પિશાચિની - 16 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિશાચિની - 16

(16)

અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી પંડિત ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ શીના અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી, એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી !

જિગર કેટલાંક મહિના સુધી શીનાને કલ્પનાની આંખે પોતાના માથા પર સવાર થયેલી જોતો રહ્યો હતો, એ જ શીના અત્યારે તેની સામે જીવતી-જાગતી ઊભી હતી એટલે જિગર આનંદમાં આવી ગયો. ‘શું આનો મતલબ એ હતો કે, શીના પંડિત ભવાનીશંકરના વશમાંથી-ભવાનીશંકરની ચુંગાલમાંથી આઝાદ થઈ ચૂકી હતી ? !’ અને આ વિચાર સાથે જ જિગર શીના તરફ આગળ વધ્યો, ત્યાં જ બસ આવી. શીના બસમાં ચઢી એટલે જિગર એ તરફ દોડયો. બસ ચાલુ થઈ. તે દોડીને ચાલુ બસમાં ચઢી ગયો. તેણે જોયું તો શીના આગળની સીટ પર બેસી ગઈ.

જિગરને થયું, ‘તે શીના પાસે પહોંચીને એની સાથે વાત કરે,’ પણ પછી તેને થયું કે, ‘તેણે પેસેન્જરો વચ્ચે વાત કરવાનું ટાળવું જોઈએ.’ તે ત્યાં જ ઊભો રહ્યો.

શીનાને ટિકિટ આપીને બસ કન્ડકટર તેની નજીક આવ્યો, એટલે તેણે પણ શીનાએ જે બસ સ્ટોપની ટિકિટ માંગી હતી એ બસ સ્ટોપની ટિકિટ લીધી. બસ કન્ડકટર તેની પાસેથી આગળ વધી ગયો એટલે તેણે ફરી શીના તરફ જોયું.

શીના બારી બહાર જોતી બેઠી હતી.

જિગરે નક્કી કર્યું. ‘હવે શીના એના સ્ટેન્ડ પર ઊતરે ત્યારે પણ એની સાથે વાત કરવી નથી. હવે હું જોઉં કે એ કયાં જાય છે અને શું કરે છે ? !’ અને જિગરે શીના તરફથી મોઢું ફેરવી લીધું. જોકે, તેણે આંખના ખૂણેથી તો શીનાને જોવાનું ચાલુ રાખ્યું.

ચોથા સ્ટોપ પર બસ ઊભી રહી ને શીના ઊતરી. જિગર પાછલા દરવાજેથી ઊતર્યો અને શીનાની નજર તેની પર પડે નહિ એ રીતેે ઊભો રહ્યો.

શીના બસ સ્ટેન્ડની ડાબી બાજુ આવેલી ગલી તરફ આગળ વધી અને એ ગલીમાં દાખલ થઈ ગઈ. એ પછી જિગર શીના પાછળ સરકયો. તેણે સલામત અંતર રાખીને શીનાનો પીછો ચાલુ રાખ્યો. શીના બે ગલી વટાવીને એક નાના કમ્પાઉન્ડવાળા રો-હાઉસનો ઝાંપો ખોલીને કમ્પાઉન્ડમાં દાખલ થઈ. એણે રો-હાઉસના દરવાજે લટકતું તાળું ખોલ્યું અને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ ગઈ ને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જિગરે આસપાસ જોયું. અહીં લોકોની ખાસ અવર-જવર નહોતી. જેટલી અવર-જવર હતી, એમને જિગર તરફ કે, શીનાના ઘર તરફ જોવાની ફુરસદ નહોતી.

જિગર શીનાના ઘરના મેઈન દરવાજા પાસે પહોંચ્યો ને ડોરબેલ વગાડી. બીજી મિનિટે જ દરવાજો ખૂલ્યો અને શીના દેખાઈ. ‘શીના ! તું...’ અને જિગર આગળ બોલવા ગયો, ત્યાં જ એ બોલી ઊઠી : ‘શીના...? ! ના, હું શીના નથી.’

‘તું..., તું શીના નથી ? !’

‘હું શીનાની દીકરી આશ્કા છું. શીના મારી મમ્મી હતી.’ આશ્કા બોલી, એટલે જિગરે આશ્ચર્ય અનુભવ્યું : ‘તું...તું મારી સાથે મજાક તો કરતી નથી ને ? !’

‘આવી મજાક હું શા માટે કરું ? !’ આશ્કાની આંખોમાં ગમગીની આવી ગઈ.

‘મારી જગ્યાએ કોઈ બીજું હોય તો એ પણ થાપ ખાઈ જાય.’ જિગર બોલ્યો : ‘તું તો અદ્દલો-અદ્દલ શીના જેવી જ લાગે છે. જરાયે ફરક નથી.’

‘તમે મારી મમ્મીને જોઈ હતી ? !’ આશ્કાએ પૂછયું.

‘હા, પણ એને જોયાને ઘણો વખત થયો. હું વિદેશમાં હતો.’ અને જિગરે પૂછયું : ‘અત્યારે શીના કયાં છે ?’

‘તમને ખબર નથી ? !’ આશ્કા એક નિશ્વાસ મૂકતાં બોલી : ‘એ તો બાર વરસ પહેલાં મરણ પામી.’

‘બાર વરસ પહેલાં...’

‘હા.’ આશ્કા મમ્મી શીનાની યાદથી ડુમાયેલા અવાજે બોલી : ‘ત્યારે હું આઠ વરસની હતી. મારી મમ્મીને મારા પપ્પા સાથે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. મારા પપ્પા કોઈ કામધંધો કરતા નહોતા. મારી મમ્મી જ અહીં-તહીંના કામ કરીને ઘર ચલાવતી હતી. મેં મારી મમ્મીને ઘણીવાર મારા પપ્પાને કહેતાં સાંભળી હતી કે, ‘‘હું મારી આશ્કા માટે જ જીવું છું, નહિતર હું કયારનીય ગળે ફાંસો ખાઈને મરી ગઈ હોત.’ અને આટલું કહેતાં-કહેતાં તો આશ્કાની આંખે ઝળહળિયાં આવી ગયાં : ‘અને એક દિવસ...’ આશ્કાએ બળબળતો નિસાસો નાંખ્યો : ‘...અને એક દિવસ મમ્મીએ ગળે ફાંસો ખાઈ લીધો. મમ્મીની લાશ પંખા સાથે લટકતી મળી આવી. પહેલી નજરે આપઘાતના લાગતા આ કિસ્સાની પોલીસે તપાસ કરી તો એમાં એ પુરવાર થયું કે, મારા પપ્પા કોઈ બીજી યુવતીના પ્રેમમાં હતા. એમણે મારી મમ્મીનું ગળું ટૂંપીને એને મારી નાંખી હતી અને પછી મમ્મીએ આપઘાત કરી લીધો છે એ સાબિત કરવા માટે એને ફાંસીના માંચડે લટકાવી દીધી હતી.’ આશ્કા સહેજ અટકીને આગળ બોલી : ‘મારા પપ્પાને જનમટીપની સજા થઈ. મારા સગામાં મારા એક નાના જ હતા, એમણે મને મોટી કરી. આ મારા નાનાનું જ ઘર છે. એક વરસ પહેલાં જ મારા નાનાનું અવસાન થયું. હવે હું એકલી જ છું.’ આશ્કાના ગાલે આંસુ આવી ગયાં, પણ એણે તુરત જ એ આંસુ લૂંછી નાખ્યા.

‘તારા પપ્પા અત્યારે...’

‘મને કંઈ જ ખબર નથી.’ આશ્કા બોલી : ‘પોલીસ મારા પપ્પાને પકડીને જેલમાં લઈ ગઈ એ પછી કયારેય મારા નાના મને મારા પપ્પાને મળવા માટે લઈ ગયા નહોતા.’ આશ્કાએ કહીને પૂછયું : ‘પણ તમે મારી મમ્મીને કેવી રીતના ઓળખો !’

‘હું તારી મમ્મીની એક બેનપણીનો દીકરો છું. એ હિસાબે હું એને ઓળખું છું.’ આશ્કાની મમ્મી શીના કોઈ અલા-બલા બની ગઈ છે અને અત્યારે એ પંડિત ભવાનીશંકરના વશમાં છે, એ વાત જિગરે છુપાવી.

‘તમે મારી મમ્મીને ઓળખો છો એ જાણીને મને ખૂબ આનંદ થયો.’ આશ્કા બોલી : ‘મારી મમ્મી ખૂબ જ ભલી અને ભોળી હતી ને !’

‘હા.’ જિગરે કહ્યું.

‘મારી મમ્મીને મર્યાને બાર વરસ થયા, પરંતુ આજે પણ મારી મમ્મી મારા સપનામાં આવતી રહે છે. એ મને મારા સપનામાં જ અણસાર આપીને મને માર્ગદર્શન આપતી રહે છે.’ આશ્કા બોલી : ‘કયારેક તો મને એવું લાગે છે કે, જાણે એ મારી આસપાસમાં જ હોય.’

‘ભલા આત્માનું આવું જ હોય છે.’ જિગરે કહ્યું : ‘ચાલ, આશ્કા ! હું નીકળું...,’

‘અરે, હું વાતોમાં તમને અંદર બોલાવવાનુંય ભૂલી ગઈ.’ આશ્કાએ કહ્યું : ‘આવો ને, અંદર !’

‘ના-ના ! અત્યારે મને મોડું થાય છે. પછી કયારેક આવીશ.’ અને જિગરે કહ્યું : ‘મારો મોબાઈલ નંબર લખી રાખ. કંઈ કામ હોય તો મને યાદ કરજે.’

આશ્કાએ જિગરનો મોબાઈલ નંબર લીધો.

જિગરે આશ્કાનો પણ મોબાઈલ નંબર લીધો અને ‘આવજે !’ કહીને ત્યાંથી આગળ વધી ગયો.

‘જે અદૃશ્ય શક્તિ શીનાએ તેને માલદાર બનાવ્યો હતો એની ઝેરોક્ષ કોપી જેવી જ દીકરી તેને જોવા મળી હતી એ કેવો જોગાનુજોગ હતો ? !’ આ વિશે વિચારતો જિગર બસ સ્ટેન્ડ પર પહોંચ્યો, ત્યાં જ તેને થયું કે, ‘તેણે દીપંકર સ્વામી પાસે જઈને એમને શીનાની દીકરી આશ્કા વિશે વાત કરવી જોઈએ.’

અને તે બસમાં બેસીને દીપંકર સ્વામીના ઘરે પહોંચ્યો. દીપંકર સ્વામી ઘરે જ હતા.

‘...તું વળી પાછો કેમ આવ્યો ? !’ દીપંકર સ્વામીએ તેને ગુસ્સાભેર પૂછયું.

‘સ્વામીજી ! આજે અજબ વાત બની.’ જિગર બોલ્યો : ‘મને શીનાની દીકરી મળી !’

‘શું વાત કરે છે ? !’ દીપંકર સ્વામીને રસ જાગ્યો : ‘બેસ, અને મને એ વિશે વાત કર.’

જિગર દીપંકર સ્વામીના સામેના સોફા પર બેઠો અને શીનાની દીકરી આશ્કા સાથે થયેલી મુલાકાત અને આશ્કા સાથે શીનાની જિંદગી ને મોત વિશે થયેલી વાત કહી સંભળાવી.

‘જિગર !’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘તને શીનાની દીકરી જોવા મળી એ ખરેખર અજબ વાત કહેવાય.’

‘હા, અને એટલે જ હું તમને એ કહેવા આવ્યો.’ જિગરે કહીને પછી હળવેકથી પૂછયું : ‘સ્વામીજી ! શું શીના ફરી મારે માથે સવાર થાય એવો કોઈ રસ્તો...’

‘ના, નથી !’ દીપંકર સ્વામી બોલ્યા : ‘હવે તું હંમેશ માટે શીનાને તારા મન-મગજમાંથી કાઢી મૂક.’

‘એ શકય જ નથી.’ જિગર બોલ્યો : ‘હવે હું શીનાના સંગાથ વિના જીવી શકું એમ નથી. શીના ગઈ એ સાથે જ મારી બધી જ માલ-મિલકત ચાલી ગઈ અને એટલે માહીના પપ્પા દેવરાજશેઠ માહીને મારી પાસેથી પોતાના ઘરે લઈ ગયા.’ જિગરની આંખોમાં ભિનાશ આવી, તેણે હાથ જોડયા : ‘સ્વામીજી, પ્લીઝ ! મને શીના પાછી મળે એ માટેનો કોઈક રસ્તો બતાવો.’

દીપંકર સ્વામી જિગરનેે જોઈ રહ્યા.

‘પ્લીઝ, સ્વામીજી !’

‘તું એક કામ કર.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘સલોમીને જઈને મળ !’

‘આ સલોમી કોણ છે ?’ જિગરે પૂછયું.

‘એ પ્લૅનશેટ્‌ની જાણકાર છે.’

‘પ્લૅનશેટ્‌...? !’ જિગરે પૂછયું : ‘..આ પ્લૅનશેટ્‌ તે વળી શું છે ? !’

‘આત્માઓ સાથે સંપર્ક કરવા માટેની એક વિધિ !’ દીપંકર સ્વામીએ કહ્યુંઃ ‘તું સલોમીને જઈને મળી જો. કદાચ તારું કામ બની જાય.’ અને દીપંકર સ્વામીએ જિગરને સલોમીનું સરનામું આપ્યું અને કહ્યું : ‘એ રાતના જ વિધિ કરે છે, એટલે તું રાતના દસેક વાગ્યાની આસપાસ જ એને ત્યાં જજે.’

‘જી, સ્વામીજી !’ જિગરે કહ્યું અને એમનો આભાર માનીને બહાર નીકળ્યો. અને ત્યારે તેના મનમાં એ સવાલ સળવળતો હતો કે, શું આ સલોમી તેને ભવાનીશંકર પાસેથી શીના પાછી મેળવી આપશે ખરી !

દૃ દૃ દૃ

રાતના બરાબર દસ વાગ્યે જિગરે સલોમીના ઘરને દરવાજે પહોંચી ગયો. તેણે ડોરબેલ વગાડી. બીજી મિનિટે જ દરવાજો ખૂલ્યો અને એક મોટી ઉંમરની બાઈ દેખાઈ.

‘મારું નામ જિગર છે. મને દીપંકર સ્વામીએ મોકલ્યો છે. મારે સલોમીજીને મળવું છે.’

‘સલોમીબેન એક વિધિમાં છે.’ બાઈ બોલી : ‘તમારે થોડીક વાર બેસવું પડશે.’

‘વાંધો નહિ !’

‘આવો !’ બાઈએ તેને આવકાર આપ્યો.

જિગર ઘરમાં દાખલ થયો, એટલે બાઈએ દરવાજો બંધ કર્યો. ‘બેસો.’ એ બાઈએ જિગરને કહ્યું અને સળંગ ગોઠવાયેલી ત્રણ ખુરશી તરફ ઈશારો કર્યો.

જિગરે ખુરશી પર બેસતાં સામે જોયું. સામે રૂમની દીવાલ હતી. એ દીવાલ પર આરપાર જોઈ શકાય એવા કાચની લાંબી બારી હતી. એ બારીમાંથી અંદરનો બીજો રૂમ દેખાતો હતો. એ રૂમમાં અત્યારે લાઈટ બંધ હતી અને મોટી મીણબત્તીનું અજવાળું ફેલાયેલું હતું. એ રૂમની દીવાલો પર દેવી-દેવતાઓના ફોટા લાગેલા હતા. આ ફોટાની આસપાસની બન્ને બારી ખુલ્લી હતી. એ રૂમમાં કોઈ ફર્નિચર નહોતું. રૂમ એકદમ સ્વચ્છ હતો. રૂમની બરાબર વચમાં જમીન પર અત્યારે એક યુવતી અને ત્રણ યુવાનો બેઠેલા દેખાતા હતા.

જિગર સમજી ગયો, ત્રણ યુવાનો સાથે બેઠેલી એ યુવતી જ સલોમી હતી. પાંત્રીસેક વરસની સલોમીએ સ્વચ્છ અને સુંદર કપડાં પહેર્યા હતા. સલોમીના ચહેરા પર તેજ વર્તાતું હતું.

સલોમીની સામે બેઠેલા લાંબા વાળ ધરાવતા યુવાને ઝભ્ભો ને ચુડીદાર પહેર્યું હતું. જ્યારે એની ડાબી અને જમણી બાજુ બેઠેલા યુવાનોએ શર્ટ-પેન્ટ પહેર્યા હતા.

‘આ ઝભ્ભાવાળોે યુવાન રાજનગરના ધનવાનશેઠનો દીકરો વીર છે અને એની સાથે જે બે યુવાનો છે એ એના દોસ્તો છે.’ જિગરની બાજુની ખુરશી પર બેસતાં બાઈ બોલી : ‘વીરની માતાજીને થોડાંક દિવસ પહેલાં જ હાર્ટએટેક આવ્યો અને કોઈ કંઈ સમજે-કરે એ પહેલાં તો તેઓ મૃત્યુ પામ્યાં. વીર ટેન્શનમાં આવી ગયો. એની માતાજીની તિજોરીમાં અગત્યના દસ્તાવેજોની સાથે બીજી પણ ઘણી બધી કિંમતી વસ્તુઓ મુકાયેલી છે. માતાજીની તિજોરીની ચાવી વિશે ફકત માતાજીને જ ખબર હતી. માતાજીના મૃત્યુ પછી વીર ઘરનો ખૂણેખૂણો જોઈ વળ્યો, પણ એને તિજોરીની ચાવી મળતી નથી. દસ માણસોથી પણ ન ઊંચકાય એવી તિજોરી તૂટે એવી નથી. એટલે આખરે વીર સલોમીબેન પાસે એ તિજોરીની ચાવી કયાં છે ? એ જાણવા આવ્યો છે. હવે જો-જો,’ બાઈ ગર્વભેર બોલી : ‘હમણાં સલોમીબેન કેવી રીતે વીરના માતાજીના આત્માને બોલાવીને એમની પાસેથી તિજોરીની ચાવી વિશે જાણી આપે છે.’

સાંભળીને જિગરને સામેના દૃશ્યમાં હવે ઓર વધુ રસ પડયો. તેણે સામેના રૂમમાં બેઠેલી સલોમી તેમજ એ ત્રણેય યુવાનોની વચમાં પડેલી વસ્તુઓ તરફ ધ્યાનથી જોયું. એમની વચમાં એક મોટો સફેદ કાગળ પડયો હતો. એ કાગળમાં-ઘડિયાળના આંકડા લખાયેલા હોય છે, એમ જ અંગ્રેજી બારાખડીના-એ, બી, સી થી ઝેડ સુધીના ર૬ અક્ષરો લખાયેલા હતા. આની વચમાં એક વાટકી ઊંધી મુકાયેલી હતી.

‘ચાલો હવે હું કહું એમ કરતા જાવ.’ સલોમીએ તેની સામે બેઠેલા વીર અને એના બન્ને દોસ્તોને કહ્યું : ‘ટચલી આંગળીઓ એકબીજા સાથે ટચ થાય એવી રીતના વાટકી પર મૂકો.’ કહેતાં સલોમીએ ટચલી આંગળી વાટકી પર મૂકી.

વીર અને એના બન્ને સાથીઓએ પોતપોતાની ટચલી આંગળી વાટકી પર મૂકી.

‘આત્માને બોલાવવાનું શરૂ થાય એ પછી વાટકી પરથી આંગળી ઊઠાવવાની નથી અને આંગળીથી વાટકી પર વધુ વજન આપવાનું નથી, નહિતર આત્મા ગુસ્સે પણ થઈ શકે છે.’ સલોમીએ કહ્યું, એટલે વીર તેમજ એના દોસ્તોએે પોતાની આંગળીઓ એ રીતે સેટ કરી.

‘હવે બધાં એકાગ્ર મનથી પરમાત્માનું ધ્યાન કરો !’ સલોમીએ કહ્યું, એટલે એ ત્રણેય જણાંએ પરમાત્માનું ધ્યાન કરવા માંડયું.

‘હવે મનોમન તમારા માતાજીના આત્માનું આહવાન કરો.’ સલોમી બોલી અને તે પણ વીરની માતાજીના આત્માને બોલાવવા માંડી.

થોડીક પળો થઈ ત્યાં જ સલોમી અને વીર તેમજ એના બન્ને દોસ્તોની વાટકી પર મુકાયેલી આંગળીઓ કાંપવા લાગી અને એમની નજરો સ્થિર થઈ ગઈ.

‘જો યંત્રમાં કોઈના આત્માની શક્તિ આવી હોય તો મારી બાજુનો ભાગ અદ્ધર થાય.’ સલોમી બોલી અને આ સાથે જ સલોમી તરફનો વાટકીનો ભાગ સહેજ અદ્ધર થયો.

‘વીર !’ સલોમીએ તેની સામે બેઠેલા વીરને કહ્યું : ‘તમે માતાજીના આત્માને સવાલ કરી શકો છો !’

‘મા ! તારી તિજોરીની ચાવી કયાં પડી છે ?’ અને વીરેે આ સવાલ પૂરો કર્યો, ત્યાં જ વાટકી કાગળ પર લખાયેલા અલગ-અલગ અક્ષર પર ફરવા માંડી.

સલોમી એ વાટકી જે અક્ષર તરફ ફરતી હતી, એ એક કાગળમાં લખતી જતી હતી.

થોડીક પળોમાં જ વાટકી ફરતી બંધ થઈ અને સલોમી બોલી ઊઠી : ‘જવાબ મળી ગયો.’ અને સલોમીએ માતાજીના આત્માને વિદાય લેવાની વિનંતી કરી.

થોડીક પળો પછી સલોમીએ એક ઊંડો શ્વાસ લીધો. ‘માતાજીનો આત્મા ગયો.’

‘સલોમીબેન !’ વીરે અધીરાઈથી પૂછયું : ‘શું ખરેખર ચાવી કયાં પડી છે ? ! એનો જવાબ મળી ગયો ?’

‘હા.’ સલોમીએ પોતે નોંધેલા અક્ષરો પર નજર ફેરવતાં કહ્યું : ‘તમારી માતાજીની તિજોરીની ચાવી તમારી હવેલીના આગળના ભાગમાં, પૂર્વ દિશામાં આવેલા આંબાના ઝાડ નીચે દટાયેલી છે.’

‘ખરેખર ? !’ વીર બોલી ઊઠયો : ‘હું મારી પત્ની પાયલને કહું છું, એ જોઈ લેશે !’ અને વીરે પાયલનો મોબાઈલ ફોન લગાવ્યો અને વાત કરી : ‘પાયલ ! હવેલીના આગળના ભાગમાં-પૂર્વમાં આવેલા આંબાના ઝાડ નીચે ખોદાવીને જો. ત્યાં તિજોરીની ચાવી પડી હશે !’ આટલું કહીને વીરે કહ્યું : ‘ના, પાયલ ! તું મોબાઈલ ચાલુ જ રાખ અને મને જલદી જવાબ આપ.’

અને વીર મોબાઈલ ફોન કાને ધરેલો રાખીને બેસી રહ્યો. સલોમી અને વીરના દોસ્તો વીરને જોઈ રહ્યા.

તો જિગર પણ ‘સલોમીએ કહેલી જગ્યા પરથી વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે, નહિ ? !’ એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો !

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Dharmishtha Gohil

Dharmishtha Gohil 2 માસ પહેલા

Sheetal Pathak

Sheetal Pathak 1 વર્ષ પહેલા

Nimisha Patel

Nimisha Patel 1 વર્ષ પહેલા

Rakesh

Rakesh 2 વર્ષ પહેલા

Parmar Geeta

Parmar Geeta 3 વર્ષ પહેલા