મારો હાથ ઝાલીને લઈ જજે Bharat Rabari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો હાથ ઝાલીને લઈ જજે


શીર્ષક :- મારો હાથ ઝાલીને લઈ જજે

અભિમન્યુ આજે લગભગ પચ્ચીસેક વર્ષો પછી પ્રેમનગર પરત ફર્યો હતો.આટલા બધા વર્ષોમાં પ્રેમનગરમાં ઘણો બધો સુધારો થઈ ગયો હતો અને ઘણા ફેરફારો થઈ ગયા હતા. સૂમસામ પડી રહેતી ગલીઓ આજે માણસોની અવરજવરથી ભરચક અને ગીચોગીચ થઈ ગઈ હતી. વર્ષોથી ધૂળ ખાતા રસ્તાઓ ઉપર આજે ડામર પથરાઈ ગયો હતો. જ્યાં દિવસે પણ જતાં આવતાં માણસો ડરતાં એવા પ્રેમનગરના ભૂત બંગલામાં આજે એક આલીશાન મોલ ઉભો થઈ ગયો હતો. જ્યાં વર્ષો પહેલા કરસન કાકાની કિટલીએ બેસી અને ચા પીતા અને છાપું વાંચતા ત્યાં આજે એ જૂનીપુરાણી દુકાન હટાવી અને શાનદાર કોફી શોપ ખુલી ગઈ હતી. અભિમન્યુ આ વિકાસના રંગે રંગાયેલા અને સમયની સાથે બદલાયેલા પ્રેમનગરમાં વર્ષો પહેલા પોતાની ખોવાયેલી યાદોને શોધતો શોધતો રસ્તા ઉપર ચાલ્યો જતો હતો. વર્ષો પછી પ્રેમનગરમાં આવેલા અભિમન્યુને એવું લાગતું હતું કે વર્ષો પહેલાની પોતાની જૂની પુરાણી યાદોને કોઈએ સંકેલી અને કોઈ પટારામાં મૂકી દીધી હોય.

કપડાની થેલીમાં ચોપડા ભરી અને ઊછળતાં કૂદતાં રમતાં મસ્તી કરતાં નિશાળે જતાં બાળકોને ઊંચકીને સ્કુલવાનમાં ભરી દેવામાં આવ્યાં હતાં. રસ્તા પર ચાલ્યા જતા પાછળથી આવતી સાયકલની ટિંકોરીનો અવાજ મોટરસાયકલ અને મોટરગાડીઓના હોર્ને લઇ લીધો હતો. જૂની યાદો સાથે નવા પ્રેમ નગરની સડકો પર ચાલતા અભિમન્યુના પગ એક જગ્યા પર આવી અને થંભ્યા. પ્રેમ નગરમાં બદલાતા સમયની સાથે ઘણું બધું બદલાયું હતું પરંતુ શહેરના પૂર્વ ભાગે આવેલા શાંત સરોવરની બાજુમાં આવેલું માતા સરસ્વતીના પ્રતિક સમું પુસ્તકાલય હજુ એવું ને એવું જ હતું. હા બદલાતા સમય સાથે દીવાલો પરના રંગ જરૂર ઉતર્યા હતા. પુસ્તકાલયના દરવાજા એ કાટ ખાઈને પોતાનો અવાજ બદલ્યો હતો પરંતુ આ પુસ્તકાલયમાં રહેલી શાંતિ હતી એવી ને એવી અતૂટ હતી. વર્ષો પહેલા વાચકોથી હર્યાભર્યા રહેતા આ પુસ્તકાલયમાં અત્યારે માંડ દસ-બાર લોકો જોવા મળતા હતા એમાં પણ ચાર-પાંચ વૃદ્ધ હતા તો બે ચાર યુવાનો વાંચવાના નામે મોબાઈલમાં પડ્યા હતા. એક લાઈબ્રેરીયન અને બીજા તેમના આસિસ્ટન્ટ પોતાની વાતોમાં મશગૂલ હતા.

અભિમન્યુની આ લાઇબ્રેરી સાથે ઘણી યાદો જોડાયેલી હતી. પોતાની જૂની યાદોને તાજી કરવા અભિમન્યુના પગ લાયબ્રેરી તરફ વળ્યા. અંદર જઈને જોયું તો ઘણા ખરા પુસ્તકો પર ધૂળ જામી ગઈ હતી, જાણે કોઈ તેમને વાંચવા આવતું જ ના હોય. તો ઘણા કબાટો તૂટીને પળવું પળવું થઈ ગયા હતા, બસ એકબીજાને ટેકે ઊભેલા હતા.

કોલેજકાળ દરમિયાન પોતાના વાંચવાના શોખને પુરો કરવા અભિમન્યુ કોલેજ પત્યા પછી દરરોજ આ લાઇબ્રેરીમાં આવતો અને નવા નવા પુસ્તકો વાંચતો. એક દિવસ તેમની નજર બાજુના ટેબલ પર વાંચી રહેલી એક યુવતી પર પડી. ચશ્માની પાછળ છુપાયેલી ભૂરી આંખો અને ગોરા ગાલ પર લટકતી કાળી ભમ્મર લટ આ યુવતીની સુંદરતામાં વધારો કરી રહી હતી. એમને જોતાં જ પહેલી નજરમાં અભિમન્યુને આ યુવતી પસંદ પડી ગઈ. દરરોજ અહીં લાઇબ્રેરીમાં મળવાનું થતું હોય ધીમે ધીમે ઈશારામાં વાતો શરૂ થઈ. પરંતુ પ્રેમ ઈશારાઓમાં થોડો પૂરો થાય છે! બંને એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યાં જ લાઈબ્રેરીયને ટોકી દેતાં કહાની શરૂ થતાં પહેલાંજ પૂરી થઇ ગઈ. ત્યારબાદ તેમણે એકબીજા સાથે વાત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો પુસ્તકોમાં ચિઠ્ઠીઓ ભરાવી અને એકબીજા સાથે પુસ્તકોની આપ-લે કરી લેતાં. હકીકતમાં તો એકબીજા સાથે પુસ્તકોની નહીં પરંતુ પ્રેમની આપ-લે થતી હતી. થોડા જ સમયમાં વાતો મિત્રતામાં બદલાય અને પછી મિત્રતા પ્રેમમાં.

પરંતુ એક દિવસ અચાનક એક પુસ્તકની અંદર ચિઠ્ઠી ભરાવેલી મળી અભિમન્યુએ વાંચ્યું તો લખ્યું હતું; "અભિમન્યુ હવે તું મને ભૂલી જજે મારે પ્રેમનગર છોડી અને જવું પડશે આપણે હવે ક્યારેય નહીં મળી શકીએ." આટલું વાંચતા જ અભિમન્યુના પગ નીચેથી જમીન સરકી ગઈ શું કરવું અને શું ન કરવું તેનું કોઈ ભાન તેને રહ્યું નહીં. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. ઘણો સમય ટેબલ પર બેસી રહ્યા બાદ તેણે એક ચિઠ્ઠી લખી ચિઠ્ઠીમાં મિત્તલને એક છેલ્લી વખત મળવા માટે વિનંતી કરી અને બીજે દિવસે તેમના મળવાના સ્થળે કલાકો સુધી અભિમન્યુ રાહ જોતો રહ્યો પરંતુ કોઈ આવ્યું નહીં એટલે તે કંટાળી અને ચાલ્યો ગયો, ત્યારબાદ મિત્તલ ને અભિમન્યુ ક્યારેય મળ્યા નહીં. તે દિવસથી તેણે લાઇબ્રેરી જવાનું પણ બંધ કરી દીધું. અને પછી તે દિલ્હી સેટલ થઈ ગયો.

આજ ફરી અભિમન્યુ તેજ લાઇબ્રેરીમાં આવી અને ઉભો હતો. આમતેમ નજર કરી અને તે એક કબાટ પાસે આવીને ઊભો રહ્યો. કબાટ ખોલી અને તેણે એક બુક કાઢી. બુકના વચ્ચે એક ચિઠ્ઠી ભરાવેલી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું; "મારો હાથ ઝાલીને લઈ જજે." આટલું વાંચી અને ફરી તેની આંખે ઝાંખપ આવી તે ત્યાં પડેલા ટેબલે બેસી રહ્યો અને જુની યાદોમાં ખોવાઈ ગયો. ઘણા સમય સુધી આ રીતે બેસી રહ્યા પછી આંખો સાફ કરીને જ્યારે તેણે સામે જોયું તો તેને એક પ્રતિકૃતિ આકાર લેતી જણાય. તેણે પોતાના ખિસ્સામાંથી ચશ્મા કાઢી અને આંખે ચડાવ્યા તો તેને સામે થોડે દૂર મિત્તલ ઉભેલી દેખાઈ.શરીર થોડું ફિક્કું પડી ગયું હતું ચહેરા પર કરચલીઓ પડવાની શરૂ થઈ ગઈ હતી. સમયની સાથે શરીર પર વૃદ્ધત્વનો મારો શરૂ થઈ ગયો હતો, પરંતુ આજપણ મિત્તલ એટલી જ સુંદર દેખાઈ રહી હતી. તરત જ અભિમન્યુ ઉભો થયો અને જઈને મિત્તલને ભેટી પડ્યો. બંનેની આંખમાંથી ખુશીનો શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. ત્યારબાદ મિત્તલે કહ્યું; "મારો હાથ ઝાલીને લઈ જઈશ ને?" આટલું સાંભળીને અભિમન્યુએ મિત્તલનો હાથ હાથમાં લીધો અને જોરથી દબાવી અને પકડી લીધો અને કહ્યુ; "હવે ક્યારેય નહીં છોડુ."


તા. 09/10/2020. ✍ - ભરત રબારી
વાર :- શુક્રવાર. (માંગરોળ, જી. જુનાગઢ)