય તો હું તને લઈને આ જંગલમાં દૂર ભાગી જઈશ..' જ્યોર્જ મુક્તમને હસી પડતા બોલ્યો. જ્યોર્જની વાત સાંભળીને ક્રેટી પણ જોરથી હસી પડી એમના હસવાના અવાજો એમના શયનખંડમાં પડઘાઈ રહ્યા.

"ક્રેટી.. જો તારા પિતાજી ના પાડી દે આપણા લગ્નની તો તું શું કરે..? જ્યોર્જે હસવું રોકીને પ્રશ્ન કર્યો.

"હું તો કંઈ ના કરું પણ તું મને લઈને જરૂર આ જંગલમાં ભાગી જાય..' આમ કહીને ક્રેટી ફરીથી જોરથી હસી પડી.
ક્રેટીની વાત સાંભળીને જ્યોર્જ પણ ખડખડાટ હસી પડ્યો.

બન્ને ઘણીવાર સુધી હસતા રહ્યા. પછી એકબીજાને આલિંગનમાં લઈને સૂઈ ગયા. આખા દિવસથી થાકેલા પીટર અને એન્જેલા પણ એમના શયનખંડમાં સૂઈ ગયા કેપ્ટ્ન અને એમના સાથીદારો પણ બીજા મેદાનમાં બનાવેલા રાજ્યાશનના કક્ષમાં સૂઈ ગયા.બીજા દિવસે સવારે વહેલા ઉઠવાનું હતું કારણ કે રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન નવા નગર મની મુલાકાતે આવવાના હતા

સવાર પડી બધા ઉઠ્યા. સવારની બધી ક્રિયાઓ પત્યા બાદ બધા રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સનના સ્વાગત માટેની તૈયારી કરવા લાગ્યા. થોડીવારમાં નગરજનો સાથે રાજા માર્જીયશ પણ આવી પહોંચ્યા. ક્રેટીએ બાકીના સાથિયોનો રાજા માર્જીયશ સાથે પરિચય કરાવ્યો.
જયારે રાજા માર્જીયશે કેપ્ટ્નને જોયા ત્યારે એમના મોંઢા માંથી શબ્દો નીકળી પડ્યા.

"ક્લિન્ટ દેવ...' રાજા માર્જીયશ મોંઢામાંથી શબ્દો સરી પડ્યા.

"ક્લિન્ટન દેવ..? અહીંયા. ..? રાજ્ય યોગી વિલ્સન બોલી ઉઠ્યા એમના અવાજમાં અચરજ હતો

"ક્રેટી પેલો પુરુષ કોણ છે..? રાજા માર્જીયશે આંગળી ક્રેટીને પૂછ્યું.

"એ છે...' ક્રેટી અટકી.

"કોણ છે એ..? રાજા માર્જીયશે ફરીથી પૂછ્યું.

(ક્રમશ.)