રાજકારણની રાણી - ૧૧ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૧૧

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧

જતિનને સુજાતા તરફથી ક્યારેય કોઇ ભય ન હતો. તે માનતો હતો કે સુજાતા તેનાથી ડરે છે. તેણે પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનો ક્યારેય વિરોધ કર્યો નથી. જનાર્દન સુજાતા વિશે કંઇક કહેવા માગતો હતો. પણ જતિનને સુજાતા પર વિશ્વાસ હતો. પોતાના અંગત વિડીયોથી સુજાતા દુ:ખી થઇ શકે નહીં એવી તેની માન્યતા હતી. જનાર્દને જ્યારે તેણે કોઇ પગલું ભર્યું હોવાની વાત કરી ત્યારે જતિન ચોંકી ગયો.

"શું? શું પગલું ભર્યું?" જતિન સુજાતાનું પગલું જાણવા પૂછવા લાગ્યો.

જનાર્દન બે ક્ષણ માટે મૌન થઇ ગયો. જતિનની ઉત્સુક્તા વધી ગઇ. સુજાતાએ કોઇ ગંભીર પગલું ભર્યું હોય એવો ડર ઊભો થયો. સુજાતાએ આત્મહત્યા તો કરી લીધી નહીં હોય ને? એવો અમંગળ વિચાર ઝબકી ગયો. તેણે પોતાના મનને જ ટપાર્યું:"ના-ના, એ મારા વિશે આટલી સંવેદનશીલ નથી. તે મારો સ્વભાવ જાણે છે. મીડિયા ભલે એને અનૈતિક કહીને ચગાવવા માગે, તે ચલિત થાય એવી નથી."

જનાર્દન સહેજ ગંભીર થતાં બોલ્યો:"જતિન, તને કલ્પના નહીં હોય એવું પગલું સુજાતાભાભીએ ભર્યું છે..."

"અરે ભાઇ, આમ રહસ્ય બનાવી રાખ્યા વગર જે હોય તે કહી દે ને..." જતિન ખીજવાયો.

"ભાઇ, તું માને છે એવું આ સામાન્ય પગલું નથી. તેણે મહિલાઓના અધિકાર માટે એક મંડળની રચના કરવાની જાહેરાત કરી છે..." જનાર્દને વાતનો ફોડ પાડવાનું શરૂ કર્યું.

"અરે એમાં ચિંતા કરવા જેવું શું છે? થોડા મહિના પહેલાં એને મેં જ કહ્યું હતું કે તું સેવા કાર્યો માટે એક મંડળ બનાવીને અમારા પક્ષ માટે કંઇક પ્રવૃત્તિ કર, ખર્ચ હું આપીશ. ત્યારે એણે કહ્યું હતું કે મને એમાં રસ પડે એમ નથી. મેં એને સમજાવ્યું હતું કે તું મહિલા મંડળ રચીને સેવાકાર્યો કરીશ તો મારી નામના વધશે. મને રાજકારણમાં લાભ થશે. પણ એને શંકા હતી કે એ મહિલા મંડળની રૂપાળી સ્ત્રીઓ પર હું ડોળો રાખીશ એટલે તે તૈયાર થઇ ન હતી...!" કહી જતિન લુચ્ચુ હસ્યો.

"વાત તો સાચી જ છે ને! તે તારો ભમરા જેવો સ્વભાવ જાણે છે. પણ હવે સુજાતાભાભીએ જે મહિલા મંડળની રચના કરી છે એ "તારી" વિરુધ્ધ છે. ખુલ્લેઆમ તારી સામે મોરચો માંડ્યો છે..." જનાર્દન બોલીને જતિનના હાવભાવ નિરખવા લાગ્યો.

જતિન વાત સાંભળીને ચમકી ગયો. તેના ચહેરા પર જે નિશ્ચિંતતાના ભાવ હતા એમાં ડરનો ઓછોયો દેખાવા લાગ્યો. તે ભડકીને બોલ્યો:"શું વાત કરે છે? સુજાતાએ મારી...મારી વિરુધ્ધ મોરચો માંડ્યો છે? એ સા...ની હિંમત કેવી રીતે થઇ?"

"જતિન, તને ખબર છે કે અચાનક રાતોરાત કોઇ કંપનીના શેરના ભાવ ગગડી જાય તો તેની કિંમત કેટલી રહી જાય છે? તારી એવી જ સ્થિતિ થઇ છે. તેં કેટલીય સ્ત્રીઓ સાથે સુંવાળી રાતો માણી હશે પણ હવે તારી રાતોની ઊંઘ હરામ કરી નાખવાનું બીડું સુજાતાભાભીએ ઝડપ્યું હોય એવું ચિત્ર ઊભું થયું છે...."

"ચાલ હવે આમ-તેમ ગોળ-ગોળ વાત કર્યા વગર નક્કર વાત કર." જતિન હિંમત ભેગી કરતાં બોલ્યો. તેનો બધો નશો ઊતરી ગયો હતો.

"તો સાંભળ. સુજાતાભાભીએ થોડા કલાક પહેલાં જ "મહિલા શક્તિ મંડળ" ની રચના કરી છે. અને જાહેરાત કરી છે કે તે...બરાબર સાંભળજે, તે પોતાના પતિના કરતૂતો વિરુધ્ધ આંદોલન કરશે. જે સ્ત્રીઓનું શોષણ થયું હશે એને ન્યાય અપાવશે. મારા પતિએ કોઇ સ્ત્રીને પ્રતાડિત કરી હોય તો તે મારી મદદ લઇ શકે છે. એનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જતિનનો જે વીડિયો વાયરલ થયો છે એમાંની સ્ત્રીને પણ તે ન્યાય અપાવશે. અને આજથી હું જતિનને પતિ માનતી નથી. હું છૂટાછેડા માટે અરજી કરવાની છું. આ રીતે જતિન મારી પીઠ પાછળ રંગરેલિયા મનાવતો હોય કે સ્ત્રીઓનું જાતિય શોષણ કરતો હોય તો એ જે રાજકીય પક્ષ માટે કામ કરે છે એના માટે શરમજનક કહેવાય. જતિને પક્ષનું નામ ખરડી નાખ્યું છે. હું 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ને વિનંતી કરું છું કે જતિનનું નામ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રદ કરવામાં આવે. હું પક્ષની પ્રાથમિક સભ્ય છું અને પક્ષમાં લંપટ જેવા કોઇપણ કાર્યકરને સ્થાન ના હોય એવી અપેક્ષા રાખું છું...." જનાર્દન આગળ બોલવા જતો હતો એને અટકાવીને જતિન કહે:"સુજાતા આવી વાતો કરવા લાગી છે? કોઇ રાજકારણીની જેમ? મને તો લાગે છે કે આપણા જ પક્ષના કોઇનો એને સાથ છે. રતિલાલની આ રમત તો નહીં હોય ને?"

"જતિન, એ બધી મને ખબર નથી. પણ મીડિયામાં જે ઝડપથી સુજાતાભાભીએ તારા વિરુધ્ધ મોરચો શરૂ કર્યો છે એ પરથી લાગે છે કે ઘણા સમયનો તારી સામેનો ગુસ્સો બહાર કાઢી રહ્યા છે..." જનાર્દન કોઇ પરિણામ પર આવતો હોય એમ બોલ્યો.

"અરે કોઇપણ પત્નીને પોતાના પતિ વિરુધ્ધ કંઇને કંઇ ફરિયાદ કે અસંતોષ હોય છે. તેણે રાજકારણમાં આવવાની કોઇ વખત ઇચ્છા વ્યકત કરી હતી. મેં જ એને નગ્ન સત્ય કહ્યું હતું કે આ રાજકારણ ગંદું છે. એમાં તારા જેવાએ આવવાની જરૂર નથી. એ સમજી ગઇ હતી. પછી આ બધું કેમ બની રહ્યું છે?" જતિનને સુજાતાની વર્તણૂક સમજાતી ન હતી.

"એ જે હોય તે હવે તારે શું કરવું છે એ કહે..." જનાર્દન જતિનથી કંટાળ્યો હોય એમ બોલ્યો.

"મને જ સમજાતું નથી..." કહી જતિન સોફામાં ફસડાઇ પડ્યો હોય એમ બેઠો. તેના મનમાં તોફાન ઊભું થયું હતું. સુજાતાને અચાનક આ શું સૂઝ્યું છે? મારી સામે મોરચો માંડવાની કેમ જરૂર પડી? કોણ છે એની પાછળ? મને રાજકારણમાંથી દૂર કરવાની આ કોની ચાલ છે? એક અર્થ એવો થયો કે ઘણા દિવસથી આ બધું રંધાતું હશે? પોતે કેમ આટલો કાચો પડયો? સુજાતામાં રાતોરાત એવી કેવી શક્તિ આવી ગઇ કે તે મારી વિરુધ્ધ મીડિયામાં બોલવા ઊભી થઇ ગઇ. નક્કી રતિલાલ અને તેની છોકરીની આ ચાલ છે.

જતિનને માથામાં વીંઝાતા સવાલોના કોઇ ઉત્તર મળી રહ્યા ન હતા. ત્યાં મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું તો પાટનગરથી લેન્ડલાઇન પરથી કોઇનો ફોન છે. તે સોફામાંથી ઊભો થઇ ગયો. તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. નક્કી પક્ષની ઓફિસમાંથી ફોન છે. પોતે શું જવાબ આપશે?

મોબાઇલની રીંગ પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે તેણે ફોન ઉપાડ્યો અને ધીમેથી બોલ્યો:"હલો...કોણ?"

"મિ. જતિન, પક્ષના રાજ્ય પ્રમુખ વાંકાણી બોલું છું. તમારી રાસલીલાના સમાચાર છેક પાટનગર સુધી પહોંચી ગયા છે. અને આ સુજાતા તમારી ઘરવાળી આખા ગામમાં તમારા નામનો ઢંઢેરો પીટી રહી છે. ત્યાંના સાંસદ અને ધારાસભ્યની ચૂંટણી નજીક છે ત્યારે આ ભવાડો શું માંડ્યો છે? તમને ખબર છે? પક્ષની આબરૂને કેટલું નુકસાન થઇ રહ્યું છે? તમારા આ ધતિંગને લીધે અમારે બેઠકો ગુમાવવી નથી. તમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે..."

જતિન હોંકારો ભણે કે કંઇક દલીલ કરે એ પહેલાં તો ફોન મૂકાઇ ગયો. તેને ખુલાસો કરવાની તક અપાઇ ન હતી.

"જતિન, કોનો ફોન હતો? આમ સૂનમૂન કેમ થઇ ગયો છે?" જનાર્દને ચિંતાથી પૂછ્યું.

"જનાર્દન, મને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે..." જતિન રડમસ અવાજે બોલ્યો.

જનાર્દન નવાઇથી એને જોઇ રહ્યો. કેટલા વર્ષોની રાજકીય કારકિર્દીનો એક જ ઝાટકે અંત આવી ગયો? એ વિચારવા લાગ્યો. એણે કેવા કેવા સપનાં જોયા હતા. હજુ ગઇકાલ સુધી તો ધારાસભ્ય પદની ટિકિટ માટે તે દાવેદારી નોંધાવી રહ્યો હતો. મોં સુધી આવીને કોળિયો છિનવાઇ ગયા જેવી હાલત હતી. રાજકારણમાં માઇલસ્ટોન ઊભો કરવાની ખેવના રાખનારો આ માણસ આજે જાણે રસ્તામાં પડેલો કિંમત વગરનો પથરો બની ગયો હતો. કોઇપણ માણસ માટે આટલો મોટો આઘાત સહન કરવાનું સરળ ન હતું. જનાર્દને જોયું કે જતિન ભાંગી પડ્યો હતો.

જનાર્દન અને જતિન ચૂપચાપ બેઠા હતા. આ પરિસ્થિતિમાં કોઇ માર્ગ દેખાતો ન હતો. ત્યાં જતિનના મોબાઇલની રીંગ વાગી. જતિનને હવે કોઇની સાથે વાત કરવામાં રસ ન હતો. તેણે મોબાઇલની સ્ક્રીન પર નજર નાખી તો નંબર જાણીતો લાગ્યો. અચાનક તેની આંખ ચમકી. કદાચ રતિલાલ તો નહીં હોય ને? દાઝ્યા પર નમક નાખવાની એમને મજા આવે છે. મને નીચો પાડવા જ ફોન કર્યો લાગે છે. જતિને એકાએક કંઇક વિચાર્યું. તે રતિલાલને ઘણું બધું સંભળાવી દેવા માગતો હતો. તેણે ફોન ઊંચકીને "હલો..." કહ્યું એટલે રતિલાલે શાંત સ્વરે "નમસ્કાર જતિન! હું રતિલાલ..." કહી તેના પ્રતિભાવની રાહ જોઇ.

"બોલો સાહેબ!" જતિન વ્યંગમાં બોલ્યો.

"ભાઇ, તારા વિશે ચાલતી વાતો જાણીને ફોન કર્યો છે. પાટનગરથી ફોન હતો કે જતિનને પક્ષના કાર્યાલયમાં પ્રવેશ આપવો નહીં. મને કલ્પના ન હતી કે પક્ષ આટલું ઝડપી પગલું લેશે...."

"તમારા જેવા 'હિતેચ્છુઓ' હોય પછી જોવાનું જ શું..." જતિન વધારે વ્યંગમાં બોલવા લાગ્યો.

"જતિન, તને મારા પર શંકા જતી હોય તો કહી દઉં કે આ પ્રકરણમાં મારો કોઇ હાથ નથી. હું તો તને સામે ચાલીને સાંસદની ટિકિટ માટે કહેવા આવ્યો હતો. હું તારું બૂરું ચાહતો નથી...."

"તમે ખરેખર જ સારું ઇચ્છો છો તો પછી બૂરું કોણ ઇચ્છી રહ્યું છે? મારી પત્નીના કાન કોણ ભરી રહ્યું છે? મારી સામે જ એને મોહરુ બનાવીને ઉતારનાર રાજકારણનો અઠંગ ખેલાડી જ હોય શકે ને?"

"જો જતિન, તારી કોઇ ગેરસમજ થતી લાગે છે. મને તારા અંગત જીવન સાથે ક્યારેય કોઇ લેવાદેવા ન હતી. હું તને પક્ષના એક મહેનતુ કાર્યકર તરીકે જ ઓળખતો રહ્યો છું. મેં પાટનગરમાં ફોન કરીને તને એક તક આપવાની વિનંતી કરી છે. સાચું ના લાગતું હોય તો પૂછી જો.... પણ એમની પાસે ખરાબ રીપોર્ટ પહોંચેલા છે. તારી એવી કુંડળી એમની પાસે પહોંચી છે કે મને બીક લાગે છે. તને સાવચેત કરવા જ મેં ફોન કર્યો છે. મારી સલાહ છે કે તું થોડા સમય માટે અંડરગ્રાઉન્ડ થઇ જા...."

"હું તમારી વાત પર કેવી રીતે વિશ્વાસ કરું?"

"તું પાટનગર ફોન કરીને પૂછી જ શકે છે. અને પોલીસમાં પણ પૂછી લે કે મેં તારા પર કોઇ આંચ ના આવે એવી ભલામણ કરી છે કે નહીં? તેં પક્ષ માટે કેટલું કામ કર્યું છે એની મને ખબર છે. તેનું આવું ફળ ના મળવું જોઇએ...."

"ઠીક છે. હું વિચારીશ. તમારો આભાર!" કહી જતિને ફોન મૂકી દીધો.

જતિનને થયું કે રતિલાલ પણ મારી વિરુધ્ધ નથી તો એ કોણ છે જે મારું સત્યાનાશ કરવા પર છે? સુજાતાને ભોળવીને મારા વિરુધ્ધ હથિયાર બનાવીને કોણ વાપરી રહ્યું છે?

વધુ બારમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.