Maari Preyasine... books and stories free download online pdf in Gujarati

મારી પ્રેયસીને...

૧)
"હું તો ચાલી પાણીલા ભરવા"

હું તો દોડી દોડી જાઉં તલાવડી ભણી,
માથે લેતી જાંવ સોના રૂપાની હેલ રૂડી.

સહિયરોને સાથ ચાલી પાણીલા ભરવા,
સોળે શણગાર સજી ચાલી વાલમને મળવા.

હું તો નીકળું છું ઘરેથીં મારી ગાગરડી ભરવા,
વાલમ મારો આવે તળાવ કાંઠે ગાવલડી ચારવા.

ગાગરડી મારી ડૂબી ડૂબી જાય તલાવડીમાં,
હું તો ખોવાઈ જાંવ મારા વાલમની યાદમાં.

હું તો માથે હેલ મુકાવું રૂડી મારા વાલમને હાથ,
શરમના શેરડા ફૂટે જ્યારે આંખડી મળે વાલમની સાથ.

-ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)

૨)

"બસ એટલી જ કામના"

લખું છું રોજ બે-બે શબ્દો તારા નામના,
બને એક ગઝલ બસ એટલી જ કામના.
તારી સાથે એક સાંજ મન ભરી માણવી છે,
સાંજ પછી ફરી સવાર વિતાવવાની કામના.
સાંભળવા છે તારા મુખેથી પ્રેમમાં બે શબ્દો,
આ શબ્દોમાંથી ગઝલ લખવાની છે કામના.
વરસતા વરસાદમાં રાહ જોઉં છું હું તારી,
આ વરસાદમાં તારી સાથે પલળવાની છે કામના.
-ભરત રબારી
( માંગરોળ, જી. જુનાગઢ)

૩)

"આવું થાય તો સારું"

આ જિંદગીનો પડાવ સુખેથી પાર થાય તો સારું,
આ પડાવમાં એકાદ મિલન આપણું થાય તો સારું.
આ આપણાં મિલનમાં થોડો પ્રેમ થઈ જાય તો સારું,
આ પ્રેમ થયા પછી એ સુખેથી પાર થાય તો સારું.
આ પ્રેમમાં એકાદ કવિતા લખાઈ જાય તો સારું,
આ કવિતામાં તારું નામ સમાઈ જાય તો સારું.
તારા નામ પછી મારું નામ જોડાઈ જાય તો સારું,
આ નામ જોડાયા પછી એ અમર થઈ જાય તો સારું.
-ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)

૪)

દિલ વહે છે

આંખેથી અશ્રુઓ વહે છે,
હદયથી લાગણીઓ વહે છે.
.
આ હોઠેથી ગઝલો વહે છે,
તારી યાદમાં આ દિલ વહે છે.
.
ટેરવેથી નવા શબ્દો વહે છે,
દરેક શબ્દોમાં તારો પ્રેમ વહે છે.

-ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)

૫)

"પિયુ મિલન"

આકાશે ચડી વાદળી રે,
આભે ચમકી રૂડી વીજ રે.
પિયુજી વહેલેરા મળવા આવજો,
આવી છે રૂડી અષાઢી બીજ રે....
.
મન મૂકીને વરસે મેહુલો રે,
મોરલિયા કરે થનગનાટ રે.
સખીઓ રોજ ચાળા કરે,
મને પિયુ મિલનની આશ રે...
.
પિયુજી કાગડીયા મોકલે રે,
વાંચી વાંચી હૈયડું હરખાય રે.
તરણેતરના મેળે મળવાના કોલ દીધા,
મને તો મેળે જવાની ઘણી હામ રે...
.
સખીઓ સાથે ચકડોળે ચડ્યાં,
અહીં તો પિયુ સાથે રાસ રમવાના કોડ રે.
ચકળવકળ નજર શોધે ચારેકોર,
મને તો આટીયાળી પાઘડીની શોધ રે....
-ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)

૬)

"તું જો મળવા આવે"

તું ઊછળતી, કૂદતી નદીની જેમ દોડી આવે મળવા,
તો હું તને સાગરની જેમ મારી બાહોમાં સમાવી લઉં.
.
તું ઢળતી સાંજના સૂરજની જેમ ભળીજા મારામાં,
તો હું પૃથ્વીના પેટાળમાં સમાતા સૂરજની માફક તને સમાવી લઉં.
.
તું જો આભલે તારલા ભરેલી ચમકતી ચુંદડી પાથરે,
તો હું તેમાં મધરાત્રીની જેમ થોડો આરામ કરી લઉં.
.
તું જો ચંદ્રમાની માફક ચમકતા મુખડે સ્મિત રેલાવે,
તો હું ઘડી બે ઘડી એ ચંદ્રમાની મસ્તી માણી લઉં.
.
તું જો તારા મધમાતા રૂપ આડેથી હટાવે આડંબર,
તો હું તારા આ સ્વરૂપને મારા હૈયામાં કંડારી લઉં.
તા.04/06/2020. - ભરત રબારી
વાર: ગુરુવાર (માંગરોળ,જી. જુનાગઢ)

૭)

મુલાકાત
.
તારી એ ઘડીભરની મુલાકાત હજુ યાદ છે,
પ્રથમ વખતના પ્રેમની એ પળો હજુ યાદ છે.
.
વાતવાતમાં અડક્યો હતો તારા ગોરા હાથને,
અડતાની સાથેજ પ્રસરેલી ધ્રુજારી હજુ યાદ છે.
.
આંખો મળીને બસ તને જોતોજ રહ્યો,
પ્રથમ વખતનું એ આલિંગન હજુ યાદ છે.
.
હાથમાં હાથ પરોવીને બેઠાં હતા આપણે,
તારું ધીરેથી હાથનુ છોડાવવું હજુ યાદ છે.
.
જુદા પડતા તારું વારેવારે પાછળ ફરીને જોવું,
અને આંખમાંથી આંસુનું સરી પડવું હજુ યાદ છે.
.........-ભરત રબારી
(માંગરોળ,જી. જુનાગઢ)

૮)

મારી શાયરી
.
કોઈએ મને પૂછ્યું,
ક્યાંથી લાવો છો આટલી શાયરીઓ?
મેં કહ્યું;
- એના ખયાલોમાં ડૂબકી લગાવીને,
- એમની યાદોને સતત વાગોળીને,
- એમની તસવીરને વારંવાર નિહાળીને,
- એમનામાં ખુદને ખોઇને,
જે શબ્દો આવે દિલના દ્વારે તેને એક કોરા કાગળમાં ઉતારું અને જે બને છે તે છે મારી શાયરી.
-ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)
મો.નં. 9898580506

૯)

તારા ગયા પછીં
.
તું જાણે છે તારા ગયા પછી શું શું થયું છે?
તમે શું ખબર તારા વિના મારું શું શું થયું છે.
.
તારા ગયા પછી ઊંઘે મારાથી અબોલા કર્યા છે,
તારા ગયા પછી આંખો એ આંસુ સાથે દોસ્તી કરી છે.
.
તારા ગયા પછી હૈયા ની હાલત ખરાબ થઈ ગઈ છે,
તારા ગયા પછી જીવનમાંથી રસ ઊડી ગયો છે.
.
તારે જાણવું છે તારા ગયા પછી શું થયું છે?
તારા ગયા પછી હવે હું મારો જ નથી રહ્યો.
.
તારા ગયા પછી હું તારી યાદોના વંટોળમાં વીંટળાયો છું,
તારા ગયા પછી નથી મારી સવાર થતી નથી સુખેથી રાત વિતતી.
ભરત રબારી
(માંગરોળ જુનાગઢ)

૧૦)

નામના સંબંધો
.

જગતના રોજ નવા સુખો માણી રહ્યો છું,
જીવનના અનુભવો પણ જાણી રહ્યો છું.
મહોબ્બતના શહેરમાં લોકોની ભીડ ઘણી છે,
છતાં પણ એ તરફ પગ તાણી રહ્યો છું.

દુનિયા સાથે મારે ક્યાં કોઈ લેવાદેવા છે,
છતાં પણ લોકોને પાસેથી પિછાણી રહ્યો છું.

નથી કરતાં લોકો કદર માત્ર સંબંધની,
એટલેજ તો નામના સંબંધો ગણી રહ્યો છું.
- ભરત રબારી
(માંગરોળ,જી. જુનાગઢ)

૧૧)

પરી લાગો છો

આસમાનમાંથી ઉતરેલી કોઈ પરી લાગો છો,
સજીલો સોળે શણગાર તો વિશ્વ સુંદરી લાગો છો.
.
તમને જોઈને ધડકે છે આ દિલ મારું,
આ ધડકતા દિલની ધડકન લાગો છો.
.
તમને જોઈને સ્ફુરે છે કેટ કેટલાય ગીત,
તમે જ તો મારા મનના મીત લાગો છો.
.
તમારા વગર અટકી પડે છે મારા શ્વાસ,
તમે તો મારા શ્વાસનો અહેસાસ લાગો છો.
.
તમારા વિના અધુરા છે મારા જન્મોજનમના બંધન,
તમે જ તો મારી જીવનસંગિની લાગો છો.

તા. 8/ જાન્યુ./2020 © ભરત રબારી
વાર બુધવાર ( માંગરોળ, જી. જુનાગઢ)

-- Bharat Rabari

૧૨)

"તારા મારા વચ્ચે"

હું જાણું છું, કેટલીય લાગણિઓ અકથિત હશે તારા મારા વચ્ચે,
કહી ન શકાયેલી ઘણી વાતો અકથિત હશે તારા મારા વચ્ચે.
.
મળી નથી શક્યા આપણે એકમેકને કદી આમને-સામને,
પણ હું જાણું છું અંતરમાં ઉમંગ ઘણો હશે તારા મારા વચ્ચે.
.
શક્ય નથી હવે આ ભવે આપણા બંનેનું એકબીજાને મળવાનું,
પણ ભવોભવના સાથી બનવાનો ઉમળકો હજુ હશે તારા મારા વચ્ચે.
.
કેટલીયે લાગણીઓના ઘોડાપુર ઉછળતા હશે આપણા મનમાં,
પણ એક પ્રેમભરી અકથિત લાગણીતો હશે તારા મારા વચ્ચે.
.
તા.09/04/2020. -© ભરત રબારી
વાર:- ગુરુવાર (માંગરોળ,જી. જુનાગઢ)

૧૩)


ખાનગી જેવું શું હોય

તારા મારા વચ્ચે ખાનગી જેવું શું હોય?
તું મારીને હું તારો બીજું એના જેવું શું હોય?
.
તારા સિવાય નથી કોઈ આ દિલમાં બીજું,
છતાં આ દિલમાં તલાશી જેવું શું હોય?
.
આકાશે ચાંદ ચડે અને તું ઘર પછવાડે મને મળે,
તો એમાં જગજાહેર કરવા જેવું શું હોય?
.
તો મળવા બોલાવે મને તળાવના કાંઠે,
તો એમાં ડૂબી મારવા જેવું શું હોય?
.
તા.31/03/2020. -© ભરત રબારી
વાર : મંગળવાર (માંગરોળ,જી. જુનાગઢ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED