ટાપુ ઉપર થઈ બરફવર્ષા..
જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા ફસાયા અંધારી ગુફામાં..
___________________________________________
ટાપુ ઉપર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. જુલાઈ માસ સમાપ્ત થઈ ગયો હતો. કેપ્ટ્ન અને અન્ય સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં હતા. નવા ટાપુવાસીઓ કેપ્ટ્ન અને બીજા લોકોને બંદી બનાવીને લઈ ગયા એ વાતને આજે બે દિવસ થઈ ગયા હતા. એન્જેલાના પગના તળિયે જે પથ્થર વાગ્યો હતો એનો ઘા હવે ધીમે-ધીમે રૂઝાઈ રહ્યો હતો. બે દિવસથી જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ કેપ્ટ્ન અને અન્ય લોકોને પેલા અજીબ ટાપુવાસીઓના કેદમાંથી કેવીરીતે છોડાવવા એની યુક્તિ વિચારવામાં જ કાઢી નાખ્યા. પણ કોઈ સારી યુક્તિ મળી નહીં.
આ ટાપુની એક વિશેષતા એ હતી કે ટાપુ ઉપર ચોમાસામાં બર્ફીલા તોફાનો વધારે પ્રમાણમાં ત્રાટકતા. જો જ્યોર્જ અને પીટર સાથીદારોને પેલા અજીબ ટાપુવાસીઓના કબજામાંથી જલ્દી મુક્ત ના કરાવે તો પછી એમને એમના સાથીદારોને શોધવા માટે બર્ફીલા તોફાનનો સામનો કરવો પડે. એટલે જેટલું બને એટલું ઝડપથી પેલા અજીબ ટાપુવાસીઓ જ્યાં રહેતા હતા એ નિવાસ્થાન શોધીને કેપ્ટ્ન તથા અન્ય સાથીદારોને મુક્ત કરાવવા જરૂરી હતા.
ચોમાસાનું આગમન થવાથી આકાશમાં છુટા છવાયા વાદળાઓ પવનની દિશાને અનુસરીને એકબીજા સાથે હરીફાઈ કરતા હોય એમ દોડી રહ્યા હતા. સૂર્ય આજે ક્યારેક જ પોતાનું મોઢું બતાવતો હતો કારણ કે આકાશમાં રહેલો વાદળાઓનો પડદો સૂર્યના તેજસ્વી મુખને વારે ઘડીએ ઢાંકી રહ્યો હતો.
ક્રેટી , જ્યોર્જ , પીટર તેમજ એન્જેલા આજે સવારથી જ અલ્સ પહાડ તરફ આવવા રવાના થઈ ગયા હતા. એન્જેલાના પગનું દર્દ હવે ઓછું થઈ ગયું હતું. આ વખતે પીટર એન્જેલા નો હાથ પકડીને જ ચાલતો હતો. ક્યારેક એન્જેલા ચાલતી ચાલતી થાકી જાય તો પીટર એને ઊંચકી લેતો હતો. આ બંને પ્રેમી યુગલો આ ટાપુ ઉપરના સૌથી સુંદર પ્રેમી યુગલો હતા.
"પીટર તું તો એન્જેલાનો પડછાયો બનીને એની સેવા કરી રહ્યો બે દિવસથી..' અલ્સ પહાડ તરફના રસ્તે ચાલતા ચાલતા ક્રેટી પીટર તરફ જોઈને મરક-મરક હસતા બોલી.
"અરે એવું કંઈ નથી ભાભી.. પણ..' ક્રેટીની વાત સાંભળીને પીટર શરમાઈને બોલ્યો.
"પણ.. શું..પીટર.? આ વખતે ક્રેટીનો હાથ હાથમાં લઈને ચાલી રહેલા જ્યોર્જે પ્રશ્ન કર્યો.
"આ પ્રેમ વસ્તુ જ એવી છે જ્યોર્જ જેને આપણે ચાહીએ છીએ એના માટે ગમે તે કરવા તૈયાર થઈ જઈએ..' આમ કહીને પીટરે એન્જેલાને હાથમાં ઊંચકીને એની ગાલ પર ચુંબન કરી લીધું.
પીટરે એન્જેલાને આવી રીતે બે હાથમાં ઊંચકીને ગાલ પર ચુંબન કર્યું એ જોઈને જ્યોર્જ અને ક્રેટી મુક્તમને હસી પડ્યા.એન્જેલા તો બિચારી એવી શરમાઈ ગઈ કે એણે પીટરની છાતીમાં પોતાનું મોઢું સંતાડી દીધું. પીટરે પહેલા તો જોશમાં આવીને એન્જેલાને ચુંબન કરી નાખ્યું પણ આજુબાજુ જ્યોર્જ અને ક્રેટી પણ છે એનું ભાન થતાં એ પણ શરમાઇને નીચું જોઈ ગયો.
સૂર્ય વાદળોની પાછળ સંતાકૂકડી રમતો-રમતો આકાશમાં વિહરી રહ્યો હતો. વાદળાંઓના દેખાવ પરથી જ્યોર્જને લાગી રહ્યું હતું કે આજે કંઈક નવી ઘટના બનશે. બધા ચાલતા ચાલતા અલ્સ પહાડની સૌથી નાની ટેકરીની તળેટીમાં આવી પહોંચ્યા. આ અલ્સ પહાડની સૌથી નાની ટેકરીની તળેટી પાસે જે ગુફા હતી. એ ગુફાની અંદર થઈને પેલા અજીબ ટાપુવાસીઓ બધાને બંદી બનાવીને લઈ ગયા હતા.
આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા હતા. વહી રહેલો ઠંડો પવન પણ જ્યોર્જ , ક્રેટી , એન્જેલા તેમજ પીટરને ધ્રુજાવી રહ્યો હતો.
"જ્યોર્જ આજે જરૂર બરફવર્ષા થશે.. આ ઠંડો પવન તો જો..' ક્રેટી આકાશ તરફ જોઈને બોલી.
"બરફવર્ષા..?? અહીંયા..' પીટરને ખબર નહોતી કે આ ટાપુ ઉપર ચોમાસા દરમિયાન બરફવર્ષા પણ થાય છે એટલે એણે ક્રેટીને પ્રશ્ન કર્યો.
"હા.. અમારે ચોમાસામાં બરફના બહુ ભયકંર તોફાનો આવે છે..' ક્રેટી પીટર તરફ જોઈને બોલી.
"આ તમારો ટાપુ પણ ખુબ જ નવાઈભર્યો અને અજીબ છે હો..!! ' જ્યોર્જ ક્રેટી તરફ જોઈને ત્યાં પડેલા એક પથ્થર પર બેસતા બોલ્યો.
"અમારા માટે તો આ બધું સામાન્ય છે તમે આ ટાપુ ઉપર પહેલીવાર આવ્યા છો એટલે તમને બધું અજીબ લાગે છે..' ક્રેટીએ જ્યોર્જનો હાથ એના હાથમાં લઈને જ્યોર્જની બાજુમાં બેસતા કહ્યું.
"અરે તમે આ બધી વાતોને હમણાં બાજુમાં મૂકી દો.. કદાચ થોડીક વારમાં તોફાન પણ શરૂ થઈ જશે એટલે પહેલા આપણે સુરક્ષિત આશ્રયસ્થાન શોધી લઈએ નહિતર આ ઠંડીમાં આપણે ઠુંઠવાઇને મરી જઈશું..' એન્જેલાએ આવી રહેલા તોફાન બાબતે બધાને સચેત કરતા કહ્યું.
જ્યોર્જ અને ક્રેટી જલ્દી ઉભા થઈ ગયા. આકાશ તરફ જોતાં જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આજે જરૂર તોફાનનું તાંડવ ખુબ જ ભારે હશે.
"તમે બધા અહીંયા ઉભા રહો હું થોડાક ફળો અને કંદમૂળ શોધીને લેતો આવું.. એટલે આવા કપરા સમયમાં ખાવા માટે કામ લાગશે..' આટલું કહીને જ્યોર્જ ટેકરીની તળેટીમાં આવેલી વનરાજી તરફ ઝડપથી ચાલ્યો.
ક્રેટી , એન્જેલા અને પીટર પણ ત્યાં પડેલા સૂકા લાકડાઓને એકઠા કરવા લાગ્યા. કારણ કે બરફવર્ષા થયા પહેલા જોરદાર ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. તો બરફવર્ષા પછી તો ઠંડી કેટલી હશે એનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ હતું.
જ્યોર્જની પાસે કપડાનો મોટો ટુકડો હતો એમાં એણે કંદમૂળ તેમજ અન્ય ફળો મળ્યા એ બધા બાંધી દીધા અને પછી ઝડપથી પેલા ત્રણેય પાસે આવી ગયો. અહીંયા પણ ક્રેટી , એન્જેલા અને પીટરે સારા પ્રમાણમાં લાકડાઓ એકઠા કરી રાખ્યા હતા. બીજું કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન હતું નહીં એટલે જ્યોર્જ બધાને પેલી ગુફામાં લઈ ગયો. ફળો તેમજ લાકડાઓને પણ એ ગુફામાં પહોંચાડી દેવામાં આવ્યા.
બહાર ધીમા વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. પવન તો એટલો બધો ઠંડો હતો કે બધાના શરીર ધ્રુજી રહ્યા હતા. ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું હતું. વરસાદની સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થતો હતો. બધા ગુફામાં આવી ગયા ગુફામાં એકદમ અંધારું છવાયેલું હતું એટલે અજવાળા માટે અગ્નિ પેટાવવો જરૂરી હતો. પીટરે બહારથી લાવેલા લાકડાઓમાંથી થોડાંક લાકડા ઉઠાવી અગ્નિ સળગાવ્યો.
અગ્નિ સળગતાની સાથે જ ગુફામાં દૂર દૂર સુધી અંધારું ભાગી ગયું. કેટલાક જીવજંતુઓ પણ આમથી તેમ ભાગી ગયા.
તાપ મળતા જ બધાના શરીરે ઠંડીથી રાહત મેળવી. બહાર તોફાન વધી રહ્યું હતું. બહારથી વીજળીના તડાકા- ભડાકા સંભળાઈ રહ્યા હતા.
"આજે જોરદાર તોફાન છે..' સળગતા લાકડાઓને સરખા કરતા ક્રેટી બોલી.
"હા.. તોફાન ભારે છે.. પણ મને કેપ્ટ્ન અને આપણા સાથીદારોની ચિંતા છે ક્યાંક પેલા વિચિત્ર માણસો એમને કંઈ કરી ના બેસે..' જ્યોર્જે અગ્નિમાં ગરમ કરેલા પોતાના હાથ ક્રેટીના ગાલ પર ઘસીને કહ્યું. પછી એક ઊંડો નિશાસો નાખ્યો.
"કંઈ નહીં થાય જ્યોર્જ.. હિંમત રાખ બધું બરાબર જ થશે..' ક્રેટી જ્યોર્જને હિંમત આપતા બોલી.પછી એણે જ્યોર્જનો હાથ પોતાના હાથમાં લઈને ઉષ્માપૂર્વક દબાવ્યો.
પીટર અને એન્જેલા તો એમના પ્રેમની દુનિયામાં ડૂબેલા હતા. તેઓ બન્ને એકબીજાની આંખોમાં જોઈને હસી રહ્યા હતા. આ બંને નિદોષ ચહેરા વચ્ચે પ્રેમ ખીલતો જોઈને ક્રેટી અને જ્યોર્જ એકબીજા સામે જોઈ આગળ વાત કરતા અટકી ગયા. કારણ કે પીટર અને એન્જેલા.. જ્યોર્જ અને ક્રેટી કરતા ઉંમરમાં નાના હતા. એટલે જ્યોર્જ અને ક્રેટીએ આગળ પોતાની વાત વધારી નહીં અને અનિમેષ વદને આ બન્ને પ્રેમી પંખીડાઓને નિહાળી રહ્યા.
જ્યોર્જે ઉઠીને ગુફાની બહાર ડોકિયું કર્યું તો બહાર જોરદાર બરફવર્ષા થઈ રહી હતી.. દૂર દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય એવું એને લાગી રહ્યું હતું. બહારનું તાપમાન સાવ ઘટીને 0°છે થી પછી નીચું જઈ રહ્યું હતું.. જ્યોર્જ ઝડપથી પાછો ગુફામાં આવી ગયો. કારણ કે ઠંડીના કારણે ગુફાના મુખ પાસે ઉભું રહેવું અશક્ય હતું. જ્યોર્જે બહારની પરિસ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા. બરફવર્ષાના કારણે સમગ્ર ટાપુ ઉપર એટલો બરફ છવાઈ ગયો હતો કે બે દિવસ સુધી બહાર નીકળવું અશક્ય હતું.
હવે આજે બધાએ આ ગુફામાં જ રાત પસાર કરવાની હતી. સારું થયું કે તેમણે પહેલાથી લાકડાઓ અને કંદમૂળ તથા ફળોનો બંદોબસ્ત કરી લીધો હતો. દસ દિવસ સુધી આ ફળો અને કંદમૂળ ખાવામાં ઉપયોગ કરી શકાય એટલા હતા. બસ એક સમસ્યા હતી પાણીની.... કારણ કે બહાર બધી જગ્યાએ બરફ જામી ગયો હતો..અને તાપમાન પણ શૂન્યથી નીચે જઈ ચૂક્યું હતું એટલે બધું બરફ બની ગયું હતું.
પીટર ઉઠ્યો અને થોડાક વધારે લાકડાઓ સળગાવ્યા. થોડુંક વધારે અજવાળું થતાં એ ગુફામાં પડેલા મોટા પથ્થરો આમ તેમ કરીને તેમાંથી કંઈક શોધવા લાગ્યો.
"પીટર તું શું શોધી રહ્યો છે...?? જ્યોર્જે પીટરને પથ્થરો આમ તેમ કરતા જોયો એટલે કુતુહલવશ પૂછ્યું.
થોડીવાર પીટર કંઈ ના બોલ્યો. પછી એક અંદરથી તપેલીમાં ખાડો હોય એવો પથ્થર મળતા એ આનંદથી બોલી ઉઠ્યો "મળી ગયું...'
"અરે શું મળી ગયું..?? જ્યોર્જે પીટરના હાથમાં રહેલો પથ્થર જોઈને કહ્યું.
"આપણને આ ગુફામાં ફક્ત પીવાના પાણીની સમસ્યા હતી એ પણ હવે દૂર થઈ જશે..' જ્યોર્જ બધા પાસે આવીને બેસતા બોલ્યો.
"કેવીરીતે દૂર થશે એ સમસ્યા.. તમને પાણી મળી ગયું કે શું..? એન્જેલા હસતા હસતા બોલી.
"ના.. પાણી નથી મળ્યું.. પણ આ બહાર જામેલા બરફમાંથી પાણી કેવીરીતે બનાવવું એની યુક્તિ મળી ગઈ છે.. અને એ યુક્તિ વડે હું થોડીક જ વારમાં પાણી પણ બનાવી લઈશ અને તને પાણી પણ પીવડાવી દઇશ વ્હાલી..' પીટર એન્જેલાની આંખમાં જોઈને બોલ્યો.
"એકલી એન્જેલાને જ પીવડાવશો.. અમને નહીં..' પીટરની વાત સાંભળીને ક્રેટી છણકો કરતા બોલી.
"અરે ભાભી તમને પણ પીવડાવીશ ચિંતા ના કરો.. પણ પહેલા મારા બંધુ જ્યોર્જને કહો કે એ બહારથી બરફ લઈ આવે..' પીટરે હસીને ક્રેટી કહ્યું.
પીટરની વાત સાંભળીને જ્યોર્જ ઉઠ્યો.. એક જોરદાર લાકડું ઉઠાવ્યું. પછી ફળો અને કંદમૂળો જે કપડાંમાં બાંધેલા હતા એ બધાનો નીચે ઢગલો કર્યો. પછી એ કપડાને બે વાર આમથી તેમ વાળી લીધું અને ગુફાના મુખ તરફ ચાલ્યો. બહાર હજુ પણ તોફાન શમ્યું નહોતું. બરફવર્ષા હજુ પણ ચાલુ હતી. જ્યોર્જે વાળીને જાડા કરેલા કપડાને ઝોળી જેવું બનાવીને ગુફાની બહાર ધર્યું. થોડીક વારમાં તો કપડાંની ઝોળી બરફથી ભરાઈ ગઈ. બરફને આવી રીતે કપડાંમાં લેતા જ જ્યોર્જના હાથ ઠંડીના કારણે જાણે લાકડું બની ગયા.
જ્યોર્જે ઝડપથી એ બરફની ભરેલી ઝોળી ઉઠાવીને બધા પાસે આવી ગયો.
જ્યોર્જ બરફ લઈને આવ્યો ત્યાં સુધીમાં પીટરે પાસે પડેલા પથ્થરો સારી રીતે ગોઠવીને ચૂલો બનાવ્યો. પછી એની નીચે લાકડાઓ સળગાવ્યા. ત્યારબાદ પેલો અંદરથી તપેલી જેવો આકાર ધરાવતા પથ્થરને ચૂલા ઉપર મુક્યો. ક્રેટી અને એન્જેલાને પીટરના આ કાર્યમાં ખુબ રસ પડ્યો હતો એટલે ધ્યાન પૂર્વક બન્ને પીટર જે કરી રહ્યો હતો એને નિહાળી રહી હતી. ખુદ જ્યોર્જ પણ પીટરની આ કામગીરીને એકી નજરે જોઈ રહ્યો હતો.
પીટરે જ્યોર્જ જે બરફ લઈ આવ્યો હતો એમાંથી થોડોક બરફ એ તપેલી જેવો આકાર ધરાવતા પથ્થરમાં મુક્યો. નીચે
લાકડાઓ સળગાવેલા હતા જેના કારણે તપેલી જેવો પથ્થરમાં પડેલો બરફ ધીમે ધીમે પીગળવા લાગ્યો અને પાણી બનવા લાગ્યું.
પીટરની આ યુક્તિથી બધાને પાણી મળી ગયું. બધાએ ફળો તેમજ કંદમૂળ ખાઈને પેટ ભર્યું. બરફને ઉકાળીને તેમાંથી પાણી બનાવ્યું. રાત પડવા આવી હતી એટલે હવે આરામ કરવો જરૂરી હતો. પણ ગુફા એમના માટે સાવ અજાણી હતી. એટલે પ્રથમ પીટર અને એન્જેલા સૂઈ જશે. અને અડધી રાત પછી જ્યોર્જ તથા ક્રેટી સૂઈ જશે એવું નક્કી કરી એન્જેલા અને પીટર સૂઈ ગયા. બંને સવારથી થાકેલા હતા એટલે થોડીક જ વારમાં ઊંઘી ગયા.
ક્રેટી અને જ્યોર્જ જાગી રહ્યા હતા. ક્રેટી જ્યોર્જના ખોળામાં પોતાનું માથું મૂકીને પ્રેમભરી આંખે જ્યોર્જની આંખો માં જોઈ રહી. જ્યોર્જ પોતાની પ્રેમિકાના મુખને મુગ્ધ બનીને નિહાળી રહ્યો હતો. બન્નેના હોઠ બંધ હતા પણ આંખો વાત કરી રહી હતી. આમ જોતાં જોતાં ક્યારે ઊંઘી ગયા એ એમને બન્નેને પણ ખ્યાલ ના રહ્યો.
"જ્યોર્જ.. ઉઠને..' ક્રેટીએ જ્યોર્જને ઢંઢોળ્યો.
જ્યોર્જ આંખ ચોળીને ઉભો થયો. તેમણે સળગાવેલો અગ્નિ ઠરી ગયો હતો એટલે ગુફામાં અંધારું છવાઈ ગયું હતું.
અંધારામાં માંડ-માંડ લાકડાઓ ભેગા કરીને અગ્નિ ફરીથી સળગાવ્યો. અગ્નિ સળગતાની સાથે જ ગુફામાં અજવાળું છવાઈ ગયું.બાજુમાં જ પીટર અને એન્જેલા એકબીજાને આલિંગનમાં લઈને ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. એમને બન્નેને આમ સૂતેલા જોઈને ક્રેટી અને જ્યોર્જ એકબીજા સામે જોઈને સ્મિત કર્યું.
"વ્હાલી તું અહીંયા બેસ.. હું જરાક બહારનું વાતાવરણ જોઈને આવું..' જ્યોર્જ ક્રેટી પાસેથી ઉભો થયો અને એના ગાલ પર હળવી ટપલી મારીને બોલ્યો.
"ના મને એકલીને તો અહીંયા ડર લાગે છે.. હું પણ તમારી સાથે આવું..' ક્રેટી ઉભી થઈ અને જ્યોર્જનો હાથ પકડતા બોલી.
જ્યોર્જ ક્રેટીને સાથે લઈને ગુફાના મુખ તરફ ચાલ્યો. તેના હાથમાં મોટુ સળગતું લાકડું હતું જેના પ્રકાશથી જ્યોર્જ અને ક્રેટી ગુફાના મુખ તરફ આગળ વધી રહ્યા હતા. જ્યારે તે બન્ને ગુફાના મુખ પાસે પહોંચ્યા તો ગુફાનું મુખ વધારે બરફવર્ષાને કારણે બંધ થઈ ગયું હતું. આ જોઈને જ્યોર્જ અને ક્રેટીના મોંઢા ઉપર ચિંતાની રેખાઓ ફરી વળી. જ્યોર્જે સળગતું લાકડું ક્રેટીના હાથમાં પકડાવીને એક લાંબો અણીદાર પથ્થર ઉઠાવ્યો અને ગુફાના મુખ આગળ જામેલા બરફ ઉપર બળ વાપરીને ઘા કર્યો. પણ બરફ શાયદ પથ્થર કરતા પણ વધારે મજબૂત રીતે જામી ગયો હતો એટલે એને તોડવો મુશ્કેલ બની ગયો હતો.
જ્યોર્જ અને ક્રેટી ઝડપથી પીટર અને એન્જેલા પાસે આવ્યા અને આવી પડેલી નવી મુસીબતથી એમને વાકેફ કર્યા. બધા ફરીથી ગુફાના મુખ પાસે આવ્યા. પીટર અને એન્જેલાએ પણ ગુફાના મુખ આગળ જામેલો બરફ જોયો.
આવી પડેલી આ નવી મુસીબતમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ હતું જો બહાર સતત બરફવર્ષા થતી રહે તો આ લોકો દસ દિવસ પછી ભૂખે મરી જાય એવી હાલત થઈ જાય. કારણ કે એમની પાસે દસ દિવસ ચાલે તેટલા ફળો અને કંદમૂળ હતા.
મુસીબત ખુબ જ ભારે હતી. એટલે એમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય ચારેય જણા વિચારવા લાગ્યા. થોડીક વાર વિચાર્યા પછી ક્રેટીના મનમાં કંઈક નવો ઉપાય સુજ્યો.
"જ્યોર્જ આ સમસ્યામાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે..' ક્રેટીએ વારાફરથી આ ત્રણેય ઉપર નજર ઘુમાવી અને પછી જ્યોર્જ સામે જોઈને કહ્યું..
"હા.. બોલ.. આપણે આમાંથી કેવીરીતે બહાર નીકળી શકીએ..' ક્રેટીની વાત સાંભળ્યા પછી જ્યોર્જ આશાભર્યા અવાજે બોલ્યો..
(ક્રમશ)