ચીસ-વાત માતૃહ્ર્દયની Pallavi Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીસ-વાત માતૃહ્ર્દયની

ચીસ

સવાર પડતા જ ચારેબાજુએથી ઘોંઘાટ સંભળાવવા લાગે,મીલોની ચીમનીઓમાંથી ધુમાડાઓની હાર જોવા મળે,સાઇકલ,સ્કૂટર, કાર,બસ ,ટ્રેન અને પ્લેનના પૈડાં દોડવા લાગે અને આ દોડમાં માણસ પણ ભાગતો રહે,સ્ત્રી અને પુરૂષો કામ માટે,તો યુવાનો ને બાળકો ભણતરની દોડમાં ભાગતાં જોવા મળે.હા,બસ વડીલો દોડીને થાક્યા હોય એટલે આરામ કરે,બાકી આખું શહેર દિવસ રાત દોડતું જ જોવા મળે.આવા જ એક દોડતા શહેરની આ વાત છે.
એક રાત્રે સવારની દોડ માટેની તૈયારી કરી ,થોડાક કલાકો માટે શહેર સૂતું, પણ સવાર પડતા જ ખબર પડી કે અકલ્પનીય આફત આવી પડી છે.મીલો બંધ,વાહનોના પૈડાં થંભી ગયા,દોડતો માણસ ઘરમાં પુરાયો.કોરોનાનો કહેર બધી બાજુ ફેલાઇ રહ્યો હતો.આજકાલ કરતા આ જ પરિસ્થિતિને કેટલાય દિવસો થઈ ગયા હતા.આ દિવસોના અનુભવો બધા માટે અલગ અલગ છાપ છોડી રહ્યા હતાં.કેટલાક લોકો આ દિવસોમાં કુટુંબના લોકો સાથે આંનદ માણી રહ્યાં હતાં.તો અમુક પ્રકૃતિની શાંતિ અને સ્વચ્છતાને વખાણી રહયા હતા અને કેટલાક તો વર્ષોની દોડનો થાક ઉતારી રહ્યા હતા,તો વળી ,અમુક નવી આવડતો કેળવવી રહ્યા હતા.
પણ આ બધા વચ્ચે શહેરના ઊંચા, ભવ્ય મકાનોથી દુર ઝૂંપડપટ્ટીમાં રહેતી સુખીની ચીસ નીકળી જતી હતી.કોરોનાનો આ સમય એના માટે શ્રાપ બની આવ્યો હોય એવું તે અનુભવી રહી હતી.કેટલાય દિવસોથી રોજ કોરોનાને કોસતી અને રામજીને કહેતી,
"આ ચુડેલ મહામારી ક્યારે જશે?,મારા બાળકો માંડ બે ટંક પેટ ભરાય એટલો રોટલો ખાતાં હતા ,તે પણ કુદરતથી જોવાયું નહીં..!".
આટલા દિવસોથી જેમતેમ કરી ખાવાનું પૂરું કરતા કરતા, હવે સુખીના ઘરમાં માત્ર એક દિવસ ચાલે તેટલું જ અનાજ બચ્યું હતું.રામજી અને સુખી તો કાલથી માત્ર પાણી પી ને જ ભૂખને સઁતોષતા હતા, એ વિચારી રહ્યા હતા કે, એ બંન્ને જણ નહીં જમે તો એટલા દિવસ એમના બાળકો વધુ જમી શકશે.પણ હવે એક દિવસના ભોજન પછી શુ કરશું?,એની ચિંતા સુખી અને રામજી બંનેને હતી.પણ લોકડોઉનને કારણે કયાં પણ કામ મળે તેમ ન હતું અને જીવનભર મહેનત મજૂરી કરી સ્વમાનથી જીવેલા એટલે કયાંય હાથ ફેલાવુ તેમને યોગ્ય ન હતું લાગતું.લાચાર માતાપિતાને પોતાના સંતાનોની ભૂખની ચિંતા બાળી રહી હતી અને આ ચિંતાની બળતરા સુખી કોરોનાને ગાળો ભાંડતા કાઢી રહી હતી.એક દિવસ પસાર થઈ ગયો.બીજા દિવસે ઘરમાં રાતનો વધેલા એક રોટલા સિવાય કહી જ ન હતું.બંને બાળકોને અડધો અડધો રોટલો બપોરે જમવામાં આપી અને સુખીએ પાણીના બે,ત્રણ ગ્લાસ વઢીને પીવડાવી દીધા ,જેથી તે સમયે બાળકોનું પેટ ભરાઈ જાય.પણ પાણીનું જોર ભૂખ સામે કેટલું!.હજી તો સાંજ થતા જ બાળકો જમવાનું માંગવા લાગ્યા.સુખીએ બાળકોને મોડેક સુધી વાતોમાં વ્યસ્ત રાખ્યા,પણ ભૂખ તો પોતાનું કામ કરી રહી હતી.રાત થવા આવી બાળકોને ભૂખ રાક્ષસની જેમ મોં ફાળી સતાવી રહી હતી અને બાળકો હવે ખાવા માટે કઇંક આપે એવી માંગણી વારંવાર કરી રહ્યા હતા.ખૂણામાં બેઠેલો લાચાર બાપ કહી જ કરી શકે તેમ ન હતો. માં નું હર્દય ચીસો પાડી રહ્યું હતું.છેવટે તે ઉભી થઇ ચૂલા પર તપેલામાં પાણી મૂકી છીબુ ઢાંકી અને બાળકોને કહેવા લાગી," અત્યારે થોડીવાર સુઈ જાવ, જમવાનું બની જશે એટલે જમવા ઉઠાડીશ".પણ ભૂખ્યા પેટે નિંદર કેમ આવે?,કેટલીએ વાર બાળકો ભોજનની રાહમાં જાગતા રહયા, પણ ભોજન બન્યું નહીં અને રાહ જોતા- જોતા ભૂખ્યે પેટે જ બાળકો સુઈ ગયા.સુખીએ ચૂલો બંધ કર્યો ને છીબાને ઉતાર્યો. ઉકળતા પાણીમાં હૃદયની વરાળ રૂપી આંસુના ટીપા ભળ્યા અને એ પણ ઊકળવા લાગ્યા.સુખી પોતાના બાળકોના માથાં પર હાથ ફેરવતી બાજુમાં બેઠી અને ખુણામાં રહેલા ભગવાનના ફોટા સામે જોઈ મનમાં બોલી,
"જો તું અમારા જેવા લોકોને પેટ ભરાય એટલું ભોજન નથી દઈ શકતો,તો અમને ભૂખ પણ ન દે".
આમ બોલી આંખોના આંસુંને સાડીના છેડાથી લૂછતી ,મોઢા પર સાડીનો છેડો નાખી સુવા પડી.સવાર પડતા જ બાળકો જાગ્યા અને એ જ ખાવા માટેની માંગણી શરૂ કરી,પણ સુખી પાસે અનાજનો એક દાણો પણ ન હતો , કે જેથી પોતાના બાળકોની ભૂખ શાંત થઈ શકે,એટલે પાણીના ગ્લાસ ભરી સુખીએ કહ્યું ,
"આ પી જાવ, પાણી પણ ભૂખ શાંત કરી શકે છે".
બાળકો ચૂપચાપ અસંમજણના ભાવથી સુખી સામે જોતા રહ્યા.સુખી હવે મન મક્કમ કરી બોલી,
"જો દીકરાઓ, આપણા ઘરમાં હવે ખાવા માટે અનાજનો એક પણ દાણો નથી અને ક્યારે અનાજ મળશે એ પણ ખબર નથી".
આટલું બોલતા સુખીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બંને બાળકો ચુપચાપ પાણીનો ગ્લાસ પી બહાર રમવા જતા રહ્યા.રામજીની આંખોમાં પણ આંસું ભરાઇ આવ્યા ,ત્યાં જ બાજુમાં રહેતો કાનો આવ્યો અને રામજીને કહેવા લાગ્યો,"રામજી,સરકારે લોકડાઉનમાં થોડી છુટછાટ આપી છે. આજથી ફેકટરીઓ શરૂ થઈ છે, તો ચાલ કામ પર".રામજીને તો જાણે જીવમાં જીવ આવ્યો .તે તરત કપડાં બદલાવી ફેકટરી ગયો.સુખીને પણ હવે થોડી આશ બંધાઈ.સાંજ પડી ત્યારે રામજીના હાથમાં રૂપિયા આવ્યા. કેટલાય દિવસો પછી રામજીએ રૂપિયા જોયા.તે ઘરે આવતી વખતે જરૂર પૂરતી ભોજનની વસ્તુઓ લેતો આવ્યો.સુખીએ રસોઈ બનાવી .બંને બાળકોને પેટ ભરી જમાડ્યા અને પેટ ભરાતા બાળકો તરત ઊંઘી ગયા.સુખીએ રામજીની થાળીમાં રોટલો આપ્યો અને કહ્યું"જમી લ્યો".રામજીએ રોટલાના બે ટુકડા કર્યા અને સુખી સામે જોઈ બોલ્યો,
"ચાલ, બંને જમી લઈએ, દિવસો થયા રોટલો જમે".
સુખીના ચહેરે સ્મિત આવ્યું,રામજી અને સુખી પ્રેમથી રોટલો જમવા બેઠા.
પલ્લવી શેઠ.