હોટેલ મેનેજમેન્ટ કરતી એકતા બની હેલ્લારોની હંસા Alpesh Karena દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટેલ મેનેજમેન્ટ કરતી એકતા બની હેલ્લારોની હંસા

હોટલના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી એકતાને હેલ્લારોની હંસા બનવા સગા ભાઈના લગ્ન પણ છોડવા પડ્યા હતાં.

કોઈ ખેડૂતની વાડીમાં પહેલો જ દાર થતો હોય અને ૩૦-૪૦ ફૂટે જો પાણીનો જોરદાર ફુવારો છૂટે તો આખા ગામનું મોઢું મીઠુ થાય. કોઈ બાપ પોતાના દીકરા માટે છોકરી શોધવા જાય અને પહેલી જ વખતમાં મેળ પડી જાય તો એક મહિનો સુધી ઘરમાં પેંડાનાં બોક્સ ખૂટે નહીં. તો વિચારો કોઈ છોકરી પેહલી જ ફિલ્મ કરતી હોય અને નેશનલ એવોર્ડ મળે તો એના હૈયે કેવડો રાજીપો હોય. રાજીપો તો ઠીક રાતોની રાત ઊંઘ પણ ન આવે. તો આજે તમને રૂબરૂ કરાવવા છે એક એવી જ ધુરંધર હસ્તી સાથે કે જેણે હેલ્લારો માટે પોતાના સગા ભાઈના મેરેજ પણ છોડી દીધા હતાં!

અને આ શખ્સીયત એટલે હેલ્લારોની હંસા. કે જેનું રિયલ નામ છે એકતા બચવાણી અને વતન વડોદરા. એનો એક ડાયલોગ જ્યારે થિયેટરમાં ગુંજે ત્યારે ભલભલા માણસનું કાળજું કંપી ઉઠે. એ ડાયલૉગ એટલે *દુનિયામાં બધા પાપની સજા નથી મળતી હોતી, જો મળતી હોત તો આટલા ભાયડાઓ જ ના બચ્યા હોત* જ્યારે એકતા આ ડાયલોગ પૂરા હાવભાવ સાથે બોલે ત્યારે હદય સોંસરવી અફાટ વેદના વહેતી હોય એ જોઈ શકાય છે. જો કે જેણે ફિલ્મ જોઈ હશે એ તો ભલીભાતી આ વાત જાણતા જ હશે.

પણ આ બધું એમનેમ નથી મળ્યું. નોકરી છોડવી, પરિવારનો પૂરો સપોર્ટ, અમદાવાદથી વડોદરા અને વડોદરાથી મુંબઈ વચ્ચે હિલ્લોળે ચડવું, સગા ભાઈના લગ્નનો ત્યાગ.. આવી ઘણી અવગણી ન શકાય એવી વસ્તુઓ મળીને એક મુકામ હાંસલ થતો હોય છે. એકતાને આ બધા પડાવોમાંથી પસાર થવું પડ્યું અને ફરજીયાત થવું પડ્યું. હોટલ મેનેજમેન્ટનું ભણીને હોટલમાં નોકરી કરનારી એકતાને હેલ્લારોની હંસા બનવા કેટલું વેઠવું પડ્યું હશે એ સહજ રીતે સમજાય એવી વાત છે.

વાત છે સપ્ટેમ્બર ૨૦૧૭ની. એકતાએ આ પહેલા એકાદ બે યુટ્યુબની નાની નાની ચેનલોના કામ કર્યું હતું અને ઠીક ઠીક વર્કશોપ પણ કરેલા. ત્યારબાદ તે બરોડા છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અચાનક એકતાએ ફેસબૂક પર જોયું કે કોઈ ગુજરાતી ફિલ્મ માટે ઓનલાઈન પ્રોફાઈલ ડેટા મંગાવ્યો છે. એકતાએ એ બધી ફોર્માલિટી બખૂબી પૂરી કરી. પછી કોઈને મેસેજ કે કોલ જ નહીં. ૨૦૧૭નાં છેલ્લા છેલ્લા મહિનામાં બેહનના લગ્ન હોવાથી એકતા ઘરે આવી હતી. સવારના પહોરમાં અનનોન નંબર પરથી કોઈનો કોલ આવ્યો. ટ્રુકોલારમાં એકતા જ નામ બતાવ્યું એટલે ઉપાડ્યો અને કહ્યું કે, ' એકતા તમે પહેલાં રાઉન્ડ માટે સિલેક્ટ થયા છો અમદાવાદ ઓડિશન આપવા આવી જાઓ.

કપડાનો થેલો ભરીને હોંશે હોંશે ઓડિશન આપવા આવી ગયા અને પતી ગયું પછી ફરીથી વડોદરા આવી ગયા. બહેનના લગ્ન પણ થઇ ગયા હવે ફરીથી બોમ્બે જવાનો સમય થઇ ગયો પણ આ ઓડિશનને લઇ કોઈ ફોન કે મેસેજ ન આવ્યો. તો એકતાને થયું કે ચાલો આપણું સિલેકસન નહીં થયું હોય. પછી સમય આવ્યો ભાઈના લગ્નનો. ભાઈ રાજકોટમાં રહે એટલે ત્યાં લગ્ન હતા. લગ્નની આગલી રાતે જ ફરીથી એકતાનો એકતાને ફોન આવ્યો કે તમે બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થયા છો કાલે અમદાવાદ આવી જાઓ.

સગા ભાઈના લગ્ન છોડીને રાજકોટથી વડોદરા. ત્યાંથી કપડાં ભરીને ફટાફટ અમદાવાદ આવી ગયા. બીજા રાઉન્ડનાં ઓડિશન પણ પૂરા થયા. પરંતુ આ વખતે એ નક્કી હતું કે જે પણ પરિણામ હશે એ ૨ અઠવાડિયામાં આવી જશે. બસ ત્યારપછી ફાઈનલ ફોન આવ્યો અને ફોટા મંગાવ્યા એ બધું પત્યું પછી અભિષેક સરએ કહ્યું કે ફિલ્મનું નામ હેલ્લારો છે. ત્યારે પ્લાન થયો કે ૨૦૧૮નાં માર્ચ- એપ્રિલમાં આપણે શૂટિંગ કરશું.

પરંતુ કપરું ચઢાણ હવે શરૂ થયું હતું. સંઘર્ષના નવા નવા રંગ સાથે લડવાનું હતું. એકતા સાથે બધા જ લોકોને કચ્છમાં રેહવાનું હતું એટલે સ્વાભાવિક છે કે ત્યાં ૨ અઠવાડિયા રહો એટલે બગલા જેવો બગલો પણ ભેંસ થઈ જાય! એવી કાળજાળ ગરમીમાં શૂટિંગ કરવાનું અને એ પણ સવારના ૩ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી. ત્યાંના તાપમાનની માહિતી સૌ કોઈ જાણે જ છે.

આ સિવાય શરીર પર છૂંદણાં કરવાના. એક એક માણસ અસલ કચ્છી લાગવો જોઈએ. બોલી, ચાલ ચલણ, રીત ભાત, ચહેરાના હાવભાવ, ઘડો ઉપાડવાની સ્ટાઇલ જેવી અનેક નાની મોટી બાબતોનું સખત ધ્યાન રાખવું પડતું. એનાથી પણ આકરી વાત કે રોજના ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ સ્ટેપ ચાલવાના અને ગરબાની સતત પ્રેક્ટિસ કરવાની.

પણ આખરે બધા લોકોની મેહનત રંગ લાવી અને ભારતમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ ઇતિહાસ રચી દીધો. એકતાને હવે કોઈ લીડ રોલ કે મોટા રોલ મળે એની પરવાહ નથી, બસ સારા રોલ કરવા છે કે જેમાંથી લોકોને કશુંક શીખવા મળે કંઇક નવી પ્રેરણા મળે. હાલમાં એકતા મુંબઈમાં હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પણ સારા રોલ કરી રહી છે. ફરીથી એકતાને અને હેલ્લારોની સમગ્ર ટીમને ખોબલે ને ખોબલે અભિનંદન અને શુભેચ્છાઓ. તેમજ ગૌરવવંતી ગુજરાતી ભાષાનું નામ અને કામ કરતા રહે તેવી અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત....

અલ્પેશ કારેણા.