રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 18 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 18

ગુફામાંથી મળ્યો ચળકતો હીરો..


પીટરની યુક્તિએ કાઢ્યા બધાને ગુફા બહાર..
_______________________________________


"ઓહહ.. કંઈક ચળકતી વસ્તુ હોય એવું લાગી રહ્યું છે..' જ્યોર્જે બતાવેલી દિશામાં ધ્યાનપૂર્વક જોતાં કેપ્ટ્ન બોલ્યા.


"હા.. કંઈક ચળકે તો છે..' પ્રોફેસરે એ દિશામાં આંખો જીણી કરીને જોતાં કહ્યું.


"શું હશે એ..' એન્જેલા એ તરફ જોઈને પ્રશ્ન કર્યો.


ગુફામાં ઝાંખું અજવાળું હતું. બધા દૂર દેખાઈ રહેલી ચળકતી વસ્તુ વિશે તર્કો-વિતર્કો કરી રહ્યા હતા.


બધાના મોંઢા ઉપર એક જ પ્રશ્ન હતો કે એ ચળકતી વસ્તુ શું હશે..? ગુફામાં સતત ચાર કલાક ચાલ્યા બાદ કેપ્ટ્નનો ઈરાદો અહીંયાથી પાછા વળવાનો હતો પછી અંત સમયે જ્યોર્જે બધાને આ ચળકતી વસ્તુ બતાવી એટલે એ ચળકતી વસ્તુ શું હશે.? એ જાણવા માટે બધાએ પાછા વળવાનો વિચાર પડ્તો મુક્યો.


"ચાલો જોઈએ તો ખરા.. ત્યાં જઈને..' રોકી બધા સામે જોઈને બોલ્યો.


"હા.. ચાલો..' કેપ્ટ્ને સંમતિ આપી.


બધા એ તરફ ચાલવા લાગ્યા. દૂરથી આ વસ્તુ બિંદુવત દેખાઈ રહી હતી. જેમ જેમ બધા આગળ વધવા લાગ્યા એમ


એમ એ બિંદુવત વસ્તુનો પ્રકાશ થોડો થોડો વધવા લાગ્યો. આ જોઈને બધા ઝડપથી ચાલવા લાગ્યા. કારણ કે એ ચળકતી વસ્તુ શું હશે એ જાણવા માટે સૌના મન ઉત્સાહિત હતા. કેપ્ટ્ન સૌથી મોખરે ચાલી રહ્યા હતા. ધીમે-ધીમે ગુફામાં પ્રકાશ વધવા લાગ્યો. અહીંયા ગુફા સાંકડી થતી જતી હતી એટલે ગુફાની ઉપરની દીવાલે બધાના માથા ભિટકાતા હતા. તેથી બધા નીચા નમીને ચાલતા હતા.


જેમ-જેમ પેલી વસ્તુ નજીક આવવા લાગી એમ એમ પ્રકાશ વધવા લાગ્યો. હવે એ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. એ વસ્તુનું કદ મુઠ્ઠીમાં સમાઈ જાય એટલું હતું. એ વસ્તુનો પ્રકાશ હવે આંખોને આંજતો હતો.


"હીરો...' એ વસ્તુથી થોડાંક દૂર રહ્યા ત્યારે કેપ્ટ્નના મુખમાંથી શબ્દો સરી પડ્યા.


"હીરો છે..' ક્રેટી અને એન્જેલા સિવાયના બધાના મોંઢામાંથી આ વાક્ય નીકળી ગયું.


ક્રેટી અને એન્જેલા બધાના મુખ સામે અચંબિત નજરે તાકી રહી. કારણ કે કેપ્ટ્ન , પ્રોફેસર , જ્યોર્જ , પીટર , રોકી , જોન્સન આ ચળકતી વસ્તુને હીરો કહી રહ્યા હતા. અને એન્જેલા તથા ક્રેટી આ ટાપુ ઉપરની રહેવાસી હતી એટલે એમને ખબર નહોતી કે આ ચળકતા પથ્થરને હીરો કહેવાય.


જ્યોર્જ ક્રેટી અને એન્જેલાની મુખ ઉપરની મૂંઝવણ સમજી ગયો.


"ક્રેટી.. આ ચળકતી વસ્તુને હીરો કહેવાય..' જ્યોર્જે હસીને ક્રેટી તેમજ એન્જેલા સામે જોઈને કહ્યું.


બધા હવે એ ચળકતી વસ્તુ પાસે પહોંચી ગયા હતા. એ ચળકતી વસ્તુ હીરો હતી. અને બધા એની આજુબાજુ ઉભા રહીને ધ્યાનપૂર્વક એ હીરાને નિહાળી રહ્યા હતા.


"કેપ્ટ્ન.. અહીંયા જુઓ ગુફાના ઉપર ભાગમાં નાનકડું છિદ્ર છે ત્યાંથી સૂર્યપ્રકાશ આવીને આ હીરા ઉપર પડી રહ્યો છે એટલે આ હીરો ચમકી રહ્યો છે..' રોકીએ ગુફાની ઉપરની દીવાલમાંના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશ તરફ બધાનું ધ્યાન દોર્યું.


"ઓહહ.. સૂર્યપ્રકાશના કારણે આ હીરો આટલો બધો ચળકી રહ્યો છે..' આમ કહીને કેપ્ટ્ને હીરાને પોતાના હાથમાં ઉઠાવ્યો.


જેવો કેપ્ટ્ને હીરાને ઉઠાવ્યો ત્યાં તો ગુફામાં આછું અંધારું છવાઈ ગયું. કારણ કે જે છિદ્રમાંથી સૂર્યપ્રકાશના થોડાક કિરણો આવી રહ્યા હતા એ આ હીરા ઉપર પડી રહ્યા નહોતા.


પછી કેપ્ટ્ને ફરીથી એ હીરાને એની જગ્યાએ મૂકી દીધો. છિદ્ર માંથી આવી રહેલા સૂર્યના કિરણો ફરીથી હીરા ઉપર પડવાથી હીરો ઝળહળી ઉઠ્યો અને ફરીથી ગુફામાં પુન:પ્રકાશ ફેલાઈ ગયો.


બધા ત્યાં બેઠા.


"કેપ્ટ્ન હવે..આગળ વધવું છે કે પછી આ હીરો લઈને અહીંયાથી પાછુ ફરવું છે..? પ્રોફેસર કેપ્ટ્ન સામે જોઈને બોલ્યા.


"હવે પાછા વળવામાં કોઈ સાર નથી. કારણ કે આપણે ચાર કલાક ચાલીને અહીંયા પહોંચ્યા છીએ.. પાછા જઈશું એટલે બીજા ચાર કલાક નીકળી જશે..' કેપ્ટ્ન વિચારની મુદ્રામાં બોલ્યા.


"તો.. પછી આગળ વધીએ..?? રોકીએ કેપ્ટ્ન સામે જોઈને પ્રશ્ન કર્યો.


"હા.. કારણ કે ગુફામાંથી હવે જલ્દી આપણે બહાર નીકળી શકીશું..' કેપ્ટ્નને બધા સામે જોઈને કહ્યું.


"ઝડપથી બહાર.. નીકળી જઈશું..એ કેવીરીતે..? આપણને ખબર જ નથી કે આ ગુફાનો અંત ક્યાં થાય છે.. તો પછી તમે કેવીરીતે કહી શકો છો કે આપણે ગુફામાંથી જલ્દી બહાર નીકળી જઈશું..? જોન્સન પોતાની શંકા વ્યક્ત કરતા બોલ્યો.


"સાંભળો બધા..' કેપ્ટ્ન બધા સામે જોઈને બોલ્યા. બધાએ કેપ્ટ્ન સામે જોયું એટલે કેપ્ટ્ન આગળ બોલ્યા "જુઓ.. આ હીરો આપણને અહીંયાથી મળ્યો છે એટલે જરૂર આજુબાજુમાં જ કોઈક સમુદ્ર અથવા મોટી નદી હશે.. કારણ કે આ હીરાની બનાવટ ઉપરથી મને લાગી રહ્યું છે કે આ હીરો કોઈક સમુદ્ર અથવા નદીમાંથી અહીં ખેંચાઈ આવ્યો હશે..' કેપ્ટ્ને પોતાની વાત પુરી કરી અને બધા સામે જોયું.


"પણ આ હીરો અહીંયા કેવીરીતે પહોંચ્યો હશે..? રોકીના મનમાં ફરીથી શંકાનો કિડો સળવળ્યો એટલે એ પૂછી બેઠો.


"કદાચ વર્ષો પહેલા આ ગુફામાં સમુદ્ર કે નદીનું પાણી ઘૂસી આવ્યું હોય તો આવી શકે..' કેપ્ટ્ન થોડુંક વિચારીને બોલ્યા.


પણ હજુ બધાના મોંઢા ઉપર આગળ જવા બાબતે શંકા છવાયેલી હતી. કેપ્ટ્ન અને જ્યોર્જ સિવાય બાકીના બધા આગળ વધવું કે નહીં એની દ્વિધામાં હતા. કારણ કે બધા આગળ તો નીકળી પડે પણ સાંજે ભોજન માટે તેમની પાસે કંઈ જ નહોતું. જો આ ગુફાનો છેડો જ ના આવે તો બધા અંદર જ ભૂખથી પીડાઈને મરી જાય.


"મારી પાસે એક ઉપાય છે..' ચૂપ બેઠેલો પીટર બોલ્યો.


"ઉપાય છે.. તો બોલને.. શું કરવું જોઈએ આપણે..? કેપ્ટ્ન આશાભરી નજરે પીટર સામે જોઈને બોલ્યા.


જ્યોર્જ , ક્રેટી અને એન્જેલાના મોંઢા ઉપર પણ થોડીક ચમક આવી કારણ કે આગળ પણ પીટરે એની યુક્તિઓ વડે ઘણી સમસ્યાઓનો હલ કરી નાખ્યો હતો.


પીટર થોડીવાર આ હીરા સામે તાકીને બેસી રહ્યો પછી.. એણે સૂર્યના કિરણો જેમ છિદ્રમાંથી આવતા હતા એ તરફ જોયું. બધાના મોંઢા ઉપર ઇંતજાર હતો કે પીટર કયો ઉપાય સુચવશે બધા પીટરના મોંઢા સામે તાકી રહ્યા હતા.


"પીટર હવે બોલ તો ખરો.. શું ઉપાય છે તારી પાસે આપણે શું કરવું જોઈએ..? રોકી ઉતાવળથી બોલી ઉઠ્યો.


"કેપ્ટ્ન આ આ દીવાલની જાડાઈ કેટલી હશે..?? પીટરે ઉભા થઈ સૂર્યપ્રકાશ જ્યાંથી આવતો હતો એ છિદ્ર પાસે હાથ રાખીને બોલ્યો.


"અંદર આવી રહેલા સૂર્યપ્રકાશને જોતાં લાગી રહ્યું છે કે કદાચ ત્રણ ચાર ફૂટની જાડાઈ હશે..' કેપ્ટ્ન ઉભા થયા અને ગુફાની ઉપરની દીવાલ પાસે હાથ રાખીને બોલ્યા.


"આપણે આને તોડી પાડીએ તો..' પીટરે બધા સામે જોઈને દ્રઢ અવાજે કહ્યું.


"શું.. કહ્યું.. આ દીવાલ તોડી પાડીએ.. અરે પીટરપથ્થર તો જો કેટલા સખત અને મજબૂત છે.. મને તો નથી લાગતું કે આ દીવાલ તૂટી શકે..' રોકી નીરસ અવાજે બોલ્યો.


"અને આપણી પાસે મજબૂત હથિયાર પણ નથી જેના સહારે આપણે આ કામ પુરુ પાડી શકીએ..' જોન્સન પણ નિરાશ થતાં બોલ્યો.


"આના સિવાય બીજો કોઈ ઉપાય નથી..? એન્જેલાએ પીટર સામે જોઈને કહ્યું.


"ના.. પણ મને લાગી રહ્યું છે કે જો આપણે પ્રયત્ન કરીએ તો જરૂર દીવાલ તોડી પાડીશું..' પીટરે કહ્યું.


પીટરના અવાજમાં દ્રઢતા અને મક્કમતા હતી. એના વિચારો એ બધાને વિચારતા કરી મુક્યા. બધાના મનમાં હવે બસ એક જ પ્રશ્ન ઘૂમરાતો હતો કે દીવાલ તુટશે કે નહીં..?


"જુઓ પીટરની વાતમાં મને તથ્ય લાગી રહ્યું છે.. અને જો એની યુક્તિ સફળ થઈ જાય તો આપણને આ ગુફામાંથી છુટકારો મળી જાય..' વિચારમાંથી બહાર આવી પ્રોફેસર બધા સામે જોઈને બોલ્યા.


"પણ પ્રોફેસર આપણી પાસે કોઈ હથિયાર તો છે જ નહીં.. તો પછી આ દીવાલને તોડવી કેવીરીતે ?? રોકીએ મુદ્દાનો પ્રશ્ન કર્યો..


બધા ફરીથી વિચારે ચડ્યા કારણ કે દીવાલની જાડાઈ ભલે ત્રણ ચાર ફૂટ જ હોય પરંતુ એને તોડવા માટે મજબૂત હથિયારની જરૂર પડે. જે એમની પાસે હતું જ નહીં.


"જુઓ બેસી રહેવાથી કંઈ જ નહીં વળે.. અહીંયા લાંબા અને અણીદાર પથ્થરો તો પડ્યા જ છે..તો ચાલો એના વડે પ્રયત્ન કરીએ..' જ્યોર્જ ઉભા થતાં બોલ્યો અને થોડેક દૂર પડેલા એક મજબૂત પથ્થરને ઉઠાવ્યો.


જ્યોર્જને ઉભો થયેલો જોઈને બધામાં હિંમત આવી. બધા ઉભા થયા. જ્યોર્જે એ પથ્થર વડે જ્યાં છિદ્ર હતું ત્યાં ઘા કર્યો. દીવાલ સાથે પથ્થર અથડાતા તણખા ઝર્યા. બધા થોડાક પાછળ ખસ્યા અને જ્યોર્જ દીવાલ સાથે લાંબા અણીદાર પથ્થર વડે ઘા કરતો હતો એ ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. જ્યોર્જ જોશમાં હતો એટલે રોકાયા વગર ઘા કર્યે જતો હતો. કેપ્ટ્ને નીચે પડેલો હીરો ઉઠાવી લીધો. દીવાલના પથ્થરો મજબૂતાઈ ગજબની હતી જ્યોર્જ માંડ માંડ થોડુંક તોડી શક્યો.


જ્યોર્જ થાક્યો એટલે પીટર કામે લાગ્યો. પણ પીટર કુનેહથી ઘા કરતો હતો જેથી દીવાલના પથ્થર ધીમે-ધીમે કાંકરી સ્વરૂપે તૂટીને નીચે પડ્તો હતો. વધારે બળથી ઘા કરવાથી ક્યારેક નાની કાંકરીઓ પણ આંખોમાં પડી જતી હતી. તેમ છતાં થાક્યા વિના પીટર દીવાલ તોડી રહ્યો હતો. ક્રેટી અને એન્જેલા દૂર બેઠી બેઠી દીવાલ તોડવાના આ અજીબ કામને કુતુહલતા પૂર્વક જોઈ રહી હતી. ફિડલને તીર વાગ્યું હતું એટલે એ હજુ વેલાઓના બનાવેલા ઝોળામાં સૂતો હતો હતો. સૂતો સૂતો પણ પીટર બધા સાથીઓનો ઉત્સાહ વધારી રહ્યો હતો.


"ઓહહ..' પીટરના મોંઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ અને એના હાથમાં રહેલો અણીદાર પથ્થર હાથમાંથી નીચે પડી ગયો. પીટર ત્યાં જ હાથ પકડીને બેસી ગયો. કારણ કે દીવાલ ઉપર એણે પુરી તાકાતથી ઘા કર્યો હતો એટલે દીવાલમાંથી પથ્થરનો મોટો હિસ્સો તૂટીને જ્યોર્જના જમણા હાથ સાથે અથડાયો. અને જ્યોર્જના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. ગુફામાં આછું અંધારું હતું એટલે બધાને આ વાતની ઝડપથી ખબર પડી નહી.. પણ પીટર જેવો હાથ પકડીને નીચે બેસી ગયો ત્યારે બધા દોડીને એની આજુબાજુ વીંટળાઈ વળ્યાં.


"અરે કેટલું બધું લોહી વહી રહ્યું છે..' પીટરના હાથની આંગળીઓમાંથી વહેતા લોહીને જોઈને એન્જેલા ફાટી આંખે અને રડમસ અવાજે બોલી ઉઠી.


"ઓહહ. લે આ વીંટાળી દે ઝડપથી આંગળીઓ ઉપર..' પીટરની આંગળીઓમાંથી વહેતુ લોહી જોઈને ક્રેટી બોલી અને એણે ઝડપથી એના કપડાંનો છેડો ફાડીને એન્જેલાને આપ્યો.


પીટર વેદનાના કારણે આંખો મીંચી અને હોઠ ભીડીને બેઠો હતો. કેપ્ટ્ન અને જ્યોર્જે પીટરનો હાથ પકડ્યો અને એન્જેલા એ ક્રેટીએ જે કપડું આપ્યું હતું એ ઝડપથી પીટરની આંગળી ઓ ઉપર વીંટાળી દીધું. વધારે તો કંઈ નહોતું થયું બસ જમણા હાથની ત્રણ આંગળીઓ બે પથ્થર વચ્ચે થોડીક ચગદાઈ હતી.


પછી જ્યોર્જ અને કેપ્ટ્ન પીટરને ઉભો કરીને ત્યાંથી થોડોક બાજુમાં લઈ ગયા. અને ત્યાં નીચે પીટરને સુવડાવી દીધો. એન્જેલા ઝડપથી પીટર પાસે આવી અને ત્યાં નીચે બેસી ગઈ પછી એણે પીટરનું માથું પોતાના ખોળામાં લઈ પીટરના માથા ઉપર વહાલથી હાથ ફેરવવા લાગી. પીટરને વાગ્યું એની વ્યથા સ્પષ્ટ રીતે એન્જેલાના રૂપાળા મુખ ઉપર દેખાઈ રહી હતી. થોડીવારમાં વેદના ઓછી થતાં પીટરે આંખો ખોલી અને ઉપરની તરફ એન્જેલાની આંખમાં જોયું. જેવું પીટરે એન્જેલાની આંખોમાં જોયું કે એન્જેલાની આંખો વરસી પડી. પછી એન્જેલાએ એના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેલા પીટર ના ગાલ ઉપર ચુંબન કરી નાખ્યું. બધા પીટર અને એન્જેલાની અનોખી પ્રીત જોઈને ભાવવિભોર થઈ ગયા.


"રોકી હવે તુ થોડીક દીવાલ તોડ..' કેપ્ટ્ને રોકી તરફ જોઈને કહ્યું.


"હા.. કેમ નહીં.. ' રોકીએ હસીને બધાની સામે જોયું અને પછી કામે લાગ્યો.


જ્યોર્જ અને પીટરે લગભગ દોઢ ફૂટ જેટલી દીવાલ તો તોડી નાખી હતી. હવે ત્રણ અથવા સાડા ત્રણ ફૂટ જેટલું તોડવાનું બાકી રહ્યું હશે એવું અનુમાન કેપ્ટ્ને લગાવ્યું. લગભગ દોઢ કલાકથી બધા દીવાલ તોડવાનું કામ કરી રહ્યા હતા. કેપ્ટ્ન બધાનો ઉત્સાહ વધારી રહ્યા હતા. રોકી પછી જોન્સને અને જોન્સન પછી કેપ્ટ્ન દીવાલ તોડવા લાગ્યા.


કેપ્ટ્ન બળપૂર્વક અણીદાર પથ્થર વડે દીવાલ ઉપર પ્રહાર કરી રહ્યા હતા. ગુફાની દીવાલનો ઉપર તરફનો ભાગ તોડી રહ્યા હતા એટલે તોડવું મુશ્કેલ હતું છતાં થાક્યા વગર બધા કામ કરી રહ્યા હતા. ત્રણ કલાક નીકળી ગયા છતાં હજુ દીવાલ તૂટી ન હતી. કેપ્ટ્નને એક પુરી તાકાતથી ઘા કર્યો એની સાથે જ દીવાલનો ઉપરનો ભાગ તૂટ્યો કેપ્ટ્ન સચેત હતા એટલે ઝડપથી પાછળ ખસ્યા.


જેવી ગુફાની ઉપરની દીવાલ તૂટી કે બહારથી અજવાળું અંધકારને દૂર કરવા ઘસી આવ્યું. બધા આનંદિત થઈ ઉઠ્યા પીટર પણ હવે પોતાની આંગળીઓની વેદના ભૂલીને ઝડપથી બેઠો થઈ ગયો. વેલાઓના ઝોળામાં પડ્યો પડ્યો બધું જોઈ રહેલો ફિડલ પણ ઉભો થયો અને લંગડાતે પગે આગળ આવ્યો. ધીમે ધીમે બધા બહાર આવ્યા. તેઓ જ્યાં બહાર નીકળ્યા હતા એ પહાડની ટેકરીનો ભાગ હતો.


"જ્યોર્જ સામે તો.. નદી કેટલા સુંદર વળાંક સાથે વહી રહી છે.. ' ક્રેટીએ નીચે તરફ ગોળ વળાંક લઈને એક ટેકરી પાછળ અદ્રશ્ય બનતી નદીને જોઈને હર્ષ સાથે જ્યોર્જને કહ્યું.


"વાહ.. રમણીય..' નીચે વહી રહેલી નદી જોઈને જ્યોર્જ બોલી ઉઠ્યો.


"જલ્દી ચાલો મને બહુ તરસ લાગી છે..' એન્જેલાએ દયામણે ચહેરે પીટર સામે જોઈને કહ્યું.


"હા.. ચાલ..' આમ કહીને પીટરે એન્જેલાનો હાથ પકડ્યો અને પછી ટેકરીનો ઢોળાવ ઉતરતા નદી તરફ ડગ માંડ્યા. બાકી રહેલા બધા પણ પીટર અને એન્જેલાને અનુસર્યા અને એમની પાછળ પાછળ જવા લાગ્યા.


ઢોળાવ ધીમો હતો એટલે બધા ઝડપથી આગળ વધી રહ્યા હતા. બધાને તરસ લાગી હતી એટલે બધાના પગ ઝડપથી નદી તરફ આગળ વધી રહ્યા હતા. રોકી અને જોન્સન ફિડલને ટેકો આપીને સાથે લઈ જઈ રહ્યાં હતા. જ્યોર્જ અને ક્રેટી એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. પ્રોફેસરની આંખો ઉપર જે ચશ્માં હતા એ જહાજ તૂટ્યું એ વખતે ખોવાઈ ગયા હતા એટલે દૂરની વસ્તુઓ જોવા માટે એમણે કપાળ ઉપર હાથ રાખી ઝીણી આંખો કરીને જોવું પડતું હતું.


"અરે આ તો આપણી ઝોમ્બો નદી છે..' કેપ્ટ્ન નદી પાસે પહોંચતાની સાથે બોલી ઉઠ્યા.


"ઝોમ્બો નદી.. તો.. તો આ ટેકરીઓ છે એ અલ્સ પહાડની જ છે..' કેપ્ટ્નની વાત સાંભળીને પ્રોફેસર હર્ષ સાથે બોલી ઉઠ્યા.


કેપ્ટ્ન અને એમના સાથીદારો હમણાં જે જગ્યાએ પહોંચ્યા હતા એ અલ્સ પહાડની ટેકરીઓનો ડાબી તરફનો ભાગ હતો. અહીંયા પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ઝોમ્બો નદી પાસે આવતા જ એક બાળક માતાની ગોદમાં આવીને આનંદ અનુભવે એટલો આનંદ કેપ્ટ્ન તથા એમના સાથીદારોને થયો.


બધાએ ત્યાં આવીને તરસ બુજાવી. ગોરીલો અને ગોરીલાનું બચ્ચું બધા જયારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે જ પાછા વળી ગયા હતા. ઝોમ્બો નદીના કિનારે બધા બેઠા હતા ત્યારે બધાએ એ ગોરીલાને સાચા દિલથી યાદ કર્યો. કારણ કે એ ગોરીલાના કારણે જ બધા પેલા જંગલીઓની ચુંગાલમાંથી છૂટી શક્યા હતા. પછી રોકી અને જોન્સને આજુબાજુથી થોડોક ફળો વગેરે લાવીને બધાને જમાડ્યા.


સાંજ ઢળી ચુકી હતી. એટલે બધા અલ્સ પહાડના મેદાનો તરફ જવા નીકળી પડ્યા. આજે બધાના મોંઢા ઉપર વિજયની ખુમારી ચમકી રહી હતી. હવે એક મહત્વનું કામ બાકી હતું.. એ કામ હતું આદિવાસીઓ માટે નવા નગરનું નિર્માણ કરવું..

(ક્રમશ)