કૌતુક Pallavi Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૌતુક

મોહનભાઈ અને ધીરજભાઈ બાળપણના મિત્રો અને પાડોશી પણ ખરા.બંનેના ઘર વચ્ચે માત્ર એક દીવાલ જ ઉભી કરેલી ,પણ સંબંધો વચ્ચે કોઈ દીવાલ નહિ. બંને પરિવારમાં એકબીજા પ્રત્યે ખુબ લાગણી. મોહનભાઈ પરણીને આવેલા ત્યારે તેમના પત્ની જયાબેનને ધીરજભાઈએ બહેન માનેલા.આમ મિત્રતામાં ભાવનાત્મક સંબધ પણ બંધાયેલો. બંને કુટુંબો વચ્ચે આ સબંધ એટલા જ પ્રેમથી નિભાવાતો.એટલું જ નહિ પણ મોહનભાઈ અને જયાબેનનો પુત્ર જીગર તેમજ ધીરજભાઈ અને રેખાબેનની પુત્રી નેહા વચ્ચે પણ સગા ભાઈ બહેન જેવો જ પ્રેમ.સમય જતો ગયો, જીગરે માસ્ટર ડીગ્રી પૂરી કરી અને તરત તેને સરકારી નોકરી મળી ગઈ.પણ થયુ એવું કે નોકરી બાજુના શહેરમાં મળી તેથી મોહનભાઈ અને જયાબેન જીગર સાથે રહેવા બીજા શહેર ગયા. આમ બંને પરીવાર વચ્ચે કિલોમીટરનું અંતર વધ્યું,પણ લાગણીઓમાં કોઈ અંતર ન આવ્યુ .લાગણીઓ તો અકબંધ રહી.વાર-તહેવારે બંને કુટુંબ મળતા અને સાથે જ ઉજવણી કરતા.સમય પસાર થતો રહ્યો.જીગરના લગ્ન થયા અને તે બે દીકરીઓનો પિતા થઈ ગયો.તો ધીરજભાઈ અને રેખાબેનની લાડકી દીકરી નેહા પણ ઈન્જીનેરીંગના છેલ્લા વર્ષમાં આવી.ધીરજભાઈ અવારનવાર રેખાબેનને કહેતા ,જો હવે આવતે વર્ષે આપણી દીકરી ઇજનેર બની જશે અને પોતાના પગભર થઈ જશે.રેખાબેન પણ ધીરજભાઈના વિશ્વાસમાં સુર પુરાવતા.પણ કુદરતની કંઈક અલગ જ ગોઠવણ હતી.એક રાતે ધીરજભાઈ રેખાબેન સાથે નેહાની વાતો કરતા કરતા સુતા. પણ સવાર પડતા ધીરજભાઈની આંખો ખુલી નહિ.તેમનું હ્રદયરોગના હુમલાથી પથારીમાં જ મૃત્યુ થયું. નેહા અને રેખાબેન પર આભ તૂટી પડ્યુ. સમાચાર મળતા સગા-સબંધીઓ પહોંચી આવ્યા. મોહનભાઈ તેના પરિવાર સાથે જ આવી ગયા. દુ:ખની દવા તો સમય જ હોય.સમય પસાર થતો ગયો. આજકાલ કરતા ધીરજભાઈના મૃત્યુને બાર દિવસ થઈ ગયા.એટલે બધી વિધિ પૂરી કરી ,જીગર અને તેની પત્ની પુનમ રેખાબેન પાસે આવ્યા અને કહ્યું,” મામી ,હવે કાલે અમે પાછા ઘરે જઈશું” .રેખાબેને પણ ડોકું હલાવી સહમતી આપી.ત્યાં જીગરની નઝર ખૂણામાં બેઠેલી નેહા પર ગઈ. જીગર તેની બાજુમાં જઈ બેઠો અને શાંત્વના આપવા લાગ્યો.પણ નેહાના ચહેરા પર અલગ મૂંઝવણ દેખાઈ, એટલે જીગરે પૂછ્યું,” નેહા, કઈ વાતની ચિંતા છે?”.નેહા થોડી ક્ષણ ચુપ બેઠી રહી,એટલે જીગરે ફરી કહ્યું,”
નેહા ,મને કહે તને કઈ વાતની મૂંઝવણ છે.”
એટલે નેહા બોલી” ભાઈ,મારા છેલ્લા સેમિસ્ટરની ફી ભરવાની બાકી છે અને હવે માત્ર ચાર દિવસ જ રહ્યા છે.સોમાવરે ફી ભરવાની છે.”
જીગરે કંઈ પણ વિચાર્યા વગર નેહાને માથે હાથ મુક્તા કહ્યું,” ગાંડી એમાં શું આટલું મુંઝાવાનું હોય,બોલ તારી ફીના કેટલા રૂપિયા ભરવાના છે?”,નેહાએ જવાબ આપ્યો,”પંદરહજાર”,જીગરે કહ્યું,” ભલે હું તને રવિવારે સાંજે રૃપિયા આપી જઈશ,તું સોમવારે ફી ભરી દેજે”.જીગરના શબ્દો સાંભળી નેહાએ નિરાંત અનુભવી.બીજે દિવસે વિધિ પૂરી કરી જીગર પોતાના પરિવાર સાથે પોતાના ઘેર પાછો ફર્યો અને રાત્રે તેણે પુનમને કહ્યું,”રવિવારે નેહાની ફીના પંદર હજાર રૂપિયા દેવા પાછું જવાનું છે.” એટલે પુનમે પ્રશ્ન કર્યો,’ પંદર હજાર એક સાથે ક્યાંથી કાઢીશું? ,ઘરના ખર્ચા ,વહેવારો,છોકરીઓનું ભણતર એમાં તમારો પગાર માંડ પૂરો થાય છે”,એટલું બોલી પુનમ અટકી અને ફરી કહ્યું,” આપણી રીંકી અને પ્રિયાની પણ ફી ભરવાની બાકી છે”.જીગરે પૂનમ સામે જોઇને કહ્યું,
" તું ચિંતા ન કર,કંઈક રસ્તો નીકળી આવશે.અત્યારે તો સુઈ જઈએ”.
બીજા દિવસે જીગર ઓફિસે ગયો, પણ તેના મનમાં નેહાની ફી માટેના રૂપિયાની વાત સતત ચાલી રહી હતી.ઓફિસનું કામ પૂરું કરી સાંજે તે ઘરે પહોચ્યો.પૂનમે ચાનો કપ હાથમાં આપતા પૂછ્યું,” તમે કંઈ વિચાર્યું?”,જીગરે કહ્યું,”હા , મેં વિચાર્યું છે, કે આપણી દીકરીઓની ફી આ વર્ષે પૂરું નહી પણ હપ્તામાં ભરીશું.”,પુનમ ચિંતામાં બોલી,” શું સ્કુલ વાળા ફી હપ્તામાં સ્વીકારશે?”,જીગરે કહ્યું ,” હું સોમવારે શાળાના પ્રિન્સીપાલને મળી આવીશ.”,પણ પુનમનો માતૃહ્રદયે તેને ચિંતામાં નાખી દીધેલી અને તે ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.એટલે જીગરે પૂનમને પોતાની બાજુમાં બેસાડી સમજાવવા લાગ્યો,
”જો પુનમ ,અત્યારે નેહાની ફી ભરવી ખુબ જરૂરી છે અને એક વાતનો વિશ્વાસ રાખ આપણા આ નેક કામમાં કુદરત પણ રાજી હશે અને તે જરૂરથી રસ્તો કાઢશે.”
પૂનમને જીગરની વાત સમજાઈ અને એણે કહ્યું,” ભલે આપણે રવિવારે નેહાને તેની ફીના રૂપિયા આપવા જઇશું અને તેમને મળી પણ આવશું”.બે દિવસ આમ જ પુરા થઈ ગયા .આજે મહિનાનો પાંચમો શનિવાર એટલે ઓફીસમાં જીગરને કામનું ભારણ પણ ઘણું હતું.કામ પૂરું કરતા કરતા જ છ વાગી ગયા.જીગરે પોતાનું કામ સમેટ્યું અને ઘરે આવવા નીકળ્યો.ઘરે પહોચતા જ રોજીંદી આદત મુજબ પુનમે ચા ચડાવી અને ચા લઈ તે જીગર પાસે આવી .જીગર ચા પી રહ્યો હતો,ત્યાં પુનમ બોલી,” ચા પી લ્યો એટલે એ.ટી.એમ.માંથી નેહાની ફીના રૂપિયા ઉપાડી આવજો.” જીગરે કહ્યું” હા બસ થોડીવાર આરામ કરી, હું હમણાં જ નીકળીશ. હજી તો જીગરે વાત પૂરી કરે ત્યાં જ તેના મિત્ર મુકેશનો ફોન આવ્યો,જીગરે ફોન ઉપાડ્યો.એટલે મુકેશ બોલ્યો,”યાર, આપણે આપણી વીસીનો ડ્રો આવતા શનિવારે કરવાના હતા તે આજે કરવાનું વિચારીએ છીએ ,કારણ આવતા શનિવારે રજા છે તો બધા મિત્રો હાજર નહિ હોય,તો તું અડધો કલાકમાં મારા ઘેર આવી શકીશ?,તો આજે વીસી નો ડ્રો કરી નાખીએ”.જીગરે કહ્યું,’ ઓકે,હું થોડીવારમાં ઘરેથી નીકળી આવું તારા ઘરે.” પુનમ વિચારમાં પડી અચાનક જીગરે મુકેશના ઘરે જવાનું કેમ નક્કી કર્યું. એટલે એણે તેને પૂછ્યું,” કંઈ કામ છે મુકેશના ઘરે, કે અચાનક તમે જવાનું નક્કી કર્યું?’.જીગરે કહ્યું ,” એક મહિના પહેલા અમે પંદરેક મિત્રો ભેગા થઈ એવું વિચારીયું કે દર મહીને હજાર રૂપિયા ભેગા કરીએ અને મહિનાની પાંચમી તારીખે ચિઠ્ઠી ઉપાડી નામ નિકાળીએ ,જેનું નામ નીકળે તેને એક સાથે રૂપિયા મળે તો તે રૂપિયા કામ લાગે”.પૂનમે કહ્યું,”વા! સરસ ઉપાય છે”.જીગરે કહ્યું, ”આપણે મીડલ-ક્લાસ લોકોના મગજ આવામાં તો બહુ ચાલે”. પુનમ ને જીગર બને એકબીજા સામું જોઈ હસી પડ્યા.જીગર મુકેશના ઘરે જવા નીકળતો હતો,ત્યાં જ પુનમ બોલી,” એ.ટી.એમ.કાર્ડ સાથે લઈ જજો,ફીના રૂપિયા કાઢવાના છે.”,જીગરે કયું,” હા”.આમ કહી જીગર પોતાની બાઈકને કિક મારી મુકેશના ઘરે પહોચ્યો.બધા મિત્રો આવી ગયા હતા.થોડીવાર બધા મિત્રોએ સાથે ગપાટા માર્યા અને પછી મુકેશ બોલ્યો ,”ચાલો,ડ્રો કરી લઈએ”.બધાના નામની ચિઠ્ઠી એક કટોરામાં મૂકાઈ અને મુકેશે પોતાની પાંચ વર્ષની દીકરીને ચિઠ્ઠી ઉપાડવા બોલાવી.સુહાનાએ ચિઠ્ઠી ઉપાડી અને મુકેશે તે પોતાના હાથમાં લઈ ખોલી, તો તેમાં જીગરનું નામ નીકળ્યું.જીગર ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયો. બધા મિત્રોએ લકી કહી તેના ભાગ્યને વખાણયુ.ત્યારે જીગર પોતાનું મોઢું આકાશ તરફ કરી, કુદરતનો આભાર માની રહ્યો હતો.મુકેશે તેને વીસીના પંદર હજાર રૂપિયા હાથમાં આપ્યા,તે લઈ જીગર ઘરે આવ્યો.પૂનમે જીગરને કહ્યું ,"આજ તમારી ગમતી વાનગી દાળઢોકરી બનાવી છે”.જીગર શાંત થઈ થોડીક વાર બેસી જ રહ્યો.એટલે પૂનમે પૂછ્યું,” શું થયું?",જીગરે પૂનમની સામે પંદરહજાર મુક્યા.તે જોઈ પુનમ બોલી ,” સારું, તમે ફી માટે કાઢી આવ્યા, હવે તેને કબાટમાં મૂકી દયો.કાલે સવારે નેહાને આપી આવશું”.જીગર બોલ્યો,"આ રૂપિયા મેં આપણા ખાતામાંથી નથી કાઢયા” પૂનમ ચોંકી અને બોલી,” તો ?”.જીગરે કહ્યું,” આ વીસીનો પહેલો ડ્રો જ મને લાગ્યો છે,પુરા પંદર હજાર .”પુનમના ચહેરે સ્મિત આવ્યું. જીગરે પુનમ સામે જોઈને કહ્યું,
"જો હું તને કહેતો હતોને ,કે આપણે નેહાની ફી ભરવાનું નક્કી કર્યું છે તો કુદરત પણ મદદ કરશે અને કોઈક રસ્તો મળી રહેશે . આ જો કુદરતણી ગોઠવણ જે ડ્રો સાત દિવસ પછી થવાનો હતો તે આજે થયો અને નેહાની ફી માટે જોઈતા હતા એટલા જ રૂપિયા વીસીમાં મળ્યા.”
પુનમે જીગરની વાતને સમર્થન આપતા કહ્યું,” સાચી વાત છે ,જયારે આપણે સાચા હ્રદયથી કોઈની પણ મદદ કરવાનું નક્કી કરીએ છીએ, ત્યારે કુદરત પણ મદદે આવે છે અને પોતે જ તેની ગોઠવણ કરી આપે છે”.જીગર અને પૂનમે આકાશ તરફ જોયું ,બને જણે મનોમન કુદરતનો આભાર માન્યો. પુનમે તે રૂપિયા લઈ કબાટમાં મુક્યા અને જીગર સામે જોઈ બોલી,” ચાલો જમી લઈએ”.
-પલ્લવી શેઠ