કોરોનાકથા 11 - મોતને આપી મહાત SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાકથા 11 - મોતને આપી મહાત

મોતને આપી મહાત

**

લોકડાઉનની રાત્રી અને ઘરમાં અમે કેદ. અમે બે હુતો હુતી, બંધ દીવાલો, બહાર બારીમાંથી દેખાતું તારલા જડેલું ખુલ્લું આકાશ, વૈશાખની રાત્રીનો બારીમાંથી ડોકાતો પૂર્ણ ચંદ્ર અને ચંદ્ર સમાં મુખ વાળી મારી પ્રિયતમા એકતા ! અગર જો રોમાન્સ ક્યાંય છે, તો અહીં જ છે, અહીં જ છે… અહીં જ છે. મન ભરીને રાત્રી માણી. સવારના બારી પાસેથી મોગરાની સુવાસ માણતાં ઊઠ્યાં, સાથે મળી ચા બનાવી અને સાથે મળી કામ કરવા લાગ્યાં. લાંબા સમયે કોઈ તણાવ વગરનું સાન્નિધ્ય સાંપડ્યું.

બહાર જે જરૂર પડે એ લેવા માસ્ક ચડાવી સાથે જ જતાં અને સાથે જ આવતાં. પેલી વયસ્ક દંપત્તિઓ માટે જોક્સ ચાલેલી તેમ ગેસ- બાટલા જેવું નહીં. બન્નેને પૂરતી સ્વતંત્રતા.

એકતા શાક પણ આવે એટલે સેનેટાઇઝ કરતી. અમે બન્ને દૂર તો જતાં જ નહોતાં પણ જરૂરી વસ્તુઓ લઈ આવી તરત હાથ પણ ધોઈ નાખતાં. મારું તો એટલું ધ્યાન રખાતું કે મને ગળા સુધી ખાત્રી હતી કે કોરોના આ બંદાને કરે ના!

પણ આ માનવસર્જિત વાયરસ સામે ધણીનું પણ ધાર્યું થતું નથી તો અમ પામર માનવીઓનું શું ચાલે?

પુરી સાવચેતીઓ રાખવા છતાં વેંત છેટું મોત ભાળી ગયો હતો અને ઘણીનું ધાર્યું અને મારી ધણીયાણી, સાવિત્રી 2020 ની સેવાને લઈ આ વાત તમને કહેવા જીવતો છું. જીવનથી ભરેલો છું. તો વગર વિલંબે કહું મારી કોરોના સાથે બાથ ભીડયાની વાત.


હાં તો વાત જાણે એમ બની કે બે મહિનાના લોકડાઉન દરમ્યાન અમે ઘરમાં ભરાઈ રહી કોરોનાને બહાર રાખ્યો. પછી લોકડાઉન નો એ તબક્કો પૂરો થયો. સરકારને દુનિયા ચાલુ કરવી જરૂરી લાગી. મારી જોબ ચાલુ થતા મેં જોબ પર જવાનુ ચાલુ કર્યુ. અઠવાડીયુ જોબ પર ગયા પછી 29 મે ના દિવસે જોબ પરથી આવ્યા પછી અચાનક સાંજે એકદમ તાવ ચઢ્યો. અશક્તિ અને થાકનો એહસાસ થવા લાગ્યો. ત્યારે તો પેરસીટેમલ લઈ ચલાવી લીધુ અને તાવ ઉતરી પણ ગયો. એકતા આખી રાત "કુણાલ, તમને કેમ છે?" પૂછતી જાગતી રહેલી. પોતાં પણ મુકતી રહેલી. અને સવારે તો મને સારુ થઈ ગયેલું.

એકતા આમ તો સૂતી જ ન હતી. ઉઠતાં વેંત તેણે મારૂં ટેમ્પરેચર માપ્યું. હું નોર્મલ હતો. અમે સાથે મળી ચા પીધી અને મેં ઘરમાં હળવાં આસનો પણ કર્યાં.

હવે કશી જરૂર ન લાગી તેમ છતાં તકેદારીના ભાગ રુપે હું દવા લઈ આવ્યો. રવિ અને સોમ બે દિવસ તાવ ના આવ્યો અને મંગળવારે પાછો જોબ પર ગયો અને સાંજે ઘરે આવતા પાછી એજ પરસ્થિતી થઈ. શરીર એકદમ ધગધગવા લાગ્યુ અને થાક, અશક્તિનો એહસાસ થવા લાગ્યો. બીજા દિવસથી દવા ફરી ચાલુ કરી પણ દવા લઈએ ત્યાં સુધી જ તાવ ઉતરતો અને બાકી પરીસ્થિતિ યથાવત રેહતી. બે ત્રણ દિવસ દવા લીધા બાદ ડૉક્ટરે એક્સ-રે પડાવ્યો જેમા ન્યુમોનિયા ડિટેક્ટ થયો એટલે ડૉક્ટરે કોરોનાનો રીપોર્ટ કઢાવાનુ સજેશન આપ્યુ. મેં ત્યાં લોકલ અર્બન સેન્ટરમાં તપાસ કરી તો એમણે અમને સિવીલ જવા કહ્યું એટલે પછી મેં ડૉક્ટરની સલાહ મુજબ ન્યુમોનિયાની દવા ચાલુ રાખવાનુ નક્કી કર્યુ. પણ જેમજેમ દિવસ જતા ગયા એમ હાલત વધુ ને વધુ ખરાબ થતી ગઈ.

હવે ખાવા-પીવાનુ પણ બંધ થઈ ગયું અને ગળું પકડાઈ ગયું. સાથે સાથે ખાંસીનુ જોર પણ વધતુ ગયું. ખાવા-પીવાનું બંધ થવાના કારણે શરીરમાં અશક્તિ વધી ગઈ અને એન્ટીબાયોટીક ગરમ પડતા વોમિટીંગ શરુ થઈ ગઈ.


એક રાત્રે હાલત બહુ ખરાબ થઈ ગઈ. તાવથી શરીર ધગી ઉઠ્યું. જાણે હું સગડી પર શેકાતો હોઉં એવું લાગવા માંડ્યું. ખાંસી પણ એની ચરમ સીમાએ હતી અને બીજી બાજુ ઉલટીઓ થવા લાગી. એકતાએ આખી રાત પોતાં મૂક્યાં પણ ફરક પડ્યો નહીં. બીજા દિવસે સવાર પડતાં જ નક્કી કર્યુ કે હવે સિવીલમાં બતાવવુ જોઈએ પણ મિડીયામાં સિવીલના હોબાળાઓ સાંભળીને મન માનતું ન હતું. પણ બીજા એક કોરોના પેશન્ટના સિવીલમાંથી સાજા થઈને આવેલા અનુભવો સાંભળી મન મક્કમ કરી ત્યાં જવાનુ નક્કી કર્યુ. ત્યાં જવા માટે મારી સાથે એક મિત્રએ આવવાનું નક્કી કર્યું. પછી બપોરે જમીને એક વાગ્યે હું અને મિત્ર સિવીલ તરફ ઉપડ્યા.


સિવીલ પોંહચતાં જ કેસ કઢાવી અમે ગ્રાઉન્ડફ્લોરના પેસેજમાં બનાવેલી ઓ.પી.ડી.માં બેઠેલા ડૉક્ટરને મળ્યા. સાથે જુનો એક્સ-રે બતાવ્યો. ડૉક્ટરે ત્યાં ફરીથી એક્સ રે કાઢીને જોયો અને કહ્યું કે ન્યુમોનીયા તો છે. હવે તમારે ઘરે રહી ને ટ્રીટમેન્ટ કરવી છે કે પછી એડમિટ થવું છે - એમ બે ઓપ્શન્સ આપ્યા. જેમાં મેં એડમિટ થવાનુ નક્કી કર્યુ. તેના માટેની બધી પેપર ફોર્માલીટી પુરી કરી મારો બ્લડ અને નાક, મોઢાની લાળનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો. છેક તાળવાની પાછળથી ગળાની અંદર સુધી નળી દાખલ કરી સેમ્પલ લીધું. એ વખતે ડોક્ટરો પુરા પીપીઈ કીટમાં ઢંકાયેલા હતા. લગભગ અડધો કલાકની ઝડપી પ્રોસેસ બાદ મને એડમિટ કરવા માટે ત્યાંનો માણસ સાથે આવ્યો અને મારા મિત્ર કેતનને ત્યાંથી વિદાય આપી. ત્યાંના માણસે મને ઉપરના માળે લઈ જઈ ડૉક્ટર પાસે હાથમાં સોય નખાવડાવી, ફાઈલ તૈયાર કરી મને બેડ પાસે લઈ જઈ નવી ધોયેલી ચાદર, કુશન, કુશન કવર આપ્યાં. વેલકમ કીટ કહે છે એ અલગ બ્રશ, દાંતીયો વગેરે પણ આપ્યાં.

ગરમીમાં રાહત માટે સિલીંગ ફેન તો હતો જ તેમ છતા દરેક દર્દી માટે એક અલાયદો સ્ટેન્ડીંગ ફેન ચાલુ કરી આપી મને સુવડાવીને એણે રજા લીધી.


એડમિટ થયો એ દિવસે તબીયત બહુ ખરાબ હતી.સાંજે ચા-નાસ્તો આવ્યો પણ કંઈપણ પ્રકારનુ ખાવાની મારામાં હિમ્મત કે ઈચ્છા ન હતી એટલે એને ઈગ્નોર કર્યુ તો ત્યાં ના કર્મચારી બહેને મને કહ્યું કે 'ભાઈ, થોડો ચા-નાસ્તો કરી લો તો શરીરમાં સ્ફુર્તિ રહેશે અને સારૂં લાગશે. અને જો ચા ના પીવી હોય તો આ ફ્રૂટ ડીશ ખાઈ લો' એમ કરી એમણે મારી સામે ફ્રૂટ ડીશ ધરી જે મેં મોં સખત કડવું અને ગરમ હોવા છતાં સહર્ષ સ્વિકારી ખાઈ લીધી. રાત્રે થોડી ખીચડી અને દૂધ ખાઈ હું આડો પડ્યો.

અજાણી જગ્યા, અજાણ્યા લોકો વચ્ચે પહલો દિવસ હોવાથી થોડું અજુગતું અને એકલું લાગતું હતું પણ મનને સાંત્વના અને ધીરજ આપી હું મનોમન સારા થવાના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો.

કહેવાય છે કે સકારાત્મક વિચારોનો શરીર અને મન પર પ્રભાવ પડ્યા વિના રહેતો નથી.

મારી નજીકના જ એક પેશન્ટને વેન્ટિલેટર પર લેવામાં આવ્યો. એની હાંફ જોઈ મને પણ ડર લાગવા લાગ્યો કે મારું શું થશે. કશું ગમતું ન હતું. પછી ડૉક્ટરોએ કરેલા ચેકઅપ અને એના આધારે તૈયાર કરેલ રીપોર્ટ પ્રમાણે મારી ફાઈલમાં જોઈ મને બોટલ ચઢાવવામાં આવીને અલગ અલગ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યાં.


મારી રાત અજંપામાં વીતી. માંડ આંખ મળી હશે ત્યાં મને કોરોના વાયરસ જેવો કાંટાળો મુગટ પહેરેલો ડરાવણી મુખમુદ્રા વાળો માણસ દેખાયો. એ યમદૂત હતો? મેં જોરથી ડોકું હલાવ્યું. 'ના. નહીં આવું. હજી મારે ઘણાં કામ કરવાનાં છે.' તંદ્રાવસ્થામાં એકતા અને મારાં મા બાપ બે હાથ જોડી ઇશ્વરને પ્રાર્થના કરતાં દેખાયાં. એ યમદૂત કે જે હોય એણે મારો હાથ ખેંચ્યો. મેં તેને લાત મારી અને મારો હાથ છોડાવ્યો. મને લાગ્યું કે હું ઊંચકાઈને પાછો પટકાયો. હું ઝબકીને જાગી ગયો. એક નર્સ આવી મને વળેલો પરસેવો લૂંછી ગઈ. મેં ઘૂંટડો પાણી પીધું અને સતત ઈશ્વરનું રટણ કરતો ફરી નિદ્રાધીન થઈ ગયો.

સવાર થતાં જ તબીયતમાં ચમત્કારિક સુધારો જણાયો. અત્યાર સુધી મારાથી ખવાતું નહતું તેની જગ્યા મને ભૂખ લાગી. સવારે ઉઠતાં જ આઠેક વાગ્યે ચા અને પાર્લેજી બિસ્કીટ તથા ઉકાળો આપવામાં આવ્યો. ત્યાર બાદ દશેક વાગ્યે ઈડલી-સાંભાર અને બાફેલા ઈંડાનો નાસ્તો આપવામાં આવ્યો. ત્યાર પછી સાડા દશે ગરમ સૂપ અને બપોરે એક વાગ્યે સરકારની ગાઈડલાઈન મુજબની ડાયેટ પ્રમાણે દાળ, ભાત, શાક,રોટલી, કઠોળ, સલાડ અને છાશનું ફૂલ હાઈજીન વાળું પેકડ લન્ચ આપવામાં આવ્યું. અમને પીવાના પાણી માટે સીલ પેક મિનરલ વૉટરની બોટલ જ આપવામાં આવતી. બપોરે જમ્યા પછી આરામ કરીને ચારેક વાગ્યે ફરી ચા-બિસ્કીટ અને ફ્રૂટ ડીશ આપવામાં આવતી અને સાંજે ડીનરમાં શાક, રોટલી, કઢી, ખીચડી અને ગરમ હળદર વાળુ દૂધ આપવામાં આવતું. વોર્ડ દિવસમાં ચારપાંચ વાર કચરા-પોતાં કરીને એકદમ સફાઈદાર રાખવામાં આવતો હતો. રોજ સવારે ધોયેલી ચાદર પાથરવામાં આવતી. ટોઈલેટ-બાથરુમની પણ સતત સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરી સુઘડ રાખવામાં આવતા.


દિવસમાં બે-ત્રણ વાર ડૉક્ટર્સ ની ટીમ રાઉન્ડઅપ કરતી અને દર્દીઓને ચેક કરતી. અમારું ટેમ્પરેચર પણ વારંવાર માપવામાં આવતું. અને એ બધાં સાથે વોર્ડમાં જ બનાવેલે કાઉન્ટર પર નર્સ, વોર્ડબોયની ટીમ ચોવીસ કલાક હાજર રહેતાં. જેના કારણે દર્દીને કોઈપણ જાતની તકલીફ હોય તો તરત જ એ લોકો હાજર થઈ જતા.

બે દિવસ પછી મારો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો એટલે મને જાણ કરવામાં આવી. એક ક્ષણ પગ નીચેથી ધરતી ખસી ગઈ. સામે ખાલી પડેલાં સ્ટ્રેચર પર મારો ભર યુવાન મૃતદેહ કલ્પ્યો. તરત એ વિચાર મનમાંથી ખંખેરી નાખ્યો. જો કે હું એના માટે માનસિક રીતે પહેલેથી જ તૈયાર હતો એટલે બહુ લાંબો સમય આઘાત ના લાગ્યો.

ઘેર પણ બધાને માનસિક રીતે આ બાબતે તૈયાર કરેલાં એટલે પત્ની એકતા અને મારી મમ્મીએ પણ ગજબની મક્કમતા દાખવી. જેના કારણે મારે અડધી ચીંતા દૂર થઈ ગઈ અને અંદર હિમ્મતનો સંચાર થઈ ગયો. રીપોર્ટ પોઝેટીવ આવતાં મને બીજા વોર્ડમાં ખસેડાયો ત્યાં પણ એજ રીતની સગવડતાઓ સાથે મારો ઈલાજ શરુ થયો.


ધીમેધીમે જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ તબીયતમાં સુધારો આવતો ગયો. તાવ, ખાંસી બિલકુલ બંધ થઈ ગયાં. ભૂખ લાગવા લાગી, અને શરીરમાં શક્તિનો સંચાર પણ થવા લાગ્યો. પાંચેક દિવસ પછી બાટલા બંધ કરી એ લોકોએ માત્ર ટેબ્લેટ અને સીરપ જ આપવાનું ચાલુ કર્યું. મારી તબીયત હવે એકદમ સુધારા પર હતી.

તબીયતનો એહવાલ સિવીલ હોસ્પિટલ દ્વારા રોજ ઘરે આપવામાં આવતો. સાથેસાથે રોજ સિવીલમાંથી ત્યાંની સગવડો કે દર્દીને પડતી અગવડો બાબતનો રીવ્યુ લેવા માટે પણ ઘરે ફોન આવતા.

હોસ્પિટલમાં પણ દર બે દિવસે પેરામેડિકલ ટીમ આવી દર્દીઓનુ કાઉન્સેલિંગ કરતી. ત્યાં રહેવા, જમવા, ડૉક્ટર કે અન્ય સ્ટાફની તકલીફ તો નથી એની જાણકારી પણ લેવામાં આવતી, જેના આધારે એ લોકો પોતાના કામમાં સુધારો વધારો કરતા.


ધીમેધીમે તબીયત સ્થિર થઈ અને પછી દશ દિવસ બાદ મને રજા આપવાની વાત થઈ એટલે ડૉક્ટરે મારૂં ઓકિસજન લેવલ ચેક કરી હોસ્પિટલમાં રાઉન્ડ મરાવી ફરી લેવલ ચેક કરી 'એવરીથિંગ ઈઝ ઓકે' નું એપ્રુવલ આપી રજા આપવાની મંજુરી આપી.

એ લોકોએ ઘરે જાણ કરી કે તમારા દર્દીને રજા આપવાની છે. ત્યાંની પોલિસી મુજબ દર્દીને એના રીલેટીવને રુબરુ હેન્ડઓવર કરી એના તથા જે ગાડીમાં જવાનુ હોય એના ફોટા તથા લેવા આવનારની સહી કરી ને જ સુપ્રત કરવાના. જો તમારી પાસે વાહન કે લેવા આવનારની સગવડ ના હોય તો સિવીલ હોસ્પિટલ દ્વારા એમના વાહનમાં એ દર્દીને એના ઘર સુધી પહોંચતા કરવાની પણ વ્યવસ્થા કરેલ હતી. બધી જ પેપર ફોર્માલીટી પુરી કરી. હું ત્યાંના ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ તથા અન્ય સ્ટાફનો અંગત આભાર માની બહાર નીકળ્યો ત્યાં તો મારી ઉપર ગુલાબની પાંદડીઓની વૃષ્ટિ કરવામાં આવી. અમને તે દિવસે ડિસ્ચાર્જ થતા દર્દીઓને તાળીથી વધાવી લેવામાં આવ્યા. મેં મનોમન એ કોરોના વૉરિયર્સને મસ્તક નમાવ્યું.

ફરી મિત્રને બોલાવી એની સાથે હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી દવાઓ અને બિસ્કીટ, શક્કરપારા, ફરસીપુરી, ચોકલેટ્સ,અને એપ્પીફિઝ વાળુ ગિફ્ટપેક લઈ અને મનમાં નવજીવનનો સંચાર ભરી 'આજ ફીર જીનેકી તમન્ના હૈ, આજ કોરોના મારને કા ઈરાદા હૈ' ગાતો ભાવવિભોર બની ઘર તરફ રવાના થયો.


(દશ દિવસની ટ્રીટમેન્ટ, ત્યાં રેહવા, જમવા, દવાનો મારો કુલ ખર્ચો થયો પુરા રુપિયા "શૂન્ય".જી હાં! બિલકુલ મફત.)


નવા અવતારે ઘેર ગયા પછી પણ પૂરતી કાળજી રાખવાની હતી. એ બાબતે મારી પત્ની એકતાની સલાહ પણ વાંચો.

કોરોના પેશન્ટ ની સાથે રેહનાર ઘરના સભ્યો એ શી કાળજી રાખવી ?


"૧. ઘરના તમામ સભ્યોએ સેલ્ફ ડિસ્ટન્સ રાખવું.


૨. ભલે તમને કોઈ જ લક્ષણ ન હોય પણ રોજ સવારે ઉકાળો પીવો.


૩. વારે વારે સાબુ કે Dettol થી હાથ ધોવા. ( હું દર ૨૦ મિનિટે ધોતી.)


૪. ઘરના તમામ સભ્યોએ ચા જેટલું ગરમ પાણી (જ્યારે પીવું હોઈ ત્યારે ગરમ કરી) જ પીવું.


૫. દર્દીના વાસણ કપડાં અલગ રાખવાં. વાસણ અને કપડાંને ૧૦ થી ૧૨ કલાક પાવડરનાં પાણીમાં પલાળી રાખી પછી જ ધોવાં.


૬. કોરોના સ્પર્શથી થતો રોગ નથી એટલે તમે દર્દીને અડશો તો તમને પણ થઈ જશે એમ વિચારી દર્દીને એકલો અટૂલો મૂકી દેવો નહીં. હું સતત મારા 'સાહેબજી' ની સાથે અને પાસે જ રહેતી પણ માસ્ક પહેરીને. એ સાહચર્ય અને પ્રેમે જ જાદુની જપ્પીનું કામ કર્યું. અને ઉપર કહ્યું એમ હું દર વીસ મિનિટે હાથ ધોતી. (ઉંમરલાયક વ્યક્તિને કે બીમાર વ્યક્તિએ દર્દી નજીક જવું નહિં)


૭. અને સૌથી અગત્યનું- કોઈ પણ જાતના મોળા વિચાર કરવા નહિ અને ઘરના તમામ સભ્યોએ મક્કમ મનોબળ રાખવું કે બસ સાજા થવાનું જ છે અને ઘોડાની જેમ દોડવાનું જ છે. (હું 'સાહેબજી' ને દિવસમાં ૧૦૦ વાર એક જ વાક્ય કહેતી કે "તમને કશું જ નહીં થાય. હમણાં સાજા થઇ જશો અને મારી અણી કાઢશો."


૮. બીજું સૌથી અગત્યનું કે તમારા કોઈપણ સગા સંબંધીને જાણ કરવી નહિ. જેથી કરી સતત ખબર પૂછવા ફોનનો મારો ચાલુ ન રહે અને ખોટું પેનીક ન થવાય.

કોરોના પેશન્ટ છે એમ જાણતાં જ ઘણા દૂર ભાગી જાય છે, તે દર્દીની સામે.પણ જોતા નથી જ્યારે તેને માનસિક હિમ્મતની જરૂર હોય.

કોરોનાએ ભલે એનું કામ કર્યું, મેં મારું કામ કર્યું અને મારા 'સાહેબજી' એ તેમનું. ડોક્ટર નર્સો નું કામ તો કેમ ભુલાય?

ફરી અમારો સુખી સંસાર ચાલુ.

અમે ફરી સાથે હતાં.

કુણાલ મને કહે, "કશુંક તો બોલ? હું કાંઈ બોલું?"

મેં કહ્યું, "કશુંજ ના કેહશો, કશું જ ના બોલશો, શબ્દો ખુટી પડ્યા છે.

.. બસ માત્ર મનભરી માણી લેવા દો આ સુવાસને, આ એહસાસને. માત્ર દિવસોના વિતેલો વિરહ પણ જાણે દાયકાઓ, સદીઓ જેવો દોહ્યલો થઈ પડ્યો."


એ જ બારીમાંથી આવતી મંદ પવનની લહેરખીઓ, મોગરાની સુવાસ, બંધ દીવાલો, અમે બે અને ઉઘાડી બારીમાંથી જોઈ શરમાઈ વાદળમાં છુપાઈ જતો અષાઢી ચંદ્ર.

(સંપૂર્ણ સત્ય કથા, ઘણીખરી વાર્તા ફેસબુક મિત્ર કુણાલ દરજી અને સુશ્રી એકતા દરજીના પોતાના જ શબ્દોમાં. એમની ફેસબુક પોસ્ટ પરથી. એ યુવાન દંપત્તિના ખૂબ આભાર સાથે.)

-સુનીલ અંજારીયા