An understanding of menstruation books and stories free download online pdf in Gujarati

ઋતુસ્ત્રાવ એક સમજણ

ચારેકોર ડુંગરોની હારમાળા પથરાયેલી હતી.આ ડુંગરોના તટમાં પક્ષીના માળા સમાન નાનકડું ગામ આવેલું હતું.છૂટા છવાયા અને માટી, વાંસ, લાકડાં અને નળીયા થકી નમીને જ ઘરમાં પ્રવેશ કરી શકાય એવા દરવાજાવાળા નાનાકડા ઘર હતા.રોજ સવાર પડે એટલે હું નર્મદા બકરાં લઈને આ ડુંગરોને ખોજતી ફરતી. હજુ તો હું બાર વર્ષની છું, નિશાળે ભણવા જાવ છું, પણ ક્યારેક ક્યારેક હું ઘરે જ રોકાય જાવ છું.ઘરમાં અમે ચાર ભાઈ બહેન છીએ. એમાં હું સૌથી મોટી છું.મારા માબાપ તો રોજગારી અર્થે બહાર ગામ જ હોઈ છે.બે મહિને એકવાર ઘરે આવે અને ઘરવખરી આપી જાય.એટલે મારા નાના ભાઈ બહેનની જવાબદારી મારા જ માથે. એમને શાળાએ જવા માટે તૈયાર કરવા, ખાવાનું બનાવી આપવાનું અને કપડાં ધોવા, એવા બધા જ કામ કરુ છું. તેથી જ તો ક્યારેક ક્યારેક શાળામાં જઈ શકાતું નથી.શાળાએ જવું મારા માટે ખુશીને મળવું બરાબર છે.શાળામાં ફૂલો પર પતંગિયા સમ ઊડવું,ભણવું, બહેનપણીઓ સાથે બેસીને નાસ્તો કરવો અને પછી ખુલ્લાં મેદાનમાં દોડ લગાવવી.મને ભણવાની સાથે રમવું બહુજ ગમે છે અને એમાં ખોખો રમવાની મજા જ કઈક અલગ હોઈ છે. આ વાક્ય પૂર્ણ થાય એ પેહલા જ લીમડાની ડાળ પર ગળેફાંસો ખાયને લટકતી અને પગના તળિયેથી લોહીના ટીપાં પડતા દેખાયા અને હું ચીસ પાડીને ઊંઘમાંથી ઊઠી ગઈ.
" આ કેવું ભયાનક સ્વપ્ન હતું!જેમાં હું જાણે નર્મદા હોવ એવું લાગી રહ્યું હતું.પણ હું તો શ્રેયા છું."
પથારીમાંથી ઊભી થઈને પાણી પીવે છે અને વિચાર કરે છે કે," સ્વપ્નમાં આ કેવો ભ્રમ થયો મને? કેમ આવું સ્વપ્ન આવ્યું?" મગજ પર કેટકેટલા વિચારોના વામનની વચ્ચે માત્ર એક સ્વપ્ન ગણીને ભૂલવાનો પ્રયાસ કર્યો.

આજનો મારો દિવસ તે સ્વપ્નના આછાપાત્રા ખયાલમાં વીત્યો. મેં લખવાનો ઘણો જ પ્રયત્ન કર્યો પણ અંતે તે કાગળ કોરો જ રહ્યો.હું લખી જ શકી નહિ.આજે રાતના મેં સારા સારા વિચારો સાથે જ ઊંઘવાનું નક્કી કર્યું.તે સ્વપ્ન ફરી ન આવે એટલે મે એક ધાર્મિક પુસ્તક વાંચતા વાંચતા ક્યારે હું એ પહાડોના મધુર નાદ કરતા પંખીઓના સંગીતમાં નર્મદા બનીને વહી ગઈ.ફરી એ જ પહાડ, બકરાં,શાળા અને તે શાળાનું મેદાન મારા માનસપટ છવાય ગયું. હું ખોખોના મેદાનમાં મારી રમત કૌશલ્ય દાખવી રહી હતી.દર્શકોની તાળીઓ અને પ્રશંસાનો ઘોંઘાટ થઈ રહ્યો હતો પરંતુ મારી એ પ્રશંસા હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગઈ.લોકો મારી પર હસી રહ્યા હતા, મારી ઠેકડી ઉડાવી રહ્યા હતા.હું શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.હું જોરજોરથી રડી રહી હતી અને મારા મુખમાંથી ચીસ નીકળી રહી હતી.આ ચિસની સાથે જ મારી ઊંઘ તૂટી જાય છે.મારા શ્વાસોશ્વાસની ગતિ અને હૃદયના ધબકારા અસામાન્ય સ્થિતિએ હતા,શરીરમાં કંપારી છૂટી રહી હતી અને હું પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.આ સ્વપ્ન ફરી એકવાર આવ્યું હોવાથી શરીરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ ગઈ હતી.કોઈ અઘટીત ઘટના ઘટવાનો પૂર્વભાસ તો નથી ને?વારેવારે એક સ્વપ્ન આવતું હોવાથી, કુદરત કોઈ સંકેત તો નથી આપતું ને? મારા દિલોદિમાગ પર આવા જ પ્રશ્નોનો ઉદ્દભવ થવા લાગ્યો.પરંતુ મેં એ પ્રશ્નોની વચ્ચે પણ મનને શાંત કરીને એ રાતતો પસાર કરી લીધી.

જે સવારે કુકડાના ટહુકા પહેલાં જ ઉઠી જનારી હું આજે આઠ વાગ્યા સુધી પથારીમાં હતી.ઉઠી તો ખરી પણ રાતના એ સ્વપ્નના લીધે માથું ભરેભારે લાગી રહ્યું હતું.શરીર પર થકાન અને અનિંદ્રાનો અનુભવ થઈ રહ્યો હતો.

"રાતે મોડે સુધી જાગી હોઈ એમ લાગે છે." હાથમાં ચાનો કપ લઈને આવેલા મારા મમ્મીએ કહ્યું.
" હા." માત્ર એટલું જ બોલી શકી.
" બેટા,વાર્તાઓ લખવાનું કામ તો આખી જિંદગી છે અને આરામ પણ જરૂરી છે."
મને વિચારોમાં ખોવાયેલી જોઈને મમ્મી મારી પાસે બેસ્યા.
"હું ક્યારનીય તને જોઈ રહી છું.શાના વિચારોમાં ખોવાઈ ગઈ છે?"
મમ્મીનાં પ્રશ્નોની સામે મેં મારી ચૂપકી તોડી અને બે રાતથી આવતા સ્વપ્નના વિશે સઘરું જણાવી દીધું.
" સ્વપ્ન જ તો છે એમાં આટલું શું વિચારે છે? ક્યારેક ક્યારેક એવા પુસ્તકો વાંચવાથી કે વાર્તા લખવાથી પણ વિચારો મગજમાં ગૂંગળાયા કરતા હોઈ છે, જે સ્વપ્ન સ્વરૂપે જાગ્રત થઈ શકે છે."
મમ્મીની વાત વિચારવા જેવી લાગી એટલે મેં થોડા દિવસો પહેલાની યાદોને ફેદી વળી.ત્યારે જ ધ્યાને આવ્યું કે અઠવાડિયા પહેલાં જ pocso એક્ટ વિશે માહિતી વાંચી રહી હતી.'જે બાળકોને જાતીય શોષણ સામે રક્ષણ આપતો કાયદો ઘડવામાં આવ્યો છે.'મને લાગ્યું કે કદાચ એમાં જ મને સ્વપ્ન આવતા હશે. એવી સંભાવના સાથે મારા લેખન કાર્યમાં વ્યસ્ત થઈ.આજે નક્કી જ કર્યું કે એ સ્વપ્ન વિશે જરા પણ વિચાર મગજમાં આવવા દેવો નથી.કાર્યમાં વ્યસ્ત રહેવાના કારણે કેટલેક અંશે તો સફળ રહી.

રાતે ફરી એ સ્વપ્ન આવશે તો? એવા ડરના લીધે ઊંઘ જ ન્હોતી આવી રહી. જેવી આંખ બંધ થઈ કે તે પહાડોની વચ્ચે નર્મદા બનીને મારી જાતને ત્યાં પામી.શાળાનું મેદાન, ખોખો રમતી હું અને મારી જાત પર લોકો હસી રહ્યા છે.મારા પગ લોહીથી ખરડાઈ રહ્યા હતા. એવી હાલતમાં હું બધાની નજરથી બચવા માટે દોડી રહી હતી.હું લીમડાના વુક્ષ પર ગળેફાંસો ખાઈ લીધો. મેં મારી નજર સમક્ષ પોતાની જાતને આમ લટકતા જોઈને મારા મુખમાંથી ચીસ નીકળી પડી. મારી ચીસે રાતની નીરવ શાંતિમાં ખલેલ પહોંચાડ્યો હતો. એટલે મારી મમ્મી દોડીને મારી પાસે આવી જાય છે.આંખમાંથી આંસુ અને પરસેવે રેબઝેબ થઇ ગયેલી જોઈને એમના ખોળાની છત્રછાયામાં મને લઈલે છે. એ રાત્રે, હું કશુજ મમ્મી સમક્ષ રજૂ કરી શકી નહિ.બસ એમના ખોળામાં ખુદને છુપાવી લીધી.

કેમ મને નર્મદાના જ સ્વપ્ન આવે છે? સ્વપ્ન આવવા પાછળનું કોઈ કારણ છે કે શું? આ સ્વપ્ન હતું કે પછી મને કોઈ મદદ માટે પોકારી રહ્યું છે? ન જાણે આ નર્મદા કોણ છે કે પછી હતી?મારું મન સવાલોથી ઘાયલ થઈ રહ્યું હતું.સવાર પડતાંની સાથે જ લેપટોપ હાથમાં લીધું.નર્મદા વિશે માહિતી મેળવવાની ઇચ્છા થઇ.ઘણી જ માહિતી ઈન્ટનેટ પર હતી પણ મને જે માહિતીની જરૂર હતી તે ન્હોતી.ઘણીવાર સુધીની શોધખોળ પછી મારી જીજ્ઞાસાનો અંત આણ્યો.

બે વર્ષ પેહલા બનેલી એક ઘટના હતી. અંતરિયાળ વિસ્તારમાં ડુંગરોની વચ્ચે નાનું ગામ આવેલું છે.જ્યાં નર્મદા નામની છોકરી હતી.તે શાળામાં ભણવામાં બહુ જ હોશિયાર અને કુશળ હતી.જેવી ભણવામાં એવી જ રમવામાં પણ તેજ અને ચપળ. તેની પ્રિય રમત ખોખો હતી.

જિલ્લા કક્ષાની ખોખીની ફાઈનલ મેચ ચાલી રહી હતી.આ મેચમાં નર્મદા ખૂબ જ પ્રવીણ સાબિત થઈ રહી હતી.પોતાની આગવી અને અનોખી રમત પ્રત્યેની પ્રતિભાથી મેદાનમાં હાજર રહેલ સર્વ દર્શક પ્રશંસા કરી રહ્યા હતા.એ જ સમયે નર્મદાને પેટમાં દુઃખાવો થાય છે અને પ્રથમ ઋતુ સ્ત્રાવ આવે છે.જેના થકી એના કપડાં લોહીથી ખરડાય જાય છે.આવી પરિસ્થિતિ જોતા જ આજુબાજુ ઉભા રહેલ પ્રેક્ષકો એની હસી ઉડાવવા લાગે છે,તિરસ્કારની ભાવનાથી દોષ આપે છે અને અપમાન કરે છે.માસિક ધર્મ થી અજાણ નર્મદા અપમાન સહન નથી કરી શકતી અને ગળેફાંસો ખાઈને પોતાની જિંદગી ત્યાં જ થંભાવી દે છે.

આ ઘટના વાંચતા જ શ્રેયાનું મન વિચલિત થઈ જાય છે.
"નર્મદાનું સ્વપ્ન મને કેમ આવતું હશે? તે મને આ સ્વપ્ન દ્વારા શું કહેવા માગે છે?હવે મારે મારા સ્વપ્ન વિશે જાણવું જ પડશે."
સ્વપ્ન આવવા પાછળ શું હકીકત રહેલી છે તે જાણવા માટે મેં ત્યાં જ જવાનું નક્કી કર્યું. મારા ઘરે થી તે ગામ આશરે પચાસ કિમીના અંતરે આવેલું હતું. હું આવતીકાલની રાહ જોવા ન્હોતી માગતી એટલે આજે જ જવા નીકળી.

બરાબર મઘ્યાહનનો સમય હતો.રસ્તો સૂમસામ અને સર્પાકાર વળાંકવાળો હતો.મેં ગામની સીમમાં પ્રવેશ કરતાં જ કુદરતના સાનિધ્યમાં પહોંચવાનો અહેસાસ થઈ રહ્યો હતો.ચારેબાજુ ડુંગરોની હારમાળામાં કુદરતના ખોળે રમતુ એક નાનકડું ખોબા જેવડું ગામ હતું.ગામની શરૂઆત શાળાથી થતી હતી એટલે મેં પ્રથમ શાળામાં જવાનો વિચાર બનાવ્યો. સ્વપ્નમાં જે શાળા દેખાઈ હતી એવી જ પ્રતીત થઈ રહી હતી.શાળાના આચાર્યશ્રીની સંમતિ લઈને શાળાના રૂમોની મુલાકાત કરી.જેમજેમ ધોરણનો ક્રમ ઉપર મુજબ જઈ રહ્યો હતો તેમતેમ છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની સંખ્યા ઘટી રહી હતી.આ વિશે શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું કે ,"ગામના મોટા પ્રમાણમાં લોકો રોજગારી અર્થે શહેર તરફ સ્થાનાંતર કરે છે અને તેમના સંતાનો ગામમાં જ રહે છે.તેથી જ સાતમા અને આઠમા ધોરણમાં ભણતી છોકરીઓ ઘરના કામકાજમાં રોકાય જતી હોવાથી શાળામાં આવતી નથી."

મને તે જવાબ હજમ ન્હોતો થઈ રહ્યો.પરંતુ હું તો નર્મદા માટે આવી છું એટલે તે બાબત પર ખાસ ધ્યાન ન આપ્યું.મારી નજર શાળાના બોર્ડ પર લગાવેલા ફોટો પર પડી. તેમાંનો એક ફોટો મારી જીજ્ઞાસા વધારી રહ્યો હતો.જાણે પાંખ લાગી હોઈ એમ ખોખોનાં મેદાનમાં પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ઉડાન ભરતી હોઈ એવી એક છોકરી દેખાય.હા, એ તો નર્મદા જ છે.તેનો ફોટો ઘણું બધું મને કહી રહ્યો હતો.મારાથી રેહવાયું નહિ એટલે ફોટા પર આંગળીનો ઈશારો કરીને, તે છોકરી વિશે આચાર્યશ્રીને પૂછી જ લીધું.

" તે નર્મદા છે.અમારા ગામનું ગૌરવ વધારે એ પેહલા જ ઝાડ પર સ્વપ્નની સાથે લટકી ગઈ.તે રાજ્યકક્ષાની ખોખોની ટીમમાં પસંદગી પામી શકે તેમ જ હતી .પણ મેદાનમાં બનેલી તે ઘટનાએ તેના સ્વપ્નને રોળી નાખ્યું." બોલતા બોલતા ત્યાં જ અટકી જાય છે.

" કેવી ઘટના બની હતી કે તેનું સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું." મે સહજ રીતે અજાણી થઈને જ પ્રશ્ન પૂછ્યો.
" તમે એક સ્ત્રી છો એટલે તમને કહી શકું તેમ નથી." એટલું કહ્યા પછી મારા હાથમાં બે વર્ષ જૂનું ન્યૂઝ પેપર આપ્યું.

મેં મારા કદમ નર્મદાના ઘર તરફ આગળ ધપાવ્યો.જેની સ્વપ્નમાં ઝલક થઈ રહી હતી તે નરી આંખે જોવા મળી રહ્યું હતું.મારા પગ નર્મદાના ઘર આગળ રોકાય ગયા.નર્મદાનું ઘર, ઘર આગળ લીમડો અને ઘર પાસે વાડામાં રહેલા બકરાં.હું જાણે નર્મદા જ હોવ એવો જ મેહસૂસ થઈ રહ્યો હતો.એક કુમારિકા દીકરીને ઋતુ સ્ત્રાવની અસમજણ આત્મ હત્યા સુધી લઈ ગઈ.આ વાત મને પજવી રહી હતી એટલે મેં ગામમાં આંટો લાગવ્યો.ગામને જોયું,જાણ્યું અને મારી નજરે સમજ્યું ત્યારે જ મને ભાન થયું કે નર્મદા મને અહી કેમ ખેચી લાવી છે.મને મારા સ્વપ્નનું કારણ મળી ગયું હતું.

મેં ગામની કેટલીક કિશોરી સાથે મુલાકાત કરી,તેમની સાથે વાતચીત કરી.વાતચીત કરતાં કરતાં નર્મદાના આત્મહત્યાનું કારણ વિશે પૂછ્યું.પરંતુ કેટલીક છોકરીઓ સાફ સાફ કહી ન્હોતી શકતી અને શરમાઈને નજર નીચી કરી દેતી હતી અને બીજી કેટલીક છોકરીઓ નર્મદાને જ દોષી માનતી હતી.સાંજ થવા આવી હતી એટલે મેં મારી મુલાકાતનો અહી જ વિરામ આપ્યો.મારી આ મુલાકાતે મને નવી મંજિલ આપી હતી.

નર્મદા મારી પાસે ન્યાય મેળવવા માટે મદદ માગી રહી હતી.જે ખોખોના મેદાનમાં ઋતુ સ્ત્રાવની ઘટના બની તેનાથી નર્મદા બિલકુલ અજાણ હતી.તેમ છતાં પણ ભણેલા લોકોએ હાંસી ઉડાવી હતી તો અભણ લોકોએ દોષનો ટોપલો નર્મદા પર જ ઠાલવ્યો.ગામમાં માત્ર એક જ નર્મદા ન્હોતી.આવી તો ઘણી નર્મદા છે જે દર વર્ષે માસિક સ્ત્રાવથી શર્મસાર અવસ્થામાં મુકાય જવાના લીધે શાળાનું શિક્ષણ અધૂરું છોડીને જતી રહે છે. શાળાના શિક્ષકોનો શર્મસંકોચવાળા સ્વભાવના કારણે છોકરીઓને માસિક ધર્મ પ્રત્યે સાચી સમજણ ન્હોતા આપી શકતા. કેટલીક છોકરીઓ એવી પણ જોવા મળી કે જે પરીક્ષાના સમયે ઋતુ સ્ત્રાવ આવવાના લીધે પરિક્ષામાં ગેરહાજર રહી ગઈ હતી અને પોતાની કારકિર્દીનો અંત લાવી દીધો હતો. મેં નક્કી જ કરી લીધું કે આ ગામની છોકરીઓને માસિક ધર્મ વિશે સાચી સમજણ વિકસાવીશ જ.

સવારના સૂર્યોદયની સાથે જ મેં ફરી તે ગામની મુલાકાતે નિકળી.બપોરના સમયે શાળામાં ગામની કિશોરીઓને ભેગી કરી.સૌપ્રથમ માસિક સ્ત્રાવ એ કુદરતી ક્રમ છે જેનાં વિશે પૂરી સમજણ આપી. જ્યારે પણ માસિક આવવાનું હોઈ ત્યારે સેનેટરી પેડના ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવ્યું.મારું એક અભિયાન સફર રીતે પૂરું થયું.આ તો માત્ર એક જ ગામ હતું,પરંતુ આપણા દેશમાં ઘણા એવા ગામ છે હજુ પણ માસિક ધર્મ પ્રત્યે પાપ, ધૃણા કે અશિક્ષિત હોવાના લીધે લાખો કિશોરીઓના જીવન પર વિપરીત અસર પડે છે.

હું સમાજ માટે ઉતમ વાર્તા લખવાની શોધમાં હતી. એ વાર્તાનો પૂર્ણવિરામ નર્મદાના સ્વપ્ન પરથી મળી ગયો." માસિક ધર્મ એક સમજણ" વિષય પર નર્મદાનું જીવન આલેખ્યુ.નર્મદાના જીવન થકી સમાજના લોકોમાં કેટલેક અંશે માસિક ધર્મ પ્રત્યે સાચી સમજણનો વિકાસ પામ્યો અને કિશોરીઓનો મોટો સમુદાય સનેટરી પેડનો ઉપયોગ કરતી થઈ.સમાજમાં બીજી નર્મદા ન જન્મે તે માટે સરકારે શાળાઓમાં જ છોકરીઓને શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો.જે લોકોએ નર્મદાની પરિસ્થિતિની મજાક ઉડાવી હતી તે લોકોને પારવાર પસ્તાવો થયો.

(સમાજે હજુ પણ જાગૃત થવાની જરૂર છે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED