સરનામું
વનિતા કાનજીભાઇ અને જમનાબેનનું પ્રથમ સંતાન.વનિતા પછી કાનજીભાઈ અને જમનાબેનને સંતાનોમાં બે પુત્રો,પણ બાળપણથી વનિતા ખુબ જ હોશિયાર અને સમજુ. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તે ઘરના કામકાજમાં કુશળ થતી ગઈ.ધીમે ધીમે સમય જતો ગયો વનિતા ઉંમરલાયક થઈ અને કાનજીભાઈએ ખુબ સારો છોકરો જોઈ તેના લગ્ન મદનપુરના વેપારી એવા મહેશ ઠાકર સાથે કરાવ્યા.તે આટલા વર્ષથી જે ઘરને પોતાનું માનતી હતી,આજે તેને તે ઘરમાંથી વિદાય લેવાની હતી.તે વારંવાર પોતાના ઘરને જોયા કરતી હતી.બાળપણથી વનિતા માટે તો,’ આ ઘર જ મારું છે’ એવી દ્રઢ માન્યતા હતી.પણ જયારે તેના માતા-પિતાના મોઢે શબ્દો સાંભળ્યા,” બેટા તું હવે તારા ઘેર,તારે સાસરે સુખી રહેજે”,ત્યારે જાણે તેની ભ્રમણા તૂટી હોય એવો ઘા એના હ્રદયને લાગ્યો,પણ પોતાની લાગણીઓને સમેટી પિતાના ઘરેથી વિદાય લઈ પોતાના પતિના ઘરે આવી.
અહી લોકો અજાણ્યા અને ઘર પણ અજાણ્યું.પણ સ્ત્રીને કુદરતે સ્વભાવ જ એવો આપ્યો,કે જ્યાં રહે ત્યાંને અપનાવતા શીખી જાય અને ધીમે ધીમે તે મહેશના ઘરને પણ પોતાની કલ્પનાથી સજાવવા લાગી.હવે તો સાસરાનું ઘર એ જ પોતાનું ઘર.એક સાંજે મહેશે ઘરે આવી વનિતાને કહ્યું ,”વનિતા કાલે આપણે આધાર કાર્ડ માટેનું ફોર્મ ભરવા જવાનું છે”.બીજા દિવસે મહેશ અને વનિતા આધાર કાર્ડ માટે ઓફિસે પહોંચ્યા અને ત્યાં ફોર્મ ભરનાર ક્લાર્ક ફોર્મમાં ભરવાની વિગત માટે એક પછી એક પૂછવા લાગ્યો અને ફોર્મ ભરવા લાગ્યો. નામ,ઉંમર પછી તરત પૂછ્યું,
”તમારું સરનામું”,
વનિતા થોડીક ક્ષણ વિચારમાં પડી,તેને શાળાના દીવસો યાદ આવ્યા જયારે પોતાનું સરનામું એટલે પોતાના પિતાના ઘરનું સરનામું લખાવતી,અને હવે... હજી તો તે કંઈક બોલે ત્યાં જ બાજુમાં બેઠેલા મહેશે સરનામું લખાવી દીધું.આ વાતને કેટલાય દિવસો થઈ ગયા હતા.પણ વનિતાના મનમાં સરનામું શબ્દ ઘર કરી ગયું હતું.સમય વિતતો ગયો.આજ કાલ કરતા આ ઘરમાં તેને ત્રીસ વર્ષ થઈ ગયા. હવે તો તેનો દીકરો રાકેશ પણ પરણી અને શહેરમાં સેટલ થયો હતો.
મદનપુરમાં વનિતા અને મહેશ બંને એકલા જ રહેતા હતા.પણ કુદરતને આ પણ મંજુર ન હતું અને એક કારમો ઘા વનિતાને લાગ્યો એક કાર અકસ્માતમાં મહેશનું મૃત્ય થયું.હવે વનિતા એકલી પડી,એટલે તેના દીકરા રાકેશ અને તેની પત્ની ભામિનીના આગ્રહવશ થઈ ક-મને શહેરમાં રહેવા આવી.શહેર અજાણ્યું,લોકો અજાણ્યા અને ઘર પણ અજાણ્યું.પણ ધીમે ધીમે વનિતા ઘરના માહોલમાં ઢળતી ગઈ.કેટલીકવાર પોતાની નેહા સાથે કોલીનીના બગીચામાં જતી ,એવામાં વળી, કોઈક ત્યાં પૂછી લેતું,” તમે કોણ,”ક્યાં રહો છો?તમારું સરનામું”.ત્યારે વનિતા રાકેશના ઘરનું સરનામું આપતી,અને સામે વારી વ્યક્તિ પણ કહેતી,”અચ્છા ,તો તમે તમારા દીકરાના ઘરે રહો છો”,વનિતા ત્યારે માત્ર”હા” એવો જ જવાબ આપતી.આમ જ લગભગ સાત-એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો.એક રાત્રે અચાનક વનિતાની તબિયત બગડી એટ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી,ત્યાં હોસ્પિટલના કર્મચારી દર્દીની વિગતનું ફોર્મ ભરવા પ્રશ્નો કર્યા,નામ,ઉંમર પછી તરત સરનામું પૂછ્યું,બાજુમાં બેઠેલા રાકેશે પોતાના ઘરનું સરનામું લખાવ્યું.વનિતા ચુપચાપ સાંભળી રહી હતી.થોડા દિવસ પછી વનિતા સ્વસ્થ થઈ ઘરે આવી,પણ તબિયત હજી એકદમ સ્વસ્થ ન જ હતી. એક સાંજે અચાનક વનિતાને ફરી ગભરામણ જેવું થવા લાગ્યું,હ્રદયના ધબકારા ધીમા થતા લાગ્યા, તેણે હિંમત કરી રાકેશને અવાજ આપ્યો.રાકેશ,ભામિની અને નેહા તરત વનિતાના રૂમમાં આવ્યા.વનિતાની શ્વાસની ગતિ ધીમી થતા જોઈ,ભામીનીએ તરત એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો.ત્યારે વનિતાએ આંગળીથી કબાટ તરફ ઈશારો કર્યો.ભામિનીએ કબાટ ખોલ્યું. વનિતાએ કાળુ પર્શ અને બાજુમાં રહેલી ફાઈલ માંગી.ભામિનીએ તે કાઢી વનિતાના હાથમાં આપી.વનિતાએ પર્શ ખોલી તેમાંથી ચાવી કાઢી નેહાના હાથમાં આપી અને તેના માથા પર હાથ ફરેવ્યો.તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તે બોલી,
” હું નાની હતી ત્યારે જે ઘરને મારું સમજતી તે મારા પિતાજીનું ઘર હતું,પરણીને આવી એ પતિનું ઘર કહેવાયું ,હું અહી રહેવા આવી તો દીકારનું ઘર,ત્યારે મને વિચાર આવતો કે મારું ઘર કહ્યું?,”
એટલું બોલી વનિતા નેહા સામે જોઈ અને બોલી,
” મેં આપણું મદનપુર વાળું ઘર નેહાના નામે કરી નાખ્યું છે,જેથી ભવિષ્યમાં નેહા પોતાના ઘરનું સરનામું લખાવી શકે અને એક ઘરને તે પોતાનું ઘર કહી શકે”.
આટલું બોલતા વનિતાનો શ્વાસ ખુબ ધીમો થવા લાગ્યો,અચાનક તેનો હાથ નીચે ઢળી પડ્યો.વનિતાના દેહે પ્રાણ છોડી દીધા હતા.રાકેશની આંખો આંસુથી ભરાઈ ગઈ,તેણે ઉભા થઈ ભામિની સામે જોયું.ભામિનીની આંખો પણ આંસુથી છલકાઈ રહી હતી.પણ આજે રાકેશને ભામિનીની આંખમાં પણ એ જ વેધક પ્રશ્ન દેખાઈ રહ્યો હતો કે,” સ્ત્રીનું પોતાનું ઘર કહ્યું?”