કોરોના કથાઓ - 10 - પોઝિટિવ માણસ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 10 - પોઝિટિવ માણસ

પોઝીટીવ માણસ

લોકડાઉન તેના પીક પોઇન્ટ પર હતું. પેલું શું કહે છે, ચરમસીમા પર. (આવા શબ્દો મોટેથી કોરોના વાયરસ સામે બોલો તો કદાચ એ પણ ભાગી જાય.) લોકોમાં કોરોના વાયરસનો ભય પણ ચરમસીમાએ હતો. જ્યાં જુઓ ત્યાં જોવા જેવું કશું જ નહીં. નર્યો સુનકાર. બધું જ ભેંકાર. ખાલીખમ રસ્તાઓ, સવારે ઉઘડી બે કલાકમાં બંધ થઈ જતી દૂધ અને શાકની દુકાનો, નામ પૂરતા જ ખુલતા મેડિકલ સ્ટોર્સ સિવાય કશું જ દેખાય નહીં. અરે, કોઈ રંગીલાને સામી બારીમાંથી પાડોશણ કે રસ્તે જતી સુંદરતાઓ જોવી હોય તો એને પણ ઘોર નિરાશા જ સાંપડે.

લોકોનાં મોં માસ્કથી બંધ ને સોસાયટીઓના ગેઇટ તાર કે તાળાથી બંધ. રસ્તાના એન્ડ બેરીકેડ થી બંધ. દુનિયા બંધ જ બંધ.

સવારે દસ વાગ્યે પણ રાતની જેમ કૂતરાં ભસતાં સંભળાય. અરે, કદાચ પવનની એકાદ લહેરખી આવી જાય તો ઝૂલતાં વૃક્ષનાં પર્ણોનો અવાજ પણ સંભળાય.

સહુ ડરેલા, ફફડેલા ઘરમાં કેદ હતા.

બાકી હતું તે ટીવીમાં આજે આટલા મર્યા ને આટલા કેઇસ થયા એ સિવાય કોઈ સમાચાર જ નહીં. એ સમાચારો એટલી હદે વ્યાપક હતા, દરેક એરીયાના એટલા આંકડા આપ્યા કરતા હતા કે તમને એમ જ લાગે કે બાજુમાં કોરોના સંક્રમિત રહે છે અને એ.. આપણે ઘેર આ કોરોના આવ્યો, આ કાળનો કોળિયો થઈ ગયા.

'આજે એપ્રિલની 10મી થઈ. બેંકો ચાલુ થઈ ગઈ છે. માર્ચ મહિનાનું મારૂં એક પેમેન્ટ છે તે લઈ આવું.' મેં મારી સહચારીણીને કહ્યું. અત્યારે કહેવા, સાંભળવા માટે અમે બે જ સામસામાં હતાં.

તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં ઘણા વખતે મારી શોર્ટ્સ ને બદલે પેન્ટ કાઢ્યું, ચોળાયેલાં ટીશર્ટને બદલી શર્ટ પહેર્યું અને બેંકમાં ચેક લેવા માટે આપવા મારૂં આઈડી કાઢ્યું.

મેં જોયું. તે ખોબામાં મોં રાખી બેઠેલી. અમે તો સમય મળ્યે લેપટોપ પર નેટફ્લિક્સ પર ફિલ્મો સાથે જોઈએ, સાથે બહાર જઈએ ને નવરાં હોઈએ ત્યારે વાતો પણ કરીએ. પ્રસન્ન કહેવાય તેવું આધુનિક દામ્પત્ય જીવન હતું. તેને ખોટી રીતે રિસાઈ જઈ હું મનાવું એવું કરવાની ક્યારેય જરૂર પડી નહોતી. નહોતા અમને આંખ આડા હાથ રાખી થપ્પો રમવાનો શોખ થાય એવા અભરખા. તો એ મોં સંતાડી બેડ પર કેમ બેઠી છે?

હું તેની પાસે ગયો. તેના હાથ ખસેડી હળવેથી તેની ચીબુક નીચે હાથ રાખી મારી હથેળીમાં એ નમણો ચહેરો ઊંચો કર્યો. સુહાગરાતે ઘૂંઘટ ખોલવાનું ફિલ્મોમાં આવે છે (માત્ર ફિલ્મોમાં જ) એ યાદ આવ્યું. એ ચહેરો લાલઘુમ થયેલો પણ શરમથી નહીં. તેના ગાલ પર અશ્રુઓની ધારા વહેતી હતી.

"શું થયું?" મેં પૂછ્યું અને હળવેથી મારાં ટેરવાંથી એ કોમળ ગાલ પરથી અશ્રુઓ લૂછ્યાં.

"તમે હાથે કરી મોતના મુખમાં જઈ રહ્યા છો. ઓફિસ બંધ છે તો ઘેર બેસોને!" તેણે રડમસ અવાજે કહ્યું.

"ઘેર તો બેઠો છું. આ તો 29 ફેબ્રુઆરીની ppf પાકેલી છે એનો ચેક લેવા બેંકમાં જાઉં છું. દોઢ મહિનો રાહ જોઈ. એમ કે લોકડાઉન 21 દિવસ જ રહેશે. આ તો લંબાયું. એટલે ગયા વગર છૂટકો નથી."

"તે બેંક ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર ન કરે આ જમાનામાં ને આવા વખતમાં?" તેણે કહ્યું. અમુક રીતે તેની વાત વ્યાજબી હતી. "હું તેમ કરવાનો હતો પણ રકમ બહુ મોટી હતી અને બેંક તે આપતા પહેલાં એક ફોર્મ ભરાવે, તમારી સહી લે, અને ખાતરી કરીને આપે. મેં મેઈલ તો બેંકને કરેલા. ચારેક મેઈલ પછી બેંકનો જવાબ આવેલો કે આ કામ માટે તમારે રૂબરૂ આવી જવું પડશે. તું ચિંતા ન કર. હું આ ગયો ને આ આવ્યો." મેં તેને સધિયારો આપ્યો.

"પાછું જવાનું બધા કોરોના ફેલાયેલા વિસ્તારોમાંથી. આના કરતાં મોરચે લડવા જાઓ તો હું તિલક કરી રવાના કરીશ." તેણે કહ્યું. (એ વખતે કોઈને કલ્પના પણ ન હતી કે ચીન સાથે યુદ્ધના ભણકારા વાગશે.)

"આ કોરોના નામના દુશ્મન સાથે લડાઈ છે. હું કોરોના વૉરીયર નથી પણ જેટલા આપણને ડરાવવામાં આવે છે તેટલો ડરતો પણ નથી. એ બેંકવાળા જો કામ કરી શકતા હોય તો આપણે કેમ કામ માટે જઈ ન શકીએ? તું ડરવાનું છોડી દે."

" તમે નહીં જ માનો. કાંઈ થશે તો…" તે આગળ બોલી શકી નહીં. ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. હું તેનો.ખભો પસવારી નીકળી ગયો.

દરેક રસ્તે પોલીસો ઉભા હતા. ક્યાં અને શા માટે જાઉં છું તેની પ્રુફ માંગી. મેં માંગી ત્યાં બેંક સાથેના મેઈલ વ્યવહારની કોપીઓ બતાવી. મારૂં નોકરીનું આઈડી બતાવ્યું.

બેંકની બહાર તો લાંબી લાઈન હતી. એક અધિકારી માસ્ક પહેરી બહાર કોને શું કામ છે તે પૂછતા હતા. સામાન્ય રીતે બહાર ગન લઈ બેઠો રહેતો સિક્યોરિટી સેનીટાઈઝરથી હાથ ધોવરાવી એક સાથે પાંચ લોકોને અંદર મોકલતો હતો. મોટે ભાગે સરકારે આપેલા બે હજાર જમા થયા કે નહીં તે પૂછનારાઓની લાઈન હતી જે કોઈક કર્મચારીએ બહાર આવી પાસબુકો લઈ અંદર જઈ જેના પૈસા આવેલા એ પાંચ સાત ને લાઈનમાં રાખી બીજાઓને જતા રહેવા કહ્યું. જાણે બેંક જ પૈસા ન આપતી હોય તેમ હંગામો થયો. બીજા ચાલીસેક લોકોને પૈસા આવવાની આશા હતી. તેઓ જવા તૈયાર ન હતા. સિક્યોરિટી તેમને સમજાવવા આવ્યો. એ લોકોએ માસ્ક તો ક્યાંથી પહેર્યા જ હોય? તેઓએ સિક્યોરિટીને ઘેરીને ધમાલ કરી. તકનો લાભ લઈ હું લાઈનમાં આગળ ઘુસી ગયો. મને શું યે સૂઝ્યું- સેનિટાઈઝરની બોટલનો સ્પ્રે તેમની ઉપર છોડવા માંડ્યો. કોઈની આંખ કે કોઈના કપડાં પર ઉડયો. તેઓ અચંબો પામી, બેંકને, એ અધિકારીને અને હું બેંકનો માણસ હોઈશ એમ સમજી મને મા બેનની ગાળો આપતા રવાના થઈ ગયા.

અધિકારીએ આભારવશ થઈ મને થેંક્યુ કહ્યું. મેં મારું કામ કહેવા સાથે બે હજારની બે નોટો છુટા કરવા આપી. એટલું તો મારી 'સેવા' નિમિતે લઉં ને! એટીએમમાંથી ઉપાડ્યા તો બધી બે હજારની નોટો આવેલી. દૂધ ને શાક લેવામાં એ ક્યાંથી ચાલે?

"આમ તો અમે કોઈને છુટા આપતા નથી. નોટ ઉપર લાગેલા વાયરસને કારણે એક બ્રાન્ચમાં કેશિયર કોરોના પોઝિટિવ થઈ ગયો એટલે એ બ્રાન્ચ બંધ કરવી પડી. તમે અમને મદદ કરી એટલે જાઓ, પાંચ નંબરની બારીએ." તેમણે કેશિયરને ગેઇટ પરથી જ હાક મારી મને છુટા આપવા કહ્યું.

મેં બેહજારની બે નોટ ધરી સો સો ની નોટો આપવા કહયું. કેશિયરે ખાનામાં જોયું.

"હમણાં કોઈ ભરવા આવતા જ નથી એટલે નાની નોટો છે જ નહીં." તેણે કહ્યું.

"તો પેલા બે હજાર વાળાઓને કેવી રીતે આપશો?" મેં પૂછ્યું.

"એમને પણ બેસાડ્યા છે. એમ કરો, અંદરથી કેશ ખોલી લઈ આવું." કહી તે ગયો. આખરે મને પાંચ નોટ સો ની, બીજી પાંચસોની, એકદમ જૂની મળી.

મારૂં ફોર્મ ભરાવી મને એક રેવન્યુ સ્ટેમ્પ લઈ આવવા કહ્યું. એ માટે વળી નજીકની પોસ્ટ ઓફિસે લાઈનમાં ઉભો. એ મળી અને બેંકમાં આપી. બે કલાક પછી મને ચેક મળ્યો તે લઈ હું સડસડાટ ઘેર આવ્યો.

વાત અહીં પતી નથી, કદાચ શરૂ થાય છે.

ડર, સ્ટ્રેસ અને કદાચ અજ્ઞાત ભયને લીધે, કદાચ કંઈક ખાવાપીવામાં આવ્યું હશે- જીવનસંગીનીને બીજે દિવસે તાવ ચડ્યો.

તાવમાં શું હોય? પેરાસીટામોલ આપી.

તેણે તાત્કાલિક મને ચા કે જમવાનું દૂરથી મૂકી ચાલી જવાનું શરૂ કર્યું. "હું દાખલ થઈશ, મને પંદર દિવસ રાખશે તો તમે શું કરશો? આ દાળ મસાલા લોટ ક્યાં છે તે જોઈ લો." તે મને રસોડામાં લઈ જઈ બતાવવા લાગી.

મેં જોયેલું જ હતું. હા, મને ખાસ રાંધતાં આવડતું નથી.

રાત્રે મારૂં ધ્યાન પડ્યું. તે બેડ છોડી દૂર પથારી કરી સૂતી હતી. ઊંઘી પડી ખોબામાં મોં રાખી રડતી હતી. મેં લાઈટ કરી તેની પાસે જઈ આશ્વાસન આપ્યું.

"મને કોરોના હશે, હું હોસ્પિટલમાં જઈશ, ન કરે નારાયણ ને મરી જઈશ, તમને પણ ચેપ લાગશે, તમે પણ.."

મેં તેના મોં આડો હાથ મૂકી દીધો.

"હું તો દૂધ લેવા પણ માસ્ક ને ગ્લોવ પહેરીને જાઉં છું. નક્કી તમને બેંકમાંથી ચેપ લાગ્યો અને તમારો મને.'

"બેંકમાં દસેક એમ્પ્લોયી હતા. તેઓ તો રોજ આવે છે. રસ્તે પોલીસો ઉભે છે. હૉસ્પીટલમાં ડોક્ટરો છે, નર્સો છે - એમ તો બંધ દુનિયા પણ કોઈએ ને કોઈએ ચલાવવી પડે છે. ક્યાં એ બધાને કોરોના થયો?" મેં કહ્યું.

પણ હું પોતે અંદરથી ફફડી ઉઠેલો. આજે તેના તાવનો બીજો દિવસ હતો.

મને કાંઈ થતું ન હતું. તેને પણ શ્વાસની કે બીજી કોઈ તકલીફ ન હતી.

તેણે ટીવી મુક્યું. ચીકણો ચુપડો ચેનલવાળો બુમો પાડી રહ્યો હતો. નીચે મોટા અક્ષરે કોરોના કેઇસના આંકડા આવતા હતા.

કેટલા ઠીક થયા એ ત્યારે બતાવતા ન હતા. માત્ર કેટલા કેઇસ ક્યાં થયા, જાન્યુઆરીથી આજ સુધી અને એક દિવસમાં કેટલા તેના આંકડા મોટા અક્ષરે આવ્યે જતા હતા. દિલ્હીનાં સ્મશાનમાં બાળવાની જગ્યા નથી એવું સ્મશાનની બહારથી માઇક લઈ એક કન્યા બરાડતી હતી.

કોરોના સંક્રમિત પોલીસ અને ડોક્ટર, નોંધારું થઈ રોતું કુટતું કુટુંબ ને એવું જ બતાવતા હતા.

"બાપરે.. xx હજાર કેઇસ.." સહચરી ધ્રૂજતી ધ્રૂજતી બોલતી હતી.

ધ્રુજારી તાવની છે કે ભયની કે બેયની તે હું કહી શકતો ન હતો.

એક યુવાન વત્સલ પતિ કરે તેમ મેં તેને બાહુપાશમાં લઈ ધ્રુજારી ઓછી કરવા પ્રયાસ કર્યો. તેણે હળવેથી મને અળગો કરી નાખ્યો. "હું તો મરી જઈશ. બેમાંથી એકે તો જીવવું ને?" તેણે કહ્યું.

"અરે પણ કોણ કહે છે તું મરી જઈશ? ભલે કામથી, બહાર હું ગયેલો. મને કંઈ નથી થયું. તો તને કેવી રીતે થાય?"

"એ તો જુઓ, આ ચેનલે બતાવ્યું. બધાને લક્ષણો ન દેખાય. તમે બેંકમાં બહાર મેટલ રોડને અડયા હશો, કોઈ પેલા બે હજાર વાળા પોઝિટિવ હશે, તમને હમણાં થોડા દિવસમાં જ લક્ષણો દેખાશે. મને તો લાગ્યો જ."

મેં તેને આરામ આપવા દૂધ ત્રણ દિવસનું લઈ લીધું. શાક પણ સોસાયટીમાં આવ્યું તે લેવા હું જ ગયો. એને તાવમાં હળવો ખોરાક આપવો જોઈએ તો મેં પણ તે ખાય એ જ બીજે દિવસે ખાધું.

રાત્રે વળી તેણે ટીવી મુક્યું અને ડચકારા બોલાવ્યા. 'ક્લિક ક્લિક..(ડચકારો) અરે રે.. કુલ પચાસ હજાર કેઇસ! આપણાં ગુજરાતમાં સાડાપાંચ હજાર! અમદાવાદમાં જ ત્રણ હજાર ! બાપરે! 250 મર્યા ! (તે વખતે આ આંકડો પણ બહુ મોટો લાગેલો. લગાડવામાં આવેલો. ખૂબ મોટો હોય અને ડોક્ટરો નિષ્ફળ હોય, સરકાર લાચાર હોય એવી વાતો ટીવી પર આવ્યા કરતી હતી.)

આ ચેનલો ડરાવવાનું કામ પુરી તાકાતથી કરે છે. સાવચેતી રાખવી જરૂરી છે પણ અહીં આટલા મર્યા ને તહીં આટલા સીરીયસ છે એ જ ગાઈવગાડી બતાવી લોકમાનસમાં બિનજરૂરી ડર પેદા કરેલો. મારી પત્ની અન્યોની જેમ તેનો ભોગ બનેલી. મેં વિચાર્યું કે ન રહે બાંસ ન બજે બાંસુરી. તે સુતી હતી ત્યારે ચેનલનો વાયર સેટટોપ બોક્સમાંથી ઢીલો કરી કાઢી નાખ્યો. ચેનલ જુઓ અને મોટેમોટેથી મરવાની વાતો બઢાવી ચડાવીને આવતી હોય તે ન જોઈએ તો ફેર નહીં પડે.

છાપાં આવતાં ન હતાં. નાની પીડીએફ કોઈ મોકલે તો હેડીંગ ડરાવણાં જ આવતાં.

હિંમત રાખી, બહાર ઓછું ફરી, સાવચેતી રાખી જીવવાનું જરૂરી હતું પણ જે રીતે ડર પેદા કરી વિકૃત આનંદ લેવાતો હતો તે બિલકુલ અયોગ્ય હતું. મેં ડરનો સ્ત્રોત (સોર્સ) જ દૂર કરી નાખ્યો.

સવારે તે ઉઠી. તાવ નોર્મલ હતો.

સોસાયટીમાં ગ્રુપમાં વોટ્સએપ મેસેજ વહેતો થઈ ગયેલો- અમારું ઘર કોરોના પોઝિટિવ. મને નવાઈ લાગી. ઘરને ક્વોરન્ટાઈન કરવા કોઈએ તાળું માર્યું હતું. કોઈ સરકારી નોટિસ ન હતી. કોણે આ મુક્યું? મેં સેક્રેટરીને ફોન કર્યો. તેમણે ઉપાડ્યો નહીં.

એક તો કહેવાતા ભદ્ર લોકો આમેય ઓછું ભળતા હોય અને એમાં અમને કોરોના પોઝીટીવ કોઈએ જાહેર કરી દીધેલાં. મારા એક માત્ર મિત્રને ફોન કર્યો. તેણે તેની રીતે તપાસ કરી મને કહ્યું કે મારી પત્ની જે દૂર રહેવા કહેતી હતી, રડતી હતી તે બાજુવાળાએ સાંભળેલું. એમાં તેને ભર ઉનાળે શાલ ઓઢી વિખરાયેલા વાળ અને મોટી પહોળી આંખો સાથે નિસ્તેજ ચહેરે ફરતી જોઈ. દૂધ ને શાક લેવા મને જતો જોયો. કોઈને ઘેર કામવાળીઓ આવતી ન હતી પણ દેશમાં જતા પહેલાં પગાર અને એડવાન્સ લેવા આવેલા ચોકીદારે તેને બિમાર વ્યક્તિ દેખાય તેવી બહારથી જોઈ. તેણે સોસાયટીમાં તેને પૈસા આપનાર કારોબારીવાળાને કહ્યું. એણે એની બાજુવાળાને. એણે એની પત્નીને. અને બહારથી બંધ ઘરોમાં વાત ફેલાઈ ગઈ કે હું બહાર ગયેલો અને કોરોના લઈ આવ્યો અને અમે બેય કોરોના પોઝિટિવ છીએ.

તાળું તો.ખોલાવ્યું.

થયું! દૂરથી અમને જોઈને બારી બારણાં વસાઇ જવા લાગ્યાં. કેમ જાણે અમે બેગોન સ્પ્રે ની જેમ કોરોના વાયરસનો સ્પ્રે કરવાનાં હોઈએ! અમે બહાર નીકળતાં જ નહીં સિવાય કે રાત્રે જમીને સોસાયટીમાં આંટો મારવા માસ્ક પહેરીને. હવે ખુદ સેક્રેટરીએ ફોન કરી મને કહ્યું કે તમે પોઝિટિવ છો તો બહાર કેમ ફરો છો! મારે ખુલાસો કરવો પડ્યો કે વાત પાયા વગરની છે.

બીજે દિવસે તે શાક લેવા નીકળી તો શાકના ટેમ્પાવાળાએ થેલી ઘરની બહાર મૂકી જશે તેમ કહયું. ઘરની બહાર એટલે વીસેક ફૂટ દૂર!

સોસાયટી દ્વારા અમારો સંપૂર્ણ બહિષ્કાર ચાલતો રહ્યો. જે કોરોના પોઝિટિવ હોય તેનો પણ ન કરવો જોઈએ. માત્ર અંતર રાખવું જોઈએ.

એક સવારે બે સફેદ કોટ પહેરેલી સ્ત્રીઓએ આવીને અમારી બેલ વગાડી. સહચરીએ વાળની પોની સરખી કરતાં બારણું ખોલ્યું. સીધો જ સવાલ- "કેટલા દિવસથી તાવ છે? ગળામાં બળવું, શ્વાસમાં તકલીફ વગેરે કાંઈ?"

સહચરી સમજી ગઈ. અત્યારે તે વ્યવસ્થિત દેખાતી હતી. એ સ્ત્રીઓને ઘરમાં આવવા કહ્યું. તે બેય બહાર જ ઉભી રહી. મને બોલાવવા કહ્યું. હું નહાવા ગયેલો. શાવરના અવાજમાં પત્નીનું બોલાવવું સંભળાયું નહીં. તરત એક સ્ત્રીએ કંઈક રિમાર્ક લખ્યો. પત્નીએ જોયું- 'સસ્પેકટેડ કેઇસ'. પત્ની ખિજાઈ. બાથરૂમનું બારણું ધમધમાવી મને જલ્દી બહાર આવવા કહ્યું. હું ભીના અને ઉઘાડા શરીરે ટૂંકો ટુવાલ વીંટેલો દોડ્યો. જોઉં તો પેલી બે તપાસ કરવા આવેલી. પત્ની તરત કહે- "આ તમારો સસ્પેકટેડ કેઇસ?"

એ બે માંની વધુ યુવાન સ્ત્રી તો મારાં ઉઘાડાં શરીર અને છાતીના વાળ તરફ નજર નાખી રહી હતી. અમનેય ખબર પડે હોં! મેં છાતી કાઢી તેમને સેનેટાઈઝર ધરી ઘરમાં આવવા અને અમારો ટેસ્ટ કરવા કહ્યું. બે માં સિનિયર સ્ત્રી કહે "કોઈ જરૂર નથી. બેય સ્વસ્થ દેખાઓ છો. ધ્યાન રાખજો, સાવચેતી રાખજો, જરૂર પડ્યે 104 ને ફોન કરજો."

તે જવા લાગી. પત્ની કહે "લ્યો, ક્યારનાં ફરતાં હશો. ઉકાળો પીને જાઓ."

મેં પણ આગ્રહ કર્યો. તેઓ થોડું અચકાઈને બેઠાં.

"તમને આખી સોસાયટીમાં ઘેરઘેર તપાસ કરવા મોકલ્યાં કે આખા એરિયામાં?" મારી સહચરીએ પૂછ્યું.

સિનિયર કહે "માત્ર તમારા ઘરની તપાસ કરવા. અમને ખાનગીમાં ખુદ સેક્રેટરી અને પ્રેસિડન્ટનો ફોન હતો કે આ ઘરમાં કોઈ કોરોના પોઝીટીવ છે અને છુપાવે છે."

!!

"બાકી હતું તો લોકલ એરિયાનાં કોઈ મુખપત્રમાં આવેલું કે અમારી સોસાયટીમાં કોરોના કેઇસ થયો. વા વાત લઈ અખબાર અને કોઈ ચેનલમાં પહોંચી." યુવતી કહી રહી.

સોસાયટી આઈસોલેટ થઈ જાય તે પહેલાં દોડવાનો વારો હવે સેક્રેટરી, પ્રેસિડન્ટનો હતો.


"લોકો ડરના માર્યા શું નું શું કરે છે! પ્રીકોશન્સ લેવાં જોઈએ પણ લોકો કરે છે એમ સતત ડર્યા કરવું, જાણે પેલું કહે છે- 'ગૃહિત ઇવ કેશેષુ' એમ કોરોના જાણે વાળ પકડી મૃત્યુ ભણી લઈ જતો હોય એમ ફફડતા રહેવું એ ખોટું છે." મેં કહ્યું.

"સાચું. તમે ખૂબ પોઝીટીવ માણસ છો." યુવતી મને કહી રહી.


એ સ્ત્રીઓ મારી સામે અને અમે બન્ને એકબીજા સામે જોઈ રહ્યાં.