Deshbhakti ni rasdhaar books and stories free download online pdf in Gujarati

દેશભક્તિની રસધાર

આઝાદી ભીખમાં નથી મળી, લોહીની નદીઓ વહેતી કરી ત્યારે મળી છે અને આજે આપણે સુખ શાંતિથી જીવી શકીએ છીએ. તો થોડા નરબંકા વિશે મે લખવાનો પ્રયાસ કર્યો એ તમારી સમક્ષ રજૂ કરું છું.

તો લાગે ભગતસિંહ આસપાસ છે..

મરેલી મનોવૃત્તિ વચ્ચે ક્યાંક રક્તનો છાંટો ઉડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે,
બાર ગાવે દેશ માટે એકાદ વિરલો ધતિંગે ચડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે.

વીતી જાય પેઢીની પેઢી અને યુગો બાદ કોઈ કોખે પેદા થાય એક પાગલ,
ગળથૂથીમાં થોડું અમથું જૂનુનીનું ટીપું પડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે.

નફ્ફટ સતાધારીઓ અને પાંગળી એની ઘેલછાને દફનાવવી પડશે,
જો ઓચિંતી કોઈ સભા બોમ્બના ડરથી ફફડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે.

પંજાબે આપ્યો હતો એક ભગત, કિશનસિંહ અને વિદ્યાવતી હરખાયા'તા,
મા-બાપ કોઈ છોકરાને દેશભક્તિ માટે ઘડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે.

અલ્પેશ કારેણા.

----------

રાણી લક્ષ્મી ક્યાં છે?

ઘોડાની લગામ દાંતે દબાવનારી રાણી લક્ષ્મી ક્યાં છે?
બન્ને હાથે તલવાર ફેરવનારી રાણી લક્ષ્મી ક્યાં છે?

વ્યસ્ત છે બધી બેબી બોનવીટા પીવામાં,
ને થોડી વધેલી પિન્કી પાણીપુરી ખાવામાં,
રસ દાખવે ઢીંગલીઓ ઢોસા ઝાપટવામાં,
અહીં યુવતીઓ હરખાઈ વિદેશ જાવામાં.

દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરનારી રાણી લક્ષ્મી ક્યાં છે?
અંગ્રેજોને રાત-દિવસ હંફાવતી રાણી લક્ષ્મી ક્યાં છે?

કશુંક છૂટ્યું ને કશુંક જનતાનાં ભોગે ખોયું,
જતું રહ્યું બધું તોય ના પાછા વાળી જોયું,
ગેલમાં ને ગેલમાં અંદરથી નગર આખું રોયું,
પછી મળ્યું જે કલ્ચર બધાએ પ્રેમે ભોગવ્યું,

મહિલા માટે કાળજુ બાળનારી રાણી લક્ષ્મી ક્યાં છે?
બન્ને હાથે તલવાર ફેરવનારી રાણી લક્ષ્મી ક્યાં છે?

અલ્પેશ કારેણા.

-----

સરદાર તને કેમ ભૂલું

માયકાંગલા માનવીને પડકારતા ઓ ખુંખાર, તને કેમ ભૂલુ,
રજવાડાને એકઠી કરનાર ચેતનાના અંબાર, તને કેમ ભૂલુ.

આજેય હેમખેમ વહેતું ગુજરાતની રગે રગમાં તારૂ લોહી,
બે કોડીના અંગ્રેજોને કરી નાખ્યા તે ભંગાર, તને કેમ ભૂલુ.

અડીખમ ઊભો કેવડિયા ખાતે, આખું વિશ્વ તાકી તાકી જુએ,
જોઈ તને વ્યોમ વ્યોમમાં પ્રગટે અંગાર, તને કેમ ભૂલુ.

દેશ કાજ શરીર હોમી તે પયપાન કરાવ્યું અખંડિતતાનું,
તારી મુત્સદ્દીગીરીથી ખીલ્યો કરોડોનો સંસાર, તને કેમ ભૂલુ.

મુજ અર્થવિહીન શબ્દો ને પ્રેમવિહીન લાગણીની શું ઔકાત,
તને તો ઓછા પડે ઝનૂનના લાખો ભંડાર, તને કેમ ભૂલુ.

-અલ્પેશ કારેણા.

-------

ગાંધી બાપુ

મારી ઓફિસમાં પણ એક ગાંધી હોત તો સારું થાત,
સત્ય અને અહિંસાની આંધી હોત તો સારું થાત.

આવડતનું અપમાન રોજ કરે છે બની બેઠેલા અંગ્રેજો,
કોઈની ચઢતી તો કોઈની પડતી જોઈને કઠેલા અંગ્રેજો,
કોઈ બોસે તૂટેલી દીવાલ સાંધી હોય તો સારું થાત,
મારી ઓફિસમાં પણ એક ગાંધી હોત તો સારું થાત,

ખોટા આભૂષણો બે-ચાર'દિ છે એનું કોઈને ભાન થાય,
ઝવેરી પાસે જલ્દી કોઈ સાચા હીરાનું પણ માન થાય,
ક્યારેક ગરીબની રોટલી ખાધી હોત તો સારું થાત,
મારી ઓફિસમાં પણ એક ગાંધી હોત તો સારું થાત,

મારી ઓફિસમાં પણ એક ગાંધી હોત તો સારું થાત,
સત્ય અને અહિંસાની આંધી હોત તો સારું થાત.

અલ્પેશ કારેણા.

----

આઝાદી

આલિંગન કરી આઝાદીને ગાલે ચુંબન કરવું હતું,
હયાત નોહતો નહીંતર ત્યારના દેશમાં ફરવું હતું.

શું શૌર્ય હશે અને એની બહાદુરીને અનુભવવા,
લડવૈયાના રક્તમાં લથપથ થઈ મારે ન્હાવું હતું.

સાહસ, સહાનુભૂતિ અને સંસ્કારને પચાવવા,
દેશભક્તિનો ડકાર આવે એટલું પેટ ભરવું હતું.

ખેતરમાં બંદૂકનો ઊભો પાક જોઈ કેવું થતું હશે,
બસ એ જ, એ જ મારી આંખોને નિહાળવું હતું.

નામ કેટલાક લઉં અને દાખલા કેવા સંભળાવું,
ઇતિહાસના એકાદ પાને મારે પણ વંચાવું હતું.

દિવંગત ક્રાંતિકારીઓનું વર્ણન કરવામાં શું મજા,
મારે તો નરબંકાઓનું જીવતું જીવન લખવું હતું.

-અલ્પેશ કારેણા.

--

છેલ્લે શહીદ પર રચના

મમ્મી તે ઝુલાવેલું પારણું મને બહું યાદ આવશે,
આપણા ઘરનું રૂડું બારણું મને બહું યાદ આવશે.

પપ્પા આવતા જન્મે દીકરો તો તમારો જ થઈશ,
બહેનની રાખડીનું સંભારણું મને બહું યાદ આવશે.

પ્રિયે તું ચિંતિત ના થા, તારા ગર્ભમાં મારો અંશ છે,
તે પ્રેમથી પીરસેલું ભાણું મને બહું યાદ આવશે.

ભારત જેવી માત, જગતનો તાત, વીરોનાં પ્રતાપ,
દેશનું બીજું પણ ઘણું ઘણું મને બહુ યાદ આવશે.

શહીદ થઈને જે રાજીપો છે એ કેટલોક વ્યક્ત કરું,
જે ગૌરવ હતું માં ભોમ તણું મને બહું યાદ આવશે.

ભલે હતો હું મુસ્લિમ કે હિંદુ, રક્ષા જ મારો ધર્મ છે,
મારા ફોઝી ભાઈનું ઉપરાણું મને બહુ યાદ આવશે.

અલ્પેશ કારેણા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED