Suryoday - ek navi sharuaat - 16 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૬

ભાગ :- ૧૬

આપણે પંદરમાં ભાગમાં જોયું કે શ્યામ અને અનુરાધા શ્યામના જન્મદિવસે મળ્યા અને અનુરાધાએ શ્યામ સાથે મળી પોતાના માટે બાળ કૃષ્ણ લાલો લીધો. સાર્થક સૃષ્ટિને મળી એ પોતે જીવનમાં આગળ વધવા માગે છે અને પોતાની ઓફિસ ખોલવા માગે છે એ કહ્યું. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સાર્થક જીવનમાં આગળ વધવા માગે છે એ વિચારી સૃષ્ટિ ખુબજ ખુશ થઈ ઉઠી. આમપણ એ પોતે મનોમન એવું ઇચ્છતી હતી કે સાર્થક પોતે આગળ વધે અને એક સફળ કારકિર્દીનું નિર્માણ કરે. આજે તો જાણે સૃષ્ટિના મનની વાત સાર્થકે કરી હતી અને સાર્થકે પોતાના જીવનનો ખુબજ મહત્વનો નિર્ણય લીધો હતો. સૃષ્ટિ પાસે પોતાની સેવિંગ ૫૦૦૦૦ જેટલી હતી પણ ઉપરના ૧.૫ લાખ ક્યાંથી લાવવા એ વિચારમાં પડી હતી. અનુરાધા કે પાયલ પાસે એ માગી શકે એમ નહોતી અને બીજું કોઈ ધ્યાનમાં આવતું નહોતું.

આખરે એ વિચારમાં પડી અને એને એક ઉપાય સૂઝ્યો એનો મિત્ર રાકેશ, જેણે એને શાળાજીવનમાં લેટર લખ્યો હતો અને સૃષ્ટિએ પ્રેમથી એને ના પાડીને સમજાવ્યો હતો. રાકેશે પણ એ વખતે ખૂબ જ સમજદારી દાખવી હતી અને એના પ્રેમને મનના એક ખૂણામાં સંતાડીને સૃષ્ટિનો મિત્ર બની રહ્યો હતો. સૃષ્ટિ કોઈ કોઈવાર એની સાથે વાત કરતી હતી અને એનો પોતાનો મોરબીમાં સિરામિકનો ધંધો પણ જોરદાર ચાલી રહ્યો હતો, આથી એના માટે આ ૧.૫ લાખ કોઈ મોટી રકમ નહોતી. પણ આમ રાકેશને ભાગ્યેજ યાદ કરતી સૃષ્ટિને રાકેશ પાસે પૈસા મંગાય કે નહીં એ વિચાર આવી ગયો. આખરે એને થયું કે સાર્થકને પૂછી જોવું એ શું કહે છે. આખરે આ પૈસા સાર્થક માટે લેવાના છે અને સાર્થકનો અભિપ્રાય એના માટે એક્દમ મહત્વનો હમેશાં હોંય છે.

સૃષ્ટિ સાર્થકને મેસેજ કરે છે અને આ શનિવારે સાંજે મળીને આ વાત ઉપર આગળ વાત કરવાનું નક્કી કરે છે. આખરે એ દિવસ આવી ગયો. સૃષ્ટિ અને સાર્થક આમતો ઘણીવાર મળ્યા પરંતુ આજનો દિવસ ખુબજ મહત્વનો હતો. હમેશાં એકબીજાની બહુ બધી વાતો કરી હતી, જીવનના બહુ બધાં પ્રસંગો સાથે માણ્યા હતા પણ પહેલીવાર આમ કારકિર્દીને લઈને સિરિયસ ચર્ચા કરવા જઈ રહ્યા હતા.

આખરે સૃષ્ટિએ વાતનો દોર હાથમાં લીધો અને એ પોતાના અને પોતાના મિત્ર રાકેશ પાસેથી પૈસા મળી શકે એમ છે એ પણ કહ્યું. સાર્થક બોલ્યો..."કોઈ પાસે બિઝનેસ માટે પૈસા લેવા ખોટા નથી અને સારું થયું તે મને પૂછ્યું. તું એને પૂછી જોજે, પણ શું એ આપશે.? અને જો હા પાડે તો કહી દેજે કે એ પૈસા રિટર્ન કરતા વાર લાગશે પણ એ દરમિયાન આપણે દર મહિને એને વ્યાજ આપતા રહીશું."

સૃષ્ટિએ કહ્યું.... "હા એ વાત તે બરાબર કહી. એ આપશે એ ચોક્કસ વાત છે એ તો મને ખબર છે જ, પણ તે કહ્યું એમ એને આપણે દર મહિને વ્યાજ આપીશું."

સાર્થક આગળ બોલ્યો... "હા... તું એ જોઈ લે અને નક્કી કર. મારે મારા CA મિત્ર અભય સાથે વાત થઈ હતી એણે કહ્યું છે કે એ પોતે ઓછું ધ્યાન આપી શકશે એટલે મારે જ ઓફિસ સંભાળવાની રહેશે. અને અત્યારે બે સ્ટાફ મેમ્બર રાખવાના છે, આથી હું વિચારું છું કે તું અને પાયલ આવી જાઓ તો બધુંજ મેનેજ થાય, પણ એક તકલીફ છે."

"હા બોલ સાર્થક... મનમાં શું રાખે છે. જે પણ હોય એક્દમ ક્લિયર કહી દેવાનું. જેથી કોઈપણ તકલીફનું સમાધાન થઇ શકે." સૃષ્ટિએ કહ્યું...

"સૃષ્ટિ નવી નવી શરૂઆત થશે એટલે કદાચ પગાર તમને ત્યાંથી વધુ અથવા ત્યાં જેટલો પણ ના આપી શકીએ. આ વાત હતી જે મારે મારા મિત્ર સાથે થઈ હતી એટલે હું એ અવઢવમાં હતો કે એ તને કઈરીતે કહું.!?" સાર્થક બોલ્યો...

"જો સાર્થક, પાયલ અને મારે ઘરે કહેવાની તકલીફ પડે જો નોકરી બદલીએતો. અને એમાં પણ ઓછા પગારની હોય તો ખુલાસા આપવા અઘરા પડે. એટલે પગાર વધુ ના આપે તો કાંઈજ નહીં પણ જેટલો છે એટલો તો આપવો જ પડે નહીં તો અમે ત્યાં આવી ના શકીએ. તું સમજે છે ને સાર્થક હું શું કહેવા માંગુ છું.!?" સૃષ્ટિએ સાર્થકના હાથ ઉપર પોતાનો હાથ મૂકતા કહ્યું...

"હા સૃષ્ટિ હું સમજી શકું છું.! તું એક કામ કર, પૈસાનું નક્કી કર અને પાયલને પૂછી લે. ત્યાં સુધી હું મારા મિત્ર સાથે આ બાબતે વાત કરીશ, મારા બનતા પ્રયત્નો કરીશ. પણ તું જાણે છે ને સૃષ્ટિ મને તારા વગર નહીં ફાવે.!? મારા કોઈપણ કામમાં મારે હવે તું સાથે જોઈએ જ.!" પોતાના હાથ ઉપર મુકેલા સૃષ્ટિના હાથ ઉપર પોતાનો બીજો હાથ મૂકતા સાર્થકે કહ્યું...

"હા સાર્થક, હું જાણું છું આ વાત.! હું પણ મારા બનતા પ્રયત્નો કરીશ." આટલી વાતો કરી સાર્થક અને સૃષ્ટિ છૂટા પડ્યા. આટલા સમયમાં પહેલીવાર એવું બન્યું કે બંને છૂટા પડ્યા ત્યારે અવઢવમાં હતા કહો તો એક ચિંતામાં કે હવે શું થશે.

"સપનું જોયું છે જે તારા સંગાથમાં,
બેમતલબ બને જો તું ના હોય સાથમાં."

આમને આમ બે દિવસ વીતી ગયા... સાર્થકે એના મિત્ર સાથે પગાર અને અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરી લીધી અને ગાંધીનગરમાં જ એક નાની એવી ઓફિસ શોધી લીધી. એણે પોતાના CA મિત્ર અભય પાસેથી કામ મળી રહેશે અને આ રોકાણ એકાદ વર્ષમાં બહાર નીકળી જશે અને ત્યારબાદ સારા એવા પ્રોફિટ સાથે આ કામ ચાલુ રહેશે એવું વિચારી બધા પાસા ઉપર મનોમન ગણતરી કરી લીધી. આ દરમિયાન સાર્થકનું મ્યુઝિક ગ્રુપનું કામ પણ ચાલી રહ્યું હોવાથી ત્યાંથી પણ થોડીક આવક ચાલુ હતી, આથી સાર્થકને એવું હતું કે જો ઓફિસનું કામ બરાબર ના ચાલે તો અહીંથી એ સરભર થઈ શકશે.

આ તરફ સૃષ્ટિએ પોતાના મિત્ર રાકેશ સાથે વાત કરી અને રાકેશ પણ એની અપેક્ષા ઉપર એક્દમ ખરો ઉતર્યો. અહીં રાકેશને સૃષ્ટિ પોતે પોતાનું પર્સનલ કામ કરી રહી છે એ કહી પૈસાની જરૂરીયાત છે એવું કહ્યું, અને માત્ર નજીવા ટોકન વ્યાજદર સાથે રાકેશે સૃષ્ટિને પૈસા જોઈએ ત્યારે મળી જશે એવું કહ્યું. રાકેશને એવું લાગી રહ્યું હતું કે આટલા વર્ષો પછી પણ સૃષ્ટિએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે આ મારો મિત્ર મારી મદદે આવી શકશે એ જ બહુ હતું. આ તરફ સૃષ્ટિ પણ પોતે સાચવેલા સંબંધો કેટલા વિશ્વસનીય છે એ વિચારી પોતાની જાત ઉપર ગર્વ કરી રહી હતી.

સૃષ્ટિએ પોતે અને સાર્થક આ રીતે નવી ઓફિસનું પ્લાન કરી રહ્યા છે અને પૈસાની જોગવાઈ એ કરી આપવાની છે એ વાત અનુરાધા સાથે શેર કરી. સૃષ્ટિ માટે એના જીવનમાં અનુરાધાનું આ જ તો સ્થાન હતું. પોતાના જીવનની નાની હોય કે મોટી કોઈપણ વાત એને અનુરાધા સાથે શેર કરવી ગમતી અને સાથે એ એના વિચારો પણ નોંધી લેતી. અનુરાધા માટે પણ સૃષ્ટિ જીવનમાં આગળ વધે એથી વધુ શું હોઈ શકે સાથેજ એણે આ રીતે આગળ વધવામાં શું તકલીફો આવી શકે અને શું ધ્યાન રાખવું એ પણ સૃષ્ટિને કહ્યું.

લગભગ ત્રણ મહિનાની તૈયારીઓ અને મહેનતને અંતે નવી ઓફિસનું લોકેશન, ભાડા કોન્ટ્રાક્ટ, ફર્નીચર બધુંજ તૈયાર થઈ ગયું. પાયલ, સાર્થક અને સૃષ્ટિએ એકબાદ એક સમયના અંતરાલમાં જૂની ઓફિસમાંથી રાજીનામાં મૂકી દીધા હતા. સાર્થક અને સૃષ્ટિએ આ નવી ઓફિસના નાનામાં નાના કામમાં પણ પોતાનો સમય આપી એક પરફેક્ટ લુક આપ્યો અને જરૂરી સ્ટેશનરીથી લઈ નાની, મોટી બધીજ વસ્તુઓ સાથે જઈને જ લઈ આવ્યા હતા. આખરે સારુ મુહૂર્ત જોઈ એ એન્કાઉન્ટ કન્સલ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બધાજ પોતાના કામ ઉપર લાગી ગયા.

સૃષ્ટિએ ઘરે નિરવને આ નવી ઓફિસ વિશે કહી રાખ્યું હતું અને નિરવ પણ હવે સૃષ્ટિનો કોઈ વધુ વિરોધ કરતો નહોતો. કોણ જાણે કેમ સૃષ્ટિને એવું લાગી રહ્યું હતું કે સાર્થકના આવવાથી એના જીવનમાં બધુંજ સારું થઈ રહ્યું છે. જાણે એક નવી શરૂઆત થઈ છે. ઘણા બધા અવરોધો દૂર થઈ રહ્યા છે.

સાર્થકના CA મિત્ર અભયના કહ્યા મુજબ શરૂઆતમાં તો એણે ઘણા કામ અપાવ્યા અને સારી એવી શરૂઆત થઈ ગઈ હતી પણ હવે જ મુશ્કેલ કામ હતું નવા ક્લાયન્ટ શોધવા અને આ પેઢીને આગળ વધારવી. આ માટે સાર્થક અને સૃષ્ટિ દરરોજ બેસી ચર્ચા કરતા અને જ્યાં જરૂર પડે ત્યાં જાહેરાત પણ આપતા. છતાં પણ હજુ સુધી ધારી સફળતા મળી નહોતી.


*****

શું આ નવી ઓફિસમાં સાથે રહેવાથી એમની બધી સમસ્યાઓ દૂર થઈ જશે?
રાકેશ શું સાચેજ સૃષ્ટિની મદદ કરી રહ્યો હતો કે પછી ફરી કોઈ તકલીફ આપશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો 'સૂર્યોદય એક નવી શરૂઆત...'

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED