સુંદરી - પ્રકરણ ૧૩ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૧૩

તેર

“એટલે એમ દીકરા, કે જો લાંબા સમય વીત્યા પછી પણ તારી સુંદરી પ્રત્યે પ્રેમની લાગણી જળવાઈ રહે તો તને તો એના પ્રત્યે આકર્ષણ નહીં પરંતુ પ્રેમ જ છે એ સાબિત થઇ જશે પણ શું એનાથી તને સુંદરીનો પ્રેમ મળશે ખરો?” કિશનરાજે વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું.

“તો પછી હું શું કરું?” વરુણને કિશનરાજના સવાલનો મતલબ સમજાતા સ્વાભાવિક પ્રશ્ન કર્યો.

“જો વરુણ, પ્રેમ શબ્દની વ્યાખ્યા બહુ વિશાળ છે. પણ જો હું તેને સરળ કરી દઉં તો, તમે કોઈને પ્રેમ કરો તો એ વ્યક્તિ પણ તમને પ્રેમ કરે જ એ જરૂરી નથી. તારી અત્યારની જ પોઝીશનની જો વાત કરું તો એ ખરેખર આકર્ષણ નહીં પરંતુ પ્રેમ છે તો એ અત્યારે એકપક્ષીય પ્રેમ છે. હું તને ડરાવતો નથી પરંતુ એવું બને કે સુંદરીને તારા પ્રત્યે પ્રેમની કોઈજ લાગણી ન પણ થાય જેની શક્યતાઓ નવ્વાણું ટકા છે, તો તારો એકપક્ષીય પ્રેમ છેવટે તો પ્રેમ જ કહેવાશે.” કિશનરાજે સ્પષ્ટતા કરી.

“હમમ...” વરુણે નિરાશાજનક સૂર કાઢ્યો.

“જો નાસીપાસ થવાની જરૂર નથી, ખાસ કરીને અત્યારે જ્યારે તને ખબર જ નથી કે આ પ્રેમ છે કે નહીં. હું ફક્ત તને માનસિક રીતે તૈયાર કરી રહ્યો છું જેથી તને ધક્કો ન લાગે. અત્યારના સંજોગોમાં તારા માટે મારી સાચી સલાહ એ જ હોઈ શકે કે વેઇટ એન્ડ વોચ. જેમ મેં તને કહ્યું કે અમુક અઠવાડિયા પછી પણ તારી આ લાગણી જળવાઈ રહે તો તને પ્રેમ છે એ પાક્કું થઇ જશે. પછી શું કરવું એના વિષે આપણે ફરીથી મળીશું? બરોબર?” કિશનરાજે હસીને વરુણને કહ્યું.

“હા અંકલ. હું બરોબર સમજી ગયો. અને જ્યાં સુધી ધક્કો લાગવાની વાત કરી તો હું અત્યારથી જ માનસિક તૈયારી કરવા લાગીશ જેથી કોઇપણ પ્રકારની ઘટના માટે હું તૈયાર રહું.” વરુણે પણ સ્મિત સાથે જવાબ આપ્યો.

“ધેટ્સ ધ સ્પિરિટ! અને બીજું, તારું જીવન હજી શરુ થાય છે, પ્રેમના આવા ધક્કા તો હજી ઘણા લાગશે અને એ પણ કદાચ જ્યાં સુધી તું સેટલ નહીં થાય ત્યાં સુધી. એટલે જવાન લડતા રહો. અને હા, આ બધામાં તારા મમ્મી-પપ્પા, તારી બહેન, તારા મિત્રોને તારા કારણે કોઈ તકલીફ એટલેકે માનસિક તાણમાંથી પસાર ન થવું પડે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. પ્રેમ એક પ્રકારે જવાબદારી પણ છે અને એ પણ એવી જવાબદારી જે એક જ વ્યક્તિ સામુહિકરીતે નિભાવે છે.” કિશનરાજે વરુણનો ખભો થાબડતા કહ્યું.

“અને તારી બહેનમાં હું પણ આવી ગઈ હોં ભઈલા? મને પણ તારે દુઃખ નથી આપવાનું.” સોનલબાએ મશ્કરી કરતાં કહ્યું.

“અને માતા-પિતામાં નહીં તો કુટુંબી તરીકે મારું પણ ધ્યાન રાખવાનું છે વરુણ.” કિશનરાજની આંખો ફરીથી ભીની થઇ.

“ચોક્કસ, આઈ પ્રોમિસ. હું એવું કોઇપણ પગલું નહીં ભરું જેને કારણે તમારામાંથી કોઈને પણ દુઃખ થાય. મારે ફક્ત સલાહ જ જોઈતી હતી કે મારી માનસિક સ્થિતિ અત્યારે કેવી છે. અંકલ તમે મારું મન એકદમ ક્લીયર કરી દીધું છે.” આટલું કહીને વરુણ ઉભો થયો અને કિશનરાજને પગે લાગ્યો.

“બસ, કીપ ઈટ અપ માય બોય, અને મારો નંબર સોનલબા પાસેથી લઇ લેજે, ફક્ત આ જ નહીં પરંતુ જીવનમાં બીજો કોઇપણ પ્રોબ્લેમ કે પછી કોઈ હેપ્પીનેસ શેર કરવી હોય, મને ફક્ત એક કોલ કરજે. અને હા, કીપ મી અપડેટેડ. હું તારી રાહ જોઇશ.” કિશન રાજે વરુણને આશિર્વાદ આપ્યા બાદ તેના બંને ખભા પકડી તેને ઉભો કરીને ફરીથી ગળે વળગાડી લીધો.

વરુણે કિશનરાજની વિદાય લીધી એ અને સોનલબા બંને વાતો કરતા કરતા કમિશનર બંગલાના દરવાજે આવ્યા.

“બસને? હવે તો હળવો થયોને તું?” સોનલબાએ વરુણને પૂછ્યું.

“ખૂબજ, ઉલટું મને હવે ખબર પડી ગઈ છે કે મારે શું કરવું. બેનબા, તમે ચિંતા ન કરતા, કદાચ હું મારા આ પ્રયાસમાં નિષ્ફળ પણ જઈશ તો પણ હું દેવદાસ નહીં બની જાઉં. પણ હા આવનારા અઠવાડિયાઓ દરમ્યાન તમારે સતત મારી સાથે રહેવાનું છે. પ્રોમિસ મી.” વરુણે પોતાનો હાથ સોનલબા તરફ લંબાવ્યો.

“હું તારી સાથેજ છું ભઈલા, તું જરાય ચિંતા ન કર.” સોનલબાએ વરુણનો લંબાવેલો હાથ પકડી લીધો.

વરુણ ત્યારબાદ સોનલબાને આવજો કર્યું અને મેઈન ગેટમાંથી બહાર નીકળીને પોતાના બાઈક પર બેઠો અને ચાવી ભરાવી અને બાઈકને કિક મારી.

==:: ::==

કિશનરાજ સાથેની મુલાકાત બાદ એક મહિનો વીતી ગયો. વરુણ હવે તેના મનની ગૂંચવણ દૂર થતા અગાઉની જેમ જ મૂડમાં રહેતો હતો. કોલેજમાં લેક્ચર દરમ્યાન કે પછી કોરીડોરમાં સુંદરી દેખાઈ જતા તેનું શરીર ઢીલું જરૂર પડી જતું પરંતુ હવે તેને પોતાની લાગણીઓ પર કાબુ મેળવતા આવડી ગયું હતું.

ઓગસ્ટ મહિનો પોતાના ચરમ ઉપર હતો અને અમદાવાદમાં વારંવાર વરસાદ પોતાની હાજરી પુરાવી જતો હતો. કોલેજ જવાના સમયે જરા જેટલો પણ વરસાદ હોય તો વરુણ અને કૃણાલ બસમાં જવાને બદલે રેઇનકોટ પહેરીને વરુણની બાઈક પર જ કોલેજ જતા. આજે પણ ઝરમર વરસાદ પડી રહ્યો હતો એટલે કોલેજ જવા વરુણે બાઈક કાઢી અને રેઇનકોટ પહેરીને ઘરના મેઈન ગેઇટ પર આવ્યો.

“શું વાત છે, આજે તો સાહેબ મૂડમાં છેને કાઈ?” કોલેજ જવા માટે વરુણના ઘરના દરવાજે રેઈનકોટ પહેરીને રાહ જોઈ રહેલા કૃણાલે વરુણને હસતા હસતા પોતાની તરફ આવતા જોઇને તરતજ કહ્યું.

“તને તો હું કાયમ દુઃખી રહું એમાં જ રસ છે. આમ કોઈને દુઃખી જોવામાં આનંદ લેવો તેને શાસ્ત્રોમાં પરપીડનવૃત્તિ કહે છે.” વરુણે કૃણાલ સામે જોઇને બાઈકને થોડી આગળ ચલાવી દીધી.

“પરપીડન વ્હોટ?” કૃણાલને શબ્દનો અર્થ ન સમજાતાં અને વરુણે પોતાની બાઈક આગળ લઇ લેતા દોડવા લાગ્યો અને તેને પૂછ્યું.

“પરપીડનવૃત્તિ. એટલે તમને કોઈને જાણીજોઈને દુઃખી કરીને કે કોઈને દુઃખમાં જોઇને મજા આવે એને પરપીડનવૃત્તિ કહેવાય બકા.” આગળ નીકળી ગયેલા વરુણે હવે પોતાની બાઈક ઉભી રાખી અને કૃણાલ તેની નજીક આવે તેની રાહ જોવા લાગ્યો.

“તને દુઃખી જોઇને કે તને દુઃખ આપીને મને શેનો આનંદ આવે? તારું બી છટકી ગયું છે. હું તો તને કાયમ ખુશ જોવા માંગુ છું અને એટલેજ...” ઝડપથી ચાલવાને કારણે કૃણાલ થોડો હાંફવા લાગ્યો એટલે બોલતા બોલતા રોકાયો.

“... અને એટલેજ મને દરેક બાબતે ટોંકવાનો. હું ખુશ હોઉં તો કેમ ખુશ છે? હું થોડો નિરાશ, થોડો હતાશ હોઉં તો કેમ મોઢું ચડાવેલું છે? આવું બધું પૂછે રાખવાનું, તને કોઈ વાતે ના પહોંચાય કૃણાલીયા.” વરુણ બોલ્યો, એ પણ હસી રહ્યો હતો.

“આ વાત તો હું તારા માટે પણ કહી શકું છું કે તને કોઈ વાતે ન પહોંચાય. તારું સારું ઈચ્છું તો કહે કેમ ટોન્ટ મારે છે, જો તને દુઃખી જોઇને, કન્ફયુઝ જોઇને કોઈ સલાહ આપું તો કહે તને કશી ખબર ના પડે. વાહ, ઉલટો ચોર કોતવાલને દંડે!?” કૃણાલે સમી દલીલ કરી.

“કેટલો ભોળો છે ને તું? બહુ સીરીયસ ના થા, અલ્યા હું તો તારી ખેંચી રહ્યો હતો. ચલ હવે નીકળીએ? ઉપર તો જો? કાળું ભમ્મર છે બધું. વરસાદ તૂટી પડશેને તો ક્યાંક અટકી પડીશું.” વરુણે પોતાની બાઈક રેઈઝ કરતાં કહ્યું.

==::==

વરુણ અને કૃણાલ કોલેજ પહોંચ્યા ત્યાં સુધી તો વરસાદ ઝરમર હતો, પરંતુ કોલેજ પૂર્ણ થવાના સમયે વરસાદની ગતિ અચાનક જ વધી ગઈ. વરુણ અને કૃણાલ રેઈનકોટ પહેરીને કોલેજના પાર્કિંગમાં આવ્યા અને જોયું તો માત્ર દસ પંદર મિનિટના વરસાદમાં જ બાઈકના પૈડા ૨૫% જેટલા ડૂબી ગયા હતા, એટલા જોરથી વરસાદ વરસી રહ્યો હતો.

“શું કરીશું?” ડૂબેલા પૈડા સામે જોઇને કૃણાલે વરુણને પૂછ્યું.

“કરવાનું શું હોય? નીકળીએ ઘરે!” વરુણે જવાબ આપ્યો.

“પણ લ્યા વિચાર તો કર? આપણી કોલેજ ઢાળ ઉપર છે જો અહીંયા આટલું બધું પાણી ભરાયેલું હશે તો રસ્તામાં તો એવા ઘણા ચાર રસ્તા હશે જ્યાં જબરદસ્ત પાણી ભરાયા હશે!” કૃણાલે વરુણને પરિસ્થિતિની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કર્યો.

“હમમ.. તારી વાત તો સાચી છે. તો?” વરુણે કૃણાલની સલાહ માંગી. આમ પણ કૃણાલ વરુણ કરતા વધુ મેચ્યોર હતો.

“કાં તો આપણે અહીં કોલેજમાં જ રાહ જોઈએ, કાં તો બાઈક આજે અહીં જ મુકીને બસ સ્ટેન્ડ તો જઈએ? પછી જોઈએ આગળ શું થઇ શકે છે.” કૃણાલે સજેશન આપ્યું.

“બરોબર છે. એક કામ કરીએ અડધો કલાક રાહ જોઈએ. જો વરસાદ ધીમો પડે તો આપણે બાઈક પર નીકળીએ, નહીં તો ચાલીને બસ સ્ટેન્ડ જઈએ. સારું થયું આજે બેનબા નથી આવ્યા નહીં તો એમને ગાંધીનગર પહોંચાડવામાં આંખે પાણી આવી જાત.” વરુણે ઉપર કાળા ડીબાંગ વાદળો જોઇને કહ્યું.

“લાગે છે, સુંદરી મેડમ તકલીફમાં છે.” અચાનક જ કૃણાલ બોલ્યો, એ પાછળની તરફ જોઈ રહ્યો હતો.

“હેં?” સુંદરીનું નામ કાને પડતાની સાથેજ વરુણ ચોંક્યો અને કૃણાલ સામે જોયું.

“ત્યાં જો? એક્ઝીટ ગેટ પાસે ઉભા છે અને વારંવાર પોતાનો હાથ લંબાવીને વરસાદ કેટલો જોરદાર છે એ ચેક કરી રહ્યા છે.” કૃણાલે પોતાની આંખના ઇશારેથી વરુણનું ધ્યાન સુંદરી તરફ દોર્યું.

“ચલ...” અચાનક જ વરુણ કોલેજના એક્ઝીટ ગેટ તરફ ચાલવા લાગ્યો.

“ક્યાં?” કૃણાલ પણ વરુણની પાછળ દોરવાયો.

“આપણે રાહ નથી જોવાની? તો અહીં વરસાદમાં રાહ જોઈશું કે અંદર કોલેજમાં?” સુંદરી તરફ નજર નાખતા અને મોટાં ડગલાં માંડતા વરુણ બોલ્યો.

“હા, હા.” કૃણાલને ખ્યાલ ન આવ્યો કે વરુણના મનમાં તો કશું બીજું જ રંધાઈ રહ્યું છે.

વરુણ અને કૃણાલ એક્ઝીટ ગેટના ત્રણ દાદરા ચડીને પહોંચ્યા. એમના આવતાવેંત સુંદરીનું ધ્યાન આ બંને પર પડ્યું અને તેણે બંને તરફ ફિક્કું સ્મિત કર્યું. આ જોઇને વરુણ તરતજ ઢીલો પડવા લાગ્યો. બંને સુંદરીથી થોડે દૂર ઉભા રહ્યા અને મૂંગા રહ્યા. કૃણાલને એમ હતું કે તે બંને વરસાદ ધીમો પડવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરુણને સુંદરી સાથે વાત કરવાનો મોકો મળે એવી ઈચ્છા હતી એટલે તે વારેવારે પોતાની નજર આડી કરીને સુંદરી તરફ જોઈ રહ્યો હતો.

==: પ્રકરણ ૧૩ સમાપ્ત :==