MY F COLONY MEANS SHAH-E-ALAM books and stories free download online pdf in Gujarati

મારી શાહ આલમ એફ કોલોની

બૉમ્બે હાઉસીંગ (શાહઆલમ કોલોની) એફ કોલોની
________________________________________
ખખડધજ ઘેઘુર વૃક્ષ માંથી ખરી જઇ પથ પર વેરાયેલા સુક્કા પર્ણો..નુ ....ઝુંડ
મારુત(પવન ) ની નાજુક ઠેસથી પથ પર વિખરાઇ જઇને અનેરી ભાત રચે...
બસ.. એમજ-
"બોમ્બે હાઉસિંગ "શબ્દ કાને પડતા જ મનનાઅગોચર ખુણે પલાઠી વાળી બેઠેલા ભાવવિશ્વના પથ પર , કેશરી દાંડી વાળા સફેદ પારિજાત પુષ્પોના, પરોઢે ખરેલાં નાજુક ઢગલા જેવો વિખરાઈ પડેલો બાળપણિયા સંસ્મરણોના ઢગ.....
મંદ મંદ વાયુ લહેરમાં અમસ્થા અમસ્થા ફરફરી જતા પુષ્પોના ઢગલાની જેમજ મારી આરપાર ફરફરી જાય છે......
ને ..શિશુવયની મુગ્ધાવસ્થાની -ભાવ સ્મૃતિના રંગીન પતંગિયા ઉડાઉડ કરી મુકે......છે.
ત્યારે થાય છે ફરી એજ બાળપણ પાછુ મળે તો !!! આ.....હા. હા. ....મઝ્ઝા પડી જાય.....
..અને . ત્યારે અનાયાસ..જ...
મરીઝ ની ગઝલ નો શેર, ..અચુક યાદ આવી જાયછે...

એક વિતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા
એક પળ વિતેલી જીંદગીનુ મારે કામ છે.

મેં ત્યજી તારી તમન્ના એનો આ અંજામ છે.
કે હવે સાચે જ લાગે છે કે તારુ કામ છે."
********
એજ રીતે -
" એઈ રીક્ષા, બોમ્બે હાઉસીંગ આવું છે?"
"ક્યું બોમ્બે હાઉસીંગ?, શિતલ ટોકીઝ વાળું કે પછી શાહ આલમ ટોલનાકા?"
"શાહ આલમ ટોલનાકા?"
એટલે જ્યારે 'શાહ આલમ ટોલનાકા' કે 'બૉમ્બે હાઉસીંગ' શબ્દ કાને પડે ત્યારે શરીરમાં ના સમજાય એવી એક કંપારી સાથે લખલખું પસાર, એ દરેકના શરીરમાંથી થઈ જતું હશે ......
આ એ કોલોની છે જેમાં મારા અને મારા જેવા કઇંક હમઉમ્ર મિત્રો, મારાથી નાના, અને મોટા, માબાપ, દાદા દાદી કે નાના નાની વિગેરે સાથે સંબધો ઉછર્યા છે, અને મસ્તી ભરીને જીવ્યા છે અને... આ સંબંધોના રૂણાનુંબંધ ની વિતાવેલ યાદોનો એક લાંબો અંતરાલ આજે સાવ ભગ્ન અવશેષ રૂપે, ત્યાં એકલો અટુલો કણસી રહ્યો છે.
ને એ કણસી રહેલા ભુતકાળ ની યાદો ધીરેધીરે ચલચિત્ર ની માફક માનસ પટ પર, ફિલ્મી રીલ ની જેમ ફરવા લાગે છે......

**********
૧ લી મે ૧૯૬૦ ના રોજ, બૃહદ મુંબઈ થી છુટું પડી ગુજરાત રાજ્ય નો આવિષ્કાર થયો.
ગુજરાત સરકાર નું અલાયદું માળખું ને તે વહીવટી પ્રક્રિયા સંદર્ભમાં ગુજરાતના જુદાજુદા સરકારી વિભાગો નો સ્થળાંંતરીત સ્ટાફ તેમજ, લોકલ ગુજરાતના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ત્થા અન્ય સ્ટાફના આવાસ ના પ્રશ્ન ના નિરાકરણ માટે...
એક સમયે ધમધમતી મિલો ના કારણે માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદ નગર ના મિલ મજૂર અને બીજા ઇન્ડસ્ટ્રીઅલ વર્કર્સ માટે તે સમયના 'બોમ્બે હાઉસીંગ બોર્ડ ' દ્વારા તૈયાર કરેલા બેઠા ઘાટના મકાનો ફાળવવામાં આવ્યા.... ત્થા ગુજરાત હાઉસીંગ બોર્ડ અસ્તિત્વમાં આવ્યા પછી પણ જરૂરીયાત મુજબ બીજા આવાસ પણ બનાવવામાં આવ્યા.
તે પૈકી....
(૧) 'એ ' કોલોની...દરિયાખાન ઘૂમ્મટ
(૨ ) 'બી ' કોલોની... સીવીલ હોસ્પિટલ પાછળ
(૩) ' સી ' કોલોની... નરોડા રોડ
(૪ ) ' ડી ' કોલોની... નરોડા રોડ
(૫) ' ઈ' 'કોલોની...મંચ્છાની મસ્જિદ, સરસપુર
(૬)' એફ ' કોલોની... શાહઆલમ ટોલનાકા
(૭)' જી ' કોલોની... સુખરામ નગર, લાલમીલ કોલોની
(૮)' એચ એંડ એલ ' કોલોની, આંબાવાડી
(૯) ' કે' કોલોની નવરંગપુરા
*********
આ કોલોની જે સરકારી જમીન પર બનેલી તેના ઇતિહાસ માં ખણખોદ કરીએ તો...
આ કોલોનીના દક્ષિણ તરફ, તેની હદ પર જ, રોડની સામેની તરફ શાહ આલમ દરવાજો, તેના જર્જરીત અસ્તિત્વ ને સાચવી ને ઉભો છે. આની સ્થાપના લગભગ ૧૫મી સદી માં થઈ હશે તેવી ધારણા છે.
તેનાથી આગળ જઈએ તો...
બહાવાલપુર (પાકિસ્તાન) ના, સૈયદ જલાલઉંદ્દીન હુસૈની બુખારી ના પુત્ર હજરત સૈયદ બુરહાનુંદ્દીન ( કુતુબ-એ - આલમ) જે મૂળ અમદાવાદ થી દૂર વટવા મા સ્થિર થયેલા, તેમના પુત્ર સૈયદ સિરાજુદ્દીન મુહંમદ (શાહ-એ-આલમ) ની મઝાર આવેલી છે.
તા ૨૬મી ફેબ્રુઆરી ૧૪૧૧ ના રોજ અમદાવાદની સ્થાપના કરનાર મુઝફ્ફર વંશ ના એહમદશા બાદશાહ (પહેલા ) ની ત્રીજી પેઢીએ થયો તે મુહંમ્મદ બેગડો (બે ગઢો એટલે બે ગઢ જીતનારો), સ્વાભાવિક છે મુહંમ્મદ બેગડો એહમદશા બાદશાહ નો વારસદાર હોઈ, તે નાનો હતો ત્યારે તેને, સત્તા માટે કોઈ મારી ના નાંખે માટે તેની માતા મુઘલી બાઈ એ, તેને ઈ. સ. ૧૪૪૫ થી ૧૪૬૦ (અંદાજિત ગાળો ) ( તેનો જન્મ ૧૪૪૫ માં અમદાવાદ માં થયેલો ) ની વચ્ચે અસલ અમદાવાદ થી દૂર, ઘનઘોર જંગલ જેવા આ શાહ આલમ વિસ્તારમાં, શાહ આલમ બાબા ની પનાહ માં છુપાવી ને રાખ્યો હતો.*( ૧૯૫૫ - ૧૯૬૦માં તે વિસ્તાર ઝાડી ઝાંખરાં વાળો ગીચ હતો તો કલ્પના કરો કે તેના ૫૦૦ વર્ષ અગાઉ એટલે કે ૧૪૪૫ ની આસપાસ કેવો હોઈ શકે?)
( એક વાત એવી પણ છે કે તેની અમ્મા મુઘલી બાઈ તેને રોજ ચોખા ના દાણા જેટલું ઝેર આપતી હતી, જેથી તે ઝેર થી ટેવાય તો કોઈ ઝેર આપી મારી નાખવામાં સફળ ના થાય)
*ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક નવલકથા "રા'ગંગાજળિયો" માં મુહંમ્મદ બેગડા ના બાળપણ નું વર્ણન છે.
આ વર્ણન જોતા એક વિચાર આવે કે, આ શાહઆલમ કોલોની પર સદીઓ પહેલા ઘટાટોપ વનરાજીમાં જ્યાં મુહંમ્મદ બેગડો, આમલી-પીપળી કે ગિલ્લી-ડંડા રમ્યો હશે, ત્યાં અમે, અમારા બાળપણ માં...
થપ્પો, ગિલ્લી-ડંડા, કોચામડી, લખોટી, એ જમાનામાં આવતી દૂધ ની બાટલી ના બીલ્લા રમેલાં તે યાદ આવે છે.
અને હા...
આખા અમદાવાદમાં ક્રિકેટ... નું હબ....
એટલે... શાહઆલમ કોલોની..
(આ વાત ની ચર્ચા આગળ )
પણ એક વાત ચોક્કસ છે કે કોલોની ના લોકો, આ ખુમારી વાળી માટી ની અસરમાં હોઈ તે સમય ના આંદોલન, ધમાલ, ને અન્ય તોફાની પ્રવૃત્તિ માં જોતરાવા જરાયે ડરતા નહોતા. આમ આ ખુમારી વાળી જમીન માં અમારી શૈશવ અવસ્થા જન્મી, પાંગરી અને પોષાઇ....
**********

આ અમારી બોમ્બે હાઉસીંગ કોલોની ની આસપાસ નો વિસ્તાર જે અમે નિહાળ્યો, સમય, જરૂરિયાત અને નિજાનંદ માટે અને તેની સાથે ના રૂણાનુંબંધ ને લઈ માણ્યો, શ્વાસમાં ભર્યો ને મિત્રો રૂપે અણમોલ ખજાનો હાંસલ કર્યો... તેની,
સીત્તેર ના દસક ની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો.... એક વાત નોંધવા જેવી એ છે કે અમારી કોલોની બધાને આવકારતી હોય તેમ ચારે તરફ ખુલ્લી હતી કોઇ આડસ નહોતી.
ઉત્તર તરફે :-
કોલોની ની ઉત્તરે ટોલનાકું હતું. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જકાત લેવાતી. ત્યાંથી કોલોની ને સમાંતર પાકો ટી. પી. રોડ જે જુના ઢોર બઝાર પાસે થઈ કાંકરિયા તળાવ તરફ જાય છે..
કોલોનીના મકાન નંબર એક ને અડીને એક, ગાદલા બનાવતો, અડીને ઓનેસ્ટ ટેલર, નિલમ જનરલ સ્ટોર, આગળ એક ઘડિયાળ ની દુકાન હતી ત્યાં લેટેસ્ટ વોલ ક્લોક મળતી,હું ભૂલતો ના હોઉં તો, ત્યાં રાજુ રાયસિંઘાણી ની બેઠક હતી જે, અત્યારે ગુજરાતી પિક્ચરના મોટા પ્રોડયુસર છે.
કોલોની સામે સન્માનનિય જીતુ ભગત સાહેબ ની, ભક્ત વલ્લભ ધોળા સ્કુલ અને કોલેજ આવેલી, તેને ડાબે પડખે, રાજ સ્ટોર , મહેન્દ્ર મેડીકલ, મૈંસુર કાફે, હેરકટિંગ સલૂન, ઈટાલીયન બેકરી , ધનલક્ષ્મી સ્ટેશનરી સ્ટોર વિગેરે.... હતા. ત્થા આગળ જ્યોતિ કોલોની ની પહેલા.... ( અંબિકા ફરસાણ,... હોટલ હતી), જ્યોતિ કોલોની ની લાઇનમાં મંગળપાર્ક સોસાયટી હતી, તેની સામે પેટ્રોલ પંપ, બાજુમાંથી ભાવના સોસાયટી માં જવાય, તેને અડીને ગોદામ હતા, ત્થા પાછળ ગધેડા ને પાળી, તેના પર માલસામાન ની હેરા ફેરી કરી, ગુજરાન ચલાવતા ' ઓડ' લોકો રહેતા, બાજુમાં પંજાબી પાપાજી (અહલુવાલિયા) ની 'હિરા હોટલ' હતી ત્યાં ક્યારેક મારી, તેમના પુત્ર પપ્પી, નાથૂસીંગ, હરેશ દાદલાની વિગેરે ની બેઠક થતી. બાજુમાં સ્વામિનારાયણ કૉલેજ ની આગળના ભાગે... દુકાનો હતી.
મૈંસુર કાફે, હેરકટિંગ સલૂન, ઈટાલીયન બેકરી , ધનલક્ષ્મી સ્ટેશનરી સ્ટોર વિગેરેની આગળ શેરડી ના રસ નો સંચો હતો ત્યાં તેના જાડા રગડા જેવા રસને પીવા લોકો ટોળે વળતા , રામદેવ દાળવડા વાળો લારી લઈ ઉભો રહેતો તેના ગરમા ગરમ દાલવડા ખાવાની મઝા જ કઇંક ઓર હતી. વધુમાં અહીં કોલોની સિવાય બીજા આજુ બાજુ રહેતા, ત્થા બે કૉલેજ જોડે આવેલી હોઈ ટોળા જમતા ને રાજકારણ, ફિલ્મ, અવનવી વાતો ની છોળો ઉડતી. ભક્ત વલ્લભ ધોળા સ્કુલ અને કોલેજ ને અડીને , તેની બીજી બાજુ, ડાહ્યાભાઈ પાર્ક સોસાયટી, જુના ઢોર બઝાર.... આવેલા હતા તેની બાજુમાં રોડ ઓળંગતા ઢાળ પર કમલેશ સોસાયટી આવેલી, આ સોસાયટીમાં રા. હ. નાગર રહેતા હતા જે ભક્ત વલ્લભ ધોળા સ્કુલમાં ચિત્ર શિક્ષક હતા.
પૂર્વ તરફે :
હરિ નગર, મહેશકુંજ, વિઠ્ઠલપાર્ક, વસુંધરા, વિશ્વ કુંજ જેવી સોસાયટીઓ , વિશ્વ કુંજ અને કોલોની ને કાટખૂણે કબ્રસ્તાન ની જમીન આવેલી હતી , જ્યાં વિશ્વકુંજ ને અડીને બાટા શૂઝવાળાનો બંગલો હતો. આ કબ્રસ્તાનની જમીન પર પછી ખાનગી વસાહત રાજદિપ પાર્ક ... વિગેરે , તેને અડીને ખાડાયતા સોસાયટી હતી. આ સોસાયટીઓ ના પડખે ની સોસાયટીઓની વાત કરીએ તો...
હાલ જ્યાં બાવન સોસાયટી છે ત્યાં, માલધારીઓ(રબારી સમાજ) ના ઝુંપડા હતા,અડીને કલ્યાણ બાગ, આનંદ પાર્ક સોસાયટી, પછી સામેના પાકા ટી પી રોડ ની સામે....
લિટલ સ્ટાર સ્કુલ ત્થા, શ્રીકાંત વ્યાસ ના ક્લાસ ચાલતા ( એક આડ વાત આ શ્રી કાંત વ્યાસ ના મોટા ભાઈ, રઘુવીર વ્યાસ 'વરાહ મિહીર' ના ઉપનામ થી સંદેશની રવિ પૂર્તિ માં જ્યોતિષ અંગે લેખ લખતા, તેમણે હિન્દી માં છપાતાં માધુરી માં જે તે સમયે છ મહિના પહેલા લખેલું કે ' અમિતાભ બચ્ચન ને પેટ ના ભાગે ગંભીર ઇજા થવાની શક્યતા છે' ને પછી કુલી ના શુટિંગ માં બનેલી ઘટના નજર સામે છે, આ વાત તેમના સંદેશના રવિ પૂર્તિ ના પાડોશી કૉલમિસ્ટ વિનોદ ભટ્ટ સાહેબે ' મગ નું નામ મરી' માં જણાવેલી. ત્થા બીજી વાત કે દેખાવમાં હીરો જેવા શ્રીકાંત વ્યાસ ને લઈ એક ગુજરાતી ચલચિત્ર તેમણે બનાવેલું જે નું નામ' ઉપર ગગન વિશાળ' જેનું સંગીત મારા પ્રિય ગાયક, સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ એ આપેલું તેમાં અવિનાશ વ્યાસ લિખિત, અમદાવાદ ના સંદર્ભે એક સરસ ટાઈટલ ગીત હતું,
' જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી
જેની ઉપર ગગન વિશાળ )
બાજુમાં હેડગેવાર ભવન, બળીયા દેવ મંદિર, ઝૂપાડપટ્ટી, હિન્દુ સમાજ,... સોસાયટીઓ આવેલી
આ બળીયા દેવ મંદિરે રવિવારે મેળાની જેમ ભીડ જામતી, દર્શનાર્થીઓ, દર્શન કરી ઓફીસ ની પાછળ જ્યાં હિચકા હતા અને વિશ્વકુંજ ની ખુલ્લી જગ્યામાં આવેલા વૃક્ષોની છાયામાં, બેસી ઠંડુ જમતા અને પાણી આજુ બાજુ ના રહીશો આપતા.
દક્ષિણ તરફે : કોલોની ને છેડે ત્થા પી એન્ડ ટી કોલોની સામેના રોડ પર કોલોની તરફ પારશી બાબા નો બંગલો હતો જે માહિતી મુજબ ઇસ્લામ ધર્મ પાળતા હતા. સામે ની તરફ ઐતિહાસિક શાહ આલમ દરવાજો તેના ભૂતકાળ ઉભો, તો તેનીi3 પડખે ના રોડ ની સામે તરફ આવેલી હોટલ એશો-નિસાત હતી ત્યાં ચા ત્થા મસ્કા બન સરસ મળતો. અમે અવાર નવાર જતા.
એક આડ વાત,
ત્યાં હોટલ ની પાછળ સટ્ટાની બેટીંગ લેવાતી ને રતન ખત્રી દ્વારા જે પાનું બે ટાઈમ ઓપન-ક્લોઝ ખૂલતું તે મોટા આંકડામાં દરવાજા ની બાજુની ભીંત પર મોટા આંકડા માં લખાતું, એશો-નિસાત હોટલ પાસે તે સમય પર સટ્ટોડિયાઓ ની ભીડ જામતી.
શાહ આલમ દરવાજા પછી તરત કોલોનીને અડીને આવેલી ઓફીસ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફિસ આવેલી હતી, તેને અડીને કોલોની અંશત ભાગ હતો ,તેને અડીને ખડાયતા સોસાયટી નો ભાગ ત્થા નિલમ પાર્ક..સોસાયટી હતી.
શાહ આલમ દરવાજા ને અડીને આવેલો રસ્તો ચંડોળા તળાવ તરફ જતો ત્યાં મુસ્લિમ વસાહતો આવેલી ને ૧૯૭૦ ની આસપાસ શરૂ થયેલી શાલીમાર ટોકીઝ... આ ટોકીઝ માં શુક્રવારે પ્રથમ શો માં રાજકપુર નું 'બોબી ' જોયાનું યાદ. ત્યાંથી આગળ શાહ આલમ બાબા ની મઝાર છે, ને આગળ જતાં ચંડોળા તળાવ આવે. દરવાજા અને કોલોની ના અંશત ભાગ ની પાછળ, રસુલાબાદ, મીરા ટોકીઝ.. સામે સ્લમ કવાર્ટ્સ, પ્રગતિ સોસાયટી.. આવેલી...
પશ્ર્ચિમ તરફે :
ટોલનાકા ને અડીને સામે સ્વામિનારાયણ કૉલેજ,
વચ્ચે મોટી સરકારી પડતર જમીન પછી, ભીલ વાસ,તેને અડીને દુકાનો, દુકાનોના છેડે પછી જે રસ્તો પડે ત્યાં કીર્તિ કુંજ સોસાયટી, તેમાં ગાયત્રી વિદ્યાલય, તો એક સિમેન્ટ ની મોટી પાઇપો બનાવવાની ફેક્ટરી હોવાનું યાદ.., આગળના ભાગે ઘંટી, ઇસ્ત્રી ની દુકાન , ગુજરાત ઓઇલ ડીપોની દુકાન તે મેમણની દુકાને છૂટક તેલ બરણી માં લેવા જતા તે યાદ ,
કીર્તિ કુંજ ને અડીને નિર્ભય નગર, વિનય કુંજ, પી એન્ડ ટી કોલોની હતી .
કિર્તીકુંજ જ્યાં પુરી થતી ત્યાં પાછળના ભાગે નાનો વિકેટ ગેટ હતો તેમાંથી, ગંગા-જમુના સોસાયટી માં જવાતું , તેને અડીને એક તરફ ઐતિહાસિક મસ્જિદ હતી ,તો બીજી તરફ રક્ષાપાર્ક સોસાયટી, ગંગા-જમુના સોસાયટી ની સામેની તરફ ભક્ત વલ્લભ ધોળા સ્કુલ હતી જેનું નામ પાછળ થી 'સોમાણી' થયું . જેમાં હું ધોરણ પાંચ, છ અને સાત ભણેલો. મને યાદ છે સ્કુલ ના ભોંયરા માં વર્કશોપ ની તાલીમ આપવામાં આવતી. મને તે પણ યાદ આવે છે કે ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુધ્ધ સમયે હું પાંચમા ધોરણમાં હતો અને તે સમયે વર્કશોપમાં બાળકો ને લઈ જઈ બોમ્બ પડે તો જમીન પર કાન પર બે હાથ દાબી સમાંતર કઈ રીતે સુઈ જવું તેની તાલીમ આપવામાં આવતી.
આ અમારી સ્કૂલ અને ગંગા-જમુના સોસાયટીને સમાંતર એક ગંદા નાળા નું વહેણ ( નાની કેનાલ જેવું) જતું હતું આથી તેની ઉપર ગોઠવેલા લોખંડ ના પત્રરા અને વળીઓ ના હંગામી સેતુ પરથી અવર-જવર કરતા.
બાજુમાં ગાયત્રી સ્ટોર હતો,તેને અડીને...
ભક્ત વલ્લભ ધોળા સ્કુલ ના ઉત્તરીય ભાગ પાછળ ખુબ ઝાડ હતા, આ ઝાડની વનરાજી માં જ સ્કુલ થી થોડે દૂર એક જર્જરીત મઝાર આવેલી, ત્યાં એક લાંબો કાળા રંગનો વૃધ્ધ મુંજાવર સફેદ કુરતો ને લુંગી પહેરી બેસેલો ક્યારેક નજરે પડતો. સ્કુલ ના બીજા ભાગ પાછળ દૂર દૂર સુધી ફક્ત ખેતરો નજરે પડતા, ૧૯૭૦ ના સમયે ખેતરો વચ્ચે અલગ તરી આવતી ફ્કત એક સોસાયટી નજરે પડતી અને તે હતી લક્ષ્મીકુંજ સોસાયટી..
અને શ્રીબાગ સોસાયટી બનવાની શરૂઆત થયેલી, ત્યાં ઈંટો અને રેતી ના ઢગલા દેખાતા હતા. અમે રીશેષ વેળા આ ખેતરોમાં ક્યારેક જતાં ને પીલૂડી તોડીને ખાધાનું સ્મરણ...
********
મૂળ અમારી કોલોનીની વાત કરીએ તો...
લગભગ દસ-દસના ક્લસ્ટર (ઝૂમખા)ના , ભોંયતળીયા પ્રકાર ના રો-હાઉસના બનેલા સમુહ ની કોલોની માં કુલ ૫૨૪ મકાનો હતા. મકાન મા બહારના ભાગે ઈંટો ના ચણતર પર પ્લાસ્ટર નહોતું પણ પોઇન્ટઇંગ હતું, ત્થા બહારની દિવાલો, લાલ ગેરૂઆ રંગ ની હોઇ દૂર થીજ સરકારી કોલોની ની છાપ પડતી હતી. દરવાજા ત્થા બારી પર પણ સરકારી ધારા ધોરણ મુજબ ગ્રે કલર.
કીર્તિકુંજ તરફથી આવીએ તો મુખ્ય પ્રવેશ જેવો મોટો પથ હતો લગભગ બધા તેનો ઉપયોગ મહત્તમ કરતા.
કોલોનીમાં પ્રવેશતા જ બે રો પછી આગળ કોલોની નું સ્ટેજ અને વિશાળ મેદાન...
આ સ્ટેજ.. પર મોટા મોટા કલાકારો ગીત, સંગીત નાટક રજૂ કરી ગયેલા,
જેમાં.. રમેશ મહેતા, મંજરી દેસાઈ, દ્વારા કરો કંકુના નાટક કર્યું હતું તે યાદ આવે...

સ્ટેજ પર આકાશવાણી ના કલાકાર, શાણી-શકરા ભાઈ (હે.... આવજો.. રામ. રામ... ફેમ) પર્ફોમ કરી ગયેલા, તો ખાંડેકર બ્રધર્સ કે લાખિયા બ્રધર્સ કે બંકિમ પાઠક (આ બંકિમ પાઠક (વોઈસ ઓફ રફી સાહેબ) તો અમારી કોલોની માં રહેતા હતા)
આ સ્ટેજ પર શરૂમાં નવરાત્રી માં ગરબા કોમ્પિટિશન થતી તો, આબાદ ડેરીમાં નોકરી કરતા બક્ષી સાહેબ ત્થા કોલોની ના.... બલ્ક-જી-બારી દ્વારા પણ અવાર નવાર બાળકો ના સંસ્કૃતિક કાર્યક્રમો કરતા.
આ સ્ટેજ પર, માહિતી ખાતા દ્વારા અવાર નવાર પિક્ચર બતાવવામાં આવતા, મને યાદ છે તેની જાણ અગાઉ થી થતા લોકો બપોર થી જ કંતાન ના પાથરણા પાથરી જગા રોકી લેતા, આજુબાજુ ની સોસાયટીમાંથી પણ લોકો જોવા આવતા.
અંધારું થતા આતુરતા થી રાહ જોતા લોકો, રીક્ષામાં પિક્ચર ના મોટા મોટા રીલ આવતા જોઇ ચિચિયારીઓ પાડી ઉઠતા.
મોટા સ્વેત પડદા પર મશિન માં ફરતી પટ્ટી થી ફોક્શીંગથી ચિત્ર ચાલુ થતાં લોકો ચૂપ થઈ જતા, પણ એક રીલ પતે ને બીજું રીલ મશિન પર ચઢાવે ત્યારે મોટો બલ્બ ચાલુ થતો. ને જેવું પિક્ચર આગળ ચાલુ થતું તો, અંદરો અંદર નો ગણગણાટ બંધ થઈ જતો આ બધાની એક આગવી મઝા હતી.
મને યાદ છે તેટલા ચલચિત્રો ની યાદી જોઈએ તો........
પરીવાર, સાથી, બંધન, સચ્ચા જૂઠા, આ ગલે લગ જા, હરે રામા હરે કૃષ્ણા,ઉપકાર, દોસ્ત, પ્રેમ પૂજારી, બહુરુપી... સરસ્વતીચંદ્ , મર્યાદા, પત્થર કે સનમ, હમદોનો.. વિગેરે...
તો સામેની તરફ આવેલી પી એન્ડ ટી માં અંદાજ, સંત જ્ઞયાનેશ્ર્વર , મેરા ગાંવ મેરા દેશ,કોહિનૂર વિગેરે....જોયેલાનું યાદ... આ સ્ટેજમાં એક નાનકડી કેબીનમાં સસ્તા અનાજની દુકાન, કોલોનીના કર્મચારીઓ ચલાવતા, તો ત્યાં એક સમયે બાળમંદિર પણ ચાલતું. તો કોલોનીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે, સરકાર દ્વારા મકાન નંબર ૨૩૦-૨૩૨ માં દવાખાનું ચાલતું, તે સમયે એક પવિત્ર રૂષી જેવા ડૉ. સી. સી. રાવલ (પ્રખ્યાત ગાયનેક તબીબ અજીત રાવલ ના પિતા શ્રી) સાહેબ અને કંપાઉન્ડર જાદવ અને આયા બેન....... ફરજ બજાવતા હતા.
તે સમયે ટી વી નો આવિષ્કાર નહોતો થયો, રેડીઆનો ગાંડો ક્રેઝ હતો.. અમારે ઘરે મરફી કંપની નો મોટો રેડીઓ હતો. મને યાદ આવેછે લગભગ ૧૯૭૦ થી ૧૯૭૫ અને પછી પણ રાત્રે ૦૮ :૧૦ વાગે ગુજરાતી ગીતો નો કાર્યક્રમ "ગીત સૌરભ" આવતો. જેમાં હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ, વેલજીભાઈ ગજ્જર, ઇસ્માઇલ વાલેરા, મોહમ્મદ રફી, લતા મંગેશકર, મન્ના ડે, પુરુષોત્તમ ઉપાધ્યાય ના અદ્ભુત ગીતો આવતા તે સાંભળવા હું કાન લગાવી રેડિયા પાસે બેસી જતો.
કોલોની ના સ્ટેજ સામેનું વિશાળ મેદાન, જેમાં કોલોની ના લોકો ક્રિકેટ રમતા. ત્થા આ મેદાન પર ટુર્નામેન્ટનું અવાર નવાર આયોજન કરવામાં આવતું.
મોટા મોટા ક્રિકેટર આ મેદાન પર થી આગળ ગયા. આ ક્રિકેટ શીખવા માટે ઉત્તમ મેદાન હતું..
આ મેદાન પર અનીસ કાઝી (જે કોલોની ની ટીમમાં કેપ્ટન રહેતા, અને ઓલ ગુજરાત ટીમ માં રમતા, પાછળ થી તેઓ લંડનમાં સેટ થયેલા તે ત્યાં કાઉન્ટી માં રમતા)
મુબાસ કાઝી, તે સારા ક્રિકેટર હતા, તેમનું અકાળે અવસાન થયું.
અતુલ શાહ, ખુબ સારું ક્રિકેટ રમતો, કૉલેજ માં તેના નામ નો ડંકો વાગતો. તેનો ભાઇ દિલીપ શાહ પણ ખુબ સારું રમતા.
કિશોર ચિપલુંકર જે ઓલ ગુજરાત ટીમ માં વિકેટ કિપર હતા, તેમના ભાઈ કુમાર ચિપલુંકર પણ ખુબ સરસ રમતા. રમેશ લીંબાચીયા, રમેશ નાયી, માંકડ, વિજય પટેલ? કે પંડયા?, ઈન્દ્રવદન ગાંધી વિગેરે નામ યાદ આવે છે..આ સિવાય કોલોની ના અન્ય યુવાનો પણ ખરા.....
અમારી કોલોની ના આ મેદાન પર, રણજી ટ્રોફી પ્લેયર નટવર ઠક્કર, અમિત શ્રોફ, ભૂલતો ન હોઉં તો મુકુંદ પરમાર પણ રમવા આવતા. ઓનીલ ક્રિશ્ચિયન વિગેરે આવતા... (એક આડ વાત, લગભગ ૧૯૭૩ - ૭૪ આસપાસ ની હશે...
તે સમયે સરદાર પટેલ સ્ટેડિયમ જે અંગિઠી છ રસ્તા, નારણપુરા ખાતે આવેલ છે ત્યાં ક્રિકેટ ટેસ્ટ મેચ રમાતી, ને સવારે ભારતીય ટીમ ના ખેલાડીઓ બીશનસીંગ બેદી, ઓરાપલ્લી પ્રસન્ના, વેંકટ રાઘવન વિગેરે પ્રેકટીસ કરતા. તેમાં પ્રેકટીસમાં નોંલેંજ માટે ને મદદ માટે સ્થાનિક રણજી ટ્રોફી પ્લેયર ખેલાડી નટવર ઠક્કર ત્થા અન્ય ત્યાં તે સમયે હાજર હોય.
આથી આ સંદર્ભે...
અનીશ કાઝી ના ઘર, મરામત ઓફીસ, ને દિલીપ શાહના ઘરની આગળ નાનકડા મેદાન પાસે જ્યાં, ક્રિકેટ ની પ્રેકટીસ કરતા ત્યાં ઉભા રહી ને, નટવર ઠક્કર અને અનીસ કાઝી ચર્ચા કરતા હતા. હું બાજુમાં ઉભો રહી સાક્ષી ભાવે સાંભળતો હતો.
નટવર ઠક્કર જણાવતા હતા કે, પ્રેકટીસ સમયે,સામે છેડે સ્ટમ્પ પાસે આગળ મોટો રૂપિયા નો સિક્કો મુકતા, ને બિશનસીંગ બેદી બે હાથે વારાફરતી બોલિંગ નાંખી પ્રેકટીસ કરતા ને તેમના હાથનું બેલેંસીંગ એટલું અદ્ભુત હતું કે સ્પિન બોલ સીધો જ સિક્કા પર પડતો ને ખડીંગ દઈ અવાજ થતો.)
*********
કોલોનીમાં રહેતા મોટાભાગના લોકો, કીર્તિકુંજ ના નાકે ઉભા રહેતા, લારીઓ વાળા પાસેથી શાકભાજી ખરીદતા, ત્યાંજ ઘંટી હતી ત્યાં કાંતિ કરીને કારીગર હતો, અનાજ ત્યાં દળાવતા. બાજુમાં ગુજરાત ઓઇલ ડેપો નામની હારૂનભાઈ મેમણની તેલની દુકાનથી છૂટક તેલ લાવતા,આગળ શાકભાજી ની લારીઓ ઉભી રહેતી.તેને અડીને પાનની દુકાન, તેને અડીને સાયકલ રીપેરીંગ ની દુકાન, પછી પ્રકાશ આહૂજાની રાધા કિશન કરીયાણા ની દુકાન, આગળ, મન મોહન કરીયાણા ની દુકાન,દવાખાનું, પ્રાયમસ રીપેરીંગ, કપડાં, ચંપલ વિગેરે ની દુકાનો હતી...
દુધ ની વાત કરીએ તો....
કોલોનીમાં આવેલ સ્ટેજ પાછળ ખૂણે દુધ ની કેબીન હતી. જે ૨૭૭ માં રહેતા પુષ્પા માસી (પુષ્પા બેન ચિમનલાલ પરીખ) ચલાવતા હતા.
સિત્તેર ના દસક માં અને એંશી ના દશકમાં શરૂના તબક્કે... પારશી અગિયારી સામે આવેલી સરકારી ડેરી ( આબાદ ડેરી ) થી રીક્ષા-ટેમ્પામાં, જેના ઢાંકણા મજબૂત તાર અને સીસાના સીલથી પેક હોય તેવા દૂધના કેન આવતા .
દૂધ લેવા ઘરે થી વાસણ લઈ જવું પડતું. ૨૫૦ ગ્રામ ,૫૦૦ગ્રામ , કે લિટર મુજબ ની જરૂરિયાત મુજબ એલ્યુમિનિયમની માપની પરી ભરી દુધ મળતું.
પછીના સમયમાં કાચની બાટલીઓ આવી . જે ની પર એલ્યુમિનિયમના ગોળ બીલ્લા ના સીલ આવતા. આ બીલ્લા અમે ભેગા કરીને રમતા તે યાદ આવે....
કોલોનીમાં આવીજ બીજી બે દૂધની કેબીન હતી એક દેસાઈ વોર્ડ તરીકે ઓળખાતા તેને છેડે એટલે કે ગાયક મુકેશ ભગત ના ઘર ના પાછળ ને ભાગે રોડ પર જે સવાઇલાલ ચલાવતા.
બીજી કોલોનીની આગળ ની લાઇનમાં આમલી ના ઝાડ નીચે, લગભગ વિનયકુંજ ની સામે જે ઠક્કર ચલાવતા.
કોલોનીમાં બાળકોને રમવા માટે ઓફીસ-બિલ્ડિંગ ની પાછળ ના ભાગે હીંચકા, ફુલઅપ્સ માટે પાઈપ, ગોળ ચકરડી વિગેરે ની સુવિધા હતી, ત્યાં મોટા મોટા ઝાડ હોઈ, વેકેશનમાં બધા મિત્રો, ત્યાં ઠંડક માં રમતા, તે અમારે મિત્રો માટે, વિરામ તેમજ ભેગા થવાનું કાયમી સ્થાન રહ્યું...
કોલોનીના સરકારી મકાનો માં નાનું મોટું રીપેરીંગ ત્થા દર ત્રણ વર્ષે અંદર બહાર થી ચૂનો, ગેરૂ કલર ત્થા બારી બારણા ને ગ્રે રંગનો ઓઇલ કલર સરકાર તરફ થી થતો. મકાનો માં રિપેરીંગ કરવાની ઓફીસ-બિલ્ડીંગ આવેલી હતી, તેમાં આગળ ના ભાગે કર્મચારી-અધિકારી ને બેસવાની ત્થા રીપેરીંગ ની ફરિયાદ નોંધાવવાની કેબીન હતી. નાનકડું રૂમ ગોડાઉન હતું. તે જમાનામાં ટેલીફોન લક્ઝરીયસ ગણાતો કોઈ ના ઘરે ટેલીફોન નહોતો, કુલ ૫૨૪ આવાસમાં રહેતા કર્મચારીઓ અને તેના કુટુંબીજનો ની સુવિધા માટે સરકાર તરફ થી ઓફીસ-બિલ્ડીંગ ખાતે, એક રૂમ જુદો ફાળવેલ તેમાં લેન્ડ લાઇન ટેલિફોન (કાળા રંગ નો ગોળ ચકરડા વાળો, જેને ડબલું કહેતા) ફાળવેલ.
ત્યાં સરકાર તરફથી ત્રણ શિફ્ટ માં ટેલીફોન ઓપરેટર રહેતા, જે ટેલીફોન રીંગ વાગે તો ઉપડતા, સામે છેડે થી....( દા. ત. " હેલો, ફલાણા નંબર માં થી એ... બી... સી... ને બોલાવશો? હું ફ્લાણી જગા થી ફલાણો બોલું છું.")
ટેલીફોન ઓપરેટર પૂછતો, હું એ... બી... સી... ને બોલાવી લાવું છું, તમે ચાલુ રાખો છો કે પાંચ મિનિટ પછી રીંગ કરશો? "
કોલોની વાળા બહાર ફોન કરવા પણ આ ફોન નો ઉપયોગ કરતા એક ફોન કરવાના આઠ આના ચાર્જ લેવાતો જે પછી એક રૂપિયો થયેલો , આ માટે ટેલીફોન ઓપરેટર એક રજિસ્ટર નિભાવતા જેમાં તારીખ- ફોન નંબર - નામ વિગેરે નોંધ થતી.
આ ટેલીફોન ઓફીસ બરાબર મારા ઘર ની સામે આવેલી હતી.
ટેલીફોન ઓપરેટર વજુભાઈ ગઢવી, રમેશભાઈ ( પેઇન્ટર ચંદ્રમુખી) ઉમેશ ગાંધી વિગેરે સાથે ત્યાં બહાર બાંકડે બેસી રહેતા, તે જમાના માં બંકિમ પાઠક ત્યાં ફોન કરવા આવતા , અથવા આવતા ફોન ની રાહ જોતા જોતા રફી સાહેબ ના ગીત ગણગણતાં અને ભૂલતો ના હોઉં તો ફોન પર ભાવનગર વોઈસ ઓફ મુકેશ એવા ડો. કમલેશ અવસ્થી સાથે પણ વાત થતી રહેતી. , તેઓ મોડે સુધી વાત કરતા, તેવું સ્મરણ માં છે.
કોલોનીમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ ના એ. જી. (એકાઉન્ટ જનરલ) ના અધિકારી કર્મચારીઓ ને બે-બે ક્વાર્ટસ ફાળવેલા. ત્યાં, હિન્દુ, શીખ, મુસ્લિમ, ક્રિશ્ચિંયન સૌ સાથે સંપીને રહેતા. અને કોઈ પણ બાબત હોય સૌ સાથે મળીને માણતા, પછી તહેવાર હોય કે રમત કે ઇવન ધમાલ.... પણ...
દિવાળી માં બધા સાથે દારૂખાંનું ફોડતા ને બેસતા વર્ષે બધા છોકરા એક બીજા ના ઘરે સાલ મુંબરાક કરાવા ને તે બહાના હેઠળ ઘૂઘરા, સેવ, પૂરી, મીઠાઈ નો ભરપુર નાસ્તો કરવા ટોળા બંધ જતા.
ઈદમાં મુસ્લિમ મિત્રો ના ઘરે દૂધ-સેવૈયા ખાવા, ઈદ મુબારક ના નામે, તો નાતાલ માં ક્રિશ્ચિંયન મિત્રો ને ત્યાં...
ઉપર જણાવ્યા મુજબ કોલોનીમાં એ. જી. (એકાઉન્ટ જનરલ) ના અધિકારી કર્મચારીઓ ને બે-બે ક્વાર્ટસ ફાળવેલા. તેમાં ઘણા ખરા, સાઉથ ઇન્ડિયન એટલે કે, તામિલીયન, કેરાલિયન, કર્ણાટકી કે તેલંગણા ના લોકો રહેતા..
મને યાદ આવે છે
સ્ટેજ ના આગળ ના ભાગે મેદાનમાં, ટ્રક ભરીને કેળના થડ પાન વિગેરે આવતા. આ લોકો ત્થા તેમના સમાજના સગા સંબંધી ઓણમ ના તહેવાર માં મોટા મંડપ નીચે કેળ ના પત્તા, થડ વિગેરે નો ઉપયોગ કરી સ્વામી અયપ્પા ત્થા અન્ય દેવી દેવતાના મંદિર બનાવતા, તેમાં કાર્તિક સ્વામી ત્થા અન્ય દેવી દેવતાની મૂર્તિ કે ફોટા મૂકી તેની આગળ મોટા મોટા પિત્તળ ના દીવડા,અગરબત્તી પ્રગટાવતા. પૂજા સમયે, સ્ત્રીઓ રંગીન વસ્ત્રો પહેરી ત્થા પુરુષો ઉઘાડા શરીર પર સફેદ લુંગી પહેરી , મૃદંગ, મંજીરા વિગેરે વગાડી તેમની ભાષામાં ભજન સ્તુતિ કરતાં આ જોઈ અમે હેરત થી ઔલોકિક આનંદ અનુભવતા.
ઉતરાયણ માં કોલોની ના સમગ્ર ધાબા લોકો થી ઉભરાતા, તો આકાશ રંગ બે રંગી પતંગો થી.....
હોળીમાં પણ ટોળું, રંગો ની હથેળીઓ ભરી મિત્રો ને રંગવા નીકળી પડતું. તે દિવસે ત્થા ધુળેટી ના દિવસે હું ઘરમાં ભરાઈ રહેતો. લોકો રંગવા આવે ને બહાર નીકળવા બૂમો પાડતા પણ હું પાછળ વરંડા માં છુપાઈ જતો તે યાદ આવે....
મને યાદ છે હું જ્યારે આઠમાં ધોરણ માં આવ્યો ત્યારે ટેકનિકલ અભ્યાસ માટે આર. સી. ટેકનિકલ સ્કુલ, કાલુપુર રેલવે સ્ટેશન પાછળ એડમિશન લીધેલું જે દેસાઈની પોળ માં આવેલી ભારત સેકન્ડરી સ્કૂલ સાથે સંલગ્ન હતી સવારે વહેલી પરોઢે સ્કુલ જવા નીકળવું પડતું.
સવારમાં રેડિયો આકાશવાણી માં આવતા " તન ને તંબુરે તારો રણકે રણકાર..." જેવા પૌરાણિક ભજન, પ્રભાતિયા,થી દિલ દિમાગ પ્રસન્નતા થી તરબતર થઈ જતું. તો કોલોનીમાં રહેતા સાઉથ ઇન્ડિયન ગૃહિણી , તેઓ ના ઘર આગળ કરેલી જંગલી મહેંદી ની વાડની યે બહાર આંગણામાં, સવારના મળસ્કે પાંચ વાગે પાણી છાંટી ફક્ત સ્વેત, રાઈસ પાઉડર કે ઘઉંના લોટ ની ખુબ સુંદર સાદી પણ મનમોહક રંગોળી બનાવતી,સાથે સાથે ગૂગળ ચંદન ની ધૂપબત્તી ની મહેંક અને તેમના ઘરે રેડિયો માં વાગતા એમ એસ સુબુલક્ષ્મીના કંઠ માં કર્ણાટકી સંગીત ના લહેકા અને લહેજામાં ગુંજતા, વિષ્ણુ-સહસ્ત્રનામ કે ભજ-ગોવિંદમ ના આલ્હાદક, અલ્લોકિક, આધ્યાત્મક સૂરો સાંભળી મારી અંતરિક વિશ્વની સવાર ઉઘડતા પુષ્પની જેમ ખીલી ઉઠતી...
કોલોનીમાં સિત્તેરના દસકમાં અને એંશી ની શરૂઆત માં લોકો પોતાની લાઈન માં નવરાત્રિ ના ગરબા ગાતા, એકાદ દિવસ માટે સ્ટેજ સામે મોટા ગરબા અને હવન ના આયોજન માટે કોલોની માં રહેતા અને પ્રવૃતિશીલ આગેવાનો ઘરે ઘરે ફરી ફાળો ઉઘરાવતા. ખાસ કરીને મકાન નંબર.... થી મકાન નંબર ૨૫૦ ને 'ખાડીયા વોર્ડ' તરીકે ઓળખાતો, તો મકાન નંબર..... થી મકાન નંબર...
દેસાઈ વોર્ડ કહેવાતો. પણ ગરબા તો ખાડીયા વોર્ડ' જેવા કોલોની માં બીજે થતાં ન્હોતા.. બહાર થી સારા સારા ગાયક કલાકારો આવતા, તો કોલોની ના મુકેશ ભટ્ટ પણ અને ક્યારેક મનોજ દેસાઈ ના માસા, મહેશ દેસાઈ પણ રમઝટ બોલાવતા.
દશેરા ના દિવસે સ્ટેજ પાસે હવન થતો, ને પછી કોલોની ના આગેવાનો ઘરે ઘરે ફરી પ્રશાદ ના પેકેટ વહેંચવા આવતા.
કોલોની સિવાય, ગોરધનવાડી ના ટેકરે, જ્યાં કિશોર કામદાર નો ભવ્ય બંગલો હતો, તે સામે રોડના ઢાળ ઉપર વિશાળ ગરબો રોજે રોજ થતો. તે અમે મિત્રો બાધા જોવા જતા.
શાહ આલમ દરવાજા પાછળ ખુલ્લું મેદાન હતું. તેમાં વર્ષે એકવાર ' શાહ આલમ બાબા નો ઉર્ષ નો મેળો ભરાતો. તેમાં જતા, એક માસ્ટર સમીમ આઝાદ રાત્રે ઉંચી સીડી પર ચઢતો અને પોતાના શરીર પર કેરોસીન છાંટી ઉપર થી કૂદી નીચે ખાસ બનાવેલા હોજ માં ડૂબકી મારતો. ( હાથી મેરે સાથી ની જેમજ)
***************
કોમી રમખાણ જે ૧૯૬૯ માં થયેલું તે સમયે અમે બીજે રહેતા હતા તેથી તેના વિશે કોઈ ઘટના ની માહિતી નથી. કે તેની યાદ પણ ના હોય તે સ્વાભાવિક છે.
પણ...
કોલોનીમાં ૧૯૭૦ માં અમે રહેવા આવ્યા, તે અરસામાં એટલે કે તા ૧૩-૧૨-૧૯૭૧ ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો. અને તેના પરિણામે ભારત-પાકિસ્તાન નું યુધ્ધ થયેલું જે માત્ર તેર દિવસ ચાલેલું, પરંતુ આ સમયમાં, આપણા લોકપ્રિય મર્દાંની વડા પ્રધાન એવા સ્વ. ઇન્દિરા ગાંધી ( પ્રિયદર્શીની) ની જબરજસ્ત હિમ્મત, ત્રણે પાંખના વડા, પાયદળ ના વડા જનરલ માણેક શા ની અદ્ભુત કોઠાસુઝ સાથેની યુધ્ધ માટેની તૈયારી, ગોઠવણ, ચાલ વિગેરે ને કારણે, પાકિસ્તાન ધૂળ ચાટતું તો થયું, સાથે સાથે તેના કાયમ માટે બે ટુકડા થઈ, પૂર્વ પાકિસ્તાન નો પ્રદેશ, બાંગ્લાદેશ નામકરણ સાથે એક નવો દેશ થઈ ઉભર્યો.
આ સમય દરમિયાન મેં ઉપર જણાવ્યું તેમ, બોમ્બ પડે તે સમયે સ્કૂલમાં તકેદારી ના ભાગરૂપે જમીન પર ઉંધા સૂઈ જઈ કેમ પડ્યા રહેવું તે શીખવાડાતું.
તો એક વાત એવી પણ સાંભળેલી કે, પાકિસ્તાન રાત્રે આવીને બોમ્બ મારો કરી, દુનિયાની અજાયબી, તાજમહલ ને નુકસાન ના કરે તેથી, તેને ઢાંકવામાં આવેલો કે ગુમરાહ કરવા તેની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. એ જે હોય તે પણ તે સમય દસ વર્ષ ની ઉંમર, એક મુગ્ધ ભય, રોમાંચ કે નવાઈ થી ભરેલો હતો.
મને તે પણ યાદ છે કે, કોલોનીના દરેક મકાનો માં મુખ્ય બારણાં ની ઉપર, એર વેન્ટીલેશન માટે આર સી સી ની પ્રી-કાસ્ટ જાળી હતી. યુધ્ધ ના તે દિવસોમાં, કરાંચી નજીક હોઈ, અમદાવાદને ટાર્ગેટ બનાવી બોમ્બ ના ફેંકે એટલે શહેરમાં રાત્રે અંધાર-પટ ના ભાગ રૂપે અજવાળાથી કોઈ સુરાગ ના મળે માટે આ જાળી પર છાપા ને ગુંદર થી ચોંટાડી જાળી બંધ કરવામાં આવી હતી.
તે રાત્રિ નો સમય એક ના સમજી શકાય, તેવી ભયાવહ નિરવ શાંતિના આવરણ થી ભરેલો લાગતો હતો......
તે જ પ્રમાણે...
ગુજરાત ને યુવા નેતાઓ પૂરા પાડનારા આંદોલન નું બીજ તા ૨૦-૧૨-૧૯૭૩ ના રોજ રોપાયુ.
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ના તે કાર્યકાળ સમયે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ( એક ચર્ચા મુજબ સરકાર દ્વારા, તેલના વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવી છૂટો દોર આપતા, તેલના ભાવમાં વધારો થતા,) તેલ નો ભાવવધારો વિગેરે ને લઈ 'નવ-નિર્માણ આંદોલન' નો જન્મ થયો.
આ આંદોલન ખાસ્સું તા ૨૦-૧૨-૧૯૭૩થી તા૧૬-૦૩-૧૯૭૪ સુધી ચાલેલું.
આ માટે 'નવ-નિર્માણ યુવક સમિતિ' રચાયેલી. મનીષી જાની,રાજકુમાર ગુપ્તા, ઉમાકાંત માંકડ,નિરૂપમ નાણાવટી, નરહરિ અમીન, અશોક પંજાબી, જીતેન્દ્ર શાહ જેવા યુવા નેતા તેમાંથી નીપજ્યાં. તા ૧૨-૦૧-૧૯૭૪ ના રોજ સ્વયંભૂ બંધ, તેલના ખાલી ડબ્બા સાથે 'હાય... રે.... Xxxx... હાય હાય' ના નારા કરતું સરઘસ નીકળેલું, શાહ આલમ ટોલનાકે માણસો ના ટોળે ટોળા ઉમટેલા એક ઉન્માદી આવેગ દરેકમાં છલકાતો હતો. આના ભાગ રૂપે શેરી કૂચ, હડતાળ, ભૂખ હડતાળ, રમખાણ વિગેરે થયા.
તા. ૨૫-૦૧-૧૯૭૪ ના રોજ રાજ્ય વ્યાપી હડતાળ પાડતા, સરકાર દ્વારા તકેદારી ના ભાગ રૂપે સંચારબંધી (કર્ફ્યુ) નાંખી દેવામાં આવી.
તા ૨૮-૦૧-૧૯૭૪ ના રોજ ગુજરાત બંધ ના સંદર્ભમાં તા ૨૭-૦૧-૧૯૭૪ ની રાત્રે બાર વાગ્યા થી લઈ તા ૨૮-૦૧-૧૯૭૪ રાત્રીના બાર સુધી કર્ફ્યુ નાંખી દેવામાં આવ્યો.
ઠેરઠેર પથ્થરબાજી , આગચંપી ને રેલ-રસ્તા બંધ કરવામાં આવ્યા ...ગુજરાત રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી, છેવટે
સરકારને લશ્કરીદળ ની મદદ લેવાની ફરજ પડેલી.
તા. ૨૯-૦૧-૧૯૭૪ના રોજ તોફાનો કાબુમાં લેવા લશ્કર ને શૂટ ઓન સાઈટ ના હુકમ આપવા મા આવેલો.
મને યાદ આવે છે....કર્ફ્યુ ને કારણે સરકારી કર્મચારીઓ લગભગ બધા ઘરે હોઈ, કોલોનીમાં બધા ભેગા થતા, જાત જાતની વાતો ઉડતી આવતી, કોલોનીમાં પ્રવેશવાના મુખ્ય રોડ સામે અંદરની તરફ મકાન નંબર ૯૦ ત્થા ૯૧ ની વચ્ચેની જગ્યામાં કર્મચારીઓ, યંગસ્ટર્સ, બહેનો ઉભા રહીને વાતો કરતા, સામેના રોડ પર કર્ફ્યુ માં આંટા મારતી લશ્કરી વાન જેવી પસાર થતી કે લોકો દોડીને બ્લૉક પાછળ જતા રહેતા અને જેવી વાન જતી રહે કે પાછા ભેગા થઈ જતા.
તે સમયે માહોલ કઇંક એવો હતો કે લોકો મા એક ઉન્માદ હતો, જાત જાતની આવતી વાતો સાંભળવાની મઝા આવતી હતી...
પસાર થતી લશ્કરીવાનમાંથી એકવાર મિલેટ્રી મેને ખાલી ખાલી કોલોનીમાં ટોળા તરફ મશીનગન બતાવેલી. લોકો થોડી વાર માટે
છુંઉં... પાછા ત્યાં ના ત્યાં...
અને.. એકવાર, આંટા મારતી લશ્કરી વાન ખરેખર ટર્ન મારીને અંદર....
ને પછી તો લોકો મુઠ્ઠીઓ વળી જે ભાગ્યા છે જે ભાગ્યા છે.. જે હાથે ચડ્યા તેને ઝૂડી નાખ્યા. અમુક ધ્યાન પર ચઢ્યા તેમને ઘરમાંથી કાઢી કાઢીને ઝૂડયા તા....
પણ સરકાર પ્રજાની માંગણી આગળ ટકી ન શકી.....
નવ-નિર્માણ યુવક સમિતિની મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ ના રાજીનામાની માંગણી ફળીભૂત થઈ...
તા ૦૯-૦૨-૧૯૭૪ ના રોજ સી. એમ. ના રાજીનામા સાથે આગળ સંઘર્ષ ચાલુ રાખતા માર્ચ મહિનામાં વિધાનસભા નું વિસર્જન થયું.
તા ૦૯-૦૨-૧૯૭૪ ના રોજ રીક્ષા ફેરવી અમદાવાદ ના વિસ્તારોમાં માઈક થી જાણ કરવામાં આવતા, અમદાવાદ તે દિવસે હિલોળે ચઢેલું...
સાંજે શાહ આલમ ટોલનાકા રોડ ચિક્કાર માણસોના ટોળાથી ખીચોખીચ ભરેલો હતો, સૂત્રોચાર કરતી ટ્રકો, ગુલાલ, ઢોલ કાંસા અને, વિજય પ્રાપ્ત થયા ના ઉન્માદ જેવી તીવ્ર લાગણી ના પ્રતિઘોષ રૂપે ચારે તરફ આનંદ ની ચિચિયારી અને અવાજો થી વાતાવરણ ભરાય ગયું હતું. તે યાદ આવે છે....
ત્યારપછી...
લગભગ ૧૯૭૫માં આ કોલોનીનો વહીવટ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાંભળતું હતું તે પી ડબ્લ્યૂ ડી હસ્તક ગયો.
૧૯૮૧ ના અનામત આંદોલન અને ૧૯૮૫ ના કોમી રમખાણો ના સમય પછી...
મારી ઉંમર ના લોકો કૉલેજ પુરી કરી રહ્યા હતા અથવા પુરી કરી નોકરીએ લાગ્યા હતા. ઉંમર થતાં ઘણા લગ્ન કરી (મારી જેમ ) સ્થળાંંતરીત થયા હતા. તો સરકારી નોકરી કરતા તેઓ ના વાલીઓ કાં નિવૃત્ત થયેલા અથવા નિવૃત્ત થવા આવેલા , છોકરા મોટા થતા કુટુંબ બહોળા થતા લોકો, જરૂરિયાત મુજબ ત્થા નિવૃત્તિ પછી સરકારી મકાન ખાલી કરવાની ફરજ મુજબ પણ, નજીકમાં વિકસતા ઈસનપૂર, મણિનગર,ભાડૂઆત નગર કે નારણપુરા સોલા વાડજ જેવા વિસ્તારોમાં ધીરેધીરે સ્થળાંંતરીત થતા ગયા..
થોડા લોકો કોલોનીના અસ્તિત્વને સાચવી બેઠા હતા તે પણ ૨૦૦૨ ના ગોધરાકાંડ પછીના તોફાનો ની અસર તળે, કોલોની સાથે રૂણાનુંબંધને લઈ, વર્ષોથી ચોંટીને એકરૂપ થઈ ગયેલા વૃક્ષના મૂળિયા સરીખા લોકો, પરાણે, આ મનગમતી માટીથી પરાણે છુટા પડેલા મૂળિયાં જેમ કોલોની છોડી ગયા...
આજની તારીખે કોલોનીમાં જતા ની સાથે ત્યાં વિતાવેલાં સમયની, ધરબાઈ ને પડેલી યાદો વીંટળાઈ વળે છે.
ને...
નામશેષ થતા જતા કોલોની ના અસ્તિત્વને જળજળીયા ભરી આંખોમાં પરોવી પીઠ ફેરવી લઉં છું........

*******************
દિનેશ પરમાર 'નજર 'બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED