લાગણી પ્રેમભરી બિંદી પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી પ્રેમભરી

લાગણી પ્રેમભરી

આખો દિવસ શું છે આ? મારે બસ ઘરનું કામ કરતા રહેવાનું ને સાહેબ બસ આરામ ફરમાવે રાખે. નસીબમાં મજૂરી સિવાય કાંઈ છે જ નહીં. એકતો આખો દિવસ ફરમાઈશો પુરી કરો જમવાની. અને પછી થાકીને બેઠા હોઈએ ત્યાં બીજુ કામ ઊભું જ હોય મારા માટે. આમ બગડતા બગડતા પણ કામ કરતી આ ફાલ્ગુની હતી.

રજાના દિવસો ચાલી રહ્યાં હતાં. અમરને પણ સ્કુલમાં વેકેશન હતું ૧૦ દિવસનું એટલે એ પણ ઘરમાં જ હતો. હા થોડું ઘણું કામ હોય તો કયારેક બહાર જતો પરંતુ આખો દિવસ લગભગ ઘરમાં જ રહેતો.

ફાલ્ગુની અને અમરના લગ્નને ૭ વર્ષ થઈ ગયા હતાં. બે મીસકેરેજ બાદ ભગવાને એક દીકરી આપી હતી પરંતુ ત્યારબાદ ફાલ્ગુનીની તબિયત સારી રહેતી નહોતી. તે હાઈ બ્લડપ્રેશરની પેશન્ટ હતી. ગમે ત્યારે તેનું બીપી વધી જતું અને તેના કારણે તે પોતે હેરાન થતી. ઘર પરીવાર અને દીકરીની દેખરેખ પાછળ એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે એ ભૂલી ગઈ હતી કે પોતે શું છે.

ફાલ્ગુની....એક સમયે સારી એવી ફેશનડીઝાઈનર હતી. પોતે લગ્ન પહેલાં એક બ્યુટીક ચલાવતી હતી. નવા નવા કપડા ડિઝાઈન કરવામાં તે માહિર હતી. પરંતુ લગ્નજીવનમાં એટલી વ્યસ્ત બની ગઈ કે તેની ઓળખ જ ભૂલાઈ ગઈ હતી. અમર અને તેના વચ્ચે સારી એવી સમજણ હતી બન્ને જીવનસાથી કરતાં બેસ્ટ ફ્રેન્ડ વધારે હતાં. પરંતુ પરીવારની જવાબદારી અને શારીરિક સ્ટ્રેસને કારણે ફાલ્ગુની થોડી ચિડીયલ સ્વભાવની બની ગઈ હતી.

આજે ઘરમાં થોડું કામ વધારે હતું અને એમાં કામવાળી બાઈ પણ અઠવાડીયાની રજા પર હતી. પિરિયડ ના કારણે ફાલ્ગુનીને શારીરિક થાક પણ ખુબ જ હતો એમાં અમરે તેના દોસ્તોને સાંજે ઘરે ડિનર માટે બોલાવ્યા હતાં. જેથી આજે ફાલ્ગુની વધારે ગુસ્સે હતી.

**************************************

ફાલ્ગુની:- અમર તારે સ્કૂલમાં રજાઓ છે. તારે કોઈ કામ છે નહીં પણ થોડો મારો તો વિચાર કર આખો દિવસ મારે કામ પહોંચે છે. બાઈ આવતી નથી. શરીર પણ સાથ નથી આપતું. અને એમાં તું નવા નવા કામ શોધી લે છે.

અમર:- પણ ફાલ્ગુની મને થોડી ખબર હતી કે એ લોકો આજે જ આવશે. દોસ્તોને વાતમાં ને વાતમાં ખાલી કીધું તો એ લોકો આજે આવા તૈયાર થઈ ગયાં. તું ચિંતા ના કર હું તારી હેલ્પ કરવા લાગીશ ડીયર.

પ્રેમથી વાત કરીને ફાલ્ગુનીને અમરે સમજાવી દીધી. સાંજ થવા આવી ફાલ્ગુની રસોઈમાં જતી હતી ત્યાં જ તેને આંખે અંધારા આવા લાગ્યાં, નજરની સામે બધુ જ ગોળ ગોળ ફરતું દેખાવવા લાગ્યું ને એકદમ ધબ્બ કરતી તે જમીન પર પડી ગઈ.

**************************************

ધીરે ધીરે આંખો ખોલી પરંતુ હજી બરોબર જોઈ નહોતી શકતી. અચાનક માથે હાથ ફરતો હોય તેવો અહેસાસ થયો. હવે ફરીથી આંખો ખોલીને જોયું તો અમર તેની બાજુમાં હતો તેના માથે હાથ ફેરવી રહ્યો હતો. ફાલ્ગુની આ જોઈ તેની આંખો માંથી આંસુ સરી પડ્યા. અમર તેની કોઈ જ ચિંતા ન કરવા જણાવતા તેને બસ સુઈ રહેવા કહે છે. ફાલ્ગુનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ફાલ્ગુની દવાની અસરે થોડી ઘેનમાં હતી. ત્યાં ડોકટર આવી તેનું ચેકઅપ કરવા લાગ્યા. બીપી થોડું હજી પણ હાઈ હતું. કમજોરી ખુબ જ લાગતી હતી જેથી બ્લડ સુગરના રીપોર્ટ પણ કરાવ્યા. થોડી વારમાં રીપોર્ટ આવી ગયાં. હવે ફાલ્ગુની થોડી સ્વસ્થ થઈ હતી જેથી એ હોસ્પિટલના બેડ પર બેઠી હતી. ત્યાં એક નર્સ આવી અને અમરને ડોકટર પાસે લઈ ગઈ. ફાલ્ગુનીને હવે એ ચિંતા સતાવતી હતી કે અમર ડોક્ટર પાસે ગયો છે તો રીપોર્ટ તો નોર્મલ જ હશે ને?

થોડીવારમાં અમર રૂમમાં આવે છે અને ફાલ્ગુનીને હસતાં ચહેરે કહે છે ચલ ડોકટરે ઘરે જવા કહી દીધું છે. તે પણ હસી પડે છે અને બન્ને ઘરે પાછા આવી જાય છે. રાતે અમર દિકરી અને ફાલ્ગુની બન્નેનું ખૂબ સારી રીતે ધ્યાન આપે છે. બીજા દિવસે સવારે જ્યારે ફાલ્ગુની ઉઠે છે તે પહેલાં તો સવારનો નાસ્તો, ચા અને દવા તેની સામે તૈયાર હોય છે. તેને નવાઈ લાગે છે કે ખરેખર શું બધું અમરે બનાવ્યું હશે?

અમર હવે તેનું એક નાની છોકરી જેવું ધ્યાન રાખે છે. આખો દિવસ આજે પોતે જ બધુ કામ કરશે તેવું જણાવે છે.
આખો દિવસ નિકળી ગયો. સાંજ પડી ત્યાં અમર અને ફાલ્ગુનીના મિત્રો ઘરે આવી પહોંચે છે. આ જોકે ફાલ્ગુનીને ખૂબ નવાઈ લાગે છે અને પોતાની જૂની સહેલીઓને મળીને જાણે તે બધું જ દુ:ખ ભૂલી જાય છે. અમરે બધી જ તૈયારી બહારથી કરાવી દીધી હોય છે. જેથી કોઈ પણ તકલીફ ના પડે. ફાલ્ગુની આજે ખૂબ જ ખુશ હતી. મિત્રોને પડે બધા પોતપોતાના ઘરે જતાં રહે છે ને એ બન્ને પણ હવે શાંતિથી સૂઈ જાય છે પરંતુ ફાલ્ગુની વિચારે છે કે અમર આજે મારી ખુશી માટે કેટલું કર્યું ને હું તેના પર એમ જ ગુસ્સો કરતી હતી વારે વારે.

અમર તેને ખુશ રાખવાના બધા જ પ્રયત્ન કરે છે. ચાર દિવસ પછી જાય છે. ફાલ્ગુની હવે એકદમ સ્વસ્થ છે તે અમરને હવે તેનું કામ કરતાં રોકે છે. એ દિવસે અમર અને ફાલ્ગુની તેમની દિકરી સાથે ખુબ મજાક મસ્તી કરે છે રાત પડે છે સૂતી વખતે તે અમરને એક સવાલ કરે છે.

ફાલ્ગુની:- અમર એક વાત પુછી શકું છું?

અમર:- હો બોલને શું કહેવા માંગે છે?

ફાલ્ગુની:- પેલા દિવસે ડોકટર સાથે મારા રીપોર્ટ બાબતે શું વાત થઈ હતી?

અમર:- ઓહ... એતો કાંઈ નહીં તારી દવાઓ અને અને તારે હવે સાચવવાનું છે. બહું ટેન્શન નથી લેવાનું એમ સમજાવતા હતાં.

ફાલ્ગુની:- સાચુ કહીશ તો મને વધારે ગમશે અમર. શું રીપોર્ટ આવ્યા છે એ કેહને મને. હું વધારે ચિંતા નહીં કરૂ બસ પણ મને એ હવે જાણવું છે કે શું વાત છે તું મારું આટલું ધ્યાન રાખે છે.

અમર:- ફાલ્ગુની તું જીદ કરે છે એટલે કહુ છું. તારું બ્લડ પ્રેશર વધારે રહે છે અને ડોક્ટરના કહેવા પ્રમાણે તારા હોર્મોન પણ ખૂબ બદલાય છે. જ્યારે પિરીયડના દિવસો હોય ત્યારે વધારે આની અસર દેખાય છે. આથી તારામાં આ ચિડીયાપણુ રહેશે. આવી હાલતમાં જો ખોટી ચિંતા વધે તો માણસને મગજ પર અસર થાય છે. અને હું નથી ઈચ્છતો કે તને કોઈ તકલીફ પડે.

ફાલ્ગુની:- અમર તો તે મને ખુશ કરવા આ બધું કરતો હતો એ હું સમજી ગઈ હતી. અને સાચુ કહું તો મને ખરેખર તારા આ રૂપથી ખુબ ખુશ મળી છે. કામ તો થશે પણ તારે મારા માટે ચિંતા કરવું. મારી કાળજી રાખવી. મારી નાની નાની વાતો સમજવી એ મને દિલથી ગમી ગયું. આજે તારામાં મને એક સાચો જીવનસાથી મળી ગયો.

અમર:- હા આ વાતનો અહેસાસ મને પણ ડોક્ટરના જણાવ્યા પછી જ થયો કે સ્ત્રીઓમાં આ પ્રોબ્લેમ ધણો ઈફેક્ટ કરે છે. આ સમયે તેને હૂંફ અને પ્રેમ આપીએ તો તો કદાચ તેને એ દિવસોની પીડામાં થોડી માનસીક રાહત મળે છે. પણ એનો મતલબ એ નહીં હો કે હવેથી બધું જ કામ હું જ કરીશ. અને બન્ને હસી પડે છે.

ફાલ્ગુની:- તું મારા માટે વિચારે છે એ જાણીને તારા માટે મારો પ્રેમ વધી ગયો અમર.

અમર:- કેમ તું મારી પત્ની છે એટલે હું વિચારૂ તારા માટે? ના બકા તું પણ એક માણસ છે તારા માટે મને પ્રેમ છે એ બરોબર પણ તું જેમ બધાનું ધ્યાન રાખે એમ તારું ધ્યાન રાખવાની પણ મારી જવાબદારી છે. આને કેમ ના વિચારું હું તારા માટે. મને પણ તારી ચિંતા ના હોય.

સાચે જ સ્ત્રી ને સમજો, જો એ તમારી ખુશીનું ભરપુર ધ્યાન રાખે છે તો બદલામાં ખાલી હૂંફ માંગે છે પ્રેમની. કયારેક વગર કારણે તેને ખુશી આપો પોતાની બધી ખુશીયોં તમારા પર ઢોળી દેશે. શું જરૂરી છે કે એને સમજવા કે એને ખુશ કરવા એની સાથે કંઈ થાય પછી તમારો પ્રેમ જતાવો? સ્ત્રીઓનો પિરીયડનો એક સમય જ્યારે તે માનસીક અને શારીરિક રીતે ખૂબ પરેશાન હોય છે તેને એ વખતે સમજો, સાચવો, પ્રેમભરી હૂંફ આપો. અડધી બિમારી આમ જ મટી જશે. સ્ત્રી એ લાગણીઓની નદી છે. પરંતુ એને સ્વસ્થ રાખશો તો તમે પણ ખુશ રહેશો.

બિંદી પંચાલ "બિંદીયા"
વડોદરા