Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 4

સાંજે સાત વાગ્યે ઓફિસેથી ઘરે આવી સ્નેહા બધા સાથે એમ જ વાતો કરી રહી હતી. આજે તેમની બહેન સપના આવી હતી. સપના તેમના ઘરથી થોડે દુર જ રહેતી એટલે જયારે પણ તેમનું મન થાય આખો દિવસ રહેવા આવી જતી. સપનાને જોઈ તે થોડી વધારે ખુશ હતી. સપના સ્નેહા કરતા ખુબસુરત પણ હતી ને થોડી વધારે સંસ્કારી પણ હતી. બધાની હા મા ભરતી. જયારે સ્નેહા જીદી. તેને જે કરવું હોય તે કરીને જ રહેતી. સપનાને પણ કોલેજ પછી જોબ કરવાનું મન થતું પણ તે બધા સામે જીદ ના કરી શકી. કોલેજ પુરી થતા જ તેમના પપ્પાએ તેમની સંગાઈ કરી દીધી.

બે વર્ષ સંગાઈ રહયા પછી તરત લગ્ન ને લગ્ન પછી તરત જ તેમના જીવનમાં એક બેબી પણ આવી ગઈ. પછી કયાં કંઈ સમય રહેવાનો હતો તેમની પાસે. એક તો તેમના ઘર કરતા પણ એકદમ દેશી ઘરને ત્યાના કડક નિયમોમાં તે શાંત અને સરળ બની ઘરની દિવાલમાં ગુથ્થવાઈ ગઈ.

"દીદુ, તને તે ચાર દિવાલની અંદર ઘુટન જેવું નથી લાગતું...??તું આખો દિવસ તે ઘરમાં કેવી રીતે રહી શકે છે..? " આ સવાલ તે દર વખતે કરતી ને સપના એક જવાબ આપતી

"તારું થશે ત્યારે તને ખબર પડી જશે. અત્યારે જે તું મોટી મોટી વાતો કરે છે તે નહીં રહે. "

આ વાતો વચ્ચે ક્યારેક બંને બંનો વચ્ચે મીઠો ઝઘડો પણ થઈ જતો. સપના તેમના સંસ્કારને વ્યર્થ નહોતી જવા દેવા માંગતી એટલે એક મોડલની જિંદગી છોડી તે સાદી અને સરળ જિંદગી જીવતા શીખી ગઈ હતી.

"દિદું, તું અહીં આવ ત્યારે તો જિન્સ કે એવું કંઈ પહેરા કરને, આમ શું આવી ગામડિયા જેવી બનીને રહે છે.?????ખાલી સાડી સિવાય તું કયારે કંઈ પહેરે છે...!!"

"મને પણ મન થાય તારી જેમ. પણ હવે સારુ ના લાગે."

"સારું કેમ ના લાગે...??ઉંમરની સાથે જિંદગી ખતમ થાય છે શોખ નહીં. "

"આ બધી વાતો કહેવાની હોય છે. લગ્ન પછી બધા જ શોખ પરિવારની ખુશી અને તેમના સપના પુરા કરવામાં જતા રહે." સપના પોતાના જ મનને મનાવતી હોય તેમ સ્નેહાને કહી રહી હતી.

"એ જ તો કહું છું કે એક છોકરીને જ આ બધું કેમ સહન કરવાનું...?? શું તેની જિંદગી તેના સપનાનું કંઈ નહીં....? શું તેની સફર ખાલી આટલી જ હોય છે પિયરથી સાસરે જ્ઇ રસોડું સંભાળવાનું,પતિની સેવા કરવાની, તે કહે તે ઘરમાંથી બહાર નિકળવાનું, તે કહે તેમ કરવાનું. તો શું આપણે આપણું જીવન ખાલી તેના માટે જ જીવવાનું...?? "

"હા, આજ એક સ્ત્રીનો ઘર્મ છે. તું અહીં તારી મનમાની કરી શકે પણ ત્યાં જ્ઈને નહીં કેમકે ત્યાં તને કોઈ જોબ કરવા નહીં દેઇ."

"જાણું છું સમાજ વાતો કરે એટલે લોકો ડરે છે. જેમ કે મમ્મી- પપ્પા. જીજું આ બધા પણ એજ કરે છે ને..! ""આટલું બોલી સ્નેહા ચુપ થઈ ગઈ ને કંઈક ઉડા વિચારોમાં ખોવાઈ ગઈ.

"બધાના નસીબ એક જેવા નથી હોતા. જો કદાચ તને શુંભમ પસંદ કરી લેઈ તો તને તારી રીતે જીવવાનો મોકો મળે એમ છે. " સ્નેહાના મમ્મીએ તેમની ચુપી અવાજને તોડતા કહયું. કયારથી તે બંને બહેનોની વાત સાંભળી રહયા હતા.

તેમની મમ્મી પણ એ જ ઇચ્છતી હતી કે તેમની બેટીને તેની જેવી જિંદગી ના જીવવી પડે. સપના માટે પણ તેમને એવું જ ઘર ગોતવું હતું પણ કિસ્મત જ્યાં લઇ જાય ત્યાં જવું પડે. સપનાને આમ કોઈ પ્રોબ્લેમ ના હતી પણ જે ચાર દીવાલની અંદર તે ગુથ્થાઈ ગઈ હતી તે જોઈને તેમની મમ્મીને હંમેશા એ લાગતું કે તેમની જિંદગી પણ મારી જિંદગી જેવી જ બની ગઈ. સપનાનો પતિ નિરવ બધી જ રીતે સારો હતો એટલે સપના જયારે કહે ત્યારે તેમના પપ્પાના ઘરે તેમને મુકી જતો. એ વાતની ખુશી હતી બધાને કે નિરવ સારો છે.

"હા તો મમ્મી તેમનો શું જવાબ આવ્યો...??" સપનાએ પુછ્યું.

"હજું તો કંઈ નથી આવ્યો. તે છોકરાને જોયો છે..?? "

"હા એકવખત અમે બધા લગ્નમાં મળ્યાં હતા. તેમની મમ્મી મને કહેતા પણ હતા ત્યારે કે તારી બેનની વાત કર. પણ મને ત્યારે કંઈ બરાબર ના લાગ્યું. પણ આમ તો બધું જ સારું જ કહેવાય. સ્નેહાને જે જોઈએ તે મળી જશે ત્યાં." કોઈના કોઈ છેડા તો અડતા જ હોય છે. શુંભમના ઘરના છેડા સપનાને પણ કોઈ જગ્યાએ અડતા જ હતા.

આ બધી જ વાતો સાંભળ્યા પછી સ્નેહાના મનમાં પણ તેના વિચારો આવવા લાગ્યા હતા. આજે આટલા બધા રીશતામા પહેલીવાર તેમનું મન કોઈ તરફ આકર્ષિત થઇ રહયૂં હતું. દિલ કંઈ કહી રહી હતું. ફેસબુકમાં જોયેલી તેમની તસ્વીર નજર સામે તરવરી ઊઠી હતી. પળમાં વિચારો વાતો ભુલી તે અંજાન છોકરા પાસે પહોંચી ગયાં હતા.

સપના અને તેમની મમ્મીની વાતો હજું ચાલતી જ હતી પણ સ્નેહાનું ધ્યાન તે વાતોમાંથી દુર કંઈક સપના સજાવવા બેસી ગયું હતું. શાયદ આ મિલાપની ઝંખના કરાવી રહયું હતું તેમનું દિલ. આ પળ લગભગ બધી જ છોકરીઓના જીવનમાં આવતી જ હોય છે. જયારે તેમનું મન કોઈને પસંદ કરી લેતું હોય. એક પળમાં જ ન જાણે મને કેટલા સપના પણ સજાવી લીધા હશે. ખરેખર આ મન પણ કેટલું અજીબ હોય છે. તે કોઈના હોવાનો અહેસાસ પછી પહેલાં તેમની વાતોને મોહી લેતું હોય છે.

સ્નેહાનું પણ કંઈક એવું જ થઈ રહયું હતું. તે તેમને બરાબર નજરે જોઈ પણ નહોતી શકી ને હવે તેમની સાથે જિંદગી જીવવાના સપના સજાવા બેસી ગઈ હતી. આ પ્રેમની શરૂઆત નહોતી આ કોઈના પ્રત્યેની લાગણી પણ નહોતી. આ હતું એક અજીબ આકર્ષણ જે તેમને એક અલગ જ જિંદગી તરફ લઇ જવાનું હતું.

સાંજના દસ વાગતાં તેમના પપ્પા પણ ઘરે આવી ગયા. તેમના પપ્પાને પણ ઈલેક્ટ્રોનિક દુકાન હતી જેમાં તેમની કમાઈ સારી ચાલતી હતી. આમ સામાન્ય ગણાતા આ પરિવારમા પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ ના હતી. તેમનો ભાઈ સાગરને કોલેજનું છેલ્લું વર્ષ હતું પણ તે પણ વધારે પપ્પાની સાથે જ રહેતો. રાતે બધા ઘરે આવે પછી એક સાથે જ જમવા બેસતા. આજે સપના આવી હતી એટલે જમવાનું બહારથી મગાવી લીધું હતું. તે લોકોની વાતો પપ્પા આવ્યા ત્યાં સુધી ચાલતી જ રહી.

રમીલાબેન અને સ્નેહાએ જમવાનું તૈયાર કરયું ને બધા જ એકસાથે જ જમવા બેસી ગયાં. અહી ડાઇનિંગ ટેબલ નહોતી અહીં બધાને નીચે બેસવાની આદત હતી. એક સાથે એક જ પાટલે બેસી બધા શાંતિથી જમતા અને આખો દિવસની ભેગી થયેલી વાતો કરતાં. આ એક જ એવો સમય હતો જયારે ઘરના બધા એકસાથે બેસી જમતા અને વાતો કરી શકતા. સવારમાં સ્નેહા હજું સુતી હોય ત્યાં જ તેમના પપ્પા જતા રહેતા. બપોરે તે જમવા આવતા તો સ્નેહા ઓફિસે હોય. આખો દિવસ એક બીજાનો ચહેરો પણ અત્યારે જમવા સમયે જોવા મળતો.

વાતો વાતોમાં રમીલાબેને રાજેશભાઈને પૂછ્યું. " શું થયું અમદાવાદથી કોઈ સમાચાર આવ્યા." રાજેશભાઇ થોડીવાર એમ જ ચુપ બેસી રહયા. સ્નેહા તેમના પપ્પાને જોતા જ સમજી ગઈ હતી કે તેમનો જવાબ ના જ હોય શકે.

"હજું કોઈ સમાચાર તો નથી આવ્યા પણ, બાલુભાઇ કહેતા હતા કે તેમનો વિચાર થોડો ઓછો લાગે છે." રાજેશભાઇની વાતો પરથી બધા જ અંદાજો લગાવી શકતા હતા કે વાત હવે આગળ વધવાની ના હતી. રમીલાબેને વાતો બદલી દીધી ને બીજી વાતોમાં લાગી ગયા.

સ્નેહાનું મન પપ્પાની વાત સાંભળી થોડું ભારી થઈ રહયું હતું. થોડીવાર પહેલાં જ તેમને કેટલા સપના સજાવી લીધા ને પળમાં જ તે સપના ક્ષણભંગુર થઈ ગયા. બધાની સામે તે કંઈ બોલી નહીં પણ અંદરો અંદર તેમના વિચારોએ તેમને જકડી લીધી હતી. અહીં કંઈ હતું જ નહીં છતાં પણ તેમને કેમ એવું લાગી રહયું હતું કે તેમની જિંદગી બદલી ગઈ છે. જે સંબંધમાં તેમને જ કોઈ ધ્યાન ના હતું તે સંબધ વિશે તે વારંવાર વિચારી રહી હતી.

મનને શાંત કરવા તેમને ફટાફટ જમી લીધું ને સપનાની નાની બાળકીને તેડીને રમાડવા લાગી. આ બાળકી પણ આજે તેમના વિચારોને તોડાવી નહોતી શકતી. કંઈક અજીબ ફિલ થઈ રહયું હતું તેમને. દરવખતે જયારે કોઈ છોકરાની ના આવતી ત્યારે તે સૌથી વધારે ખુશ થઈ જતી જયારે આજે પહેલીવાર કોઈની ના આવતા તેમનું મન ભારી થઈ ગયું હતું.

♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર કોઈના તરફનું આકર્ષણ પણ મનને ભારી કરી જતું હશે કે કંઈક અજીબ જ વાત સ્નેહાને પ્રેમ તરફ ધકેલી રહી છે..?? શું થશે હવે શુંભમની તો ના મળી ગઈ છે..?? શું સ્નેહા માટે કોઈ બીજું આવવાનું છે કે આ કહાની એક નવો જ મોડ લઇ ફરી સ્નેહાની જિંદગીમાં દસ્તક દેવાની છે.... તે જાણવા વાંચતા રહો "લાગણીભીનો પ્રેમનો અહેસાસ"