મધદરિયે - 14 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 14

અગાઉ આપે જોયું કે સુગંધાએ પરિમલને પ્રિયાની સચ્ચાઈ જણાવી.. ચંકી અને અમિત વિશે પણ જણાવ્યું..કઈ રીતે એ ભોળી છોકરીઓને ફસાવતા હતા એ બધું જણાવ્યું..પરિમલ પોતાની ફાઈલ સુગંધાને આપીને એની લડાઈમાં પોતે સાથ આપશે એવું જણાવે છે.. હવે આગળ..

સુગંધાએ ફાઈલ વાંચવાનું શરૂ કર્યું..પહેલું જ નામ આવ્યું.મુમતાઝ ભટ્ટી..

પરિમલે અત્યાર સુધી જે કંઈપણ સંશોધન કર્યું હતું એની તમામ વિગતો આ ફાઇલમાં હતી..

મુમતાઝ ભટ્ટી...દાહોદના એક નાનકડા ગામમાં રહેતી હતી..કામની લાલચે રહીમ પાયક એને અમદાવાદ પોતાની સાથે આવવાનું કહે છે.. અમદાવાદમાં એ ગયો પછી પૈસેટકે સુખી હતો..

એકલી મુમતાઝ કેમ જાય??એની મા એને આનાકાની કરે છે પણ રહીમ સાથે વારંવારની મુલાકાતે આંખ મળી જતા એણે રહીમને એકલા જવા કહ્યું અને પોતે પછી ભાગીને અમદાવાદ કાલુપુર સ્ટેશને ઉભી રહી.. રહીમે થોડા દિવસ એની સાથે કામ કરતા હમીદને ઘેર એને રાખી જેથી પોલીસ પકડી ન શકે.. કોઈને મુમતાઝ ન મળી.. રહીમને જ્યાં સુધી ધરવ ન થયો ત્યાં સુધી એણે મુમતાઝ સાથે દેહસુખ માણ્યું પછી એનો કોઠા પર સોદો કરી દીધો..હવે મુમતાઝ કોને કહેવા જાય??? આખરે મજબૂરી,આબરૂ જવાનો ડર,કોણ હવે સાચવે એવો ભ્રમ,ને મોતની બીકે વ્યવસાય સ્વિકારી લીધો.. એની પાસે આવતા ગ્રાહકોને લૂંટી લેવા,મન થાય તો દેહસુખ માણી લેવું એ રોજનો નિત્યક્રમ બની ગયો.. પુરૂષજાત પ્રત્યે એને જરાય વિશ્વાસ નહોતો રહ્યો..

માનસી..

દક્ષિણ ભારતમાંથી નાનકડાં ગામમાં હજુ પણ જાતીપ્રથા ચાલતી હતી.. જે લોકો વગદાર હતા એ બચી જતા,પણ ગરીબ તેમજ જે આ જાતીપ્રથાનો સ્વિકાર કરતા હતા એવા સમાજના નિમ્નવર્ગના લોકોને પોતાની પુત્રી ભગવાનને શરણે ધરી દેવાના નામે દેવદાસી બનાવવા કહેવામાં આવતું.. અભણ,લાચાર અને સમાજમાં ધુત્કારાયેલ લોકો પોતાની પુત્રી દેવદાસી બને એમા વધુ ગર્વ અનુભવતા હતા..

માનસી પણ બની.. આખો દિવસ ભગવાનની સેવા કરે.. માવતરને તો જાણે પોતાની પુત્રી મીરાબાઈ બની હોય એવો ગર્વ થતો હતો...

જ્યાં માનસીના અંગોનો વિકાસ થવાનું શરૂ થયું ત્યાં સમાજમાં પૂજનીય સ્થાન ધરાવતા પૂજારી અને એના મળતિયાઓની આંખમાં એ વસી ગઈ..નાનકડી માનસી આ બધાથી અજાણ ભોળાભાવે સેવા કરે.. પુજારીએ ધીરે-ધીરે અષ્ટમ-પષ્ટમ સમજાવી દીધું કે મંદિરના પૂજારીની તમામ પ્રકારે સેવા કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.. નાનકડી કિશોરી શરૂમાં તો બાળસહજ ગભરાતી પણ ધીમે-ધીમે પૂજારીની વાતમાં ફોસલાઈ ગઈ..પૂજારીએ એને એક બે વખત વશમાં કરવાની કોશિશ કરી શરીર સંબંધ બાંધ્યો..એની દર્દનાક ચીખો મંદિરમાં દબાઈને રહી ગઈ..

રાતોરાત એને ઉપાડી એના મળતિયાઓ સુરત લાવ્યા.. ધરાયા ત્યાં સુધી ભોગવી અને પછી વેચી દીધી.. પૂજારીએ કહી દીધું કે કેટલાય સમયથી એ કુલટા અહીં આવનાર પુરૂષોને ખરાબ નજરે જોતી હતી.. એમાથી કોઈની સાથે ભાગી ગઈ હશે.. આ ધર્મનું અપમાન છે.. તમારે દેવદાસી બનાવવી જ હતી તો આવી છીનાળ કેમ મોકલી?? આ પવિત્ર જગ્યા પર આવા લોકો આવે તો મંદિર પર કોઈને શ્રદ્ધા ન રહે. આખરે આબરૂ જવાથી એના માવતરે પણ ઘર છોડ્યું ને એની સાથે દક્ષિણ ભારતની બીજી સાત છોકરી પણ આ વ્યવસાયમાં નાછૂટકે આવી...

ભારતી..

પોતાના પ્રેમી સાથે ખૂબ ખુશ હતી.. ભાન ભુલતા બંને એકબીજા સાથે અંતરંગ પળો માણે છે.. એનું રેકોર્ડિંગ એના પ્રેમી ભાસ્કર પાસે હતું.. હવે એ બ્લેકમેલ કરીને એનો ઉપભોગ કરતો હતો ને વારંવાર ધમકી આપતો હતો.. એક બે મિત્રોને ભાસ્કરે ક્લિપ પણ મોકલેલ.. એ લોકોએ પણ ભારતીને કહ્યું,પણ ભારતી મક્કમ બની એમને વશ ન થઈ..અંતે ક્લિપ પહોંચી એના પરિવારજનો પાસે.. આખરે કુળની આબરૂ ધૂળમાં નાખી એવું સાબિત થયું.. ભારતીનું કોઈ એ સાંભળ્યું જ નહીં.. ઘરમાંથી એને કાઢી મુકવામાં આવી..વેશ્યા, કુલટા,ગણિકા એવા ઉપનામ ઘરેથી મળ્યા.. રૂઢિવાદી કુટુંબ હતું ને ભારતીનો વાંક પણ હતો.. આખરે આરોપોને માથે સ્વિકારી ખરેખર વેશ્યાવૃત્તિ સ્વિકારી...

મંશા..

જૂનાગઢની બાજુનું ગામડું.. જન્મ પહેલા પિતા છોડીને જતા રહ્યાં..મા જન્મ વખતે મરી ગઈ..અનાથ જેમ જીવન વીત્યું..એના કુટુંબીજનોએ સગાઈ કરી એ છોકરો પણ અવસાન પામ્યો.. ગામલોકોએ એને ડાકણ જાહેર કરી.. મારી નાખવા પ્રયાસો કર્યા પણ હવે એ ભાંગી પડી હતી.. આખું ગામ એને ડાકણ માનતું હતું..હવે એ દૂખીયારી સાબિત પણ કેમ કરે?? અને બનતું પણ એવુ.. ત્રાસીને એ નાસી છૂટી..પણ ક્યાં જાય?? આ દૂનિયામાં પોતાનું કહી શકે એવું કોઈ હતું નહીં..આખરે એક રાત્રે રસ્તામાં બધાથી થાકી હારી એણે આપઘાત કરવાનો વિચાર કર્યો..અચાનક એણે કૂવામાં કૂદકો મારવાનો પ્રયાસ કર્યો પણ બે મજબૂત હાથો વડે એ જકડાઈ ચૂકી હતી..

ચંદાબાઈ રાત્રે અભિસારિકા રૂપે માણેકચંદ શેઠની હવેલી પર જતા હતા.. આ રાત્રે કોઈ સારા ઘરની સ્ત્રી એકલી!!આ રસ્તે!! ચંદાબાઈને વહેમ જતા પીછો કર્યો..મરવા જતી મંછાને બચાવી લીધી.. મંશાએ છૂટવા ઘણા ધમપછાડા કર્યા પણ ચંદાબાઈ જેવી લોંઠકી બાઈના હાથથી એ કેમ છૂટે??

ચંદાબાઈ એ એને પ્રેમથી પોતાના ગળે લગાવી શાંત પાડી..શાંત થયા બાદ ચંદાબાઈને અત્યારે કંઈપણ કહેવું યોગ્ય ન લાગ્યું..મંશા હજૂ થોડી-થોડી વારે હીબકાં ભરતી હતી..

ચંદાબાઈ બોલ્યા"પહેલા છાની રે પછી વાત કરજે પણ મરવાની જરાય વાત ન લાવતી.."એમણે તરત ફોન કર્યો.. ઉસ્માન જલ્દી આવીજા કામ છે".. પાંચ મિનિટમાં એક ગાડી આવીને ઉભી રહી..

"ઉસ્માન આ બાઈને લઇને પેલા જમાડજે અને હું ન આવું ત્યાં સુધી એને એકલી ન છોડતો. બાકીની વાત હું આવુ પછી કરશું.. ને મને પણ માણેકચંદની હવેલી પર છોડી દે.."

થોડીવાર બાદ ચંદાબાઈ આવ્યા ને પૂછ્યું"કેમ બાઈ તારે મરવું પડે છે?? શું એવું દુઃખ આવી પડ્યું છે??"

મંશાએ માંડીને બધી વાત કરી..

"હવે તો ખરેખર મને પણ એવું લાગે છે જાણે હું લોકોને ભરખી જાઉં છું,એક ડાકણ છું."મંશા બોલી..

ચંદાબાઈ જમાનાના જાણકાર હતા.. એ બોલ્યા"તને વાંધો ન હોય તો હમણા મારી સાથે રહેજે.. પણ મરવાનો વિચાર માંડી વાળ..પણ જો મારો ધંધો એક વેશ્યાનો છે.. હું કોઠાની માલકણ છું..હા તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરે.. જો તને મારા કોઠા પર આવવામાં કોઈ વાંધો ન હોય તો ચાલ..તુ ગમે એવી હોય પણ ડાકણ નથી..પછી તારી રીતે ગમે તે કામ શોધી લેજે..જ્યાં સુધી કામ ન મળે ને પગભર ન બન ત્યાં સુધી તુ ચંદાબાઈની મહેમાન."

મંશાએ આ વાત માન્ય રાખી..

ચંદાબાઈ પણ સંજોગાના શિકાર હતા.. પતિની બેફામ ગાળો,ચારિત્ર્ય પર શંકા, દારુનું બંધાણ..ક્યાં સુધી સહન કરે?? ઉપરથી રૂઢિવાદી માવતરે પંદરેક વખત ઘર ચાલે એ માટે પ્રયત્નો કર્યા..આખરે એ પણ થાક્યા અને છેવટે એમણે કહી દીધું..'દિકરીનું સાચું ઘર એનું સાસરૂ ગણાય..સામે પડીને રહેજે,કૂવો હવાડો કરજે પણ આ ઉંબરે રીસાઈને ન આવતી..'

આખરે બન્યું એવું કે એનો પતિ હવે છાકટો બની ગયો.. કોઈનો ડર એને રહ્યો નહી.. ઘર ચલાવવાનો મોટો પડકાર ઊભો થયો..એ કમાય એ કમાણીમાંથી પણ એણે પીવાનું શરૂ કરી દીધું..ઉપરથી રોજની મારકૂટ તો ખરી જ. આખરે કેસ પણ કર્યો પણ એના માટે પણ પૈસા તો જોઈએને?? બધા મેણા પણ મારતા'જૂઓ કેવી બાઈ છે?? પતિ પર કેસ કર્યો.. ગમે તેવો હોય પણ ધણીને જેલમાં પુરાવાય??ધણીને પૂરાવ્યો એ બાઈ કેવી હશે??ધણીનું ધણી કોણ?? 'આખરે એણે વિચાર કર્યો,આ દેહ તો નશ્વર છે.. કૂવો હવાડો કરવો કે આપઘાત કરવો એના કરતા મારે કોઈ બીજો જ રસ્તો પસંદ કરવો જોઈએ..આખરે આ શરીર અમથુયે ચૂંથાયેલ જ છે. કાયમ મારો પતિ ટોણા તો મારે જ છે,'રાંડ,છીનાળ,કુલટા, તને હું નથી ગમતો.. તારે કેટલાય ભાયડા છે.'તો હવે ભાયડા કરીને જ બતાવું.. આખરે આ કોઠાની રોનક બની ગઈ.. આજે એ કોઠો એનો પોતાનો હતો.. એનો પતિ હજુ પણ એની સાથે રહે છે.. કૂતરાની જેમ પેટ ભરે છે.. સાલો દલાલ બની કમાણી ખાય છે.. સૌથી મોટી વાત કે હવે એ ચંદાબાઈથી રાજી પણ છે.. ચંદાબાઈ સિવાય એના જેવી બીજી 56 સ્ત્રીઓ આ કોઠાની શાન છે..

એમણે મંશાને પણ કહ્યું"ભીખ માંગી ખાવું, કે ઈશ્વરે આપેલ આ જીવનનો અંત આણવો, કે કાયમ કોઈ પાસે રોતડાં રોવાથી બહેતર છે.. આ દેહનો ઉપયોગ કરી શાનથી જીંદગી જીવવી.. કાયમ એક નારી જ ક્યાં સુધી સહન કરે?? કેમ ધણી જે ચાહે એ કરે તોય સારો અને નારીને એના પગની જૂતી સમજવામાં આવે છે?? એક નારીથી ઉત્પન્ન થવા છતા પણ નારી પાપણી ગણાય?? સમાજની કુપ્રથાનો ભોગ હજુ કેટલી નારી બનશે?? હજુ કેટલાય દુશાસન, કેટલાય રાવણ ફરે છે,,અરે રાવણ તો સારો હતો,એણે સીતાની આબરૂ લૂંટી ન હતી.. તોયે અગ્નિ પરીક્ષા આપી.. છતાય રામ સીતાને ક્યાં સ્વિકારે છે?? ધોબીની વાત સાંભળી પેટમાં ગર્ભ હોવા છતા સીતાનું મોં પણ જોયા વગર એમનો ત્યાગ કરી દે છે.. કેમ કે આપણા ધર્મગ્રંથોમાં વ્યવસ્થા જ એવી કરેલી છે.. તો એના કરતા સીતાને લંકામાં રહેવા દીધા હોત તો??જો ભગવાન થઈ પોતાની પત્ની ન સાચવે તો આ કળિયુગમાં તો આવું બનશે જ.. પણ હું ભલે નારી છું,પણ સીતા નથી,ને મારે થવું પણ નથી."

મંશા એક મહિના સુધી કામ માટે ફરી પણ એના પહેલા એની બદનામી ત્યાં પહોંચી જતી હતી..એને કામ ન મળ્યું..

એક દિવસે રાત્રે અમુક ગ્રાહક આવ્યા.. ચંદાબાઈ છોકરીઓ બતાવવા એમને ઉપર લાવ્યા પણ સૌથી પહેલા મંશા સજીધજીને ગ્રાહક રીઝવવા ઉભી હતી.. બસ ત્યારથી એણે સમાજને તરછોડી દીધો.. હવે એને કોઈના આકરા વેણ સહન નથી કરવા પડતાં.. કોઈ વેશ્યા કહે, પણ એ હતી જ.. એને કોઈ ફરક નથી પડતો..હા હવે એ ડાકણ નહોતી..

હજુ તો લિસ્ટ બહુ લાંબુ હતું પણ સુગંધા હવે ગુસ્સાથી લાલચોળ બની ગઈ હતી.. એક ભભકતો અગ્નિ એની આંખમાં પ્રજવલ્લિત થયેલો દેખાતો હતો એ આગની સાથે આવી યુવતીઓ માટે એની આંખમાં આંસુ પણ આવી ગયા.. ચંદાબાઈ વિશે વાંચ્યા પછી એને નક્કર પગલાંં ભરવાનો વિચાર આવ્યો..

જેમ વૃદ્ધાશ્રમ બનાવ્યો એમજ નારી નિકેતન કેન્દ્ર ખોલ્યું હોય તો?? દાતા તો હતા જ.. એણે પરિમલને બોલાવી પોતાની વાત રજૂ કરી..કોઈ નારી ભલે નિરાધાર હોય,પણ એની પાસે રહેવા માટે આશરો, જમવાની વ્યવસ્થા અને કામ હશે તો જ એ આ વ્યવસાય છોડે.. ઉપરાંત એમા જોડાવા માંગતી પીડિત મહિલા સ્વમાનભેર જીવન જીવી શકે એ પણ જરૂરી હતું.. સમાજ એમને માનથી જુએ અને સામાજીક રીતે સ્વિકાર કરે એ પણ અંત્યત જરૂરી હતું..

"પરિમલ હવે સૌથી પહેલા આપણે આ સંસ્થા માટે આજથી જ કામ શરૂ કરી દઈએ જેટલા શ્રેષ્ઠીઓ અને દાતાઓ છે એમને કોન્ટેક કરી આપણે સંસ્થાનું કામ શરૂ કરવું છે.. આવનાર સ્ત્રીઓ ત્યાંજ વ્યવસાય કરી શકે એવો લઘુ ઉદ્યોગ પણ વિચારી લેવાનો છે.. સીવણ,મહેંદી,પાપડ,ભરતગુંથણ,ચિત્ર,સંગીત જેવી કળાના જાણકાર લોકો પણ જોઈશે જેથી આવનાર સ્ત્રીઓ વ્યવસાય શીખી શકે.. એ સિવાય તમને જે ઘટતું લાગે એ તમે વિચારી લો.. મારૂ કામ તમારી ફાઈલ પરથી અડધું સરળ બની જશે.. જે પોતાની મરજીથી આ દેહવિક્રયના વ્યવસાયમાં જોડાઈ છે એમને સમજાવટથી કામ લઈ સામાન્ય પ્રવાહોમાં ભેળવવી પડશે.. રહી વાત આ દેશના માયકાંગલા જેવા દલાલોની તો એમને કેમ વશ કરવા અને એમના સામ્રાજ્યને કેમ ખતમ કરવું એ મને આવડે છે.. તમારી મદદ મેં કહી એટલી જ છે.. બીજા કોઈ ચક્કરમાં તમારે પડવાનું નથી.."

પરિમલ તો વિચારતો રહી ગયો.. આજ સુધી એકદમ સીધીસાદી, સરળ અને ઘરરખ્ખું લાગતી સુગંધા આટલી પાવરફૂલ હશે એવી એને કલ્પના પણ ક્યાંથી હોય??

"ના હું હરહંમેશ ને હર જગ્યાએ,કદાચ મોત આવે તોપણ તારી સાથે તારો સાથ નિભાવવા માંગુ છું..મને તારી સાથે જ રાખજે..તુ એક નારી થઈને જો આટલું ભગીરથ કાર્ય કરી શકતી હોય તો મારે ઘરમાં બેસી રહેવું જરાય યોગ્ય નથી.."પરિમલે કહ્યું.

પરિમલે વધુ ખેંચ કરી એટલે કમને સુગંધાએ હા પાડી ...

પરિમલે લાગતા વળગતા ને જાણીતા મોટા દાનવીરોને ફોન કરી પોતાનો વિચાર જણાવ્યો..એને સફળતા પણ મળી..
વૃદ્ધાશ્રમની બાજુમાં ઘણી જગ્યા હતી..આ જગ્યા દાનમાં મળી..ત્યાં વ્યવસાય માટે અલગ,રહેઠાણ માટે અલગ એમ બધો નકશો એણે તૈયાર કરાવી લીધો..

સુગંધા હવે ખુશ હતી..હવે એણે પોતાનું કામ શરૂ કરી દીધું..'નિર્મળ નારી કેન્દ્ર' એવું નામકરણ પણ કરવામાં આવ્યું.. પરિમલના પિતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું..પહેલા જ દિવસે 17 સ્ત્રીઓ એમા રહેવા પામી..

પરિમલના પિતા પણ ખૂબ ખુશ હતા.. એમણે પરિમલને કહ્યું"બેટા મેં કહ્યું હતું.. સુગંધા એકદમ સાચો હીરો છે.. એ કીચડમાં હોય તોય એની કિંમત કમ ન થાય.. હવે ક્યારેય એના પર શંકા ન કરીશ.. તારે હજુ કેટલુય જાણવાનું બાકી છે સુગંધા વિશે.. જે ફક્ત હું જ જાણું છું.."

એમની વાત પરથી પરિમલને એમ લાગ્યું જાણે એ બધું જ જાણતા હતા પહેલાથી..

તો શું હજુ પણ કોઈ રહસ્ય બાકી હશે??

શું હશે નવું રહસ્ય??

અમિત, ચંકી વગેરે દેહના સોદાગરોનું સામ્રાજ્ય કેમ ખતમ થશે??

કોઈ નવી આફત એમની રાહ તો નહીં જોતી હોયને??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે