માની મમતા Bharat Rabari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માની મમતા

શીર્ષક :- માની મમતા

નોંધ::- આ રચનાને ન્યુઝ ઓફ ગાંધીનગરમાં પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કરવામાં આવેલી છે.



આજે સવારથી જ સંગીતા ઘણી ઉત્સુક હતી અને ઉત્સાહમાં હતી, કારણકે આજે તેમની સ્કૂલમાંથી એક વૃદ્ધાશ્રમની મુલાકાત માટે જવાનું હતું.

તેમને સ્કૂલના સાહેબે કહ્યું હતું કે, "આજે આપણે એક વૃદ્ધાશ્રમની મુલાકાત માટે જશું અને આપણે ત્યાં રહેતા વૃદ્ધ માતા-પિતા સાથે ચર્ચાઓ કરશું."

વધુમાં જણાવતા સાહેબે કહ્યું કે, "આપણી સ્કૂલ તરફથી આ વૃદ્ધાશ્રમ માટે દાન પણ આપવાનું છે આથી દરેક બાળકે યથાશક્તિ દાન માટે કોઈ વસ્તુ કે રોકડ રકમ લઈ આવવી."

સંગીતા એ પોતાની અલમારીમાં છુપાવેલો એક ગુલેલ કાઢ્યો અને તેમાંથી પોતે બચાવેલા પોતાના પોકેટ મનીમાના રૂપિયાનો ઢગલો કર્યો અને વૃદ્ધાશ્રમમાં દાન આપવા માટે તે ગણી અને એકઠા કર્યા અને પોતાના બેગમાં મૂક્યા અને પોતાના માતા-પિતાની આજ્ઞા લઇ અને તે સ્કૂલ તરફના રસ્તે નીકળી પડી અને ત્યાંથી વૃદ્ધાશ્રમ.

સંગીતાને બાળપણથી જ વૃદ્ધ લોકો સાથે વાતો કરવાનું અને તેમની સાથે રમવાનું અને વાર્તાઓ સાંભળવાનું ગમતું કારણ કે, તેમણે પોતાના બાળપણથી જ દાદા દાદીનો પ્રેમ મળ્યો ન હતો. સંગીતા હંમેશાં પોતાના બાજુમાં રહેતા શર્મા અંકલના ઘરે જઈ અને તેમના માતા-પિતા સાથે ગપ્પાં મારતી અને મોટાભાગે તેમની સાથે સમય વ્યતીત કરતી.

થોડીવારમાં સંગીતા અને બધા બાળકો વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. સ્કૂલના સાહેબે વૃદ્ધાશ્રમના સંચાલક સાથે થોડી વાતચીત કરી અને બાળકોને વડીલો સાથે મુલાકાત અને ચર્ચા કરવા લઈ ગયા. બધા બાળકો તેમની સાથે રમતા હતા અને ખુશ થતા હતા. સંગીતા પણ ત્યાં એક ખૂણામાં બેઠેલા માજી પાસે ગઈ અને વાતો કરવા લાગી. વાતવાતમાં સંગીતાને જાણવા મળ્યું કે તેમનો પુત્ર શહેરનો સૌથી મોટો રહીશ છે. પુત્ર અને પુત્રવધુ તેમને સમય આપી શકતા ન હોવાને કારણે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા.

સંગીતા એ પૂછ્યું; "તો તમને દુઃખ થતું હશે ને કે તમારો એકનો એક પુત્ર તમને અહીં આ હાલતમાં છોડીને ગયો?"

ત્યારે તે માજીએ સરસ જવાબ આપ્યો; "બેટા બાળક જ્યારે નાનું હોય અને તોફાન કરતું હોય ત્યારે પણ તે માતા-પિતાને આટલુંજ વહાલું લાગે છે. ક્યારેક કોઈ વાર રમત-રમતમાં પોતાના માતા-પિતાને બાળક મારતું હોય તો તેમના ઘાવ માતા-પિતાને અસર નથી કરતા પરંતુ તેમના આ આચરણને લઈને માતા-પિતા ખુશ થતા હોય છે. આજ બાળક મોટું થઈને પણ જો આવું આચરણ કરે તો પણ માતા-પિતા તેમના આ કૃત્યથી હેરાન નથી થતા. બચપણમાં વેઠેલા એમના માર જેટલા મીઠા લાગે છે એટલા જ એમની જુવાનીમાં એના દ્વારા કરવામાં આવતા આવા ઘાવો અમને મીઠા લાગે છે."

સંગીતાએ આગળ પૂછ્યું; "તમને તમારો દીકરો અહીં મૂકી ગયો તો તમને એનું દુઃખ નથી?"

ત્યારે મજીએ કહ્યું; "ના બેટા, દરેક માતા-પિતા એમ માને છે કે હજી એમનું બાળક મોટું થયું જ નથી, તે હજુ નાનું જ છે. જ્યારે પોતાનું જ બાળક પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમ માં મુકવા આવે છે ત્યારે પણ તેમને પોતાના જીવનની કે પોતાના આગળના ભવિષ્યની ચિંતા નથી થતી પરંતુ દરેક માતા-પિતાને તેમના બાળકના ભવિષ્યની ચિંતા રહે છે કે તેમના વગર તેનુ સંતાન જીવી તો લેશે ને? કોઈ ઠોકર વાગશે તો તેમને સંભાળવા માટે કોણ હશે? મારા ન રહેવાથી તેમને કોઈ નુકસાન તો નહીં થાય ને? જ્યારે તેમને કોઈ બિઝનેસમાં કે જીવનમાં નુકસાન થશે તો તેમને નિરાશા ઘેરી વળશે અને આ નિરાશામાં એમનો સાથ આપવા સાથે કોણ હશે?

સંગીતા આ બધું ધ્યાનથી સાંભળતી હતી અને તેમને મનમાં થયું કે ખરેખર માની મમતા કંઈક અલગ જ હોય છે.બધા સંબંધો કરતાં માતાના પોતાના સંતાન પ્રત્યેના સંબંધો જગતમાં સૌથી ઊંચા છે. એક મા ક્યારેય પોતાના બાળક વિશે ખરાબ વિચારી જ ન શકે.

એ માજી સાથેની વાતોએ સંગીતાના દિલમાં એક અલગ જ છાપ છોડી હતી.વૃદ્ધાશ્રમ માંથી ઘરે આવ્યા પછી સંગીતા એ પોતાની મમ્મીને પૂછ્યું; "મમ્મી જેમ બાળક દત્તક લઇ શકાય, તેમ શું દાદા-દાદી દતક ના લઈ શકાય...?


✍ -© ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)