Juda juda books and stories free download online pdf in Gujarati

જુદા જુદા

ક્યા કવિની આ રચના છે એનાથી હું અજાણ છું પણ મને મારી આ જુદા જુદા રચના લખવાની પ્રેરણા આ ચાર લાઈન સાંભળીને મળી હતી, સૌપ્રથમ અહીં એ રજૂ કરૂ છું પછી મારી વાત...

જુદી જિંદગી છે જનાજે જનાજે,
જુદા આંદોલન છે સમાજે સમાજે,
જુદી છે તંબાકુ મિરાજે મિરાજે,
જુદા છે પતિદેવ અવાજે અવાજે.

આ રચના એટલી ગમી કે મને પણ થોડું નઈ ખૂબ લખવાનું મન થઇ ગયું. જે વસ્તુ શાશ્વત છે એમાં પણ લોકોએ લોકોએ બે મત છે. કોઈએ વાંચેલી, કોઈએ સાંભળેલી તો કોઈ પાસે પોતાની મન ઘડત વાતો છે. તો વિચારો કે આજની જે તથ્ય રહિત વસ્તુ અને પાયા વિહોણી વાતો છે એમાં લોકોના કેટલા જુદા જુદા વિચારો અને મતો હશે. આજના આ કરિકાળમાં એક જ છત નીચે રહેતા ૪ લોકો પણ મતભેદ સાથે સાથે મનભેદ લઈને જીવતા થઈ ગયા. એટલે સમગ્ર માનવજાતની જો વાત કરવા બેસીએ તો એક જ વાતના કેટલા મતલબ નીકળતા હશે એ વિચારવું રહ્યું.

તો આ વખતે મે કંઇક આવી જ વાતોને કાવ્ય સ્વરૂપમાં વણવાનો પ્રયાસ કર્યો છે. ઘણા સમયથી મારી ફેસબૂક વોલ પર નાના નાના ટુકડાઓ લખીને શેર કરતો. અહીં બધી જ રચનાઓ એકઠી કરીને તમારી સમક્ષ વહેંચું છું. ઘરના ડખા હોય કે બહારની બબાલ, ટીવી પર દીબેટ જોઈને વાદે ચડેલા લોકોની વાત, વાર તહેવાર ઉજવવાનો ભાવ અને એના પ્રત્યેનો હાર્દ, દરેક કવિના કલ્પનો અને એનાં વિશે વિચારનારા વાચકો, ખેડૂતોની વેદના અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા... આવી અનેક વાતોને મે જે પ્રમાણે જોઈ એ રીતે નાના મોટા શબ્દોમાં લખવાનો પ્રયત્ન કર્યો.

તો માણો અહીં કંઇક નવું, મજા આવે એવું...

પત્નીએ પત્નીએ નખરાં જુદા,
દરેક પતિએ પતિએ પારખાં જુદા,
હોય સાસુએ સાસુએ અભરખા જુદા,
સસરાને રોજ જોવાના માળખા જુદા.

એક જ કલમે કલમે લખનારા જુદા,
તો વળી શબ્દે શબ્દે વાંચનારા જુદા,
ભાવાર્થે ભાવાર્થે સમજનારા જુદા,
ને સમજાયા પછી વિચારનારા જુદા.

અહીં છે ખેડૂતોના ખેતરે ખેતરે પાક જુદા,
ઘરવાળી ખવડાવે રોજે રોજે શાક જુદા,
ગુનાખોર વ્યક્તિએ વ્યક્તિએ વાક જુદા,
૧૭ વખત વાઢ્યા પછી કોરાય એ નાક જુદા.

અહીં ઢગલાબંધ મંદિરે મંદિરે પૂજારી જુદા,
તો ડંકો વગાડનારે વગાડનારે જુગારી જુદા,
ને ધાર્યું થયે નાચનારે નાચનારે મદારી જુદા,
આવી ભક્તિ કરી ધન્ય થનાર ખુદ્દારી જુદા.

હોય છે ભટકતા રસ્તે રસ્તે રાહદારી જુદા,
અને વિસામો ખાનારે ખાનારે પ્રવાસી જુદા,
આદર્શ તરીકે વસે મનમાં મનમાં નિવાસી જુદા,
હોય એનીય પથારી ફેરવનાર આવાસી જુદા.

છોકરીઓ રાખે ગલીએ ગલીએ સખા જુદા,
છતાં થાય છોકરા છોકરા વચ્ચે ડખા જુદા,
પ્રેમના નામે યુવાનો યુવાનોના વલખાં જુદા,
નંબર મેળવવા આમ તેમ મારે ફાંફાં જુદા.

છે લાગણીએ લાગણીએ લગાવ જુદો,
જોવા મળતો કંઇક કંઇક અભાવ જુદો,
પછી દેખાય જવાબે જવાબે સ્વભાવ જુદો,
આ બધા વચ્ચે માણસ થાય ગરકાવ જુદો.

ટીવીની બધી ચેનલે ચેનલે ન્યૂઝ જુદા,
હોય દરેક જોનારે જોનારે વ્યૂઝ જુદા,
એમાં એંકરો કરે વાતે વાતે કન્ફ્યૂઝ જુદા.
વચ્ચે ફસાયેલા દર્શકના ઉડે ફ્યૂઝ જુદા

ગામની દરેક ગલીએ ગલીએ આવાસ જુદો,
એક જ ગલીના ઘરમાં ઘરમાં સુવાસ જુદો,
જેમ બધી વાર્તાએ વાર્તાએ સારાંશ જુદો,
એમ પાછો મળતો ગઝલે ગઝલે પ્રાસ જુદો,

અહીંની માટીએ માટીએ શરીરો જુદા,
એટલે જ જન્મે ઘરે ઘરે ખમીરો જુદા.
બાકી ગરીબીએ ગરીબીએ ગરીબો જુદા,
અને પૈસાના ભંડારે ભંડારે અમીરો જુદા,

દરેક અવતારે અવતારે જન્મ જુદા,
ભગવાનના સ્વરૂપે સ્વરૂપે મર્મ જુદા,
માણસની બુદ્ધિએ બુદ્ધિએ કર્મ જુદા,
દારૂ પીનાર માણસે માણસે ગમ જુદા.

અહીં માંગનારે માંગનારે ભિખારી જુદા,
અને હણનારે હણનારે શિકારી જુદા,
અણસમજે કરેલ દાને દાને દાતારી જુદા.
ખમૈયા કરો! બીજું લખીશ મુદ્દા વિચારી જુદા.

મારી રચનાઓ વાંચ્યા બાદ કોઈ સલાહ સૂચન કે પછી પ્રતિભાવ વિના સંકોચે આવકાર્ય છે.

ટેલિફોન નંબર:- ૮૩૪૭૭૨૩૬૫૦

-અલ્પેશ કારેણા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED