માતુ Pallavi Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતુ

%%%માતુ%%%
સવારે ૬.૩૦ થતા જ ગાયત્રીના રસોડામાં કુકરની સીટી વાગ્યા માંડે અને આખા ઘરમાં ગાયત્રીનો તીણો આવાજ પ્રસરવા લાગે,” રાહુલ જલ્દી ઉઠ,હમણાં તારી સ્કુલબસ આવી જશે..” આમ બોલતી બોલતી તે રાહુલના રૂમમાં પહોંચી જાય.રાહુલ તો સપનાની દુનિયામાં ખોવાયેલો નિદ્રામાં પોઢ્યો હોય.ગાયત્રી જોરથી રાહુલે ઓઢેલી ચાદર ખેંચી, તેને સપનામાંથી બહાર લાવે અને હાથ પકડી બાથરૂમ સુધી મુકતા,સુચના આપતી જાય,”જલ્દી બ્રશ કરી ,નાહી-ધોઈ નાસ્તા માટે આવ”.સુચના આપતા આપતા તે બેડરૂમમાં પહોંચે અને નીરવને ઉઠાળવાના પ્રયત્નો શરુ કરે,પણ રોજની જેમ નીરવનો જવાબ આવે,”પાંચ મિનીટ સુવા દે” અને ગાયત્રીનો અવાજ ભારી થાય,”બાપ-દીકરા બંનેને સુવામાંથી ક્યારે સંતોષ જ નથી.પછી મોડું થશે અને ભાગમ ભાગ કરવાની...”આવું બોલતી બોલતી રસોડામાં જાય અને નાસ્તાની તૈયારી શરુ કરે.રાહુલ યુનિફોર્મ પહેરી ,ક્યારેક શર્ટના બટન બંધ કરતો, તો ક્યારેક વાળ સરખા કરતો ડાઈનીગ ટેબલ પર આવે.ટેબલ પર રોજ નવો અને ગરમ નાસ્તો મળે અને દૂધનો ગ્લાસ તો બાજુમાં હોય જ.રાહુલ નાસ્તો કરવામાં વ્યસ્ત થાય અને ગાયત્રી રાહુલના ચોપડા સ્કૂલબેગમાં ગોઠવવામાં વ્યસ્ત થાય.બધા ચોપડા ગોઠવ્યા પછી ફરી મોબાઈલ ઉપાડે તેમાં રહેલું ટાઈમ –ટેબલ જોય અને ફરી એક વાર ચકાસણી કરીલે કે બધુ જ બરાબર ગોઠવાયું છે ને!.આ જોઈ કેટલીક વાર રાહુલ બોલે,” મમ્મી, તું બરાબર જ ગોઠવી આપશ,ચેક કરવાની જરૂર નથી હોતી”,એટલે ગાયત્રી સમજાવતા બોલે,” જોઈ લેવું સારું,ખોટી સજા મળે તો વળી, આખો પીરીયડ તને ક્લાસરૂમની બહાર ઉભવું પડે,પછી તારા પગ દુખી આવે”.આ જવાબ સાંભળતા રાહુલ ચુપચાપ નાસ્તો કરવા લાગી જાય.ત્યાં જ કમાન્ડરની જેમ ગાયત્રીનો ઓર્ડર છૂટે ,” દૂધ પૂરું પી જજે”અને રાહુલ અણગમાના ભાવ સાથે ગ્લાસ હાથમાં લે અને દૂધ પીવા લાગે.મોટાભાગે રાહુલના દુધનો અડધો ગ્લાસ થાય ત્યાં જ નીરવ પણ ડાઈનીંગ પર આવે અને બાજુમાં રહેલા છાપાને હાથમાં લે,એટલે ફરી ગાયત્રી બોલે,” પહેલા નાસ્તો કરી લ્યો ,પછી છાપું વાંચજો”.ગાયત્રીની વાત કે સુચના જે સમજીએ પણ નીરવ નાસ્તો કરવા લાગી જાય.ત્યાં રાહુલ પણ પોતાના દુધનો ગ્લાસ પૂરો કરી.હાથ મોઢું ધોઈ અને બુટ મોજા પહેરતો થાય અને ગાયત્રી હાથમાં પાણીની બોટલ અને લંચ બોક્સ લઈ ઉભી રહે.લંચબોક્સ સ્કુલબેગના ખાનામાં ગોઠવતા સુચના આપે,” પૂરો નાસ્તો કરજે” અને સ્કૂલબેગ રાહુલના ખભે ટીંગાળવામાં મદદ કરતી, હાથમાં પાણીની બોટલ આપતી આંગણાના ગેટ સુધી આવી જાય.રાહુલ ને ગાયત્રી બંને સ્કુલબસની રાહ જોતા ઉભા રહે.સ્કૂલબસ આવતા ગાયત્રી રાહુલને સંભાળી અંદર બેસાડે અને જ્યાં સુધી બસ દેખાય ત્યાં સુધી તે ગેટ પર ઉભી રહે.બસ શેરીનો વળાંક વડે એટલે તે ઘરમાં પ્રવેશે અને લગભગ ત્યારે નીરવ પણ ઓફીસ જવા તેયાર થઈ ગયો હોય એટલે તેને ટીફીન આપી, ઓફીસ જવા બાય કહી,ઘરનો દરવાજો બંધ કરી અને સોફા પર બેસી આરામનો શ્વાસ લે.પછી થોડીવાર છાપુ વાંચવામાં વ્યસ્ત થાય તો થોડીવાર મોબાઈલમાં આવેલા મસેજ વાંચે અને રીપ્લાય કરવામા સમય પસાર કરે.આમ પોતા માટે થોડો સમય કાઢી લે.ફરી રસોડામાં વ્યસ્ત થાય અને રાહુલને ગમતું શાક બનાવવા કે ક્યારેક ગમતી વાનગી બનવવાની તેયારીમાં પડે.બપોરે ૧.૩૦ થતા જ રાહુલ સ્કુલથી ઘરે આવી જાય, એટલે તેને જમાડી ,આરામ કરાવી ફરી તેના હોમવર્ક કે તેના પ્રોજેક્ટના કામમાં વ્યસ્ત.સાંજ પડતા ફરી રાતના જમવાની તૈયારી અને રાત પડતા જ બંને બાપ દીકરાને વહેલા સુઈ જવા ઓર્ડર કરે.ફરી સવાર પડે અને ગાયત્રીની ભાગદોડ શરુ થઈ જાય.
રોજની જેમ એક સવારે ગાયત્રી સવારની ભાગદોડ પછી રાહુલને સ્કૂલબસમાં મૂકી અને નીરવને ઓફીસ માટે વિદાય કરી .થોડીવાર મોબાઈલમાં વ્યસ્ત થઈ અને બાર વાગતા જ રાહુલને મનગમતું શાક બનાવવા રસોડામાં પ્રવેશી.એક વાગતા બધી જ રસોઈ તૈયાર.બસ હવે રાહુલ આવે એટલે ગરમા ગરમ રોટલી ઉતારી આપશે, એ વિચારે સોફા પર બેસી રાહ જોવા લાગી.ડોઢનો ટકોરો થયો ,ગાયત્રીની નજર દરવાજા પર મંડાણી પણ રાહુલ આવતો દેખાયો નહિ.થોડી વાર બેસી રાહ જોઈ, પોણા બે થયા ,પણ હજુ રાહુલ આવતો દેખાયો નહિ.ગાયત્રીનું મન વિચલિત થવા લાગ્યું તે ઉભી થઈ આંગણામાં આવી અને દુર નજર કરી સ્કૂલબસ આવે છે કે નહી તે જોવા લાગી,પણ તેને કોઈ બસ આવતા ન દેખાઈ .હવે તો બે વાગ્યામાં પાંચ મિનીટ ઓછી હતી અને તનું માતૃહૃદય ચિંતામાં ઘેરાયું.જેમ જેમ સેકન્ડ કાંટો ચાલતો જતો હતો તેમ તેમ તેના મગજમાં વિચારો દોડતા હતા અને તેનું હ્રદય જોર જોરથી ધબકવા લાગ્યું હતું.તેણે સ્કુલમાં ફોન કરી પૂછી લીધું હતું અને ત્યાંથી જવાબ મળી ગયો હતો કે બધા જ છોકરાઓ સ્કુલથી છુટી ગયા છે.રાહુલના બે-ત્રણ મિત્રોને પણ તેણે ફોન કરી લીધા હતા.તેઓ પણ ઘરે આવી ગયા હતા,બસ એક રાહુલ જ ઘરે નો’તો આવ્યો.ગાયત્રીની લાગણી હવે કાબુમાં રહે તેમ જ ન હતી .વારંવાર ઘરથી બહાર અને બહારથી ઘરમાં આવ-જાવ કરતી હતી .તેની આંખો રાહુલના આવવાની રાહ જોઈ રહી હતી.આમ જ સવા બે થયા,હવે તેનાથી રહેવાયું નહી ,તેણે નીરવને ફોન કર્યો.નીરવ પણ ગાયત્રીની વાત સાંભળી તરત ઘરે પહોચ્યો.નીરવને પ્રવેશતાં જોઈ, ગાયત્રી દોડી તેને ભેટી પડી.રોકી રાખેલા આંસુઓની ધાર વહી નીકળી.નીરવ પણ ખુબ ગભરાયેલો અને ચિંતામાં હતો,પણ પુરુષના સ્વભાવ મુજબ પોતાની લાગણી પર કાબુ રાખી ગાયત્રીને સમજાવવા લાગ્યો,” ચિંતા ન કર.રાહુલ આવી જશે,તેને કંઈ જ નહિ થાય.”પણ ગાયત્રી પોતાની લાગણીને કાબુમા રાખી શકે તેમ જ ન હતી.નીરવે શાંત્વન આપતા ગાયત્રીને સોફા પર બેસાડી અને ઘડિયાળ તરફ જોયું પોણા ત્રણ વાગી રહ્યા હતા.હવે નીરવને પણ ખુબ ચિંતા થઈ રહી હતી.તેણે ગાયત્રીને પૂછ્યું,” તે સ્કૂલબસના ડ્રાઈવરને ફોન કર્યો?”.ગાયત્રીએ કહ્યું,” કેટલીય વાર,પણ તેનો ફોન બંધ આવે છે”.નીરવે થોડું વિચાર્યું અને કહ્યું,” તું સ્કુલમાં ફોન કર અને તે ડ્રાઈવરના ઘરનું એડ્રસ લે હું ત્યાં જતો આવું છું”.નીરવના કહ્યા મુજબ ગાયત્રીએ સ્કુલમાં ફોન કરી એડ્રસ લીધું અને નીરવે હાથમાં મોબાઈલ અને કારની ચાવી લઈ બહાર જવા પગ ભર્યો, ત્યાં જ તેને ગેટમાંથી રાહુલ આવતો દેખાયો.નીરવ સ્થિર ઉભો રહ્યો.રાહુલ ઘરના દરવાજે પહોચ્યો અને ગાયત્રી સોફા પરથી ઉભી થઈ તરત રાહુલને ગળે વળગી પડી.તેના માથા પર ,હાથ ,પગ પર હાથ ફેરવી તસ્લી કરી લીધી અને બંને હાથથી રાહુલને પકડી પૂછવા લાગી,” ક્યાં હતો?,કોના ભેગો ગયો હતો?..આટલો મોડો કેમ આવ્યો?..ભૂખ નો’તી લાગી તને?......” કેટલાય પ્રશ્નનોનો મારો એક સાથે ચલાવી દીધો.રાહુલ ચુપ-ચાપ સાંભળતો રહ્યો અને તેની માં સામે સ્થિર નજરે જોતો રહ્યો.એટલે નીરવે ગાયત્રીને શાંત પાડતા કહ્યું,” થોડી શાંત થા અને રાહુલને બોલવા દે”,આટલું કહી નીરવે રાહુલને પૂછ્યું’,
”બેટા ,કહ્યા ચાલ્યો ગયો હતો?તારી મમ્મીને તારી કેટલી ચિંતા થાય જો તું થોડીવાર પણ એનાથી દુર થઈ જાય તો”.
નીરવે વાક્ય પૂરું કર્યું એટલે રાહુલ બોલ્યો,
” હું વૃધાઆશ્રમ ગયો હતો”.
એટલે ગાયત્રીએ પૂછ્યું “કોના ભેગો..?”,એટલે રાહુલે જવાબ આપ્યો,” મારા ડ્રાઈવર કાકાની માંનો જન્મદિવસ હતો અને તે દર વખતે પોતાની માંની યાદમાં વૃધાઆશ્રમ જાય છે.ત્યાં વડીલોને ફળો ને નાસ્તો કરાવતા હોય છે. આજે મને ખબર હતી કે તે વૃધાઆશ્રમ જવાના છે, તો મેં રીક્વેસ્ટ કરી તો મને પણ સાથે લઈ ગયા”.એટલે ગાયત્રીએ પૂછ્યું,
” કયા વૃધાઆશ્રમ ગયો હતો?”
રાહુલે જવાબ આપ્યો,
” દાદીમાં જ્યાં રહે છે ત્યાં”.
રાહુલના જવાબથી ગાયત્રી ચુપ થઈ ગઈ.રાહુલે નીરવ સામે જોયું અને બોલ્યો,
” પપ્પા,દાદીમાં પણ તમારા માટે મમ્મી પૂછે છે એવા જ પ્રશ્નો મને પૂછતા હતા અને જે પ્રેમ અને ચિંતા અત્યારે મને મમ્મીની આંખમાં દેખાય છે, તેવો જ પ્રેમ અને તમારા માટેની ચિંતા દાદીની આંખોમાં પણ હતી”.
આટલું બોલી રાહુલ ચુપ થઈ ગયો.નીરવની આંખો નીચી ઢળી ગઈ, હાથમાંથી મોબાઈલ સરકી જમીન પર પડ્યો, તેની સ્ક્રીન પર તિરાડ પડી હોય એવો તિક્ષણ અવાજ આવ્યો અને પછી આખાએ ઘરમાં નીરવતા છવાઈ ગઈ.
%%%પલ્લવી શેઠ%%%