chhello samay books and stories free download online pdf in Gujarati

છેલ્લો સમય


"સર બહાર એક પેશન્ટ આવ્યું છે એને એવું લાગે છે કે તેને કોરોના હોઈ શકે છે." નર્સે ડોક્ટર પાસે આવતા કહ્યું.

"હા તો એનો રિપોર્ટ કરાવવા મોકલી દો. કાલે સવાર સુધીમાં આવી જશે એટલે આપોઆપ ખબર પડી જશે."

*******************

"સર કાલે જે પેશન્ટ હતો શંકાસ્પદ કોરોના એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એને આઇસોલેશન વોર્ડમાં મોકલ્યો છે પણ તેને જ્યારથી ખબર પડી ત્યારનો રોયા જ કરે છે. નાસ્તો મોકલાવ્યો તોય ખાવાની ના પાડી દીધી છે." નર્સે ડોક્ટરને રિપોર્ટ ધરતા કહ્યું.

"સારુ હું હમણાં જ જોઉં છું. પછી તો ટાઈમ જ નહીં મળે." ડોક્ટર માર્મિક જોશી પોતાનું લંચબોક્સ પાછું અંદર મૂકતા બોલ્યા.

ડોક્ટર માર્મિક એ વ્યક્તિના આઇસોલેશન વોર્ડ 12માં જાય છે. તેમણે રૂમમાં પ્રવેશીને આસપાસ નજર કરી તો એ વ્યક્તિ ક્યાંય ના દેખાયો. તેમણે અંદર આવીને જોયું તો તે વ્યક્તિ લાંબા પડદા પાછળની બારી પાસે ઉભો ઉભો ધ્રુસકે ને ધ્રુસકે રોઈ રહ્યો હતો. ડોક્ટર માર્મિક તેની પાસે આવ્યા અને તેને ઉદ્દેશીને બોલ્યા,

"કોરોનાથી ડરવાની જરૂર નથી. તમારી યોગ્ય સારવાર થશે તો તમે બચી જશો." ડોક્ટર માર્મિકનો અવાજ તે વ્યક્તિને જાણીતો લાગ્યો. તે વ્યક્તિ ફરી તો ડોક્ટર માર્મિક સંપૂર્ણ પીપીસી કીટમાં હતા. તેને જોઈને ડોક્ટર માર્મિક ચોંકી ગયા. તેમની નજર સમક્ષ તેમનો દસ વર્ષ પહેલાનો ભૂતકાળ આંખોના અમીપટ પર છવાઈ ગયો.

"તમારો અવાજ જાણીતો લાગે છે મને. આપનું નામ શું છે??" તે વ્યક્તિએ ડોક્ટર માર્મિક સામું જોતા પૂછ્યું.

"હું ડોક્ટર ધાર્મિક છું. આપની સારવાર હું જ કરવાનો છું. હું તો તમને પ્રથમવાર જોઈ રહ્યો છું તો ક્યાંથી જાણીતો હોઉં. મિસ્ટર આલેખ" માર્મિકે પોતાના આંખોના ખૂણા ભીના થતા અનુભવ્યા.

"મને જીવવું જ નથી. એમ પણ મારા કરેલા કર્મોની સજા જ હવે હું ભોગવી રહ્યો છું. કોરોના ભગવાને મને હાથે કરીને આપ્યો છે જેથી હું હવે મારા પાપોનો અંત કરું." આલેખે બારીની બહાર નજર નાખતા કહ્યું.

"એવું ન હોય આલેખજી. કોરોના આવ્યો જ હોય એટલે તમારું મૃત્યુ થઇ જાય એવું નક્કી નથી હોતું. યોગ્ય સારવાર મળે તો તમે જલ્દી જ સાજા થઇ જશો અને તમારી ફેમિલી સાથે જઈ શકશો."

આલેખ મંદ મંદ બનાવટી મુસ્કુરાયો.
" 'ફેમિલી'.... ફેમિલી હોવી તો જોઈએ ને.. જીવવું તોય કોના માટે!!" આલેખ ઊંડો નિસાસો નાખતા બોલ્યો.

"હા, તો કોઈ સગા કે કોઈ મિત્ર પણ તો હોય ને.હું નથી માનતો કે આ દુનિયામાં એક પણ વ્યક્તિને કોઈ ચાહવાવાળું ના હોય." માર્મિક મિત્ર શબ્દ પર ભાર આપતાં બોલ્યો.

" 'મિત્ર'.... હતો મારો એક મિત્ર. તમારા જેવો જ અવાજ હતો એનો. એ મિત્ર નહીં પણ મારો જીવ હતો. તેની માટે હું જીવ આપવા પણ તૈયાર હતો અને જીવ લેવા પણ. ' આલેખે ભૂતકાળના શમણાં યાદ કરતા કહ્યું.

"તો પછી હવે એ તમારો મિત્ર નથી??" માર્મિકે ગળામાં ડૂમો દબાવીને પૂછ્યું.

"ક્યાંથી હોય... !! એની જિંદગી વ્હાલી કરવા તો હું જેલ કાપી આવ્યો. બહાર આવ્યો ત્યારે એણે દુનિયા સમક્ષ મને ઓળખવાની જ ના પાડી દીધી. એણે એવું કેમ કર્યું હશે?? મેં એણે કરેલ ગુનાને મારા માથા પર લઇ લીધો અને એણે મને તેના મગજમાંથી જ કાઢી મુક્યો." આલેખે પણ આંખના ખૂણા લૂછતાં જવાબ આપ્યો.

"કદાચ તમારા એ મિત્રની કોઈ મજબૂરી પણ તો હોઈ શકે. તમે જેવું વિચારો છો એ પૂર્ણ સત્ય ન પણ હોઈ શકે !!" માર્મિક આંસુને માંડ રોકતા બોલ્યો.

"હવે મને આ જીવનમાં કંઈજ રસ નથી. મેં તો મારી મિત્રફરજ બજાવી હતી. તેણે ના બજાવી તો કાંઈ નહીં. મારો જવાનો સમય એમ પણ આવી ચુક્યો છે." આલેખે જોરથી ખોંખારો કાઢતા કહ્યું.

"તમને કંઈજ નહીં થાય. તમે આ બેડ પર સુઈ જાઓ. તમારે વેન્ટિલેટરની સખત જરૂર છે. તમે સાજા થશો એટલે હું તમારા એ મિત્રના દરેક સવાલના જવાબ આપીશ. પ્લીઝ હું તમને હાથ જોડું છું. સારવાર કરવા માટે રાજી થાઓ." માર્મિકે હાથ જોડતા આલેખ સામું આશભરી નજરે જોયું.

આલેખ ડોક્ટરના આ વર્તનને લીધે બેડ પર લંબાયો. બેડ પર સુતા સુતા તેણે ડોક્ટરને છેલ્લો પ્રશ્ન કર્યો.

"ડોક્ટર હું મરી જઉં તો તમે કોઈને પણ જાણ ના કરતા. મારા મિત્ર ને તો બિલકુલ પણ નહીં. હું એને તૂટતાં નહીં જોઈ શકું.મારા મોતનો જશ્ન મનાવે એવો કઠોર હૃદયનો બિલકુલ નથી એ." આટલું કહીને આલેખે પોતાના ચહેરા પર વેન્ટિલેટર ચઢાવ્યું.

ડોક્ટર માર્મિક પીપીસી કીટમાં પોતાનો ચહેરો છુપાવતા ત્યાંથી બહાર આવી ગયા.

કેટલીય વાર સુધી તેઓ પોતાની કેબિનમાં બેસીને રોતા રહ્યા.

"મારા મિત્ર મને માફ કરી દે. મારા લીધે જ તારી આવી હાલત થઇ છે. હું મારી જાતને કયારેય માફ નહીં કરી શકું. તે રાતે ખૂન દારૂના નશામાં મારાથી થયું હતું પણ તે મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું ન રહે એટલે તું પોતે ગુનેગાર બની ગયો. જયારે તું પાછો આવ્યો ત્યારે મારી પત્ની માઁ બનવાની હતી અને તારી પાછળ ઇન્સ્પેક્ટર રાવતને શક હતો કે તું ખૂની નહોતો એટલે તેઓ પણ દરવાજા પાસે ઉભા રહીને આપણી વાતો સાંભળી રહ્યા હતા. એટલા માટે હું ખોટું બોલ્યો. ત્યારબાદ સમયના ભાગદોડમાં તારી પાસે આવવાનો અવસર જ ના મળ્યો દોસ્ત એના માટે હું દિલગીર છું, પણ હું તને કાંઈ પણ નહીં થવા દઉં." આટલું બોલીને ડોક્ટર માર્મિક આલેખ પાસે આવ્યા.

આલેખની તબિયત વધુ બગડતી જતી હતી. ડોક્ટર અને નર્સ તેની સારવાર કરવામાં ઝુંટી ગયા. આલેખ પર વેન્ટિલેટરની પર કંઈજ અસર નહોતી થતી.

"ડો.. ડોક્ટર મારો મરવાનો સ..સમય આવી ગયો છે. મને જવા દો. ખોટી મહેનત ના કરશો." આલેખ શ્વાસ ચઢતા માંડ માંડ આટલું બોલી શક્યો.

"ચૂપ થઇ જા હરામી.. હું તને મારાથી દૂર નહીં જવા દઉં." ડોક્ટર માર્મિક પોતાના ચહેરાને દૂર કરીને આલેખ સામું અશ્રુભીની આંખે બોલ્યા.

આલેખ સ્તબ્ધ થઇ ગયો. તેના પોતાના મિત્રને આ વેશમાં જોઈને તેનું મગજ ઘડીક તો સુન્ન પડી ગયું.

"માર્મિક તું?? કેમ મિત્ર...નિયતિ પણ કેવી રમત રમી નહીં!! આટલા વર્ષો તારાથી દૂર રહ્યો અને હવે અંતિમ સમયમાં તારા સાનિધ્યમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું." આલેખને બોલવામાં ખૂબજ તકલીફ પડતી હતી.

"મારી મજબૂરી હતી દોસ્ત. તારા માટે તો હું પણ જીવ આપવા તૈયાર છું હવે." માર્મિક ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો.

"ના, મિત્ર... તું જીવ નહીં આપે...!! તારે લોકોના જીવ બચાવવાના છે તો જ મારી આત્માને શાંતિ મળશે." આલેખ માંડ શ્વાસ ઉધાર લેવાના ચક્કરે બોલી ઉઠ્યો.

"તને પણ હું બચવીને જ રહીશ.. " માર્મિક ચીસો પાડતા બોલી ઉઠ્યો.

આલેખે પોતાના કાંડા પર ઘડિયાળ દેખાડી જે બંધ થઇ રહી હતી. માર્મિક પોતાની આપેલ એ છેલ્લી ભેટને જોઈને ચીસ પાડી ઉઠ્યો. તેનું કરુણ રુદન જોઈને હોસ્પિટલના દરેક સ્ટાફની આંખોમાં આંસુઓ નીકળી રહ્યા હતા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED