"પોલીસનો જ દીકરો ચોર"
નાનપણમાં ભાઈ-ભાંડુ સાથે ચોર પોલીસની રમત ખૂબ રમેલી. મારો મોટો ભાઈ રમતા ડરે એટલે પાપા કહેતાં કે, એ તો સાવ બાયલા જેવો છે. બધા મિત્રો ત્યારે તો ખાલી રમવા ખાતર રમતા. મા બાપને એમ થતું કે છોકરા સચવાય અને અમને બધાને મજરો આવતો. પણ મોટા થતાં ગયાં પછી સમગ્ર ઘટના સમજ પડી. ચોર અને પોલીસ કોને કેહવાય અને ભૂમિકા શું હોય એ વાતથી ધીરે ધીરે રૂબરૂ થયા.
ટૂંકમાં એક સમયે એટલી ખબર પડી ગઈ કે પોલીસ થવાય. જો પોલીસ થવા જેટલી તાકાત ના હોય તો ચોર તો નાં જ થવાય. પણ ઘણી વખત એવું બને કે બાળક સુપુત્ર નહીં પણ કુપુત્ર પાકે. આજે વાત કરવી છે અમદાવાદ નિકોલમાં બનેલી એક રિયલ ઘટનાની. મારે ગાયત્રી સર્કલ ખોડિયાર નગર રેહવાનું. એટલે નિકોલ નજીક થાય. બપોરે કાકાનાં ઘરે જમવા જવાનું હોય. (કારણ કે, આપણે હજુ સિંગલ પીસ છીએ). એટલે જમતા જમતા કાકીએ વાત ઉખેરી અને મને મસાલો મળ્યો.
બપોરનો સમય અને તડકો પણ એવો. અમદાવાદનો તડકો જેણે ખમ્યો હોય એને ખબર હોય કે શું હાલત થાય. એક પાનના ગલ્લા પાસેથી મહિલા પસાર થતી હતી. પોતાના કંઇક કામથી નીકળી હતી અને સોનું પેહરવું તેમને ગમતું હતું. એટલે ગળામાં સોનાનો હાર પહેર્યો હતો. મહિલા પોતાની ધૂનમાં ચાલતી જતી હતી. એટલી જ વારમાં ધુમની સ્પીડમાં બે બાઈક સવાર આવ્યા અને મહિલાના ગળામાંથી હાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. મહિલાએ પણ હારને ઝકડી રાખ્યો. જોરદાર ઝપાઝપી થઈ એમાં એવું બન્યું કે, અડધો હાર ચોરના હાથમાં અને અડધો મહિલાનાં હાથમાં રહી ગયો.
ચોર એનું કામ કરીને જતો હતો. પણ આ મહિલા બીજી મહિલા કરતા કંઇક હટકે હતી. તેમજ પાનના ગલ્લા પર બેઠેલો મરદ માણસ હતો. એણે તરત જ મહિલાને કહ્યું કે જો આને પકડવો હોય તો મારી પાછળ બેસી જાવ. પર પુરુષનો ખ્યાલ મનમાં આવે એ પેહલા જ મહિલાએ હિંમત બતાવી અને સીટ પાછળ બેસી ગઈ. ( આજકાલની મહિલા તરત આવું નથી વિચારી શકતી, કે બીજા પુરુષ પાછળ બેસવું અને આ રીતે ભર બજારમાં નીકળવું.)
પેલા ભાઇએ બાઈક ભગાવી અને થોડા જ અંતર પછી ચોરને પકડી લીધો. ત્યાં જ બે લાફા માર્યા અને હાર લઈ લીધો. તરત ૧૦૦ નંબર પર ફોન કર્યો અને પોલીસ આવી ગઈ. મહિલાને એનો હાર મળી ગયો હતો. પોલીસમાં ફરિયાદ કરવા કરતાં એણે હાર લઈને તરત જ પોલીસને ચોર સોંપી દીધો.
પણ મિત્રો વાત એટલે પતી નથી જતી. હવે જ હાર્દ શરૂ થાય છે . પોલીસે ચોરનું મોઢું જોયું અને ધડાધડ લાફા મારવા જ લાગ્યો. પોલીસ વાળાએ એની એવી ધોલાઇ કરી કે, જોનારાને દયા આવી ગઈ. પણ આમ જનતાને પછી ખબર પડી કે, પોલીસ જે ચોરને મારતો હતો એ એનો પોતાનો જ દીકરો હતો. હાર ચોરનાર ચોર પોલીસનો જ દીકરો હતો. પછી મહિલાને ૧૫ ઓગસ્ટે બોલાવી અને ૫૦૦૦ રૂપિયાનું ઈનામ આપી બધાની વચ્ચે સન્માન આપ્યું.
સન્માન અને ઈનામ એટલે આપ્યું કે, મહિલાએ આટલી હિંમત બતાવી. કારણ કે જો કોઈની સાથે આવી ઘટના બને તો લોકો પોલીસ પાસે જાય અને ફરિયાદ લખાવે. પછી કોણ ચોર હતો અને હાર કેવો હતો. કઈ જગ્યા હતી ... આવા અનેક પ્રશ્નો આવે અને મામલો સંકેલાઈ જાય. પણ મહિલાએ બુદ્ધિ બતાવી અને હિંમત રાખી કામ પાર પાડયું. બસ પોલીસને આ વાત જ ખાસ લાગી અને સન્માન આપ્યું. પોલીસને તો બે ફાયદા થયા, એના દીકરાના કારનામા વિશે પણ માહિતી મળી. અને મહિલાની હિંમત પણ વધાવવાનો મોકો મળ્યો. તો મિત્રો જે પણ મહિલાઓ આ લેખ વાંચે છે એમને પણ એટલું જ કહીશ કે હિંમત રાખો અને જરૂર પડ્યે દુનિયાને તમારી શક્તિનો એહસાસ કરાવો.
અલ્પેશ કારેણા.