રાજકારણની રાણી - ૧૦    Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૧૦   

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

જતિનને એ રાત યાદ આવી ગઇ. પણ એ રાત્રે તેણે વધુ પ્રમાણમાં દારૂ પીધો હોવાથી મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું ન હતું. એટલું ચોક્કસ યાદ આવી રહ્યું હતું કે તેણે ટીનાના શરીર પર હાથ માર્યો હતો. એ દિવસે સુજાતા બહાર ગઇ હતી અને ટીના તેને અભાનાવસ્થામાં બેડરૂમ તરફ દોરી ગઇ હતી. ત્યારે ટીનાની કાતિલ જવાનીના સ્પર્શથી રગેરગમાં લોહી સાથે કામના દોડવા લાગી હતી. એ રાતને યાદ કરવા મગજ પર જોર આપવા લાગ્યો. તે માથું પકડીને વિચારવા લાગ્યો. વિડીયોમાં વારંવાર જોયું અને ખ્યાલ આવવા લાગ્યો કે એ ટીના સાથેનો જ વિડીયો છે. એ વખતે તો કોઇ ઘરમાં ન હતું. સુજાતા ડ્રાઇવર સોમેશને લઇને એની સહેલીને ત્યાં ગઇ હતી. પીવામાં કંપની આપી થોડીવાર પહેલાં જનાર્દન ઘરેથી નીકળી ગયો હતો. એ પછી આ બધું બન્યું હતું.

તો પછી ઘરમાં કોઇ છુપાયેલું હતું કે પછી પહેલાંથી જ કોઇએ કેમેરા ફિટ કરી દીધો હતો? જતિનનું મગજ હવે આ ષડયંત્ર પાછળનું રહસ્ય શોધવા ભમવા લાગ્યું. તે દોડતો ગયો અને કારમાં જઇને પોતાની ખાસ બેગ બહાર કાઢી. ફ્લેટમાં પહોંચીને બેગમાંથી એક બોટલ કાઢી. મગજને કીક મારવા શરાબ જરૂરી બની હતી. જતિને એક સાથે દસ પેગ પી લીધા. તેનું મગજ હવે દોડવા લાગ્યું. વિડીયોને બારીકીથી જોયો. એને એવી રીતે એડિટ કરવામાં આવ્યો હતો કે આસપાસના સ્થળનો ખ્યાલ જ ના આવે. જો પોતે ટીનાને તેના શરીરથી ઓળખી ના હોત તો ખબર જ ના પડત કે આ વિડીયો સુજાતા, રવિના કે અન્ય કોઇ સ્ત્રી સાથેનો છે.

વિડીયોમાં તેના ચહેરાને અડધો જ બ્લર કરવામાં આવ્યો હતો જ્યારે ટીનાનો આખો ચહેરો બ્લર કરી દીધો હતો. આસપાસની જગ્યા પણ બ્લર કરીને છુપાવી દેવામાં આવી હતી. પોતાના જ ઘરમાં કોણે ધાડ પાડી હશે? સુજાતા હોય શકે? એ તો ગરીબ ગાય જેવી સ્ત્રી છે. એને મારા પ્રત્યે કોઇ ગંભીર ફરિયાદ નથી. મનમાં થોડો રંજ હશે પણ મારી અન્ય સ્ત્રીઓ સાથેની દોસ્તીને તેણે સહજતાથી સ્વીકારેલી જ છે. અને એ તો રાજકારણનો 'ર' જાણતી નથી. મારી લોકપ્રિયતા અને કારકિર્દી પર કલંક લગાવવાથી તેને કોઇ લાભ નથી. મારી રાજકીય કારકિર્દીને બરબાદ કરવાથી તેને શું મળવાનું હતું? એને મારા રાજકારણથી દૂર જ રાખી છે. એ તો એના ઘર અને રસોડા સાથે સુખી છે. જનાર્દન? એ તો પોતાને આ ઘડી સુધી મદદરૂપ બની રહ્યો છે. જનાર્દને હંમેશા મને પાટનગરમાં સારો બતાવ્યો છે. મારી પ્રગતિ માટે સતત કામ કરતો રહે છે. અત્યારે પણ એ વિડીયો પોસ્ટ કરનારને શોધવા માટે મારી સાથે દોડી રહ્યો છે. ટીના? ના, મારો વિડીયો ઉતારી મને બદનામ કરવાનો વિચાર પણ ના કરી શકે. એનું ગજું નહીં. એને તો ધમકી આપી હતી. પોતાના પતિની સુરક્ષા કઇ સ્ત્રી ના ચાહતી હોય? બીજી વાત એ કે મેં એની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. મારી મેલી મુરાદ બર આવે એ પહેલાં તો સુજાતા આવી ગઇ હતી. મને બદનામ કરવા અમારા રાજકીય પક્ષના વોટસએપ ગૃપમાં એ વિડીયોને મૂકવાની અને પછી એ મોબાઇલ નંબરને બંધ કરી દેવા સુધીની યોજના બનાવવાનું કામ એના જેવી એક સામાન્ય ડ્રાઇવરની પત્ની માટે અસંભવ છે.

નક્કી આ કોઇ રાજકીય દુશ્મનનું કાવતરું છે. જે મને પક્ષમાં બદનામ કરવા સાથે જાહેરમાં લૂગડાં ઉતારી કારકિર્દીને ખતમ કરવા માગે છે. અત્યારે તો એકમાત્ર રતિલાલ જ આ કાંડ માટે શંકા જાય એવો માણસ છે, જેને મારાથી મુશ્કેલી છે. છતાં એ આવું ચરિત્રહનનનું કાવતરું કરે એવો લાગ્યો નથી. તેને ખબર છે કે હમામમાં બધા જ નાગા હોય છે. તે રાજકારણમાં આ સ્થાન સુધી પહોંચ્યો છે એ સાધુ બનીને તો નથી જ આવી શક્યો. ધારાસભ્ય બનતા પહેલાં એના પણ બે સ્ત્રીઓ સાથે અંગત સંબંધ હતા એની ક્યાં કોઇને ખબર નથી? હં...તો શું રવિના હોય શકે? હા, બની શકે. રવિનાની રાજકારણમાં મહત્વાકાંક્ષાઓ વધી ગઇ છે. તે ધારાસભ્ય પદની ટિકિટના વાંચ્છું લોકોમાંથી એક છે. એવું પણ બને કે તે પોતાના શરીરનો ઉપયોગ કરીને અહીં સુધી આવી છે તો મને કોઇના શરીરનો ઉપયોગ કરીને નીચે પાડવા માગતી હોય. રવિનાએ પોતાને ફોન તો એક હિતેચ્છુ તરીકે કર્યો હતો. પણ એને એ વિડીયોમાં અર્ધનગ્ન દેખાતી સ્ત્રી કોણ છે એ જાણવાની ઉત્કંઠા હતી. વિડીયોમાં પોતે છે કે નહીં એ જાણવા નહીં પણ મને એ સ્ત્રી વિશે ખબર પડી કે નહીં એ જાણવા ફોન કર્યો હોય શકે? કદાચ તે મારો પ્રત્યાઘાત જાણવા માગતી હતી. પ્રશ્ન એ છે કે તેનો માણસ મારા ઘર સુધી- બેડરૂમ સુધી કેવી રીતે પહોંચી શકે? એ આટલું ગંદું રાજકારણ રમે એટલો અનુભવ મેળવી શકી નથી. રાજકારણનો કોઇ અઠંગ ખેલાડી રમત રમે એવું કામ તે કરી શકે એ વાતમાં માલ લાગતો નથી. છતાં એ શંકાથી પર તો થતી નથી.

એ દિવસે એક-બે કાર્યકરો મળવા આવ્યા હતા. હું આમતેમ ફોન પર વાત કરવા ગયો હોય ત્યારે ખુફિયા કેમેરો ફિટ કરી દીધો હોય એવું બને. કોઇને ખબર ના પડે એવા દિવાલ કે અન્ય જગ્યાએ કોઇ શોપીસની જેમ ચોંટી જતા કેમેરા મળે છે. એ દિવસે સુજાતાને બદલે ટીના મારા બેડરૂમમાં આવી હતી. તેનો મકસદ સુજાતા સાથેના મારા વિડીયોને અન્ય સ્ત્રી સાથેના વિડીયો તરીકે ખપાવી બદનામ કરવાનો હોય શકે. કેમેરા મુકનારને ખબર નહીં હોય કે સુજાતા સાથે હું ભાગ્યે જ બેડરૂમમાં 'પતિ' હોઉં છું. અમે કોઇ અજાણ્યા લોકોની જેમ રહેતા હોય છે. ટીના ભૂલથી કેમેરામાં ઝડપાઇ ગઇ હોય. કાશ! મેં મારા જ બંગલામાં કમ સે કમ ગેટ પાસે સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા હોત તો એ દિવસે આવેલા લોકોને જોઇને કોઇ અંદાજ બાંધી શકાત. હવે પહેલું કામ મારા બેડરૂમમાં વિડીયો ક્યાં ફિટ કરવામાં આવ્યો હતો એની તપાસ કરવી પડશે. પણ અત્યારે જવામાં જોખમ છે. પત્રકારો પાપારાઝીની જેમ મારો પીછો કરતા હોય શકે. રાત્રે ઘરે જવામાં જ સલામતિ છે.

વિચારોમાં જતિનને વધારે શરાબ પીવાથી ઊંઘ આવી ગઇ. કેટલા કલાક તે ઊંઘી ગયો એનો ખ્યાલ જ ના રહ્યો. સાંજ પડી ગઇ હતી. તેણે મોબાઇલમાં જોયું તો જનાર્દનના ચાર મિસકોલ હતા.

તેણે તરત જ જનાર્દનને ફોન લગાવ્યો. "હા, જનાર્દન, શું કામ હતું? મારી આંખ મીંચાઇ ગઇ હતી..."

"જતિન, આ જાગવાનો સમય છે. આંખ સામે અંધારા આવી જાય એવા સમાચાર છે. તારો જાહેર ફોન બંધ આવે છે અને આ નંબર ખાસ કોઇ પાસે નથી. મારા પર ઘણા લોકોના ફોન આવી ગયા છે. હું ક્યારનોય તારા આ ફોન પર રીંગ કરી રહ્યો હતો. સારું છે કે તે સામેથી મને ફોન કર્યો...." જનાર્દન ચિંતાના સૂરમાં વાત કરવા કરતાં સાવધાન કરવાના સૂરમાં વધારે બોલતો હતો.

જતિને ગભરાટ સાથે પૂછ્યું:"જનાર્દન, વાત શું છે? આવા ચિંતાભર્યા શબ્દો કેમ વાપરી રહ્યો છે? કોઇ મોટી સમસ્યા છે? કંઇ જાણવા મળ્યું કે આ વિડીયો કોણે પોસ્ટ કર્યો હતો? પક્ષમાંથી કોઇની કંઇ સૂચના નથી ને? કોઇનો ફોન આવ્યો છે?"

જનાર્દન ધીમા સ્વરે બોલ્યો:"જતિન, તારા આટલા બધા સવાલના જવાબ ગૂગલ પર શોધવાથી મળી જાય એવા નથી. હું જે વાત કરવા માગું છું એ ફોન પર કહેવાય એવી નથી. તને રૂબરૂ કહેવી પડે એમ છે. તું લાભાભાઇના ફ્લેટ પર જ છે ને? તો હું ત્યાં આવું છું..."

"હા, ફ્લેટ પર જ છું. હમણાં તો મોં છુપાવવું જ પડશે ને? વાત શું છે? કંઇક તો કહે..."

"ફોન પર વાત કરવામાં જોખમ છે. બની શકે કે આપણા ફોન કોઇ ટેપ કરાવતું હોય કે આપણા પર કોઇની વોચ હોય. હું અડધા કલાકમાં ત્યાં આવું છું. જમવાનું પણ લઇ આવું છું..."

"....ના-ના, જમવાનું ના લાવતો. ચા-નાસ્તા જેવું લાવજે. અત્યારે જમવાની ઇચ્છા નથી..."

"ઠીક છે." કહી જતિને ફોન મૂકી દીધો. પણ તેના દિલની ધડકન વધી ગઇ. જનાર્દન કોઇ બીજી મોંકાણના સમાચાર લઇને ના આવે તો સારું એમ વિચારી તે વોશરૂમમાં ગયો.

જનાર્દને આવીને ચા અને નાસ્તો કાઢવાનું શરૂ કર્યું. જતિને તેને અટકાવતા કહ્યું:"આ બધું પછી રાખ. પહેલાં એ કહે કે અગત્યના કોઇ ખબર છે? જ્યાં સુધી તું કઇ કહેશે નહીં ત્યાં સુધી મને ચાનો ઘૂંટડો પણ ગળે ઉતરશે નહીં..."

"એક કામ કર ગળે ફાંસો લગાવી લે...." એમ કહેવાનું જનાર્દનને મન થઇ ગયું. તે ગુસ્સો ગળીને બોલતો હોય એમ તેની આંખમાં આંખ નાખી બોલ્યો:"તારી આ કહેવાતી કરતૂતની સુજાતાભાભી પર શું અસર થઇ રહી હશે એની તેં કલ્પના કરી છે? કોઇ સ્ત્રીના પતિના વ્યભિચારનો ઢંઢેરો જાહેરમાં પીટાય ત્યારે એ કેવી મનોદશામાં હોય એનો તને ખ્યાલ છે? જે સ્ત્રી પતિને દેવતા માનતી હોય અને એ કામદેવતાનો પૂજારી નીકળે તો તેના દિલ પર શું વીતે એનું તને ભાન છે? પતિવ્રતા સુજાતાના દિલ પર જે વીતી રહી છે એની તને કલ્પના પણ નહીં હોય. સમાજમાં તારા લીધે કયું મોઢું બતાવવાનું રહે એના માટે....?"

"બસ, બસ....હવે ના જોયો હોય તો ભાભીનો લાડકો દિયર, વાત શું છે એ કહેને? આમ સુજાતા માટે ઇમોશનલ થઇને મારી ચિંતામાં વધારે ચિતા ના પ્રગટાવ..." કોઇ મહત્વના સમાચાર નહીં હોય એમ સમજી જતિને ચાનો કપ ભરી પીવા માટે હોઠ પર માંડ્યો. સુજાતાની વાત સાંભળી તે રિલેક્સ થઇ ગયો. સુજાતાની તેને ચિંતા ન હતી.

જતિનને નચિંત થતો જોઇ જનાર્દન સહેજ આક્રોશ સાથે બોલ્યો:"તું અહીં આરામથી બેઠો છે અને એણે શું પગલું ભર્યું છે એની તને ખબર છે?"

"શું....?" જતિનનો અવાજ ફાટી ગયો.

વધુ અગિયારમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.