Dahej books and stories free download online pdf in Gujarati

દહેજ

દિયા નામ હતું એનું, અમારા પાડોશમાં જ રહેતી, એકદમ ચંચળ સ્વભાવની અને ભોળી ભટ્ટ હતી, ઉંમર એની 11 વર્ષ હતી પણ વાતો જાણે ભારતની પ્રધાનમંત્રી હોય એમ એવી મોટી મોટી કરતી, દિયા અને મારો દીકરો ધ્યાન બંને સરખી ઉંમરનાજ હતા, એકજ સ્કૂલમાં જોડે હોવાથી દિયા અવારનવાર અમારા ઘેર આવતી, ધ્યાનને દિયાનું પાગલપન નહોતું ગમતું, એ કોઈજ વાતને સિરિયસ લેતી જ નહોતી, એના મમ્મી પપ્પા એ બહુજ લાડકોડમાં ઉછેરી હતી એમાં પણ એકની એક જ એટલે વધારે પ્રેમ મળ્યો હતો એને જીવનમાં, એક વાર દિયા મારા ઘેર આવી, મને ધ્યાન વિશે કહેવા લાગી કે, 'આંટી આ ધ્યાનને કહેજો કે દુનિયામાં વૈજ્ઞાનિકોની કમી નથી, આખો દિવસ બસ કંઈક ને કંઈક કરતોજ હોય છે પ્રયોગશાળામાં, અને હું જઉ એની પાસે તો મને કાંઈજ નથી શીખવાડતો હુંહહ '
મેં કહ્યું, ' સારુ બેટા હું એને સમજાવીશ કે એ તને શીખવાડે હો '
દિયા બોલી, ' તમે બહુજ સરસ છો આંટી, જોજો તમારા ઘેર તમારી વહુ આવશે ને એ બહુજ સુખી થશે, ઓલા કીર્તિબેનના ઘેર ખબર છે બિચારી શીલાભાભી ને બહુજ હેરાન કરે છે, '
દિયાની આવી પંચાતવાળી વાતો સાંભળીને મનમાં તો ખુબ જ હસુ આવ્યું પછી મેં એને મજાકમાં હસતા હસતા કીધું, ' એક કામ કર ને તો તું જ આવી જજે મારા ઘરે મારી વહુ બનીને?' !!
દિયા ઘડીક તો ગંભીર થઈ અને પછી કંઈક વિચારતી હોય એમ બોલી, ' આંટી મારે તો લગન જ નથી કરવા, હું તો બસ મમ્મી અને પપ્પા જોડે જલસા કરીશ, પણ એમને મૂકીને નહીં જઉ ક્યાંય પણ '
એની આવી મોટી મોટી વાતો સાંભળીને મેં વાત ફેરવી લીધી એ દિવસે તો...
રાતે ધ્યાનને કહ્યું કે એ દિયાને ભણવામાં મદદ કરે, તો ધ્યાને હસતા હસતા કહ્યું, ' મમ્મી એ ખિસકોલીને બસ મસ્તી જ કરતા આવડે છે એનામાં કોઈજ પ્રકારની સેન્સ જ નથી, આખો દિવસ હી હી હી હી કરતી હોય છે '
મેં કહ્યું, ' એવુ ના બોલાય બેટા, પછી કયારેક તને એની આવીજ મસ્તી યાદ આવશે '
પછી તો સમય પસાર થતો ગયો અને જાણે દિયાના જીવનમાં વાવાજોડું આવ્યું,
દિયાની મમ્મીને છાતીનું કેન્સર થયું, અને જયારે ખબર પડી ત્યારે બહુજ મોડું થઇ ચૂક્યું હતું,
આપણા સમાજમાં સ્ત્રીઓની આ જ તકલીફ છે, કંઈક નાનું અમથું દુખે તો એને અવગણવું સારી વાત છે પણ જયારે એ દુખાવો સતત રહેવા લાગે તો તપાસ કરવીજ જોઈએ, સહન કરવું અલગ વસ્તુ છે અને સહનશીલ બનવું અલગ...
દિયાની મમ્મીમાં આ સમજણ આવતા ઘણું મોડું થઇ ગયું હતું, અને બીમારીના 6 મહિના બાદ એમનું અવસાન થઇ ગયું,
હસતી -રમતી દિયા હવે એક જવાબદાર દીકરી બની ગઈ હતી, સમયનો ખેલ પણ કેવો હોય નહીં??
માણસને ક્યાંથી ક્યાં લાવી મૂકે...
જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એની એકમાત્ર દવા સમય જ હોય છે....
દિયાની મમ્મીના અવસાન બાદ મેં દિયાને પહેલા જેવી કયારેય ના જોઈ, દિયાના પપ્પા પણ એક માઁ બનીને પોતાની વ્હાલીને સાચવતા હતા, પણ કહેવાય છે ને કે ઘોડે ચઢતો બાપ મરજો, પરંતુ દરણા દળતી માઁ ન મરજો, એટલે દિયાના જીવનમાં માઁ ની કમી એના પપ્પા કે અમારા જેવા બીજા પડોસીઓ પણ ના પૂરી કરી શક્યા....
સમય પણ જાણે વહેતો ગયો, ધ્યાન લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો છે, દિયા પણ એમબીએમાં અભ્યાસ કરી રહી છે, દિયા અને ધ્યાન બેઉ સારા મિત્રો બની ગયા છે બાળપણ કરતા....
આમજ દિયા એકવાર ફરી મારા ઘરે આવી હતી,
દિયા : કેમ છો આંટી??
મેં કહ્યું, ' બસ મજામાં, બોલ આજે કેમ ભૂલી પડી આ ઘરે?? '
દિયાએ કહ્યું, ' આંટી એમબીએ પૂરું થઇ ગયું અને મને જોબ મળી ગઈ સરસ, પપ્પાને ફોન કર્યો પણ તેઓ સાંજે આવશે એટલે કોઈકની સાથે શેર કરવું હતું એટલે અહીં આવી ગઈ તમારી પાસે '
મેં કહ્યું, ' આ તો બહુ સરસ કામ કર્યું બેટા, તો હવે જોબ કેટલો ટાઈમ કરવાની છે તારે?? '
દિયાને જાણે મેં બહુ અઘરો સવાલ પૂછ્યો હોય એમ બોલી, ' કેટલો ટાઈમ એટલે?? આખી ઝીંદગી કરવાની....
મેં કહ્યું, 'કેમ?? લગ્ન નથી કરવાના તારે??
દિયા જાણતી હતી કે આ વખતે હું એને મજાકમાં નથી પૂછી રહી એણે પણ એ જ નિખાલસતાથી જવાબ આપ્યો, ' આંટી, લગ્ન વિરોધી હું નથી પણ હા પપ્પાનું મારા સિવાય કોઈ નથી આ દુનિયામાં, એમને આમ એકલા મૂકીને મારાથી નવી ઝીંદગી શરુ નહીં થાય' પછી એકદમ હસતા હસતા કહેવા લાગી, 'હા જો પપ્પાને દહેજમાં લઇ જઉ અને સામેવાળા ને મંજુર હોય તો કંઈક વિચારું??
હું પણ હસવા લાગી એને હસતી રાખવા પણ મારા આંખના ખૂણા જરૂર ભીના થઇ ગયા હતા...
2 વર્ષ બાદ ધ્યાન પણ ડૉક્ટર બનીને આવ્યો અને એના આવ્યાના 2 દિવસ બાદ રાતે એ મારી સાથે એની કોલેજની ને બધી વાતો કરતો હતો, એમ પણ અમે બે સંબંધમાં માઁ દીકરો ઓછા અને મિત્રો વધારે સારા હતા,
મેં હસતા હસતા ધ્યાનને કહ્યું, ' ત્યાં ખાલી તારી ડિગ્રી જ લીધી કે કોઈ ભૂરીને પણ ફેરવી??
ધ્યાનએ શરમાતા કહ્યું, 'શું મમ્મી? !! તું પણ, ભણવા જ ગયો હતો, છોકરીઓ ફેરવવા નહીં અને એમ પણ મારા દિલમાં એક છોકરી વર્ષોથી ફીટ થઇ જ ગઈ છે પણ એને કયારેય જણાવ્યું નહોતું હવે એ સમય આવી ગયો છે કે એને હું મારા દિલની વાત કહી જ નાખું '
બીજા દિવસે ધ્યાન દિયાના ઘરે જાય છે, રવિવાર હોવાથી દિયા ઘરનું કામકાજ કરતી હોય છે, ધ્યાન આવે છે એટલે દિયા પણ ધ્યાન અને એના પપ્પા સાથે બેસે છે વાતો કરવા,
ધ્યાન પછી એકદમ સ્વસ્થ થઈને કહે છે, ' જુઓ અંકલ હું જાણું છું કે તમે દિયાને કેટલો પ્રેમ કરો છો? !! હું એવું તો નહીં કહી શકું કે હું તમારાથી વધારે પ્રેમ કરું છું પણ હા એવું ચોક્કસ કહીશ કે આખી ઝીંદગી દિયાને ખુબજ પ્રેમ કરતો રહીશ, જ્યારથી સોનલઆંટી ની ડેથ થઇ ત્યારથી દિયામાં આવેલા પરિવર્તને મને એના તરફ આકર્ષવાનું કારણ આપ્યું હતું, મારે મારી પહેલાવાળી દિયા જ પાછી જોઈએ છે, અને હા દિયા હું તને પ્રેમ કરું છું તો તારે પણ મને કરવોજ પડશે એવું હું નહીં કહું, પણ હા તારા પપ્પાને સાચવવાની જવાબદારી હું બહુ સારી રીતે નિભાવીશ.... આઈ લવ યુ સો મચ....
દિયાને કાંઈજ નહોતું સૂઝતું કે એ ધ્યાનના અચાનક થયેલ પ્રપોઝલનો શું જવાબ આપે? !!
છેવટે દિયાએ એના પપ્પા સામું જોયું અને એમની આંખોના ઈશારાને સમજી ને બોલી, ' આઈ લવ યુ ટુ ધ્યાન... આજથી નહીં પણ બાળપણથી....પણ દહેજમાં....
ધ્યાને એની વાત કાપતા જ કહ્યું, ' હા મેડમ ખબર છે હો... '
મને મારી પહેલાવાળી દિયા પાછી મળી ગઈ પણ એક નવા સંબંધે, 'દીકરી 'ના...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED