Duvagir books and stories free download online pdf in Gujarati

દુવાગીર

// દુવાગીર//

પોતાની બી.એમ.ડબ્લ્યુ. કારને પાર્કિંગમાં પાર્ક કરી.સુટ-બુટ,ગાળામાં ટાઈ અને હાથમાં નાની બ્રિફકેસ લઈ વિનાયક રૂઆબભેર ઓફીસના દાદરા ચડી રહ્યો હતો,દાદરા ચડતા-ઉતરતા બીજા કર્મચારીઓ વિનાયકને ગુડ મોર્નિંગ કહેતા જતા હતા.સહકર્મચારીના અભિવાદન ઝીલતો તે પોતાની ઓફિસમાં પહોચ્યો.પટાવાળાએ ઓફિસનો દરવાજો ખોલ્યો તે અંદર પ્રવેશી પોતાની ખુરશીપર બેઠો.તરત જ બાજુમાં રહેલા ટેલીફોનની ઘંટડી રણકી,વિનાયક ફોન ઉપાડી બોલ્યો,”:હલ્લો,”,સામેથી જવાબ આવ્યો,”મી. વિનાયક કાલે આપણા શહેરના જાણીતા લેખક શ્રી ચંદ્રેશ ત્રિવેદીનું ‘જીવનના મુલ્યો’ આધારીત એક સેમીનારનું આપણી કંપનીમાં આયોજન કરવાનું છે,તો આપની કચેરીના તમામ કર્મચારીઓને જાણ કરી દેશો”.વિનાયકે વળતા જવાબમાં કહ્યું,”ઓક સર,થેંક્યું.” આમ કહી રીસીવર મૂકી.પોતાની ટેબલ પર રહેલ બેલ મારી ,બેલ સાંભળતા પટ્ટાવાળો અંદર પ્રવેશ્યો.વિનાયકે તેની સામે જોઈ કહ્યું,” નેહા મેડમને કહો સર બોલાવી રહ્યા છે.”પટાવાળાએ કહ્યું,”ભલે સાહેબ.”થોડીક ક્ષણમાં દરવાજા પરથી આવાજ આવ્યો,” મે આઈ કમ-ઈન સર?,વિનાયકે કહ્યું,”યસ”,નેહા ઓફીસમાં પ્રવેશી,વિનાયકે સુચના આપતા કહ્યું,”ઉપલી કચેરીએથી ફોન હતો કાલે આપણી ઓફીસમાં ‘જીવન મુલ્યો’ને લગતું સેમીનાર છે, તો બધા કર્મચારીઓને સુચના આપી દેજો કે કાલે સવારે સાડા-દસે કોન્ફરન્સરૂમમાં આવી જાય”.નેહાએ કહ્યું,”ઓકે સર”,નેહા ઓફીસની બહાર નીકળી ગઈ અને વિનાયક પોતાના કામમાં વ્યસ્ત થયો.
બીજા દિવસે સવારે બધા જ કોન્ફરન્સરૂમમાં નિયત સમયે હાજર થઈ ગયેલા.ત્યાં જ સફેદ જબો,લેંગો, માથે ખાદીની કોટી પહેરેલા, હાથમાં નાનકડી ડાયરી લીધેલ ,એક સરળ વ્યક્તિ પ્રવેશ્યા.બધા કર્મચારીઓ તેમને સન્માન આપતા ઉભા થયા.હાથથી બધાને બેસવાનું કહેતા તમણે પોતાનો પરિચય આપતા કહ્યું,”હું ચંદ્રેશ ત્રિવેદી”અને ત્યાર પછી પોતાના વિષય પર એમણે બોલવાનું શરુ કર્યું.દુર બેઠેલા વિનાયકે સફેદ વાળ,બેતાલા ચશ્માં અને ચહેર પર પડેલી કરચલીઓ વાળો એ ચહેરો ઓળખવાનો પ્રયત્ન કર્યો.તરત જ તેના મગજે જવાબ આપ્યો અને તે ચોંક્યો,મનમાં બોલ્યો,’આ તો મારી પ્રાથમિક શાળાના શિક્ષક ત્રિવેદી સાહેબ છે’.તરત જ વિનાયકે મોઢું નીચે કરી નાખેલું જેથી સાહેબ તેને ઓળખે નહી.સેમીનાર ચાલતો રહ્યો,બપોરના જમ્યા પછી સેમીનારનું છેલ્લુ સેશન હતું.એટલે ત્રિવેદી સાહેબે વાત શરુ કરી,” મિત્રો,આજે હું અત્યારે જે વાત કહેવા જઈ રહ્યો છું, તે સત્યઘટના છે,બસ મેં આ વાતમાં પાત્રોના નામ બદલાવેલા છે અને નામ પણ એટલે કે આ વાતના ઉમદા વ્યક્તિની ક્યારે ઈચ્છા નથી કે આ સત્ય બધાની સામે આવે, પણ સમાજના સજ્જન વ્યક્તિનો આપ સૈને પરિચય થાય, માટે હું આજે આ વાત તમારી સમક્ષ કરું છું.આ એ દિવસોની વાત છે જયારે હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો અને મારી નોકરી ગામડામાં હતી.તે સમયે મોબઈલ પણ નહિ અને વાહન વ્યવહાર પણ ઓછો એટલે ત્યાં જ રહેવાનું મેં રાખેલું.ગામમાં હું નવો એટલે મિત્રો તો હોય નહિ.પણ ધીમે ધીમે ગામના પ્રતિષ્ઠિત અને સજ્જન વ્યક્તિ રામજીભાઈ સાથે મારી મિત્રતા થઈ.હું અવારનવાર રામજીભાઈની વાડીએ જઈ બેસતો અને ત્યાં તો ઘર પણ વાડીમાં જ હોતા. મને આવતા જોઈ જશોદાભાભી વગર કહે ચા ચડાવી દેતા અને હું પણ ચા પીતા રામજીભાઈ સાથે વાતે વળગતો,અને વાતોમાં એવું થતું કે જમવાનો સમય થઈ જતો એટલે રામજી ભાઈ કહેતા,”માસ્તર સાહેબ, અહી જ જમી લ્યો”.જશોદાભાભી પણ આગ્રહ કરતા અને હું ત્યાં જ જમી લેતો.મોટાભાગે આવું જ બનતું કે હું વાડીએ જતો અને જમીને જ મારા ઘેર પાછો ફરતો.
દર વર્ષે શ્રાવણ મહિનાની પાંચમના ગામથી ત્રણેક કિલોમીટર દુર ભવનાથ મહાદેવના મંદિરે ગામનો મોટો મેળો ભરાતો.તેથી તે દિવસે લગભગ શાળામાં એક પણ વિધાર્થી આવેલ નહિ.એટલે સ્વઐછીક રજા પાડવામાં આવી.હું નવરો પડ્યો એટલે રામજીભાઈની વાડીએ પહોચ્યો.રામજીભાઈ અને જશોદાભાભી એમના પાંચ વર્ષના પુત્ર રામને લઈ મેળામાં જવાની તેયારી કરી રહ્યા હતા.હું ત્યાં પહોચ્યો એટલે રામજીભાઈએ કહ્યું,“માસ્તર સાહેબ, અમારી સાથે ચાલો મેળે”.પહેલા મેં આનાકાની કરી પણ પછી રામજીભાઈના આગ્રહથી હું મેળે જવા તૈયાર થયો. અમે ચાલતા મેળે પહોચ્યા. ત્યાં ગામડાનો ભાતીગળ મેળો અને ગામના લોકો મને ઓળખતા.વળી,તે સમયમાં ગામડામાં શાળાના શિક્ષકના વિશેષ માન હોતા, તેથી આવતા જતા બધા મને બોલવતા અને રામજીભાઈ પણ ગામના પ્રતિષ્ઠીત વ્યક્તિ તેથી લોકો એમને પણ રામ રામ કહેતા જતા.રામજીભાઈ પણ બધાને પ્રેમપૂર્વક રામરામ કહેતા હતા.મેળો ફરતા ફરતા લગભગ સાંજ થઈ અને સૂરજનો તાપ નમવા લાગ્યો. ફરી પગે જ ઘેર જવાનું હોતા અમે લોકો ઘરે આવવા નીકળ્યા.રસ્તામાં રામજીભાઈની વાતો હું ધ્યાનથી સંભળાતો હતો ,કારણ તેમની વાતો હંમેશ મારા મનને સ્પર્શી જતી.આ વાતોની વચ્ચે વચ્ચે રામે મેળામાંથી લીધેલી પીપુડીનો અવાજ આવતો હતો.આમ ચાલતા ચાલતા રામજીભાઈ અચાનક ઉભા રહ્યા,એટલે હું પણ થંભ્યો. રામજીભાઈ બોલ્યા,”કોઈક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે.”મેં પણ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો,દુર કાંટાળી જાળી માંથી નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.રામજીભાઈ એ દિશામાં આગળ વધ્યા.ભાભી અને રામને રસ્તા પર જ ઉભા રાખી હું પણ રામજીભાઈ ભેગો આગળ ચાલ્યો.ત્યાં જોયું તો એક કાંટાની વાળના કુંડાળામાં નવજાત શિશુ પડ્યું હતું.રામજીભાઈએ જરાક નજીક જઈ કાંટાને દુર ખસેડી બાળકને તેડી લીધું,અને આજુબાજુ જોવા લાગ્યા,પણ દુર સુધી કોઈ દેખાયુ નહિ.તેમણે બુમો પણ પાડી ,પણ કોઈ જવાબ ન આવ્યો, એટલે તે બાળકને લઈ રામજીભાઈ રોડ પર આવ્યા. બાળકને જશોદાના હાથમાં દેતા કહેવા લાગ્યા,” જો આ બાળકને કોઈ આમ જ મૂકી ગયું છે.” જશોદાભાભી રામજીભાઈના ખંભે રહેલી શાલ માંગી,રામજીભાઈએ શાલ જશોદાભાભીને આપી .જશોદાભાભીએ બાળકને સાલમાં વીટી અને છાતી સરસો ચાંપી લીધો.બાળક માતાની હૂફ મળતા જ રો'તો બંધ થયો.કાંટાની જાળીથી બાળકને થોડા ઉજરડા પડેલા ,તેથી અમે તેને ગામના સરકારી દવાખાનામાં લઈ ગયા. ત્યાં નર્સ બહેને બાળકના ઘા સાફ કરી દવા લગાડી ,એટલે મેં કહ્યું હવે આપણે પોલીસને જાણ કરીએ .આ શબ્દો સાંભળી ભોળા એવા રામજીભાઈ પૂછવા લાગ્યા,”કેમ પોલીસને?” મેં એમને સમજાવ્યું,કે આ બાળક આપણને મળ્યું હોવાથી કાયદાકીય રીતે પોલીસને જાણ કરવી પડે .એટલે તે બાળકને અનાથ આશ્રમમાં મૂકી આવશે. બાળકને પોતાના બને હાથમાં સમેટતા જશોદાભાભી બોલ્યા,”બાળકને માં ની જરૂર હોય,અનાથ આશ્રમમાં તેને માં મળશે?” જશોદાભાભીના પ્રશ્નનો જવાબ મારી પાસે ન હતો.રામજીભાઈ બાળકની નજીક ગયા અને તેના માથે હાથ ફેરવતા કહેવા લાગ્યા,” આજથી મારા બે દીકરા છે”. અને જશોદાભાભીએ બાળકને વ્હાલથી ચૂમી લીધો.પરંતુ મારા સમજાવવાથી રામજીભાઈએ આ વાત ગામના સરપંચને કરી . સરપંચશ્રીએ પોલીસ બોલાવી ફરિયાદ નોધાવી.આ વાતને પણ લગભગ છ મહિના જેવું થઈ ગયું હતું અને હવે તો બધા ભૂલી ગયા કે રતન એમને મળ્યો છે.પણ મારા મગજમાં આ વાત હતી એટલે મેં રામજીભાઈને સમજાવ્યા. એક દિવસ અમે બંને જણ શહેર આવ્યા અને કાયદાકીય રીતે રતનને રામજીભાઈએ દતક લીધો.એ દિવસે અમણે એક વચન પણ લીધું કે આ વાત ક્યારેય કોઈને ન કહેવી.સમય જતો ગયો રતન અને રામ મોટા થતા ગયા.રતન ભણવામાં ખુબ હોશિયાર હતો.હું રામજીભાઈને કહેતો રતન ખુબ આગળ વધશે અને રામજીભાઈ પણ કહેતા,” માસ્તર સાહેબ ,હું રતનને ખુબ ભણાવીશ”.અને પછી હું આ શહેરમાં આવી ગયો .પણ એવા સમાચર મળ્યા કે હાલ રતન કોઈ મોટી કંપનીમાં ઓફિસર છે.આ વાત સાંભળતા લગભગ બધા જ કર્મચારી ભાવુક થઈ ગયા હતા.પણ વિનાયકનો ચહેરો નિસ્તેજ પડી ગયો હતો.સેમીનાર પૂરો કરી ત્રિવેદી સાહેબ દાદરા નીચે ઉતરી રહ્યા હતા,ત્યારે પાછળથી અવાજ આવ્યો,
”સાહેબ”,
ત્રિવેદી સાહેબે પાછળ જોયું,એક અધિકારી જેવો વ્યક્તિ એની સામે ઉભો હતો.તેણે કહ્યું”મને ઓળખ્યો,સાહેબ?”,ત્રિવેદી સાહેબે હસ્તે ચહેરે ના કરી. એટલે તે બોલ્યો,
”હું વિનાયક શંકરભાઈનો દીકરો”.
ત્રિવેદી સાહેબ વિનાયકને જોઈ ખુબ રાજી થયા અને તેમણે તરત પૂછયું,”તારા બાપુજી કેમ છે?”,વિનાયકે ખચકાટ સાથે જવાબ આપ્યો,” હમણા ઘણા સમયથી હું પણ બાપુજીને મળી શકયો નથી". ત્રિવેદી સાહેબે કહ્યું.” મને મળ્યા એને લગભગ છ વર્ષ જેવું થયું,અને કદાચ એ દિવસે એ તને મળીને જ પાછા ગામડે જતા હતા.ત્યારે એમણે જ મને કહ્યું કે તું કોઈ મોટી કંપનીમાં સાહેબ બની ગયો છે.”વિનાયકે માત્ર ડોકું હલાવ્યું અને ચહેરા પર મુંજવણ સાથે પૂછ્યું,
” સાહેબ ,તમે અંદર આજે જે વાત કરી એ વાત મારી હતી ને?,રામજીભાઈ એટલે મારા બાપુજી શંકરભાઈ અને મળેલો દીકરો રતન એટલે હું?”,
સાહેબ ચુપ રહ્યા કારણ તે જુઠું બોલી શકે તેમ ન હતા અને શંકરભાઈને આપેલા વચનને એ તોડી શકે તેમ ન હતા. એટલે એમણે વાત ટાળી,અને કહેવા લાગ્યા,” હવે તારા બાપુજી તારા ઘરે આવે તો મારા ઘરે ચોકકસ લાવજે”.પોતાનો કાર્ડ વિનાયકને હાથમાં આપતા તે દાદરા ઉતરી ગયા.વિનાયક વિચારોમાં પડયો અને તે ફરી ઓફીસ ગયો. જરૂરી વસ્તુઓ સાથે લઈ પોતાની કારમાં બેસી ઘર તરફ આવવા નીકળ્યો.પણ એની મનોસ્થિતિ એવી હતી કે તે રડી પણ ન હતો શકતો અને શાંત રહી પણ ન હતો શકતો.તેના માનસ પટ પર ભૂતકાળની ઘટનાઓ તાજી થવા લાગી.વિનાયકને એ દિવસ યાદ આવ્યો જયારે તે કોલેજમાં એના પૈસાદાર મિત્રો સાથે ઉભો હતો અને દુરથી તેણે તેના બાપુજીને આવતા જોયા.ગામડાના વસ્ત્રો પહેરેલા અને ખેડૂત પિતાની ઓળખાણ આપવામાં તેને શરમ જેવું લાગ્યું. તેથી તે પોતાના પિતાને સામે જઈ ત્યાંજ ઉભા રાખી અને કહેવા લાગ્યો,”બાપુજી, તમારે કોલેજ ન આવવાનું હોય.તમે શા માટે આવ્યા?”,પ્રેમાળ પિતાએ કહ્યું,’ હું આજે આપણા પાકનો સોદો કરવા મંડળી આવ્યો હતો.આજે રૂપિયા મળ્યા તો મને એમ તને આપતો જાઉં ,તને રૂપિયાની જરૂર હશે”.વિનાયકે રૂપિયા લઈ અને ત્યાં થી જ પોતાના બાપુજીને જવા કહી દીધેલું.આ વાતે વિનાયકના મનને ગ્લાનીથી ભરી દીધું.ત્યાં જ સિગ્નલ આવતા વિનાયકે કાર રોકી સિગ્નલ પર ભીખ માંગતો છોકરો તેની નજીક આવી હાથ ફેલાવી કહેવા લાગ્યો,
" સાહેબ કંઈક આપો, હું અનાથ છું”.
અનાથ શબ્દે જાણે વિનાયકના દિલના અંદર સુધી ઘા કર્યો હોય તેવો અનુભવ થયો.તેણે તે બાળકને ૧૦૦ રૂપિયા આપ્યા અને સ્થિર નઝરે રસ્તાની પેલી બાજુએ જતા એ બાળકને જોતો રહ્યો.મનથી એક એવી અનુભૂતિ પણ થઈ કે જો બાપુજીએ મને અપનાવ્યો ન હોત તો, કા તો મારા આ જીવનનું અસ્તિત્વ જ ન હોત અથવા તો હું પણ કદાચ આ છોકરા જેવું જીવન જીવતો હોત.ત્યાં જ સિગ્નલ ખુલ્યું વિનાયકે કાર હંકારી.પણ તેનું મન તો અશાંત જ હતું અને ફરી છ વર્ષ પહેલાની વાત યાદ આવી. વિનાયક ઓફીસમાં પોતાના કામમાં વ્યસ્ત હતો,ત્યાં પટાવાળાએ આવી કહ્યુ,” સાહેબ તમને કોઈ કાકા મળવા આવ્યા છે”.વિનાયકે પોતાની ઓફીસના દરવાજાના કાંચમાંથી જોયું ,તો શંકરભાઈ પોતાના પરંપરાગત પહેરવેશમાં સોફા પર બેઠા હતા.વિનાયકે પટાવાળાને કહ્યું,; ઓકે, અંદર મુકો”.આંખોમાં વ્હાલ વરસાવતા શંકરભાઈ ઓફિસમાં પ્રવેશ્યા.હજી તો શંકરભાઈ બોલે એ પહેલા જ વિનાયક ગુસ્સામાં કહેવા લાગ્યો” તમે અહીં શા માટે આવ્યા છો?,તમને ખબર નથી પડતી કે ઓફિસમાં ન અવાય”. શંકરભાઈ સાથે લાવેલી કંકોત્રી આપતા કહેવા લાગ્યા ,” તારા મોટા ભાઈ કાર્તિકના લગ્ન છે, તું તો કેટલાય વર્ષોથી ગામડે આવ્યો નથી.તારી બા રોજ તને યાદ કરે છે અને એની તને મળવાની ખુબ ઇરછા છે અને ભાઈના લગ્નમાં તો નાનો ભાઈ હોવો જોઈએ”.વિનાયક ઊંચા અવાજે કહેવા લાગ્યો.” હું તમને મળવા નથી આવતો શું કામ જાણો છો?હું હાઈ-સોસયટીમાં રહું છુ. તમારા લોકો સાથે સબંધ રાખું તો મારી ઈજ્જત મારા સર્કલમાં કઈ ન રહે.મને તમારી સાથે મારું નામ જોડવામાં શરમ આવે છે”. વિનાયકના આ શબ્દો શંકરભાઈને કાંચના ટુકડા જેવા ખૂંચ્યાં.છતાં શંકરભાઈ શાંતિથી બોલ્યા,”બેટા,જો તને આમારા સાથેના સંબધથી શરમ આવે છે તો હવે પછી હું કયારે તને મળવા નહિ આવું અને તારી બાને પણ સમજાવી દઈશ”. આ શબ્દો બોલી કંકોત્રી ટેબલ પર મૂકી શંકરભાઈ ચાલતા થયા.વિનાયકને પોતાના શબ્દો અત્યારે કાંટા જેવા લાગી રહ્યા હતા.આમ વિચારોમાં તે ઘરે પહોચ્યો.પોતાની કાર પાર્કિંગ કરી ઘરમાં ગયો.શ્રધ્ધા સોફા પર બેઠી હતી.વિનાયકને આવતા જ બોલી,” તું આવી ગયો?” વિનાયકે કોઈ જવાબ ન આપ્યો.શ્રધ્ધાને નવાઈ લાગી આથી પહેલા વિનાયકને કયારે આવો ભાવુક થયલો જોયો ન હતો. થોડીક જ મીનીટોમાં વિનાયક સાદા કપડા પહેરી બહાર આવ્યો અને શ્રધ્ધા સામે જોઈ કહેવા લાગ્યો,
” જો શ્રધ્ધા,તું અને હું કોલેજમાં ફ્રેન્ડ હતા અને આપણે લગ્નથી જોડાયા પણ મેં ક્યારે તને કહ્યું નથી કે હું એક ખેડૂતનો દીકરો છું.શહેરની હાઈ-સોસાયટીના મોહમાં મેં મારા બા અને બાપુજીથી સબંધ તોડી નાખ્યા હતા”.
શ્રધ્ધા ખુબ શાંતિથી ભાવાવેશ વિનાયકની વાત સાંભળી રહી હતી.ફરી વિનાયકે ખચકાટ સાથે કહેવાનું શરુ કર્યું.” શ્રધ્ધા મારી વાત સમજ જે હું હવે મારા બા ,બાપુજી સાથે ગામડે રહેવા ઇરછું છુ. તું પૈસાદાર પિતાની દીકરી છો તું ગામડામાં રહી નથી.હું તને ગામડાનું જીવન જીવવા મજબૂર નથી કરવા માંગતો. તેથી તું મને છુટાછેડા આપી તારા પિતાના ઘેર સુખથી રહે”. આટલું બોલી વિનાયક ચુપ થઈ ગયો. શ્રધ્ધા બધું શાંતિથી સાંભળી રહી હતી. તેણે વિનાયક સામે જોયું ,વિનાયક નીચી આંખો કરી ઉભો હતો.શ્રધ્ધાએ કહ્યું,” વિનુ,મેં જયારે તને પંસદ કર્યો ત્યારે મને તારા સંસ્કાર અને તારા ઉમદા ગુણો ગમ્યા હતા.મેં તારી સાથે લગ્ન હાઈ-સોસાયટીનું જીવન જીવવા નથી કર્યા.તું સાચો છો હું ગામડામાં નથી રહી પણ તું જ્યાં ખુશ રહીશ હું પણ ત્યાં સુખમાં જ રહીશ અને હું તને ખાતરી આપું છુ કે થોડાક દિવસોમાં હું અડજેસ્ટ થઈ જઈશ,તારા બા-બાપુજીને મારાથી કોઈ કમ્પ્લેઇન નહિ રહે.” શ્રધ્ધાએ હજી વાકય પૂરું કર્યું, ત્યાં તો વિનાયકની આંખો રડી પડી.શ્રધ્ધાએ તેને બાથમાં લીધો અને તેની પીઠ પર હાથ ફેરવતી રહી,થોડીક ક્ષણ પછી તે બોલી,”ચાલ, જમી લઈએ કાલે સવારે ગામડે જવા પેકિંગ કરવી છે ”.વિનાયકના ચહેરા પર આછું સ્મિત આવ્યુ.
વહેલી સવારે જરૂરી બધો સામાન લઈ શ્રધ્ધા અને વિનાયક ગામડે જવા નીકળ્યા. રસ્તામાં વિનાયક પોતાની બાળપણની વાતો કરતો રહ્યો .શ્રધ્ધા શાંત ચિત્તે સાંભળીતી રહી અને હોકારા આપતા વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતી રહી. ગાડી એક મોટા દરવાજે આવી ઉભી રહી.ખાટલા પર બેઠેલા શંકરભાઈ જોતા રહ્યા અને ઉમાબેન બોલ્યા ,”જુઓ તો કોઈક રસ્તો ભૂલ્યા લાગે છે”,ત્યા જ કારમાંથી વિનાયકને ઉતરતા જોયો.ઉમાબેનની ખુશીનું તો કોઈ ઠેકાણું ન રહ્યું, તે દોડી વિનાયકને ભેટી પડ્યા.વિનાયક પણ બાને ગળે વળગી પડ્યો.બાજુમા ઉભેલી શ્રધ્ધા આ જોઈ રહી હતી.વિનાયકે ઉમાબેનને ઓળખાણ કરાવતા કહ્યું,” બા, આ તારી વહુ,શ્રધ્ધા”. ઉમાબેન તો દુખડા લીધા અને સાડીના છેડામાં બાંધેલા ૧૦૦ રૂપિયાની નોટ કાઢી સગુન આપ્યું.શ્રધ્ધા અને વિનાયક બંને શંકરભાઈ પાસે આવ્યા અને પગે લાગ્યા.શંકરભાઈ બંનેને આશીર્વાદ આપ્યા.વિનાયક શંકરભાઇની બાજુમાં બેઠો અને શ્રધ્ધા ઉમાબેન સાથે રસોડામાં ગઈ.વિનાયક પાસે માફી માંગવા શબ્દો જ ન હતા.તે મુંઝાઈ રહ્યો હતો.તેની મુજવણ સમજતા શંકરભાઈ બોલ્યા,” બેટા એમાં મુંજાવવાનું ન હોય,તમે તો બાળક છો અને ગુસ્સામાં ક્યારેક બોલાઈ જવાય , એવી વાતને ગાંઠ થોડી બંધાય” .શંકરભાઈના શબ્દોએ વિનાયકના આંખના ખૂણા ભીના કરી દીધા.પછી વિનાયક કહેવા લાગ્યો,” બાપુજી હું હવે શહેર નહિ જાઉં,હું ને શ્રધ્ધા બંને તમારી સાથે જ રહીશું”. શંકરભાઈ બોલ્યા,” અરે દીકરા તું શહેરમાં છો,તું મોટો સાહેબ છો ,અમે તો આ વાતથી ખુબ ખુશ છીએ.” ત્યાં જ ઉમાબેન ચા બનાવી લાવ્યા.શંકરભાઈ ઉમાબેન સામે જોઈ બોલ્યા.’ લે તારો દીકરો કહે છે તે હવે અહીં રહેશે ને આપણી સેવા કરશે.”,તરત ઉમાબેન બોલ્યા’” ના, ના, બેટા, તું શહેરમાં મોટો સાહેબ છો એવું તારા બાપુજી બધાને કહેતા હોય અને તારી પર ગર્વ લેતા હોય.ગામમાં પણ શાળાએ જતા છોકરાઓને પણ કહેતા હોય ભણીને મારા વિનાયક જેવા મોટા સાહેબ બનજો”.વિનાયક ગળગળો થઈ ગયો..શંકરભાઈ વિનાયકની પીઠ પર હાથ ફેરવતા કહેવા લાગ્યા,” જો બેટા,માતાપિતા માટે એમના બાળકો સુખી હોય એથી વિશેષ કોઈ સુખ નથી હોતું.પછી તે ભલે સાથે રહે કે દુર હોય પણ માબાપના દિલની નજીક જ હોય છે”.શ્રધ્ધાને ત્યારે અનુભવ થયો કે વિનાયકમાં રહેલા સદગુણો આ માતાપિતાની પરવરીશ છે.ત્યાં જ કાર્તિક અને તેની પત્ની સુધા તેના પાંચ વર્ષના દીકરા કિશન સાથે વાડીમાં પહોંચ્યા.વિનાયકને જોઈ કાર્તિક ભેટી પડ્યો અને બોલ્યો,” કિશનને શાળામાં પ્રવેશ ઉત્સવમાં લઈ ગયો હતો, એને તારા જેવો સાહેબ બનાવો છે.” વિનાયકે કિશનને તેડી અને ખુબ વ્હાલ કર્યું.પછી બધા ભેગા જમ્યા અને શંકરભાઈ,ઉમાબેન તેમજ કાર્તિકના કેટલાય સમજાવાથી વિનાયક સમજ્યો અને શહેર પાછો જવા તૈયાર થયો.પણ તેણે એક વચન પણ લીધું કે બા,બાપુજી થોડા થોડા સમયે તેના ઘરે તેની સાથે રહેવા આવશે અને કાર્તિક પણ તેના પરિવાર સાથે નાના ભાઈની પૂછા કરવા આવતો રહેશે. સમય વાતોમાં અને આનંદમાં પસાર થતો ગયો ,સાંજ થવા આવી.બધા પાસેથી વિદાય લઈ શ્રધ્ધા અને વિનાયક શહેર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં આવતા ખેતરો અને વાડીઓમાં વિતાવેલા પોતાની બાળપણની વાત કરતા કરતા,વિનાયક ખચકાયો,અને શ્રધ્ધા સામે જોઈ કહેવા લાગ્યો,” શ્રધ્ધા ,તેને હજી એક વાત કહેવી છે”.શ્રધ્ધા બોલી,"શું?",વિનાયકે કહ્યું,”શ્રધ્ધા , હું બા-બાપુજીનો દીકરો નથી.હું અનાથ છું.”હજી તો આગળ વિનાયક વાક્ય પૂરું કરે ત્યાં જ શ્રધ્ધાએ વિનાયકના મોઢે હાથ દેતા બોલી,” નહિ વિનુ,તું અત્યાર સુધી અનાથ હતો પણ હવે તું સનાથ છો. જે બાળકો પોતાના માં-બાપના પ્રેમને તરછોડે છે .જે એમના આશીર્વાદથી દુર રહે છે વાસ્તવમાં એ દરેક વ્યક્તિ અનાથ છે.પણ જેના પર માતા-પિતાનો પ્રેમ વરસતો રહે તે તો નસીબદાર હોય છે.”શ્રધ્ધાની વાત વિનાયકના મનને સ્પર્શી ગઈ.વિનાયકના ચહેરા પર એક સુકુનભરી મુસ્કુરાહટ આવી. તે થોડી ક્ષણ ચુપ રહ્યો.એટલે શ્રધ્ધા બોલી,” વિનુ, હવે આપણે દર રવિવારે અહીં બા-બાપુજીની સાથે રહેવા આવશું".વિનાયકના આનંદનો પાર ન રહ્યો,જાણે એની ઇરછા શ્રધ્ધા સમજી હોય એવી લાગણી તેણે અનુભવી અને તે શ્રધ્ધાનો આભાર માનતો હોય એવા ભાવથી તેની સામે જોવા લગ્યો,એટલે શ્રધ્ધા બોલી,”હાઈ-વે આવ્યો છે અને કાલે સવારે તારે ઓફીસ પણ સમયસર પહોચવાનું છે તો કારની ઝડપ વધાર”.વિનાયકે કારને ચોથા ગિયરમાં નાખી અને કાર પુરપાટ શહેર તરફ આવવા દોડી.
પલ્લવી શેઠ






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED