rahasymay tapu upar vasavat.. - 16 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 16


ગોરીલા બન્યા રક્ષક..
ફિડલને વાગ્યું જંગલીનું તીર..

_____________________________________


તીર કામઠાવાળા જંગલીઓના મુખિયાનો ઈરાદો ખુબ ખરાબ હતો. એણે ક્રેટી અને એન્જેલાનું સુંદર રૂપ જોયું એટલે એની દાનત બગડી. એ બધાને મારી નાખીને એન્જેલા તેમજ ક્રેટીને પોતાની પત્ની બનાવવા માંગતો હતો.કેપ્ટ્નને તો પહેલા થી જ એનો અંદાજો આવી ગયો હતો પણ તેઓ ચૂપ રહ્યા હતા. કારણ કે એમની એક ઉતાવળ એમના બધા સાથીઓ ના મૃત્યુ માટે કાફી હતી.

બધાને એક હારમાં ગોઠવવામાં આવ્યા. ક્રેટીને એન્જેલાની પાસે ઉભી રાખવામાં આવી. પછી પેલો મુખીયો ક્રેટી તરફ આગળ વધ્યો. ક્રેટી તો બિચારી એનો વિચિત્ર દેખાય જોઈને ડરી રહી હતી. પેલો મુખીયો ક્રેટી પાસે આવ્યો પછી ક્રેટીની આજુબાજુ એક ચક્કર લગાવ્યું. ક્રેટીનું શરીર તો ડરથી કંપવા લાગ્યું. ત્યાં તો પેલા મુખીયાએ ક્રેટીનો હાથ પકડ્યો. આ જોઈને જ્યોર્જ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. પણ કેપ્ટ્નને એને શાંત રહેવાનો ઇસારો કર્યો એટલે જ્યોર્જ નીચું જોઈને ઉભો રહ્યો. પેલો મુખીયાએ પોતાનું મોઢું ક્રેટી નજીક લઈ ગયો. એના મોંઢામાંથી નીકળેલી દુર્ગંધથી ક્રેટીનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું. ત્યાં તો સામેની દિશામાંથી જોરદાર અવાજો આવવા લાગ્યા.

જંગલી લોકોના ઝુંપડામાંથી સ્ત્રીઓ અને બાળકોની રોકકળના અવાજો આવવા લાગ્યા. બધાએ એ તરફ જોયું તો સામે રહેલું દ્રશ્ય જોઈને બધાના હાજા ગગડી ગયા. પેલા જંગલીઓના હાથમાંથી તીર કામઠાં નીચે પડી ગયા. પેલો મુખીયાએ ક્રેટીનો હાથ પકડેલો હતો પણ સામેનું દ્રશ્ય જોતાં એના હાથમાંથી ક્રેટીનો હાથ છૂટી ગયો. ગાઢ જંગલમાંથી આવેલું ગોરીલાઓનું વિશાળ ટોળું જંગલીઓની ઝૂંપડીઓને જમીનદોસ્ત કરી રહ્યું હતું. જ્યોર્જનો દોસ્ત ગોરીલો સૌથી મોખરે હતો. થોડીવારમાં તો ગોરીલાઓએ ઝૂંપડીઓનો સર્વનાશ કરી નાખ્યો. અને જે કોઈ સામે આવ્યું એને ત્યાં જ પછાડીને મારી નાખ્યું. હવે ગોરીલાઓ જ્યોર્જ અને પેલા જંગલીઓ ઉભા હતા એ તરફ આવવા લાગ્યા. સામે પોતાના દોસ્ત ગોરીલાને આવતો જોઈને જ્યોર્જ બોલી ઉઠ્યો.

"વાહ..! મારો દોસ્ત આવી ગયો...' જ્યોર્જે આંનદમાં આવીને જોરથી બુમ પાડી.





જંગલ તરફથી પ્રવેશેલો ગોરીલાઓનો વિશાળ સમૂહ..




જ્યોર્જનો દોસ્ત ગોરીલો બીજા ગોરીલાઓને પણ મદદ માટે લઈ આવ્યો.


કેપ્ટ્નને આગળની રાતે ક્રેટી એમના દોસ્ત ગોરીલા વિશે વાત કરી હતી એટલે એતો સમજી ગયા પણ પ્રોફેસર , ફિડલ , રોકી અને જોન્સનને ગોરીલાને પોતાનો દોસ્ત જ્યોર્જ કહી રહ્યો હતો એ જોઈને અચરજ થયું.


ક્રેટી અને એન્જેલાના હાથ બાંધેલા નહોતા એટલે એમણે ઝડપથી આવીને બધાના હાથ છોડી નાખ્યા. હવે બધા મુક્ત થઈ ગયા. પણ ગોરીલાઓને જોઈને પેલા જંગલીઓમાં ફફડાટ મચી ગયો. તેઓ આમ તેમ ભાગવા લાગ્યા. જ્યોર્જ અને કેપ્ટ્ને ત્યાં પડેલા તીર કામઠાં ઉઠાવ્યા અને ભાગી રહેલા જંગલીઓ ઉપર તીર છોડવા માંડ્યા. કેટલાય જંગલીઓ એમના તીરનો શિકાર બની ત્યાંજ ઢળી પડ્યા અને જે બચ્યા એ જંગલમાં ભાગ્યા એમની પાછળ પડ્યા ગોરીલા. થોડીવાર જંગલમાં ધમધમાટી બોલી. પછી બધું શાંત બની ગયું.


તીર કામઠાંવાળા જંગલીઓના બધા ઝુંપડાઓનો ગોરીલાઓએ સર્વનાશ કરી નાખ્યો હતો. પછી બધા ગોરીલા ઓ આવ્યા હતા એ માર્ગે જંગલમાં ચાલ્યા ગયા. ફક્ત પેલો એક જ ગોરીલો અને એનું બચ્ચું રહ્યા. જ્યોર્જે ગોરીલા પાસે જઈને હેતથી એના ઉપર હાથ ફેરવ્યો. ક્રેટીએ તો ગોરીલાના નાનકડા બચ્ચાને તેડી લીધું.


"અરે હવે બધા અહીંયા જ ઉભા રહેશો..?? ચાલો ક્યાંક શાંતિથી બેસીએ બધા ઘણા દિવસો પછી મળ્યા છીએ..' ફિડલે બધા સામે જોઈને કહ્યું.


"હા.. ચાલો ચાલો.. ભૂખ પણ લાગી છે મને તો..' એન્જેલા પેટ ઉપર બન્ને હાથ મૂકતા બોલી.


"અરે ભાભી તમે ચિંતા ના કરો.. હમણાં થોડીક જ વારમાં તમારા માટે જમવાની વ્યવસ્થા કરી દઉં..' એન્જેલા સામે જોઈ ધીમું હસતા ફિડલ બોલ્યો.


"પણ આપને બધા બેસીસું ક્યાં ?? ક્રેટીએ સવાલ કર્યો.


"ક્રેટી બેટી.. એની ચિંતા ના કર.. ચાલો બધા મારી સાથે..' કેપ્ટ્ને વહાલથી ક્રેટી સામે જોયું.. પછી વારાફરતી બધા સામે જોયું અને જંગલ તરફ ચાલવા લાગ્યા.


"કેપ્ટ્નતીર કામઠાં લઈ લઈએ.. આપણને કામ લાગશે..' ચાલતા કેપ્ટ્ન તરફ જોઈને જ્યોર્જ બોલ્યો.


કેપ્ટ્ન ચાલતા થંભી ગયા પછી થોડોક વિચાર કરીને બોલ્યા.. "હા.. લઈ લો.. આપણે હજુ જંગલ પાર કરવાનું છે એટલે કોઈ નવી આફત આવે તો કામ લાગશે..'


બધા સાથીઓ અને એમની સાથે રહેલા આદિવાસી મજૂરોએ ત્યાં પડેલા બધા તીર કામઠાં લઈ લીધા અને પછી બધા કેપ્ટ્નની પાછળ ચાલવા લાગ્યા. સૌથી આગળ ગોરીલા નું બચ્ચું કુદમકુદ કરતું ચાલી રહ્યું હતું પછી એની પાછળ ગોરીલો.. ગોરીલાની પાછળ જ્યોર્જ અને કેપ્ટ્ન ચાલી રહ્યા હતા. જ્યોર્જ અને કેપ્ટ્નની પાછળ એમના સાથીદારો આખો કાફલો નવા ઉમંગ સાથે ચાલી રહ્યો હતો. આજે બધા બહુજ ખુશ હતા કારણ કે બધા માંડ માંડ આ જંગલી લોકોના હાથમાંથી મુક્ત થયા હતા.


"કેપ્ટ્ન.. આ વૃક્ષ વિશાળ અને ફેલાયેલું છે એનો છાંયડો પણ જોરદાર છે.. ચાલો અહીંયા જ પડાવ નાખીએ..' જ્યોર્જે સામે રહેલા વૃક્ષને જોઈને કેપ્ટ્નને કહ્યું.


"હા.. અહીંયા જ આરામ કરી લઈએ અને જમવાનું પતાવી દઈએ પછી આગળ વધીશું..' કેપ્ટ્ન બધા સામે જોઈને બોલ્યા.


"બધું તો ઠીક છે પણ પાણી.. પાણી ક્યાંથી લાવીશું..' સવારથી મૌન બનેલા પ્રોફેસરે મૌન તોડતા કહ્યું.


"હા એ સમસ્યા છે.. ' રોકીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.


"અરે એમાં મુંજાવાની જરૂર નથી.. રોકી તું અને ફિડલ આજુબાજુ જંગલ જઈને ખાવાનું કંઈ મળે તો લઈ આવો હું પાણીની સમસ્યા દૂર કરી દઉં...' જ્યોર્જે રોકી અને ફિડલ સામે જોઈને કહ્યું.


"હા.. ચાલ રોકી..' ફિડલે બાજુમાં પડેલા તીર કામઠાં ઉપાડતા કહ્યું.


"અને.. હા હજુ આપણે જંગલીઓના પ્રદેશમાં જ છીએ એટલે સાવચેતી પૂર્વક એક એક ડગલું ભરજો..' કેપ્ટ્ને રોકી અને ફિડલને સચેત કરતા કહ્યું.


પછી ફિડલ અને રોકી ચાલ્યા ગયા જંગલમાં ભોજનની શોધ માટે. જ્યોર્જે ત્યાં પડેલા વૃક્ષોની છાલમાંથી મોટી પાણી ની મશક બનાવી અને પછી એણે એણે એ મશક એના દોસ્ત ગોરીલાને પકડાવી અને નદીમાંથી પાણી ભરતો હોય એવો અભિનય ગોરીલા સામે જોઈને કર્યો. ગોરીલો એ મશક લઈને એના બચ્ચા સાથે જંગલમાં ચાલ્યો ગયો.


ગોરીલાને આમ મશક લઈને જતો જોઈને કેપ્ટ્ન સહીત બધા આવાક્ બનીને ગોરીલાને જતો જોઈ રહ્યા. આજે બધાને ગોરીલાની હમદર્દી અને બુદ્ધિ ઉપર માન થયું. બધા આમ ગોરીલાને જતો જોઈ રહ્યા હતા ત્યાં તો ફિડલની જોરદાર ચીસ સંભળાઈ.


બધા સચેત થઈ ગયા કારણ કે ફિડલ કંઈક મુશ્કેલીમાં ફસાયો હોય એવી આશંકા બધાએ એની વેદનાભરી ચીસ ઉપરથી કરી.જ્યોર્જ , પીટર અને કેપ્ટ્ને ત્યાં પડેલા તીરકામઠાં ઉઠાવ્યા અને ફિડલની ચીસ જે દિશામાંથી આવી હતી એ દિશામાં ઝડપથી દોડ્યા. પાછળ જોન્સન , પ્રોફેસર , ક્રેટી અને એન્જેલા પણ દોડ્યા. હજુ બધા થોડાક આગળ ગયા ત્યાં કેપ્ટ્ને બધાને થોભી જવાનો ઇસારો કર્યો.


કેપ્ટ્નનો ઇસારો જોઈને બધા ત્યાં જ થંભી ગયા. પછી કેપ્ટ્ને એક સૂકા પડેલા ઝાડની બાજુ ઇસારો કર્યો. બધા એ તરફ જોઈને ચોંકી ગયા કારણ કે ત્યાં ફિડલ પડ્યો હતો ઊંધો થઈને અને એના પગના સાથળના ભાગે એક તીર ખૂંચી ગયું હતું.. આ જોઈને ક્રેટી તો રડવા જેવી થઈ ગઈ અને એના મોંઢામાંથી એક ડૂસકું તો નીકળી ગયું. ત્યાં તો સનનન્ કરતું એક તીર આવ્યું અને કેપ્ટ્નના માથા ઉપરથી પસાર થઈ સામે આવેલા ઝાડના થડમાં તીરનો આગળનો ભાગ ખૂંચી ગયો.


કેપ્ટ્ને ત્યાંજ બધાને બેસી જવાનો ઇસારો કર્યો. બધા ત્યાંજ બેસી ગયા. થોડીવાર સુધી બધા બેસી રહ્યા પણ કંઈ પ્રતિક્રિયા ના થતાં કેપ્ટ્ન ઉભા થયા અને આજુબાજુ જોવા લાગ્યા.


"કેપ્ટ્ન અહીંયા આવો મેં આને પકડી રાખ્યો છે.. જલ્દી આવો નહિતર ભાગી જશે આ જંગલી...' રોકીની બુમ સાંભળીને કેપ્ટ્ન ઝડપથી સામેની ઝાડીની પાછળ રોકી તરફ દોડ્યા. જોન્સન પણ કેપ્ટ્નની પાછળ દોડ્યો.


જ્યોર્જ , ક્રેટી , એન્જેલા , પીટર અને પ્રોફેસર ફિડલ જ્યાં બેભાન બનીને પડ્યો હતો એ તરફ દોડ્યા. જ્યોર્જે ફિડલની સાથળમાં ખૂંચેલા તીરને એક જ ઝાટકે ખેંચી કાઢ્યું. જેવું તીર બહાર કાઢ્યું કે તરત જ ફિડલની સાથળમાંથી લોહીનો ફુવારો ફૂટ્યો. જ્યોર્જે ઝડપથી ફિડલને પહેરવા હતા એ કપડાંમાંથી થોડુંક કપડું ફાડીને એકદમ ખેંચીને સાથળ ઉપર પાટો બાંધી દીધો.


થોડીવારમાં કેપ્ટ્ન અને રોકી એક હટ્ટા કટ્ટા જંગલીને ઝાડી પાછળથી પકડી લાવ્યા. જોન્સન પાસે આ જંગલીના તીર કામઠાં અને એ જંગલીએ શિકાર કરેલું પ્રાણી હતું. પીટર ઝડપથી મજબૂત વેલાઓ તોડી લાવ્યો અને બધાએ ભેગા મળીને માંડ માંડ એ જંગલીના હાથ-પગ બાંધ્યા. એ જંગલી બિચારો છૂટવા માટે ઘણા તરફડીયા કરતો હતો. પણ છૂટી શકતો નહોતો. કેપ્ટ્ને ફિડલની છાતી ઉપર કાન માંડ્યા તો ફિડલના ધબકારા ચાલુ હતા. એ ફક્ત તીર વાગવાના આઘાતથી બેભાન થઈ ગયો હતો.


"અરે બધા જોઈ શું રહ્યા છો.. ફિડલને ઉઠાવો અને લઈ ચાલો..' કેપ્ટ્ને બધા સામે જોઈને કહ્યું.


ફિડલનું શરીર વજનમાં વધારે ભારે નહોતું એટલે એને ઊંચકવામાં સરળતા રહી. કેપ્ટ્ન અને રોકી પેલા જંગલીને પકડી ચાલવા લાગ્યા. થોડીવારમાં તેઓ પહેલા હતા એ જગ્યાએ પહોંચી ગયા. બધાએ ત્યાં જઈને જોયું તો ગોરીલો પણ એના બચ્ચાં સાથે પાણીની મશક લઈને આવી ગયો હતો. ઝડપથી ફિડલને નીચે સુવડાવી દેવામાં આવ્યો.


"પીટર જલ્દી વનસ્પતિના પાંદડાઓ લઈ આવ..' કેપ્ટ્ને પીટરને હુકમ કર્યો. પીટર જલ્દી પાંદડા લેવા ગયો.


જ્યોર્જ મશકમાંથી ફિડલના મોંઢા ઉપર પાણી છંટકવા જતો હતો ત્યાં કેપ્ટ્ને એને રોક્યો.


"જ્યોર્જ હમણાં ફિડલના મોંઢા ઉપર પાણીનું એક ટીપુ પણ અડાડતો ના..' હાથમાં પકડીને ઉભેલા જ્યોર્જ સામે જોઈને કેપ્ટ્ન બોલ્યા.


"પણ કેમ...કેપ્ટ્ન ફિડલને ભાનમાં નથી લાવવો.. ' જ્યોર્જે નવાઈ સાથે કેપ્ટ્ન સામે જોઈને કહ્યું


"ભાનમાં તો લાવવો છે પણ પહેલા એના વાગેલા ઘા ઉપર પાંદડા મસળીને બાંધી દઈએ જેથી એને ભાનમાં આવ્યા પછી વેદના થોડીક ઓછી થાય...' કેપ્ટ્ન જ્યોર્જ સામેં જોઈને બોલ્યા.


પીટર પણ પાંદડા લઈને આવી ગયો.. કેપ્ટ્ને ફિડલના વાગેલા ઘા ઉપરથી કપડું છોડી નાખ્યું. હવે વધારે પડતું લોહી નીકળી રહ્યું નહોતું. કેપ્ટ્ને ઝડપથી પીટરે લાવેલા પાંદડાઓને મશળી ફિડલને વાગેલા ઘા ઉપર લગાડી દીધા. અને ફરીથી એના ઘા ઉપર કપડાંનો પાટો બાંધી નાખ્યો. કેપ્ટ્ને ફિડલને પાટો બાંધ્યો ત્યાં સુધીમાં જોન્સન અને રોકીએ મથીને પેલા જંગલીને પણ સામે રહેલા વૃક્ષના થડ સાથે બાંધી દીધો.


"પ્રોફેસર આ જંગલીનું શું કરીશું..?? કેપ્ટ્ને પ્રોફેસર સામે જોતાં કહ્યું.


"આને તો શું કરીએ આપણે.. આપણા માટે આ જોખમરૂપ છે..' પ્રોફેસર પેલા જંગલી સામે જોઈને બોલ્યા.


પેલો જંગલી હજુ પણ છૂટવા માટે મથી રહ્યો હતો પણ બિચારાથી છૂટી શકાતું નહોતું. વારે ઘડીએ એના મોંઢામાંથી અજીબ ના સમજાય એવી વિચિત્ર ભાષામાં ઉદગારો નીકળી રહ્યા હતા.


"મને આ બાબતે એક ઉપાય સૂઝી રહ્યો છે..' જ્યોર્જ કંઈક વિચારીને બોલ્યો.


"હા..જ્યોર્જ બોલ શું કરીએ આનું..' કેપ્ટ્ન જ્યોર્જ સામે જોઈને બોલ્યા.


"જેવીરીતે આ લોકોએ આપણને બંદી બનાવ્યા હતા એ રીતે આપણે પણ આને બંદી બનાવીને લઈ જઈશું..' જ્યોર્જ બધા સામે જોઈને બોલ્યો.


"અરે પહેલા આ ફિડલને ભાનમાં લાવો પછી એની વાત..' ક્રેટીએ બેભાન પડેલા ફિડલ તરફ બધાનું ધ્યાન દોર્યું.


"ઓહહ.. આ જંગલીની ચર્ચામાં આપણે ફિડલને તો ભૂલી જ ગયા..' આમ કહીને કેપ્ટ્ન ઝડપથી ઉભા થયા અને મશકમાંથી બન્ને હાથની હથેળીમાં પાણી લઈને ફિડલના મુખ ઉપર છાંટ્યું. પાસે બેઠેલી ક્રેટીએ બન્ને હાથથી ફિડલનું મોઢું પહોળું કર્યું અને કેપ્ટ્ને થોડુંક પાણી ફિડલના મોંઢામાં રેડ્યું.


થોડીવાર પછી ફિડલની પાંપણો થોડીક હલી અને એણે આંખો ખોલી. તીર સાથળમાં ઊંડે સુધી ખુંચી ગયું હતું એટલે ફિડલને વેદના થઈ રહી હતી. એણે થોડીવાર બધા સામે જોયા કર્યું અને પછી ફરીથી આંખો બંધ કરીને સૂઈ ગયો.


"હમણાં ફિડલને થોડોક આરામ કરવા દઈએ..' બધા સામે જોઈને કેપ્ટ્ન બોલ્યા.


"પીટર મને ભૂખ લાગી છે..' એન્જેલા રડમસ અવાજે બોલી.


"બસ વ્હાલી થોડીક રાહ જોઈ લે હમણાં તારા માટે જમવાનું તૈયાર કરી દઉં..' પીટરે વહાલભરી નજરે એન્જેલા સામે જોઈને કહ્યું.


પીટર ઝડપથી સામે આવેલી ઝાડીમાં અદ્રશ્ય બન્યો એન્જેલા એને જતો જોઈ રહી. થોડીવારમાં તો પીટર ફળો અને કંદમૂળોનુ પોટલું બાંધીણે લઈ આવ્યો. અને લાવીને બધા બેઠા હતા ત્યાં મુક્યા. એન્જેલા તો કંઈ પણ વિચાર્યા વગર ઝાપટવા જ મંડી પડી. પીટર પ્રેમભીની નજરે એની પ્રેમિકાને આવી રીતે ફળો ખાતી જોઈ રહ્યો. બાકીના બધાએ પણ ફળો અને કંદમૂળો ખાઈ અને મશકમાં રહેલું પાણી પીને પોતાનું પેટ ભર્યું. પેલા ગોરીલાના બચ્ચાંએ તો પેલા જંગલીને પરેશાન કરી નાખ્યો. જેવો પેલો જંગલી છૂટવા માટે તરફડીયા મારે કે તરત જ ગોરીલાનું બચ્ચુ જઈને એને ઝાપટ મારી આવે.. આ દ્રશ્ય જોઈને બધા હસી હસીને બેવડ વળી ગયા.


"પણ જ્યોર્જ તું આને બંદી બનાવીને લઈ જવાનુ કહે છે પણ પછી આપણે આનું કરીશું શું..?? પ્રોફેસરે જ્યોર્જ સામે જોઈને પ્રશ્ન કર્યો.


"હા.. પ્રોફેસર સાહેબની વાત સાચી છે આપણે આને લઈ જઈને કરીશું શું ?? જોન્સન પણ પ્રોફેસરની વાતને ટેકો આપતા બોલ્યો.


"જુઓ આપણે આનું બીજું તો શું કરીએ.. પણ જો આપણે ઇચ્છિએ તો આને આપણા જેવો સભ્ય સમાજનો સુસંસ્કૃત માણસ બનાવી શકીએ..' જ્યોર્જે થોડુંક વિચારીને બોલ્યો.



"પણ જ્યોર્જ કેવીરીતે..આને આપણે સુસંસ્કૃત માણસ બનાવી શકીશું..' રોકીએ ફરીથી નવો પ્રશ્ન કર્યો.


"અરે રોકી એને અહીંયા મારી નાખવા કરતા એકવાર એને જંગલીમાંથી સારો માણસ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ..પછી જોઈએ.. શું થાય છે પણ આપણે પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ..' જ્યોર્જ રોકી સામે જોઈને બોલ્યો.


"સારી બાબત છે એકવાર પ્રયત્ન કરી જોઈએ શું થાય છે..' કહીને કેપ્ટ્ને સહમતી આપી.


સૂર્ય હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો હતો. આકાશ આજે સ્વચ્છ હતું. વરસાદ આવે એવું પણ લાગતું નહોતું.બધાએ ભોજન પણ કરી લીધું હતું. પણ ફિડલ ઊંઘી રહ્યો હતો. આખો કાફલો ફિડલના કારણે રોકાઇ ગયો હતો.


કેપ્ટ્ને પોતાના ધારદાર મગજથી વિચારીને કેટલાક વેલાઓ લાવી એક લાંબો ઝોળો બનાવ્યો પછી બધાએ આમાં ફિડલને સુવડાવ્યો. હવે ફક્ત બે જણ આરામથી ફિડલને ઊંચકીને ચાલી શકે એવી વ્યવસ્થા કેપ્ટ્ને કરી દીધી હતી. પછી બધો કાફલો ઉપડ્યો અને અલ્સ પહાડ તરફ રવાના થયો. જંગલ ગાઢ હતું એટલે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી હતી. કારણ કે આ ગાઢ જંગલમાં અનેક જંગલી પ્રાણીઓનો વસવાટ હતો જો જરા પણ ગફલતમાં રહે તો મોત એમને પોતાનો શિકાર બનાવી દે. બધી મુશ્કેલીઓને પાર કરીને બધા ફરીથી અલ્સ પહાડ તરફ જઈ રહ્યા હતા. સાથે એમના બધાનો દોસ્ત ગોરીલો અને એનું બચ્ચું પણ હતા.

(ક્રમશ)










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED