Pishachini - 17 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 17

(17)

‘સલોમીએ પ્લૅનશેટ્‌ની વિધિ મારફત વીરની માતાના આત્મા પાસેથી, ‘એમની તિજોરીની ચાવી કયાં પડી છે ?’ એ જાણીને વીરને કહ્યું, અને વીરે મોબાઈલ ફોન કરીને પોતાની પત્ની પાયલને એ જગ્યા પર ચાવી શોધવાનું કહીને મોબાઈલ ચાલુ રાખ્યો, તો જિગર ‘‘વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે નહિ ?’’ એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો હતો.

તો વીરની સામે બેઠેલી સલોમી તેમજ એની આસપાસ બેઠેલા વીરના બન્ને દોસ્તો પણ વીરને એની પત્ની પાયલ પાસેથી શું જવાબ જાણવા મળે છે ? એની અધીરાઈ સાથે તાકી રહ્યા. આવી રીતે થોડીક મિનિટો વીતી એ પછી કાને મોબાઈલ ફોન ધરીને બેઠેલો વીર બોલ્યો : ‘હા, બોલ, પાયલ !’ અને પછી વીરે આગળ કહ્યું : ‘એમ...! ! ખરેખર ? ! ઠીક છે, તું એને સાચવીને રાખ. અહીંથી નીકળીને હું સીધો ઘરે જ પહોંચું છું.’ અને એણે મોબાઈલ ફોન કટ્‌ કરીને સામે બેઠેલી સલોમી તરફ જોયું.

‘...ચાવી મળી ગઈ ને ? !’ સલોમીએ કહેતી હોય એવી રીતના પૂછયું.

‘હા,’ વીરે કહ્યું : ‘ગજબ કહેવાય ! બધું મારી સામે જ બધું બન્યું, છતાંય જાણે મને વિશ્વાસ નથી બેસતો. ખરેખર તમે કમાલ કરી બતાવી. તમે મારું ખૂબ જ મોટું ટેન્શન દૂર કરી નાખ્યું.’

સલોમી મલકીને ઊભી થઈ.

‘તમારો આભાર માનું એટલો ઓછો છે.’ કહેતાં વીર પણ ઊભો થયો, એટલે તેની આજુબાજુ બેઠેલા એના બન્ને દોસ્તો પણ ઊભા થયા. ‘....લો,’ વીરે ખિસ્સામાંથી એક પરબીડિયું કાઢીને સલોમી સામે ધર્યું : ‘આ ભેટ સ્વીકારો !’

સલોમીએ પરબીડિયું લઈ લીધું.

સલોમી વીર તેમજ એના દોસ્તો સાથે વચ્ચેની

દીવાલમાં

આવેલી કાચની બારીની ડાબી બાજુ આવેલા દરવાજામાંથી આ રૂમમાં આવી, એટલે જિગર ઊભો થયો. તેની બાજુમાં બેઠેલી બાઈ તો એ પહેલાં જ ઊભી થઈ ચૂકી હતી.

સલોમીએ વીર અને એના દોસ્તોને વિદાય કર્યા, એટલે બાઈએ મેઈન દરવાજો બંધ કર્યો, ને રસોડા તરફ આગળ વધી ગઈ.

તો સલોમી જિગરની નજીક આવીને ઊભી રહી.

‘મને દીપંકર સ્વામીએ મોકલ્યો છે.’ સલોમી કંઈ કહે-પૂછે એ પહેલાં જ જિગરે કહ્યું.

‘બેસો-બેસો !’ સલોમી બોલી. જિગર બેઠો એટલે એ પણ ખુરશી પર બેઠી.

બાઈ ‘ટ્રે’માં પાણીના ગ્લાસ લઈને આવી.

જિગરે પાણી પીધું. સલોમીએ પણ પાણી પીને ગ્લાસ પાછો મૂકયો, એટલે જિગરે કહ્યું : ‘ખરેખર તમે કમાલ કરી. જે આસાનીથી તમે આત્માને બોલાવી અને...’

‘આજે વીરના માતાજીનો આત્મા થોડીક વારમાં જ હાજર થઈ ગયો. નહિતર...’ સલોમી બોલી : ‘...ઘણીવાર પાંચ-પાંચ સાત-સાત દિવસ સુધી આવા સેશન કરીએ તોય આત્મા હાજર થતો નથી. ખેર...’ સલોમી બોલી : ‘...ફરમાવો, શું હતું ? !’

જિગરે તેને એક અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર સવાર થઈ અને છેલ્લે પંડિત ભવાનીશંકર એકસો એક દિવસના મંત્રનો જાપ કરીને શીનાને વશમાં કરી ગયો ને એ પછી તે પાછો પૈસે-ટકે જેવો હતો એવો થઈ ગયો, એટલે તેની પત્ની માહીને એના પિતા દેવરાજશેઠ એમના ઘરે લઈ ગયા, ત્યાં સુધીની વાત કહી સંભળાવી.

‘જિગર !’ સલોમી બોલી : ‘પ્લૅનશેટ્‌ની આ વિધિ મારફત હું એવું તો ન જ કરી શકું કે, શીના પંડિત ભવાનીશંકરના કાબૂમાંથી નીકળીને તારી પાસે પાછી આવી જાય. હું તો ફકત પ્લૅનશેેટ્‌ મારફત આત્માઓ સાથે વાત કરાવી શકું છું.’

‘તો..,’ જિગર બોલ્યો : ‘..તમે શીનાના આત્માને બોલાવીને મારી સાથે વાત કરાવી આપો. બદલામાં હું તમે કહેશો એ આપવા તૈયાર છું.’

‘શીના પંડિત ભવાનીશંકરના વશમાં છે, એટલે હું પ્લૅનશેટ્‌ મારફત એને બોલાવવાનો પ્રયત્ન કરું અને એ ન પણ આવે.’ સલોમી બોલી : ‘પણ તેમ છતાં હું ટ્રાય કરી જોઉં છું. પણ...’ સલોમીએ આગળ કહ્યું : ‘...એ માટે તારે શીનાના કોઈ સગાને બોલાવી લાવવો પડશે. શીનાના આત્માને બોલાવતી વખતે એનું કોઈ સગું હાજર હોય એ જરૂરી છે.’

‘શીનાની એક દીકરી છે, આશ્કા !’ જિગર બોલ્યો : ‘હું એને બોલાવી લાવું તો ચાલશે ?’

‘...ચાલશે નહિ, પણ દોડશે !’ સલોમીએ કહ્યું : ‘તું એને લઈને કાલે રાતના પોણા દસ વાગ્યા સુધીમાં અહીં હાજર થઈ જજે.’

‘ભલે ! તો હું કાલે આવું છું.’

‘ઠીક છે.’ સલોમીએ કહ્યું, એટલે જિગર બહાર નીકળ્યો. તે ઘરે પહોંચ્યો, પલંગ પર લેટયો ને ઊંઘમાં સર્યો, ત્યાં સુધી તેના મગજમાં પંડિત ભવાનીશંકરના વશમાં રહેલી શીના સલોમીના બોલાવવાથી આવશે કે કેમ ? ! એ વિશેના જ વિચારો સળવળતા હતા.

દૃ દૃ દૃ

જિગર સવારે સાડા સાત વાગ્યે જ આશ્કાને ત્યાં પહોંચી ગયો. આશ્કાએ તેને આવકાર્યો અને ચા-પાણી પીવડાવ્યા એ પછી જિગર મુદ્દાની વાત પર આવ્યો : ‘આશ્કા ! તને મારી વાત પર વિશ્વાસ નહિ બેસે, પણ તારી મમ્મીનો આત્મા ફરી રહ્યો છે અને એ મારા માથા પર પણ સવાર થયો હતો.’

‘હેં ! શું વાત કરો છો ? !’ આશ્કાને નવાઈ લાગી.

‘માનવામાં ન આવે છતાંય આ સાચી વાત છે.’ અને જિગરે શીના વિશેની આખી વાત કરી.

‘...પણ ગઈકાલે તો તમે કહેતા હતા કે, મારી મમ્મી તમારી મમ્મીની બેનપણી....’

‘ગઈકાલે તને આ વાત કહેવાનું મને મુનાસિબ લાગ્યું નહોતું.’ જિગરે કહ્યું : ‘પણ સાંજે મારી મુલાકાત પ્લૅનશેટની જાણકાર યુવતી સલોમી સાથે થઈ. એે કમોતે મરેલી વ્યક્તિના આત્માને બોલાવીને એની સાથે વાત કરાવી આપે છે. હું રાતના તારી મમ્મીના આત્મા સાથે વાત કરવા જવાનો છું. તારે આવવું છે, મારી સાથે ?’

‘હા-હા !’ આશ્કા બોલી : ‘કેમ, નહિ ?’

‘તો તું નવ વાગ્યા સુધીમાં તૈયાર રહેજે. આપણે પોણા દસ વાગ્યે સલોમી પાસે પહોંચી જવાનું છે.’

‘ઠીક છે !’ આશ્કાએ કહ્યું.

થોડીક વાર પછી જિગર આશ્કાને ત્યાંથી નીકળ્યો, અને દીપંકર સ્વામીના ઘર તરફ આગળ વધ્યો. તેને થતું હતું કે, તેની અને આશ્કા સાથે સ્વામી પણ સલોમીને ત્યાં આવે તો સારું.

જિગરે દીપંકર સ્વામીના ઘરે પહોંચીને, દીપંકર સ્વામીને સલોમી સાથેની મુલાકાત વિશેની વાત કરી.

‘હું પણ તારી સાથે આવીશ.’ સ્વામીએ કહ્યું : ‘તું આશ્કાને લઈને પછી મને પણ સાથે લેતો જજે.’

‘ચોક્કસ !’ જિગર બોલી ઊઠયો. દીપંકર સ્વામી સામેથી સલોમીને ત્યાં આવવા તૈયાર થયા હતા, એટલે જિગર ખુશ થઈ ઊઠયો.

દૃ દૃ દૃ

રાતના દસ વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી.

જિગર સલોમીએ કહેલા સમયે આશ્કા અને દીપંકર સ્વામીને ત્યાં આવી પહોંચ્યો હતો. દીપંકર સ્વામીને આવેલા જોઈને સલોમી ગદ્‌ગદ્‌ થઈ ગઈ હતી.

થોડીક વાતચીત પછી દીપંકર સ્વામીના કહેવાથી સલોમીએ પ્લૅનશેટ્‌ની વિધિ શરૂ કરી હતી. ગઈકાલવાળા રૂમમાં જ બધાં ગોઠવાઈ ગયા હતા. રૂમની લાઈટો બંધ હતી અને રૂમમાં મોટી મીણબત્તીનું અજવાળું ફેલાયેલું હતું. અત્યારે સલોમીની સામે આશ્કા બેઠી હતી, જ્યારે આશ્કાની ડાબી બાજુ જિગર અને જમણી બાજુ દીપંકર સ્વામી બેઠા હતા. એમની વચમાં પડેલા મોટા સફેદ કાગળ પર ઘડિયાળના આંકડાની જેમ એ થી ઝેડ સુધીની અંગ્રેજી બારાખડી લખાયેલી હતી. વચમાં ઊંધી વાટકી પડી હતી અને સલોમીના કહેવાથી જિગર, આશ્કા અને દીપંકર સ્વામીએ પોતપોતાની ટચલી આંગળી, એક-બીજાની આંગળીને અડે એવી રીતે વાટકી પર મૂકી હતી.

‘હવે..,’ સલોમી બોલી : ‘...આત્માને બોલાવવાનું શરૂ થાય એ પછી કોઈએ વાટકી પરથી આંગળી ઉઠાવવાની નથી અને આંગળીથી વાટકી પર વધુ વજન આપવાનું નથી, નહિતર આત્મા ગુસ્સે થશે.’

જિગર અને આશ્કાએ ગરદન હલાવી.

‘હવે બધાં એકાગ્ર મનથી પરમાત્માનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે, એવી કૃપા થાય કે, આત્મા આ ચક્રમાં ઝડપથી આવી જાય અને આપણાં બધાં કામ સરળતાપૂર્વક પૂરા થાય.’ સલોમીએ કહ્યું, એટલે જિગર, આશ્કા અને સ્વામી ત્રણેય જણાંએ પરમાત્માનું ધ્યાન કરવા માંડયું.

‘હવે, આશ્કા ! તું મનોમન તારી મમ્મી શીનાના આત્માનું આહ્‌વાન કર.’ સલોમી બોલી અને એ પણ શીનાના આત્માને બોલાવવા લાગી.

થોડીક પળો થઈ. જિગરને થયું કે, ગઈકાલ વીર અને એના દોસ્તો સાથે બનેલું એમ હમણાં એમની આંગળીઓ કાંપવા લાગશે ને વાટકી અક્ષરોઓ તરફ ફરીને તેના અને આશ્કાના જવાબો આવવા માંડશે.

પણ એવું બન્યું નહિ. દસ મિનિટ વીતી છતાંય આવું કંઈ જ બન્યું નહિ.

‘શીનાનો આત્મા આવતો નથી.’ સલોમીએ બન્ને ખુલ્લી બારી બહાર નજર નાખી : ‘વીજળી-વાદળાં ગરજતા નથી અને આંધી પણ ફૂંકાતી નથી. બહાર વાતાવરણ પણ સારું છે. આટલી વારમાં તો શીનાનો આત્મા હાજર થઈ જવો જોઈતો હતો. કદાચ એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, એટલે...’

‘...તું એકવાર ફરી ટ્રાય કરી જો ને...!’ દીપંકર સ્વામીએ કહ્યું.

‘જી, સ્વામીજી !’ સલોમીએ કહ્યું અને એણે ફરી બધાંને પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું અને પછી આશ્કાને શીનાના આત્માનું આહ્‌વાન કરવાનું કહ્યું.

થોડીક વાર થઈ ત્યાં જ આશ્કા, જિગર અને દીપંકર સ્વામીની વાટકી પર મુકાયેલી આંગળીઓ કાંપવા લાગી અને એમની નજરો સ્થિર થઈ.

‘જો યંત્રમાં કોઈના આત્માની શક્તિ આવી હોય તો મારી બાજુનો ભાગ અદ્ધર થાય.’ સલોમી બોલી, અને એ સાથે જ સલોમી તરફનો વાટકીનો ભાગ સહેજ અદ્ધર થયો. સલોમીની આંખોમાં ચમક આવી ગઈ : ‘આશ્કા, તું તારી માને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે.’

‘મમ્મી !’ આશ્કાએે ગળગળા અવાજે પૂછયું : ‘તું જે હાલતમાં-જ્યાં છે ત્યાં ખુશ છે ને ? !’

અને આ સાથે જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષર પર ફરવા માંડી. સલોમી એક કાગળ પર એ અક્ષરો લખવા માંડી. થોડીક પળો પછી એ વાટકી ફરતી બંધ થઈ.

સલોમીએ ઉતાવળા અવાજે કહ્યું : ‘આશ્કા ! શીના કહે છે કે, તારે જે કામ હોય એ જલદી બોલ. એ પંડિત ભવાનીશંકરના વશમાં છે. ભવાનીશંકરે એક કામ સોંપ્યું છે, એ કરવા માટે એ નીકળી છે, એમાં એ અહીં ખેંચાઈ આવી છે.’

‘બસ, મારે કંઈ કામ નથી.’ આશ્કાની આંખોમાં આંસુ આવી ગયાં.

‘હવે મારે જે પૂછવું છે, એ પૂછી લઉં.’ અને સલોમીનો જવાબ સાંભળવા રોકાયા વિના જિગરે ઉતાવળે પૂછયું : ‘શીના, તારા વિના હું જીવી શકું એમ નથી. તું પાછી મારી પાસે આવી જા. તને પાછી લાવવા માટે હું શું કરું ? એનો મને કોઈ રસ્તો બતાવ.’

જિગરે સવાલ પૂરો કર્યો, એ સાથે જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષરો પર ફરવા માંડી. સલોમીએ એ અક્ષરો કાગળ પર લખવા માંડયા.

વાટકી ફરતાં અટકી, એટલે સલોમીએ કહ્યું : ‘જિગર, શીના કહે છે કે, તું એને પાછી પામવાની ઈચ્છા મન-મગજમાંથી કાઢી નાખ. અને હવે એ ઝડપથી જવા માંગે છે. જો પંડિત ભવાનીશંકરને આની ખબર પડી ગઈ, તો ભવાનીશંકર એના અને તમારા બન્નેના બાર વગાડી દેશે.’

‘પણ, શીના !’ જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ સ્વામી બોલી ઊઠયા : ‘સલોમી ! શીનાને જવા દે.’

સલોમીએ શીનાના આત્માને વિદાય લેવાનું કહ્યું.

જિગરે નિશ્વાસ નાંખ્યો. ‘શીના તેની પાસે પાછી ફરવાનો કોઈ રસ્તો બતાવી ગઈ હોત તો સારું થાત !’ જિગરે વિચાર્યું, ત્યાં જ સલોમીનો અવાજ સંભળાયો : ‘શીનાનો આત્મા ગયો.’ અને સલોમી ઊભી થઈ. જિગર, દીપંકર સ્વામી અને આશ્કા પણ ઊભી થઈ. થોડીક પળો પછી સલોમીની વિદાય લઈને ત્રણે બહાર નીકળ્યા.

‘સ્વામીજી !’ આશ્કાએ દુઃખી અવાજે કહ્યું : ‘મને એ વાતનો અફસોસ છે કે, મારી મમ્મીનો આત્મા આ રીતના ભટકી રહ્યો છે. શું એના આત્માને મોક્ષ મળે એવું કંઈ ન થઈ શકે ? !’

‘અત્યારે એ પંડિત ભવાનીશંકરના વશમાં છે.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘અને જ્યાં સુધી એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, ત્યાં સુધી કંઈ ન થઈ શકે.’

સાંભળીને આશ્કાના મોઢેથી નિશ્વાસ નીકળી ગયો.

જિગરે ટૅકસી રોકી. ત્રણેય ટૅકસીમાં બેઠા.

જિગરે આશ્કાના ઘર પાસે ટૅકસી રોકાવી. આશ્કા ટૅકસીમાંથી ઊતરી એટલે ‘આશ્કા ! હું તને ફરી કયારેક મળવા આવીશ અને તારી મમ્મી જો મારી પાસે પાછી આવશે તો હું ચોક્કસ તને જાણ કરીશ.’ આશ્કાને કહીને જિગરે દીપંકર સ્વામી સાથે ત્યાંથી વિદાય લીધી.

જિગર ટૅકસીમાં દીપંકર સ્વામીના ઘર પાસે પહોંચ્યો, ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા.

દીપંકર સ્વામી સાથે નિરાંતે બે વાત થઈ શકે એ માટે જિગરેે એ ટૅકસીવાળાને રવાના કરી દીધો અને સ્વામી સાથે એમના ઘરમાં દાખલ થયો. ‘બસ ! હું તમારી સાથે થોડીક વાત કરીને પછી નીકળું છું.’ જિગરે કહ્યું.

‘ના-ના ! તું નિરાંતે બેસ. તારે અહીં ઊંઘી જવું હોય તો ઊંઘી પણ શકે છે.’

જિગર ગળગળો થઈ ગયો. ‘સ્વામીજી, તમે...તમે મારા માટે કેટલું કરી રહ્યા છો ? !’

દીપંકર સ્વામી હસ્યા : ‘શી ખબર કેમ, પણ મારા મનમાં તારા માટેના પ્રેમ અને લાગણીનો દરિયો ફૂટે છે. અને એટલે જ તો પંડિત ભવાનીશંકર સામે એકવાર માત ખાધા પછી પણ હું એનો ડર રાખ્યા વિના, શીના ભવાનીશંકરના વશમાંથી નીકળીને ફરી તારી પાસે આવે એ માટે હું તારી સાથે સલોમી પાસે આવ્યો.’

‘હા, પણ સલોમી પાસે તો આપણને શીના પાછી મળે એવો રસ્તો મળ્યો નહિ.’ જિગરે કહ્યું : ‘હવે આગળ હું શું...’ અને જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ અચાનક જિગરના હાથ-પગમાં અસહ્ય પીડા ઊપડી અને એનું ગળું ભીંસાતું હોય અને જીવ જતો હોય એવું લાગવા માંડયું. ‘સ્વામીજી !’ તે પીડાભર્યા અવાજે બોલી ઊઠયો : ‘મારું ગળું..., મારું ગળું ભીંસાય છે. મારો જીવ જા...’ અને આગળ પણ તેેનું મોઢું ખૂલ્યું અને હોઠ ફફડયા, પણ તેનો અવાજ ગળાની બહાર નીકળી શકયો નહિ. જાણે...જાણે તે બોબડો બની ગયો !

‘ઓહ...!’ દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયા : ‘જિગર ! આ.... આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે ! ! !’

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED