વિજયધારા બિંદી પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિજયધારા



વિજયધારા


વિજય જેવો ગુણવાન છોકરો શોધવા જતા પણ ના મળે એવું ધારાની દાદી હંમેશાં તેને કહેતી હતી. ધારા વિજયની નાનપણની દોસ્ત હતી. જેમ જેમ નાનપણ છૂટતું ગયું ને તેમ તેમ બન્નેની દોસ્તી પણ ઘણી ઘેહરી થવા લાગી. દાદી હંમેશા આ દોસ્તીને લગ્નનું નામ આપવા માંગતી હતી. પરંતુ ધારા તેમને સમજાવી કે કોઈના અહેસાનને ભૂલી ન જવાય. ને આમ દોસ્તીને સંબંધ બનાવવા જતાં કયાંક કાયમની દોસ્તી ખોવાઈ ના જાય.


ધારાના પપ્પા એક ટેક્સી ડ્રાઇવર હતા. સામાન્ય પરીવાર હોવાથી તે આજના જમાનાની જીંદગી ઘર-પરીવારને નહોતા આપી શકતા. ધારાના જન્મ સુધી બધું બરોબર ચાલ્યું જીવનમાં પરંતુ સુવાવડની બિમારી તેની માંને સાથે લઇને જ ગઈ. વરસની દિકરીને મોટી કરવી, તેનું ભણતર, તેની પરવરીશ બધુંય ધારાના પપ્પાના માથે આવી પડ્યું હતું. ધારાની દાદીએ તેને માં જેમ ઉછેરીને મોટી કરી, દુનિયાદારીની શીખ આપી અને સંસ્કારી, ગુણી અને સમજદાર બનાવી.


ધારાની જવાબદારી અને તેના પાલનપોષણ માટે વધારે મહેનત કરવા તેના પિતાએ વિજયના પિતાના ઘરે તેમની ગાડીના ડ્રાઈવર તરીકેની નોકરી શરૂ કરી. દિવસ દરમિયાન એ ડ્રાઈવરની નોકરી કરતા અને સાંજ પડે ભાડે ગાડી ચલાવતા જેથી ઉપરની આવકની તે ધારાની બધી જરૂરિયાત પૂરી કરી શકે. ધારા તેના પિતા સાથે વિજયના ઘરે જતી ત્યાં રમતી આથી વિજય અને ધારાની દોસ્તીની શરૂઆત બાળપણમાં જ થઈ ગઈ.


વિજયનો પરિવાર પણ ઘણો ગર્ભશ્રીમંત અને સંસ્કારી હતો. તેની માં ધારાને ખૂબ જ લાડ કરતી. તેમને દિકરીઓ ખૂબ વ્હાલી હતી જેથી તે ધારાને પણ ખુબ પ્રેમ કરતાં. તેઓ ધારાના ભણતર માટે ઘણી મદદ પણ કરતાં. ધારા પણ આ પરિવારથી એટલી જોડાઈ ગઈ હતી કે તેને આ પરિવાર પોતાનો જ લાગતો. એક ઘટના અને બન્ને પરિવાર અસ્તવ્યસ્ત થઇ ગયા.


વિજયના પિતાને એક જરૂરી કામ માટે બહારગામ જવાનું હોય છે. આવતા મોડું થાય છે ને જરાક નજરચૂકમાં તેઓ અને ધારાના પિતા કાળનો કોળિયો બની જાય છે. બન્નેના પરિવાર પર ખૂબ દુઃખની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. વિજય પરથી પિતાનો હાથ ઉઠી ગયો પોતાની માંના દુઃખમાં એણે પોતાનું હૃદય પત્થરનું બનાવી તેની ઢાલ બની ગયો. આ તરફ ધારાના જીવનમાં તો સહી ન શકાય તેવી મુસીબત ઊભી થઈ ગઈ. માંનો સહારો તો હતો જ નહીં બાળપણથી અને જેના સહારે હતી, એ પિતાનો સાથ પણ છૂટી ગયો.


વિજય અને ધારાનું દુઃખ સરખું જ હતું. બન્નેને નાની ઉંમરે મોટા અનુભવો અને વિકટ પરિસ્થિતિનો અનુભવ થયો હતો, આથી તેઓ ઉંમર કરતા જ વધારે સમજું બની ગયા હતા. ધારા અને તેની દાદી હવે બેસહાય હતા કોઈ આવક ન હતી આથી વિજયની માં તેમને પોતાના જ ઘરમાં રહેવા બોલાવ્યા. ધારાને વિજયની સાથે જ ભણવા મોકલતા આમ ધારાની બધી જવાબદારી તેઓએ ઉપાડી લીધી હતી.


દાદીને ધારા માટે વિજય બહું પસંદ હતો. તે ઈચ્છતી હતી કે વિજય અને ધારા એકબીજાને બહું સારી રીતે જાણે છે અને બન્નેને એકબીજાની આદત છે તો જીવનમાં કોઈ વાંધો ન પડે. ધારા અને વિજય બન્ને હવે જવાન થઈ ગયા હતા અને વધુ સમજદાર. ધારા માટે વિજયના માં વર શોધવા તેની દાદી ને જણાવે છે. પરતું ધારાની મનાઈ હોવાથી તે કાંઈ પણ કહેતી નથી. મન હી મન ધારા વિજયને ખૂબ ચાહતી હોય છે. પરંતુ તે કોઈના અહેસાનનો ફાયદો ઉઠાવી શકે નહીં તેમ માની રહી હોય છે.


વિજય અને ધારા વચ્ચે ગાઢ મૈત્રી હોવાથી ધારા માટે વિજય જ છોકરાને પસંદ કરશે તેવું નક્કી કરે છે. ધારા પોતાના પ્રેમને મનમાં જ સમાવી દે છે. વિજયના પસંદ કરેલા છોકરા સાથે ધારાના લગ્ન કરવામા આવે છે. ધારા નવી જીંદગીને ખૂબ જ સહજતાથી અપનાવી લે છે. લગ્ન પછી ધારા અને વિજય વચ્ચેના મિત્રતાના સંબંઘ આછા થતા જાય છે. વિજય તેના બિઝનેસમા અને માં તથા ધારાની દાદીની દેખરેખમા વ્યસ્ત બની જાય છે.


ધારાના લગ્નના ત્રણ વર્ષમા તેની દાદી પણ ગુજરી જાય છે. એવામાં ધારા પોતાની જાતને બિલકુલ એકલી મહેસૂસ કરે છે અને પોતાની યાદો સાથે તે વિજયના ઘરે થોડા દિવસો રહેવા આવે છે. આવા સમય દરમિયાન વિજય અને ધારા વચ્ચે સહાનુભૂતિના સંબંધો ફરી તાજા થાય છે. બન્નેને એકબીજાની સાથેવાત કરીને મન હળવું કરી દે છે. પરંતુ ધારાના પતિને વિજય અને ધારાની દોસ્તી સ્વીકાર્ય ન હતી. તે ધારાને હવે વિજયની બાબતે ઘણું હેરાન કરતો. તેની પર વિજયને લઈને તેના ચરિત્ર પર શક કરીને તેને હેરાન કરે કરતો. હવે ધારા માટે વિજયના ઘર તરફનો વિચાર માત્રથી પણ જીવનની સૌથી મોટી સમસ્યા ઊભી કરે તેવી હતી.


આખરે રહે સહે ધારા જીવનના દસ વર્ષ આ જ રીતના પસાર કરે છે. એક સમયે તેને ખબર પડે છે કે હવે પોતાને દિકરી માનતી વિજયના માં પણ હવે સ્વર્ગ સીધાવી ગયા છે. આથી પોતાની લાગણીને કાબૂમાં ન રાખતા તે વિજયના ઘરે કાંઈ પણ વિચાર્યા વગર આવી પહોંચે છે. વિજયને જોઇને, તેની હાલત જોઈને તેનો દસ વર્ષથી દબાવી દેવામાં આવેલ પ્રેમ બેકાબૂ બની બહાર ઊભરી આવે છે. અને બન્ને અજાણતા જ એકમેકના દુઃખમાં કહો કે વિરહની વેદનામાં સર્વસ્વ ભૂલી જાય છે. વિજય ધારાની સચ્ચાઈ જાણી પોતાની જાતને ખૂબજ કોસે છે અને પોતાના કારણે તેની આ હાલત થઈ તેવો અફસોસ વ્યક્ત કરે છે.


ધારા વિજયને હવે પોતાના દિલની તમામ લાગણી આ વખતે કહી દે છે. વિજય ધારાના દિલમાં રહેલી તેના માટેની લાગણી જોઈ ખૂબ જ પોતાના નસીબને ધિક્કારે છે. કેમ કે એ પણ ધારાના પ્રેમમાં હતો પરંતુ તે પણ ધારાની જેમ સમાજ અને આટલા વર્ષોની એના પરિવારની મદદ કરવાના બદલામાં આવું કર્યું એવું લોકો માને એ વિચારે પોતાના પ્રેમને બીજાને પોતાના હાથે જ સોંપી દે છે.


વિજય અને ધારા દસ વર્ષ પછી એક બીજા માટેની લાગણીને જાણી શકે છે અને જાણે નવું જીવન મળ્યું હોય તેમ નવેસરથી જીંદગી જીવા માટે બન્ને રાજી થાય છે. વિજય ધારાને તેના દુષ્ટ પતીથી તે હંમેશને માટે છોડાવી પોતાની કરીને એ સમાજ અને એ ઘરથી દૂર નવી "વિજયધારા" દુનિયા વસાવા છે.


બિંદી પંચાલ "બિંદીયા"