kind books and stories free download online pdf in Gujarati

દોલું

દોલું
મલ્હાર મહેતાનો બંગલો આજે રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો હતો.બંગલાની ફરતે મોટી બાઉન્ડ્રીની દીવાલ પર દીવડાઓની હારમાળા શોભી રહી હતી.આજ દિવાળીની રાતે ચારેબાજુ પ્રકાશ પથરાયો હોય તેવી સજાવટ કરેલો બંગલો ખુબ શોભી રહ્યો હતો.આ બંગલાની બાઉન્ડ્રીનો મોટો દરવાજા ખોલી,મંજુલાબેન ઝડપથી રસ્તે ચાલવા લાગ્યા હતા.હાથમાં પ્લાસ્ટીકની થેલી અને તેનામાં રહેલી વસ્તુઓને સંભાળતા તેમણે થેલીને પોતાના હાથ અને છાતી વચ્ચે દબાવી દીધી હતી.કોલોનીના બધા જ બંગલાઓ આજે રોશની અને દીવાના પ્રકાશથી અંધકારને આંબી દુર સુધી પ્રકાશ ફેલાવી રહ્યા હતા.કોલોનીના રસ્તા પર બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ ફટકડાની રમતોમાં મશગુલ હતા.ક્યાંક ફૂલજડીના તણખલા ઉડી રહ્યા હતા, તો જમીન-ચક્ર અને અવનવા ફટકડાના રંગો આંખોને આકર્ષી રહ્યા હતા. રોકેટના રંગો આકાશમાં રંગોળી રચતા હતા અને મોટા અવાજ કરતા ફટાકડાના અવાજો તો બધી બાજુએથી આવી રહ્યા હતા.એક તરફ બાળકોની ખિલખિલાટ અને બીજી તરફ આતિશબાજીની મજા!, ખરેખર દિવાળીની રાતને તહેવાર બનાવી રહ્યા હતા.પણ મંજુલાબેન પોતાને ફટકડાના તણખલાઓથી બચાવતા એક બાજુએથી ચાલી રહ્યા હતા.કોલીની પૂરી થતા જ શહેરની મોટી બજાર રસ્તામાં પડતી.આજે તો બજારની રોનક પણ નયનરમ્ય હતી.દુકાનો રોશનીથી શોભી રહી હતી.કેટલીક દુકાનો તો ફૂલના તોરણોથી સજ્જ હતી.ખરીદારોની પણ આજે ખુબ ભીડ હતી.મીઠાઈઓની દુકાનોમાંથી મીઠી સુંગંધ બહાર સુધી આવી રહી હતી અને ગ્રાહકોની પણ દુકાનોમાં કતાર લાગેલી હતી.આ બધું અડછતી આંખે નિહારતા મંજુલાબેન પોતાના ઘરના રસ્તા તરફ વળ્યા.થોડુંક ચાલ્યા પછી તેમની વસ્તી આવી અને તેમના પગે થોડો વિરામ લીધો.આજે દિવાળીની રાતે પણ તેમની વસ્તીમાં શાંતિ છવાઈ હતી.ન બાળકોના શોર-બકોર, કે ન ફટાકડાના અવાજ ,કે ન લાઈટોની શોભા.હા !એકાદ બે ઘરે તેલમાં વાટ ડૂબી હોય એવા આછા પ્રકાશ દેતા શુકનના દીવા સિવાય નિરંતર શાંતિ પ્રસરી હતી.આ વસ્તીમાં તો આજે પણ અમાસ જ હતી.મંજુલાબેનની આંખે જોયલો વિરોધભાસ થોડો તેમના હ્રદયને ડંખી રહ્યો.પણ વાસ્તવિકતા સ્વીકારી લીધેલા તેમના મને ફરી પગને ઝડપભેર ચાલતા કર્યા અને પોતાના ઘરે પહોચ્યા.ત્યાં તેમની આઠ વર્ષની દીકરી મીનુ થોડું તેલ દીવામાં મૂકી દીવો પ્રગટાવી રહી હતી.મીનુને જોતા જ મંજુલાબેનના ચહેરે રોનક આવી અને મીનુ પણ મંજુલાબેનને સામે જોઈ ખુબ હેતથી હસી પડી.જાણે લાંબા ઇંતજાર પછી કોઈ મનને ગમતું મળ્યું હોય એવો ભાવ માં-દીકરીની આંખોમાં હતો.મંજુલાબેન મીનુના માથે હાથ મુકતા ઘરમાં પ્રવેશ્યા.મીનુ પણ તરત મંજુલાબેનની પાછળ પાછળ ઘરમાં આવી અને બોલી,
“મમ્મી મારે માટે આજે તું શું લાવી?તું કામે ગઈ ત્યારથી હું તારા પાછા આવવાની રાહ જોઈ રહી હતી.આજે દિવાળી છે તો મને ખબર છે તું મારા માટે કંઈક જરૂર લાવી હોઈશ”.
મીનુનો વિશ્વાસ પૂરો કરવાનો સંતોષ મંજુલાબેનના મોઢા પર દેખાઈ આવતો હતો.તેમણે પોતાના હાથમાં રહેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મીઠાઈનો બોક્ષ કાઢ્યો અને મીનુના હાથમાં આપ્યો.બાળ-સહજ ઉત્સાહથી મીનુએ બોક્ષ ખોલ્યું.મીનુનું મન આનંદથી મીઠું મધુર થઈ ગયું.બોક્ષમાં બે મોટા બુંદીના લાડુ,બે મોતીચૂરના લાડુ,બે ટુકડા મોહનથાળના ,ત્રણ ટુકડા મેસુકના અને ગગન,સુતરફેણી પણ ખરી.મીઠી સુંગધ અને મીઠાઈના રંગબેરંગી રંગોએ મીનુનું મન મોહી લીધું.તેણે મીઠાઈને હાથમાં લઈ આંખોથી આસ્વાદ કરી લીધો.આ જોઈ મંજુલાબેન બોલ્યા”મીનુ તને ભાવે એ મીઠાઈ તું લઈ ને ખાઈ લે”.મીનુએ હાથમાં રહેલો લાડું મીઠાઈના બોક્ષમાં પાછો મૂકી અને બોક્ષ બંધ કરી દીધો અને બોલી,
“નહિ મમ્મી,પપ્પા ઘરે આવે એટલે બધા સાથે ખાઈશું.એકલું ખાવામાં થોડી મજા આવે!”.
મંજુલાબેને મીનુની વાત હોકારાથી સ્વીકારી.ત્યાં જ મીનુની નજર મંજુલાબેને પલંગ પર મુકેલી પ્લાસ્ટીકની થેલી પર ગઈ અને તે તરત બોલી ,”મમ્મી,હજુ આ થેલીમાં શું છે?”.મંજુલાબેનના ચહેરા પર સ્મિત આવ્યું અને બોલ્યા,”તારા માટે દિવાળીની ભેટ છે”.મંજુલાબેને થેલીમાંથી સુંદર ફ્રોક કાઢ્યો.ગુલાબી રંગનો સાટીનનો ફ્રોક ખુબ સુંદર દેખાઈ રહ્યો હતો.તેમાં ઝાલરો અને સફેદ મોતીનું બારીક કામ કરેલું હતું.મીનુએ તો આવું ફ્રોક માત્ર તેની કલ્પના પરીને પહેરેલું સપનામાં જોયું હતું.મીનુ દોડી તરત જ મંજુલાબેનના હાથમાંથી ફ્રોક લઈ લીધો અને પોતાના માપ અનુસાર હાથથી પકડી ગોળ ફરવા લાગી અને બોલી,” મમ્મી, કેટલો સરસ ફ્રોક છે.!”,મંજુલાબેન કહ્યું,” હા બેટા,પ્રિયા બેબીના બધા જ કપડા બહુ જ સરસ હોય છે.આજે દિવાળી હતી તો સાહેબ,મેડમજી અને પ્રિયા બેબીએ તારા માટે આ ફ્રોક આપ્યો છે.”મીનુ તો ફ્રોકના આનંદમાં જ હિલોળા લઈ રહી હતી.મીનુનો આનંદ જોઈ મંજુલાબેનના મોઢામાંથી શબ્દો સરી પડ્યા,” મારા શેઠ અને શેઠાણી હ્રદયના ખુબ વિશાળ અને નેક દિલ વ્યક્તિઓ છે એટલે જ ભગવાને તેમને ખુબ સુખ આપ્યું છે” અને ઈશ્વરને પ્રાર્થના કરતા બોલ્યા,” ભગવાન તું એ ત્રણેને ખુબ સુખ અને આનંદ આપજે.”આશીર્વાદ આપતી માં ની નજર પોતાની દીકરી પર ઠરી,થોડીક ક્ષણ મીનુની ખુશી સાથે તેમણે પણ મનથી આનંદ માણી લીધો.પછી હળવેકથી બોલ્યા,
”બેટા, હવે આ ફ્રોકને સાચવી કબાટમાં મૂકી દે.કાલે નવું વર્ષ છે તો કાલે પહેરજે”.
મીનુ પણ પોતાની માં ની વાત માની તરત જ ફ્રોકને સંકેલી પ્લાસ્ટીકની થેલીમાં મૂકી કબાટ તરફ આગળ વધી ,ત્યાં જ મંજુલાબેન હસ્યા અને બોલ્યા,
”મીનુ તારી તો દિવાળી બની હો!”,
અને મંજુલાબેનના મીઠા શબ્દો સાથે સુર મિલાવતી મીનુ ખડખડાટ હસી પડી.જરાક વજન દઈ લોખંડના કબાટનો દરવાજો ખોલ્યો.બંને હાથ ઊંચા કરી ફ્રોક પોતાના ગોઠવેલા બીજા કપડા સાથે રાખ્યો ,પણ એક ક્ષણ તે ત્યાં જ થંભી ગઈ, તેના મગજમાં જાણે કોઈ વિચાર ચાલી રહ્યો હોય તેમ તે કબાટ પાસે જ સ્થિર ઉભી રહી.આ જોઈ મંજુલાબેને અવાજ આપ્યો,” શું થયું ,બેટા?”.મીનુએ કબાટનો દરવાજો બંધ કર્યા અને થેલીમાં મુકેલો ફ્રોક લઈ તે તેની માં પાસે આવી ઉભી રહી.મીનુનું આ વર્તન મંજુલાબેન માટે સમજવું અઘરું હતું.એટલે એમણે ફરી પ્રશ્ન કર્યો,” શું વિચારે છે બેટા?”.મીનુએ પોતાની માં સામે જોઈ પૂછ્યું”મમ્મી બે મહિના પહેલા મારા માટે મેડમજીએ પીળા રંગનો ફ્રોક આપ્યો હતો એ તને યાદ છે ને!”મંજુલાબેન કહ્યું,” હા, એ કબાટમાં ઉપર જ પડ્યો છે.મેં જ સંકેલીને રાખ્યો છે”.એટલે મીનુએ કહ્યું,” મમ્મી, એ ફ્રોક પણ ખુબ સરસ છે અને મેં એક વાર પણ હજી પહેર્યો નથી”.મીનુની વાત મંજુલાબેનને સમજાય તેમ ન હતી.એટલે એમણે વળતો પ્રશ્ન કર્યો.” હા બેટા,એ ફ્રોક પણ બહુ જ સરસ છે,પણ એનું અત્યારે શું ?...”.મીનુએ મંજુલાબેનની આંખોમાં આંખ પરોવી અને બોલી,
“મમ્મી, રેણુના માં-બાપ બંને નથી અને તેના મામા મામી પણ તેના માટે સારા કપડા લાવી શકતા નથી,તો હું આ ગુલાબી ફ્રોક રેણુને આપી દઉ?,મારી પાસે તો બીજો સરસ ફ્રોક છે જ પહેરવા”.
મીનુ આટલું બોલી ચુપ થઈ ગઈ.મંજુલાબેન પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો.તેની આંખના ખૂણામાં એક આંસુ ઉભરાઈ આવ્યું હતું.તે કેટલીક સેકન્ડ ચુપચાપ મીનુ સામે જોઈ રહયા. તે મનમાં ઈશ્વનો આભાર માનતા હોય તેમ ભગવાનની છબી સામે જોયું અને જાણે મનમાં કહી રહયા હોય કે મારી પરવરીશ શ્રેષ્ઠ નીવડી છે.મને મીનુના રૂપમાં દીકરી રૂપી રત્ન મળ્યું છે.જે આટલી નાની વયે પણ પોતાની ખુશી કરતા બીજાની ખુશીનો વિચાર કરી શકે છે.આ વિચાર સાથે મંજુલાબેનના ચહેરે આનંદ અને મીનુ માટે ગર્વ છલકાઈ આવ્યું.પણ જવાબની રાહ જોતી મીનુ મુગ્ધભાવે પોતાની માં સામે જોઈ જ રહી હતી.મંજુલાબેને સ્મિત સાથે વળતા જવાબમાં કહ્યું,”હા આપી આવ “.મીનુની ખુશીનો તો પાર ન રહ્યો,તેણે ઝડપથી થેલી લઈ ઘર બહાર જવા પગ ભર્યા ,હજી તો ઉંબરો ઓળંગવા પગ ભર્યો,ત્યાં જ મંજુલાબેને અવાજ આપ્યો,” મીનુ એક મીનીટ....”મીનુના પગ થંભી ગયા,તેણે વળીને જોયું,મંજુલાબેનના હાથમાં એક આરપાર દેખાય તેવી પોલીથીનની કોથળી હતી અને તે કોથળીમાં અલગ અલગ એવી ચાર એક મીઠાઈ હતી.મંજુલાબેને મીનુના હાથમાં કોથળી આપતા કહ્યું,” રેણુને ખાલી ભેટ આપીશ! મીઠાઈ નહિ?”,મીનુએ ઝડપથી કોથળી પોતાના હાથમાં લીધી અને ઉંબરો ટપી ગઈ. જતા જતા બોલતી ગઈ,
“મમ્મી ,આ વખતે તો રેણુની દિવાળી પણ બની ગઈ...”
આટલું બોલતા તે ખડખડાટ હસતી રેણુના ઘર તરફ દોડી ગઈ.મંજુલાબેન સંતોષ અને આનંદના ભાવ સાથે સ્થિર નજરે મીનુને રેણુના ઘર તરફ જતા જોતા રહ્યા.
@@પલ્લવી શેઠ@@

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED