ભાગ :- ૧૫
આપણે ચૌદમાં ભાગમાં જોયું તો સાર્થક અને સૃષ્ટિએ સમાજના નીતિમત્તાના બધાજ ધારા ધોરણ તોડી એક અલગ જ સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. નિરવનું સૃષ્ટિની જીંદગીમાં હવે કેવું સ્થાન રહેશે અને શું આ સંબંધ આમજ આગળ વધશે.!? આ જોવા હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.
*****
અનુરાધાની એ વાત કે... "જે પળ મળે એ પળ માણી જીવી લેવી, લોકો શું કહેશે.? કોણ શું વિચારશે એવું વિચારીને તો જિંદગી વિતે... જિંદગી ના જીવાય..." સૃષ્ટિને સાચી લાગી રહી હતી અને કદાચ એટલેજ હવે એને કાંઈજ ખોટું કર્યાનો કોઈજ ક્ષોભ નહોતો. અનુરાધા એના વિચારોમાં ક્યાંક ખોવાઈ ગયેલી હતી એ જોઈ સૃષ્ટિએ પોતાના હાથમાં મોબાઇલ લીધો અને સાર્થક સાથે ચેટ કરતા કરતા એમની યાદો વાગોળવા લાગી.
બીજા દિવસે સવારમાં જ અનુરાધા પોતાના ઘરે આવવા નીકળી ગઈ અને ફરી એ જ સવાલોનો વરસાદ પણ એની રાહ જોઈ ઉભો થઈ ગયો. અનુરાધાનો પતિ સમર્થ એની ઉપર વરસી પડ્યો.... "ત્યાંજ રોકાઈ જવું હતું ને..!! આમ ત્રણ દિવસ સુધી એના ત્યાં જતી રહે છે તો તારી કોઈ આ ઘર પ્રત્યેની જવાબદારી છે કે નહીં.?" અનુરાધા પણ આ બધું સાંભળી વરસી પડી, "હા... મારી જ જવાબદારી બધી. મારી જ ભૂલો બધી. મને જ ભાન નથી પડતી." ગુસ્સામાં આટલું કહી પોતાના કામમાં લાગી ગઈ અને મનમાં કેટલાએ સવાલો ઉભા થઈ ગયા કે, "શું આ કામ કરવું અને પોતાની નિષ્ઠા ઘર પ્રત્યે રાખવી એ જ મારી જિંદગી..!? મારા પ્રત્યે કેમ કોઈને બીજી કોઈ લાગણી નથી કે આ શું વિચારે છે એ એને પૂછીએ.. એના સુખ દુખમાં સાથ આપીએ.. બસ બધાને પોતાની જ પડી છે.! મારે મારું ધ્યાન તો સાઇડ ઉપર મૂકવાનું અને બધા માટે જિંદગી જીવવાની." અને એક નિસાસા સાથે આંખના ખૂણે આંસુ આવી ઉભું થઈ ગયું અને શ્યામ સાથે વળગી રડી લેવાની તીવ્ર ઇચ્છા પણ.! એ મોઢું ધોઈ પોતાના કામ ઉપર લાગી ગઈ.
"આતો મારી કેવી જિંદગી છે.!?
જે ફક્ત બીજા માટે જ જીવવાની છે.!
છું હું પણ હાડમાંસની બનેલી,
શું સદંતર આ વાત અવગણવાની છે.!?"
શ્યામનો જન્મ દિવસ આવી રહ્યો હતો અને બહુ વર્ષો પછી અનુરાધાએ ફોનમાં શ્યામ સાથે જન્મ દિવસમાં મળવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્યામ ભલે એના જીવનમાં ઠરી ઠામ થયો હતો પણ અનુરાધા સાથેનો ભાવ એનો હજુ એવોજ અકબંધ હતો. અનુરાધાના મનમાં એ ખાસ દિવસ માટે એક અલગ જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એટલે એ શ્યામના જન્મ દિવસની રાહ જોવામાં લાગી પડી.
આખરે એ દિવસ આવી ગયો. શ્યામ પોતાની ગાડી લઈને અનુરાધા પાસે પહોંચી ગયો અને અનુરાધા પણ શ્યામની રાહ જોઈને તૈયાર જ હતી. એ તરત જ કારમાં બેસી ગઈ અને બંને મંઝિલ વગરની રાહમાં નીકળી પડ્યા. બહુ વર્ષો પછી આજે એમણે એકમેકની આંખોમાં જોયું, ફરી એ મનની વાતો આંખોમાંથી એકબીજામાં ઉતારી સંતોષ માણી લીધો. થોડી પળોના મૌન પછી અનુરાધાએ વાતનો દોર હાથમાં લીધો અને કહ્યું... "શ્યામ આટલા વર્ષો પછી મેં તને મારે કાંઈક જોઈએ છે એ લેવા બોલાવ્યો છે. તું આપીશ ને.!?"
શ્યામ વિચારમાં પડ્યો અને બોલી ઊઠ્યો... "હા, રાધા... તું માંગી લે."
અનુરાધાને ખબર જ હતી કે શ્યામ ના પાડવાનો નથી આથી એણે આ વાત ચાલુ ગાડીએ જ કરી અને કહ્યું કે, "હું કહું ત્યાં આપણે જવાનું છે. મારે જે જોઈએ તે ત્યાંથી મળી જશે."
આખરે અનુરાધાના ઇશારે ગાડી એક રાધા માધવ મંદિર પાસે જઈ ઊભી રહી અને અનુરાધા સાથે શ્યામ ચાલવા લાગ્યો. અનુરાધા ત્યાંના સ્ટોરમાં જઈને ઊભી રહી અને કૃષ્ણનું બાળ સ્વરૂપ એટલે એની લાલો માંગ્યો. અને શ્યામને પસંદગીની જવાબદારી સોપવામાં આવી. આખરે બાળ કૃષ્ણ, તેના અલંકાર, તેના કપડા બધુંજ એકપછી એક અનુરાધાએ શ્યામ સાથે મળીને ખરીદ્યું અને મનમાં એક ઊંડા સંતોષ સાથે આંખના ખૂણે આવેલા પાણીથી આ પળને વધાવી લીધી. ત્યારબાદ તેઓ પિઝા પોઇન્ટ ગયા અને પિઝાનો ઓર્ડર આપી રાહ જોવા બેઠા. એ દરમિયાન અનુરાધાએ સૃષ્ટિના જીવનમાં ચાલતો ઘટનાક્રમ શ્યામને કહ્યો અને શ્યામ સામે અપલક નજરે એના પ્રતિભાવ જાણવા જોઈ રહી. પણ શ્યામ ખાલી એટલુંજ બોલ્યો કે સૃષ્ટિ ખુશ છે એથી વિશેષ બીજું શું જોઈએ. એટલામાં પિઝા આવ્યા અને જૂની યાદો વાગોળતાં પિઝા ખાવા લાગ્યા. એક સામાન્ય છતાં એક્દમ અણમોલ એવી મુલાકાતથી અનુરાધા અને શ્યામ છૂટા પડ્યા.
"મંઝીલ વગરની રાહને આજે મંઝીલ મળી,
જીવવાને મને, હવે તારી એક ચાહ મળી.!"
અનુરાધા માટે આ એક અણમોલ દિવસ હતો. બહુ વર્ષો જૂનું સપનું પૂર્ણ થયું હતું. શ્યામના સાથ સાથે અને એના જન્મ દિવસે પોતાના ઘરે કાન્હો આવ્યો હતો, લાલો આવ્યો હતો.! જાણે પોતાની સાથે રહેવા શ્યામ આવ્યો હતો.! હવે અનુરાધા આ લાલા સાથે ફરિયાદ કરી શકે, લડી શકે, હસી શકે, રમી શકે, પોતાના હાથે જમાડી શકે, પોતાનું ધાર્યું કરાવી શકે આ બધું વિચારી વિચારી ખુબ ખુશ થઈ રહી હતી. જાણે પોતાના જીવનની અધુરપ પૂર્ણ કરવા શ્યામ અહીં લાલા સ્વરૂપે આવી ચડયો હતો. એ પોતાના શ્યામ એટલે કે બાળ કૃષ્ણ લાલાને ઘરમાં એક સ્થાન આપવાના કામમાં લાગી ગઈ.
એણે શ્યામને મેસેજ કર્યો કે, "Thank you so much.. મારા એકવારના કહેવાથી આવવા બદલ અને મને મારો કાન્હો, મારો લાલો અપાવવા બદલ.!"
શ્યામ પણ હમેશાંની જેમ એક્દમ ટૂંકમાં પ્રતિસાદ આપતા, "એમાં શું છે.!? તું કહે તો હું આવુંજ અને તારી ખુશી માટે હું શક્ય એ કરુજ.!" એટલું જ માત્ર બોલ્યો.
આટલું કહી શ્યામ વિચારમાં પડ્યો કે, "કદાચ મારા જ લીધે હું અને અનુરાધા આજે સાથે નથી. જો હું એ વખતે હિંમત કરી શક્યો હોત તો અનુરાધા સાથે ચાલી આવી હોત. અનુરાધાની ત્યારે સ્થિતિ એવી નહોતી કે એ સામેથી કાંઈજ કહી શકે, કાંઈપણ કરી શકે.! પણ હું એ શક્ય કરી શક્યો હોત." અનુરાધા સાથે ના મળી શક્યો, અનુરાધાના સપના ના પૂરા કરી શક્યો એ માટે શ્યામ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને દોષી માનતો હતો અને એટલેજ એ મોટેભાગે ગુમસુમ રહેતો હતો. ખપ પૂરતા જવાબો આપી ફરી એકાંકી અવસ્થામાં પોતાની સાથે સંવાદ સાધી પોતાનું સ્થાન શોધતો રહેતો હતો. અને અનુરાધા માટે હમેશાં તત્પર રહેતો હતો.
સૃષ્ટિ.. અનુરાધાના ગયા પછી જ્યારે પણ પોતાના કામમાં લાગતી ત્યારે અનુરાધા શું વિચારતી હશે એ વિચારતી. સાર્થક સાથેનો પોતાનો આ સંબંધ અનુરાધાને કેટલો ગમ્યો કેટલો નહીં એ સૃષ્ટિ માટે થોડુક તો મહત્વનું હતુંજ. બાકી બીજા બધાની વાત અલગ હતી કોઈ શું વિચારે શું નહીં એની એને કોઈજ પડી નહોતી. પાયલ, અનુરાધા, દીકરી મનસ્વી આટલા વ્યક્તિનું ખાસ મહત્વ હતું જીવનમાં એટલે એ લોકોના વિચારો એ સતત જાણવા પ્રયત્નો કરતી અને સાર્થક સાથે પોતાનું જીવન આગળ વધારવા સતત મથતી.
આમને આમ આ સંબંધને એક વર્ષ વીતી ગયું. આ અરસામાં કેટલીયે વાર સાર્થક અને સૃષ્ટિ ફરવા જતા અને કેટલોય સમય એકબીજા સાથે ગાળતા. સાર્થકને હવે પોતાના પ્રોફેશનમાં આગળ વધવું હતું એટલે એકદિવસ એણે સૃષ્ટિને કહ્યું કે... "આપણે આપણી પ્રાઇવેટ ઓફિસ ખોલીએ તો.!? આપણે નોકરી કરતા લોકો અને નાના ધંધા કરતા લોકોનું રિટર્ન ભરી આપવું અને એમનું એકાઉન્ટ લખવું."
સૃષ્ટિએ કહ્યું... "વિચાર તો સારો છે પણ એ માટે પૈસા જોઈએ અને ખાસ એ પણ કે આપણે કોઈ CA પણ જોઈએ જે આપણો ઓળખીતો હોય અને આપણે અટવાઇએ ત્યારે આપણી મદદ કરી શકે."
સાર્થકે કહ્યું..."CA નું થઈ જશે એક મિત્ર છે એની સાથે વાત થઈ છે અને એ મારી સાથે ભાગીદારી કરવા તૈયાર છે એ 50% રોકાણ પણ કરશે આપણે 50% જોગવાઈ કરવાની છે. જે લગભગ 2 લાખ જેવી થાય પણ અત્યારે મારી પાસે નથી. તું કાંઈ હેલ્પ કરી શકે.!?" સૃષ્ટિ એ કહ્યું... "સાર્થક ચિંતા ના કર હું કાંઈક મેનેજ કરું છું."
*****
શું સાર્થક ખરેખર સૃષ્ટિને પ્રેમ કરતો હતો કે આ કોઈ રમત રમાઈ રહી હતી?
સૃષ્ટિ કઈ રીતે સાર્થકને મદદ કરશે અને એના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ