sundari chapter 12 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૧૨

બાર

“વરુણ...” વરુણ ઉપર નજર પડતાની સાથેજ પોતાના સ્થાને સ્થિર થઇ ગયેલા કિશનરાજ આપોઆપ બોલી પડ્યા.

“મેં કહ્યું હતુંને પપ્પા કે મારો વરુણભાઈ બીજો ભાઈલોજ છે?” કિશનરાજની જમણી તરફ સહેજ દૂર ઉભેલા સોનલબાએ કહ્યું.

કિશનરાજે પોતાના હાથમાં રહેલું છાપું બાજુમાં પડેલા સોફા પર ફેંકી દીધું અને વરુણ તરફ રીતસર દોડ્યા. વરુણ થોડો ઓસંખાયો પરંતુ તેની પાસે કિશનરાજની દોડને રોકવાનો કે ત્યાંથી ખસી જવાનો એક પણ વિકલ્પ હાથવગો ન હતો એટલે એ ધબકતા હ્રદયે ત્યાંજ ઉભો રહ્યો.

કિશનરાજ વરુણ પાસે પહોંચીને થોડી વાર ઉભા રહ્યા અને તેને ઉપરથી નીચે સુધી નીરખ્યો અને પછી તેને ભેટી પડ્યા. પોલીસ અધિકારીના મજબૂત હાથ અને મજબૂત શારીરિક બાંધાની પકડ પણ મજબૂત હતી, તો વરુણ પણ કસરતી બદન ધરાવતો હતો તે પણ કિશનરાજના આલિંગનને યોગ્ય જવાબ આપતા તેમને વળગી પડ્યો. તો સોનલબા દૂર ઉભા ઉભા આ દ્રશ્ય જોઇને પોતાની ભીની થયેલી આંખો લુછવા લાગ્યા. થોડો સમય વરુણ અને કિશનરાજ એકબીજાને ભેટીને ઉભા રહ્યા અને કિશનરાજે સહુથી પહેલા વરુણને મુક્ત કર્યો.

“ક્યાંથી શોધી આવી મારા વરુણને?” કિશનરાજના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, એમની આંખ લાલચોળ થઇ ગઈ હતી અને તેમણે વરુણના ખભે પોતાની હથેળી દબાવીને સોનલબાને પૂછ્યું.

“અચાનકજ મારી સામે આવીને ઉભો રહી ગયો પપ્પા, જાણેકે ઉપરવાળાએ જ એને પાછો મોકલ્યો હોય.” સોનલબા આટલું બોલીને રડતાં રડતાં દોડી પડ્યાં અને કિશનરાજને વળગી પડ્યાં.

આ દ્રશ્ય જોઇને વરુણ પણ લાગણીશીલ થઇ ગયો. વરુણને ખ્યાલ આવ્યો કે પિતા-પુત્રી બંને પોતાને જોઇને લાગણીના સમુદ્રમાં કેમ ડૂબકીઓ લગાવી રહ્યા છે કારણકે તેનો ચહેરો, તેનું નામ અને કદકાઠી તેમના સ્વર્ગસ્થ પુત્ર વરુણને લગભગ મળતા આવતા હતા.

થોડો સમય આખું વાતાવરણ લાગણીના સમુદ્રમાં હિલોળા લેતું રહ્યું. ત્યારબાદ ત્રણેય તેમાંથી બહાર આવ્યા.

“બેસ, દીકરા...” કિશનરાજે વરુણને દીકરા તરીકે સંબોધન કરીને સહુથી નજીકના સોફા પર બેસવાનું કહ્યું.

વરુણ એ જ સોફા પર બેઠો અને તેની બાજુમાંજ કિશનરાજ બેઠા.

“પપ્પા, વરુણભાઈ ફક્ત આપણા વરુણભાઈ જેવા દેખાતા જ નથી પણ સ્વભાવે પણ એવા જ છે, અત્યંત લાગણીશીલ, ખાસકરીને છોકરીઓની બાબતમાં.” ઘણા સમય બાદ સોનલબાના ચહેરા પર સ્મિત આવ્યું.

“તમે પણ શું...” વરુણ શરમાઈ ગયો.

“અરે! એમાં શરમાવાનું શું? જો હું તારો બાપ તો નથી, પણ તું મારા સ્વર્ગસ્થ દીકરા જેવો છે જ. મને તારા પિતા વિષે ખબર નથી, પણ હું મારા વરુણ સાથે એકદમ ફ્રેન્ડલી રહેતો હતો એટલે તારી પાસે પણ હું આશા રાખું કે તું મારા વરુણની જેમજ મારી સાથે ફ્રેન્ડલી રહે.” કિશનરાજે ફરીથી વરુણના ખભે હાથ મૂક્યો.

“મારા પપ્પા પણ મારી સાથે ફ્રેન્ડલી જ હોય છે. પણ અમુક વાતો એવી હોય છે કે...” વરુણ બોલતાં બોલતાં ફરીથી અટકી ગયો.

“કે...?” કિશનરાજને આગળની વાત જાણવી હતી, એટલે તેમણે સોનલબા તરફ જોઇને પોતાનું ડોકું પ્રશ્નાર્થમાં હલાવીને પૂછ્યું.

“તું પણ શું ભાઈલા, હજી તો તું આવ્યો છે અને તરતજ આ બધું લઈને બેસી ગયો. રિલેક્સ! પપ્પા પહેલા નાસ્તો પાણી થઇ જાય?” સોનલબાએ હસીને કહ્યું.

“કેમ નહીં, અરે અસ્લમ?” કિશનરાજે બૂમ પાડી અને અંદરથી પોલીસ વેશમાં એક વ્યક્તિ બહાર આવ્યો.

આ વ્યક્તિ કદાચ કિશનરાજ જે અમદાવાદ શહેરના કમિશનર હતા તેમનો ઓર્ડરલી હતો.

“જી સર!” અસ્લમે બહાર આવીને કિશનરાજને સલામ કરતાં પૂછ્યું.

“મહારાજને મેં આજે નાસ્તા માટે આલુ પરોઠાં બનાવવાનું કહ્યું હતું, એમને કહો કે બીજા ત્રણ-ચાર વધુ બનાવે અને ફટાફટ બનાવે, ઘેરે મહેમાન... વરુણ આવ્યો છે.” કિશનરાજને વરુણને મહેમાન કહેવું યોગ્ય ન લાગ્યું એટલે તેમણે સુધારીને અસ્લમને હુકમ આપ્યો.

“જી સર!” કિશનરાજનો હુકમ સાંભળીને ફરીથી એમને સલામ કરીને અસ્લમ અંદર જતો રહ્યો.

“નાસ્તો આવતા થોડી વાર લાગશે, ત્યાંસુધી તું તારા વિષે મને થોડું કહે.” કિશનરાજે વરુણને પૂછ્યું.

“તમને કદાચ બેને મારા વિષે થોડુંઘણું કહ્યું હશે, પણ તેમ છતાં તમને મારો પરિચય આપું તો મારા પપ્પા ઇન્કમટેક્સ કમિશનર છે, મમ્મી હોમ મેકર છે. મારી એક નાનકડી પણ બેનબા કરતા ઘણી તોફાની એવી બેન પણ છે. સોનલબેન સાથે હું ભણું છું અને ક્રિકેટમાં કરિયર આગળ વધારવા માંગુ છું. બસ!” વરુણ આટલું બોલીને અટકી ગયો.

“બસ, આટલું પુરતું પણ છે. હવે તું મને કે’ કે મને મળવા આવવા પાછળનો તારો પર્પઝ શું હતો?” કિશનરાજે એક સ્મિત સાથે પૂછ્યું.

વરુણ ફરીથી ઓસંખાયો એણે સોનલબા સામે જોયું. સોનલબાએ એની સામે પોતાનો હાથ લાંબો કરી, ડોકું હલાવી ગભરાવવાની કે સંકોચાવાની જરૂર નથી એવો ઈશારો કર્યો, પણ વરુણ એમ આટલો જલ્દીથી કિશનરાજ સામે ખુલ્લો નહીં પડી શકે એવો ખ્યાલ આવતા તેમણે શરુ કર્યું.

“પપ્પા, ભાઈલો એક વ્યક્તિ સાથે અચાનક ઈમોશનલી એટેચ થઇ ગયો છે અને એને ખ્યાલ નથી આવી રહ્યો કે તેને અત્યારે જે લાગણી થઇ રહી છે એ શું છે? આકર્ષણ કે પછી પ્રેમ.” સોનલબા, કિશનરાજ અને વરુણ જે સોફા પર બેઠા હતા તેની બાજુના સોફામાં બેઠા અને વાત કરી.

“જો દીકરા, તું મારી મદદ લેવા આવ્યો છે ને?” કિશનરાજે સોનલબાની વાત સાંભળીને વરુણ સામે જોયું અને પૂછ્યું.

“જી સર.” વરુણે જવાબ આપ્યો.

“સર? નો નો નો... જો તું મને પપ્પા ન કહી શકતો હોય તો એટલીસ્ટ અંકલ તો કે’? આ જી સર, જી સાહેબ વગેરે તો હું દરરોજ દસ હજાર વખત સાંભળું છું. એમ આઈ ક્લીયર?” કિશનરાજના અવાજમાં હવે જરા કમિશનરનો સૂર ભળ્યો હતો પરંતુ તેમના ચહેરા પર સ્મિત હતું.

“ભલે અંકલ. હા હું તમારી હેલ્પ લેવા આવ્યો છું.” વરુણે પણ કિશનરાજની વાત સ્વીકારી લીધી.

“તો હું તારી મદદ ત્યારેજ કરી શકું જ્યારે તું મને એક પણ વસ્તુ છુપાવ્યા વગર બધુંજ કહી દે. જો તે તારા પ્રોબ્લેમની એક પણ હકીકત મારાથી શરમાઈને કે ગભરાઈને કે એવું સમજીને છુપાવી કે અંકલ મારા વિષે શું સમજશે તો તને મારા તરફથી સો ટકા સાચી સલાહ નહીં જ મળે. હું તને જજ નહીં કરું, ધેટ આઈ પ્રોમિસ. હોપ યુ ગોટ માય પોઈન્ટ!” કિશનરાજે સ્પષ્ટ શબ્દોમાં વરુણને પોતાની સમસ્યા જણાવવાનું કહ્યું.

“અંકલ, મારો નેચર ફ્લર્ટ કરવાનો છે. મને છોકરીઓ જોવી એમની સુંદરતાને જોઇને એમના વખાણ એમના મોઢા પર જ કરવાની આદત છે. અત્યારસુધી ઘણી છોકરીઓ સાથે ફ્લર્ટ કર્યું, અને એકાદ સાથે ડેટ પર પણ ગયો છું, પણ...” વરુણ રોકાયો, એણે ટેબલ પર પડેલા કાચના છ ખાલી ગ્લાસમાંથી એક ઉપાડ્યો અને એમાં જગમાંથી પાણી બહાર રેડ્યું અને એકજ સેકન્ડમાં તેને પી ગયો. કિશનરાજને પોતાની આટલી વાત કહેતા કહેતા પણ વરૂણનું ગળું સુકાઈ ગયું હતું.

“પણ...?” જેવો વરુણે પાણી પી ને ખાલી ગ્લાસ ટેબલ પર પરત મૂક્યો કે કિશનરાજે પૂછ્યું.

“...પણ જ્યારથી એમને જોયા છે ત્યારથી હું કન્ફયુઝ થઇ ગયો છું.” વરુણે ફરીથી વાત અડધી મૂકી.

“એમને? એમને એટલે કોણ? તું ફરીથી તારી આખી વાત કહેવાથી ડરી રહ્યો છે દીકરા. રિલેક્સ. તું આટલી અંગત વાત તારા પપ્પાને ન કહીને મને કહી રહ્યો છે તો મારા પર વિશ્વાસ રાખ.” કિશનરાજે ફરીથી વરુણને સધિયારો આપતા, વિશ્વાસ આપતા કહ્યું.

“જ્યારથી પ્રોફેસર સુંદરીને જોયા છે. એ અમારા એટલેકે મારા અને બેનબાના પ્રોફેસર છે. નવા નવા જ આવ્યા છે, પણ એમને જોઇને મને કશુંક થવા લાગે છે. એક વખત એવો વિચાર આવે છે કે આ માત્ર આકર્ષણ છે, પણ એમને જોતાની સાથેજ કે એમનો વિચાર આવવાની સાથેજ હું પરસેવે રેબઝેબ થઇ જાઉં છું, આજુબાજુ શું થઇ રહ્યું છે એનું પણ મને ભાન નથી હોતું. અને જ્યારે મને ભાન આવે છે ત્યારે એમ થાય છે કે આ ફક્ત આકર્ષણ જ નથી, આ કશું બીજુંજ છે. હવે આ કશું બીજું એ શું છે એ મારે જાણવું છે.” વરુણે હવે ખુલીને પોતાની વાત કરી.

“હમમ...” કિશનરાજે પોતાનો જમણો હાથ સોફાના હાથા પર મૂક્યો અને પોતાની મુઠ્ઠી ઉપર પોતાનો દાઢી મૂકી અને કશુંક વિચારવા લાગ્યા.

ત્યાંજ અસ્લમ એક મોટી ટ્રેમાં છ આલુ પરોઠાં, એક મોટા વાસણમાં દહીં, કેચઅપની નાની બોટલ, ત્રણ મોટી ડીશ લઈને આવ્યો અને આ બધા વચ્ચે મુકવામાં આવેલા ટેબલ પર તેણે આ બધું મૂકી દીધું.

“તમે જાવ અસ્લમભાઈ, હું સર્વ કરી દઈશ આજે.” સોનલબાએ સ્મિત સાથે અસ્લમને ત્યાંથી જવાનું કહ્યું જેથી વરુણ અને કિશનરાજ એક ખાસ પરંતુ અતિશય અંગત કહી શકાય તેવી વાત ખુલ્લા મનથી કરી શકે.

“જો દીકરા, આ તારી ઉંમર છે, મારી પણ આવી ઉંમર હતી અને મારા વરુણની પણ આ ઉંમર આવી હતી. સ્વાભાવિક છે જ્યારે આવી ઉંમર હોય અને ખાસકરીને બંને વરુણ ફ્લર્ટ કરતા હોય અને આ ખાસ લાગણીનો અનુભવ કરે ત્યારે તેમને શું થઇ રહ્યું છે એ નક્કી નથી કરી શકતા. સામાન્ય રીતે આ પ્રકારની લાગણી મારો જો અંગત અનુભવ કહું તો એ પ્રેમની લાગણી છે, પરંતુ તેમ છતાં હું કહીશ કે તું હજી થોડો સમય રાહ જો.” કિશનરાજે વરુણને સલાહ આપતાં કહ્યું.

“રાહ જોવું? એટલે? અને કેટલો સમય?” વરુણને ખબર ન પડી કે કિશનરાજ શું કહેવા માંગે છે.

સોનલબાએ ત્રણ ડીશમાં બે-બે આલુ પરોઠાં, એક વાટકીમાં દહીં અને થોડો કેચઅપ મૂક્યો અને વારાફરતી એક ડીશ વરુણને અને બીજી ડીશ કિશનરાજને આપીને ત્રીજી ડીશ પોતે લઈને સોફા પર બેઠા.

“રાહ એટલા માટે, કારણકે એ તારા પ્રોફેસર છે. જો પ્રેમમાં ઉંમરનો કે પોઝીશનનો બાધ ન હોય. પરંતુ તમારા બે વચ્ચે હાલના સંબંધો પ્રોફેશનલ તો જરૂર છે પણ જરા ઓડ પણ છે. જો તું તારી કોલેજનો પ્રોફેસર હોત તો હું તને અત્યારેજ સલાહ આપત કે જઈને તારા સુંદરી મેડમ સાથે સંબંધ વધારવામાં આગળ વધ અને યોગ્ય સમયે એમને પ્રપોઝ કરી દે. પણ તું એમનો સ્ટુડન્ટ છે એટલે અહીં જરા સંભાળવા જેવું છે. બીજું, આ જો પ્રેમ છે તો એ એકપક્ષીય પ્રેમ છે. એવું બની શકે કે સુંદરીને તારા પ્રત્યે ક્યારેય કોઈ લાગણી ન થાય, કારણકે એ તારી શિક્ષક છે. યુ ગોટ માય પોઈન્ટ? એટલે બહેતર એ રહેશે કે તું હજી થોડા દિવસ રાહ જો. જો આ જ લાગણી બે-ત્રણ અઠવાડિયા સુધી ચાલુ જ રહે કે પછી અચાનક જ કોઈ બીજી છોકરી તને સુંદરી કરતાં પણ વધુ ગમવા ન માંડે તો માની લેજે કે તને તારા સુંદરી મેડમ પ્રત્યે પ્રેમની લાગણી છે. પરંતુ વાત ત્યાં પૂરી નહીં થાય એનું તું ધ્યાન રાખજે.” કિશનરાજે પોતાની ડીશમાંથી આલુ પરોઠાનો એક ટુકડો કરી તેને દહીંમાં બોલીને મોઢામાં મુકતા કહ્યું.

“એટલે?” વરુણથી હવે વધુ રાહ જોઈ શકાય એમ ન હતું.

==: પ્રકરણ ૧૨ સમાપ્ત :==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED