અજાણ્યો શત્રુ - 12 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 12

છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષા સાથે ટ્રેનિંગ સેન્ટર જાય છે. પરંતુ તેનું વર્તન બરાબર નહતું. આ વાત પર બોસ તેને સમજાવે છે. આથી રાઘવ પોતાના વર્તનમાં સુધારો લાવવાની કોશિશ કરે છે.

હવે આગળ......

********

જીપ ત્રિષાના ઘર નજીક પહોંચવા આવી હતી. એ પહેલાં રસ્તામાં આવતા એક કોફી શોપ પર રાઘવની નજર પડી. કોફી શોપ રોડની બીજી તરફ હતો. આથી રાઘવે યુ ટર્ન લઈ જીપને કોફી શોપ આગળ ઊભી રાખી. ત્રિષા થાકના કારણે આંખો મિચીં જીપમાં બેઠી હતી,પરંતુ યુ ટર્ન લેવાના કારણે તે રાઘવ તરફ નમી પડી. અજાણતા આમ નમવાના કારણે તેનાથી અનાયાસે જ રાઘવનો હાથ ટેકા માટે પકડાઈ ગયો.

તેને તરત જ રાઘવનો હાથ છોડી દીધો અને પરત પોતાની સીટ પર બીજી તરફ મોઢુ ફેરવી બેસી ગઈ. તેનામાં અત્યારે રાઘવ સામે નજર મેળવી શકે એટલી હિંમત નહતી. ના, એવું નહતું કે તે રાઘવથી ડરતી હતી, પણ રાઘવનો સ્પર્શ પામ્યા પછી તે પોતાની લાગણીઓને કાબુમાં કરવા મથતી હતી. તેને ડર હતો કે કદાચ રાઘવ સામે જોવાથી કે તેની આંખોમાં આંખો પરોવી નરજ મેળવવાથી તેનો પોતા પર કાબુ નહીં રહે. તે પોતાની લાગણીઓને રોકી નહીં શકે. રાઘવના મનમાં શું હતું? તેનો ત્રિષાને ખ્યાલ નહતો. પણ પોતાના મનની વાત તે સારી પેઠે જાણતી અને સમજતી હતી, અને કદાચ એટલે જ તેના પિતાના લાખ સમજાવવા છતાં તે રાઘવ સાથે જવા તૈયાર હતી.

તેને આગલી રાત્રે તેના પિતા સાથે વાત કરતી વખતે એકવાર તો બોસ સાથે વાત કરવાનું મન પણ બનાવી લીધું હતું. અને એ માટે જ તે સવારના બોસની ઓફિસ પર ગઈ હતી. પણ ત્યાં રાઘવને જોયો ત્યારથી તેના વિચારો બદલાવા માંડ્યા હતા. પણ તેનું દિમાગ તેને બોસ સાથે વાત કરવા કહી રહ્યું હતું. પણ આજના દિવસમાં તે શક્ય બન્યું નહતું. આ બધુજ તેના મનમાં ચાલી રહ્યું હતું.

રાઘવે જીપ કોફી શોપ સામે પાર્ક કરી, નીચે ઉતરી ત્રિષા પાસે આવ્યો. ત્રિષા હજુ જીપમાં જ બેઠી હતી. જીપ રોકાઈ ગઈ છે અને રાઘવ પણ નીચે ઉતરી તેની પાસે આવી ગયો છે, એનો ખ્યાલ જ ત્રિષાને આવ્યો નહીં. રાઘવે તેને બે-ત્રણવાર બોલાવી ત્યારે તે વિચારોમાંથી બહાર આવી. પણ રાઘવને જોઇને તેના ચેહરા પર એક લાલીમાં આવી, વસંતના ગુલમહોર જેવી.

રાઘવે તેને સામેના કોફી શોપમાં નાસ્તો કરવા માટે કહ્યું અને સાથે જ ઉમેર્યું કે સવારથી ટ્રેનિંગના કારણે તે થાકી ગઈ હશે, તો થોડી રિલેક્સ પણ થઈ જાય. રાઘવને પણ પોતાના પ્રત્યે લાગણી છે, એવું તેને લાગ્યું.

તે બન્ને કોફી શોપમાં ગયા અને કોફી તથા નાસ્તા માટે ઓર્ડર આપ્યો. બન્ને ખામોશ બેઠા હતા. એટલામાં કોફી અને નાસ્તો આવી ગયો. તેઓ નાસ્તો કરતાં હતાં, એટલામાં જ કોલેજીયનનું એક ગ્રુપ ત્યાં આવ્યું. જેમાં ત્રણ છોકરા અને બે છોકરીઓ હતી. તે છોકરોઓનો પહેરવેશ પણ રાઘવ જેવો જ હતો. તેઓ રાઘવ અને ત્રિષાના બાજુના ટેબલ પર આવીને બેઠા.

રાઘવ અને ત્રિષાને ચુપચાપ નાસ્તો કરતા તથા ત્રિષાનું થાકના કારણે ઉતરેલું મોઢું જોઇ કોલેજીયન ગ્રુપના એક છોકરો ટીખળ કરતાં બોલ્યો, "કયું ભાઈ, ભાભીજી ઈતની પરેશાન કયું હૈ? આપસે નારાજ લગતી હૈ?"

તેની વાત સાંભળી ત્રિષાને શું કહેવું સમજાતું નહોતું. એકતરફ ગુસ્સો આવતો હતો, તો સામેપક્ષે મનમાં ભાભીજી સાંભળી આનંદ પણ થતો હતો. પણ તે આ લોકો સાથે ઉલજવા માંગતી નહતી.

પણ રાઘવે વાતનો દોર સાધી લીધો. તેને એ ગ્રુપને સંબોધીને કહ્યું, "દેખોના યાર, મૈંને કિતના કહા કિ, મૈં દોસ્તો કે સાથ ફિલ્મ દેખને ગયા થા, કિસી ઓર લડકી કે સાથ નહીં, ટિકિટ ભી દિખા દી. પર યે માનતી હી નહીં, ક્યાં કરૂ? "

"કોઈની ભાઈ હોતા હૈ, મેરે સાથ ભી કંઈ બાર ઐસા હી હુઆ હૈ."ફરી એ જ છોકરો રાઘવનો સાથ દેતા બોલ્યો.

એટલામાં જ તેની પાસે બેસેલી છોકરીએ તેને પર્સ મારતા કહ્યું,"તું તો જાતા હી હૈ, ઓર કલ મિલ કોલેજ તુજે દેખ લુંગી. "

" દેખા સબકે સામને મુજે ધમકી દેતી હૈ! " રાઘવને સંબોધી એ છોકરો બોલ્યો.

ત્રિષા તો આ બધું જોઈ રહી. કેમકે સામાન્ય રીતે કોઈ અજાણી વ્યક્તિ પેલા છોકરા એ કરી એવી કોમેન્ટ કરે ત્યારે નાની અમથી વાતમાં મોટો ઝગડો થઈ જતો હોય છે,જ્યારે અહીં તો ઉલ્ટી ગંગા વહેતી હતી. રાઘવ એ ગ્રુપ સાથે એવો હળીમળી ગયો હતો, જાણે તે પણ એ ગ્રુપનો જ હિસ્સો હોય, અને પેલા છોકરો અને રાઘવ તો જાણે નાનપણથી એકબીજાને ઓળખતા હોય તેમ વાતો કરતાં હતાં.

નાસ્તો પતાવી રાઘવ અને ત્રિષા કોફી શોપની બહાર આવી ફરી જીપમાં ગોઠવાયા અને ત્રિષાના ઘર તરફ પ્રયાણ કર્યું.

"તે લોકો તમને જાણતા હતા?" કોફી શોપમાં કોલેજીયન ગ્રુપ સાથે થયેલી વાતચીતના સંદર્ભે ત્રિષાએ રાઘવને પૂછ્યું.

"ના, પરંતુ હું હવે તે લોકોને જાણું છું."રાઘવે પ્રત્યુત્તર આપતા કહ્યું.

"તો તેમની સાથે આટલું બધું હળીમળીને વાત કરવું અને પેલા છોકરાની મજાક પર તમે ગુસ્સે ના થયા?અન્ય કોઈ હોત તો મોટો ઝઘડો થયો હોત! "ત્રિષાએ કહ્યું.

રાઘવ :-"આ પણ તારી ટ્રેનિંગનો જ એક ભાગ છે, એમ સમજી લે. લોકો સાથે કેવી રીતે જલ્દી હળીમળી જવું. અને રહી વાત ગુસ્સો કરવાની, તો ગુસ્સો કરવાથી મને વધુ એક દુશ્મન મળે. જેની મારી પાસે કોઈ કમી નથી. પણ અમુક દોસ્ત બની જાય તો વખત જતાં કામ લાગે."

ત્રિષા :- "કામ લાગે? "

રાઘવ :- "હા કામ લાગે. જે છોકરાએ મજાક કરી હતી એ દિલ્હીના એક મોટા બિઝનેસમેનનો દિકરો છે. તેની સાથે લડતી હતી, એ છોકરીના પિતા પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર છે. તેની સાથેના બીજા છોકરાના પિતા હરિયાણામાં MLA છે. અને હું ક્યાંય ફસાઈ જાવ તો દર વખતે મારી ઓળખ ન આપી શકુ. ત્યારે આવી ઓળખાણ કામ લાગે."

આમ વાતમાં ને વાતમાં ત્રિષાનું ઘર આવી ગયું. પોતાનું ઘર આવી જતાં ત્રિષા જીપમાંથી ઉતરી અને ઘરની અંદર પ્રવેશી, પણ તેને અનુભવ્યુ કે રાઘવ પણ તેની પાછળ પાછળ ઘરમાં પ્રવેશ કર્યો. તેને રાઘવને ઘરમાં આવવા માટેનું કારણ પૂછ્યું.

"હું પણ હવેથી અહીં જ રહેવાનો છું."સ્મિત કરતાં રાઘવે જવાબ આપ્યો.

આ સાંભળી ત્રિષાને પહેલા તો પોતાના કાન પર વિશ્વાસ ન થયો. પરંતુ રાઘવે કહ્યું તો સાચુ જ હશે. આમપણ હવે તેને આવી કોઈ પણ બાબત માટે પહેલા જેટલું આશ્ચર્ય થતું નહીં. પણ તેના પિતાએ રાઘવને ઘરમાં રહેવા દેવા માટે કેમ રાજી થયા તે ત્રિષાને સમજાતું નહતું.

"મારા પિતા તમને અહીં રહેવા દેશે? તેમની પરમિશન લીધી? તેમને આ બિલકુલ નહીં ગમે."તેને રાઘવને સીધુ જ પૂછ્યું.

"રહેવા તો દેવુ જ પડશે, અને રહી વાત પરમિશનની, તો એ લીધી નથી. હા, તેમને જાણ જરૂર કરી દેવામાં આવી છે. અને રહી વાત ગમવા ન ગમવાની, તો એનાથી મને કંઈ ફર્ક નથી પડતો."રાઘવ જાણે આ તેનુ જ ઘર હોય અને અહીં રહી તે ત્રિષા તથા તેના પિતા પર ઉપકાર કરતો હોય એવી રીતે બોલ્યો.

ત્રિષાને રાઘવની વાત પર શું પ્રતિભાવ આપવો એ સમજાતું નહોતું. એ બન્ને હજુ ઘરના મુખ્ય દરવાજા પાસે જ ઉભા હતા. પરંતુ તેમની વાતચીત સાંભળી ત્રિષાના પિતા રાણા કપૂર તેમના રૂમમાંથી બહાર આવ્યા.

"રાઘવને અહીં રહેવાની પરમિશન તમે આપી છે?"ત્રિષાએ તેના પિતાને પૂછ્યું.

"ના",રાણા કપૂરે એકાક્ષરી જવાબ આપ્યો. પરંતુ એટલું બોલવામાં પણ તેમને ભારે તાકાતની જરૂર પડી હોય એ ત્રિષાએ અનુભવ્યું.

"તો પછી... "ત્રિષા આગળ કંઈ બોલે એ પહેલાં જ રાણા કપૂર તેને અટકાવતા બોલ્યા," હવે બધું ભગવાનના હાથમાં છે, ચાલ તું જમી લે દીકરા."એટલું બોલી રાણા કપૂર ફરી પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

માણસે આખી જિંદગી જે વસ્તુ પામવા માટે ખર્ચ કરી દીધી હોય, એ માન સન્માન, આબરૂ પોતાના જ સંતાન સામે પોતાના જ ઘરમાં ધૂળ ધાણી થાય, એ કોઈપણ વ્યક્તિ માટે સહેવું અઘરું છે. વ્યક્તિ પોતાને કંઈ સમજતો હોય, તેની સમાજમાં એક પહેચાન હોય, તેના એક ફોન કે ખાલી એક નામ લેવા માત્રથી અનેક કામ થઈ જતાં હોય, લોકો વચ્ચે એક પ્રકારનો દબદબો હોય, એ વ્યક્તિને એક એવા માણસ આગળ ઝૂકવું પડે, જેની મૌત તો ઠીક પણ જીંદગીનું પણ ઠેકાણું નહોય.

એક એવો માણસ જેને ખબર નથી, આગલી ક્ષણે તેની સાથે શું થશે? તે સવાર ક્યાં થશે ને સાંજ ક્યાં? થશે કે નહીં? એ પણ ખબર નહોય. જીંદગી તો આવી જ પણ મૃત્યુ? મૃત્યુ પણ એવું કે કોઈ દુશ્મન માટે પણ ન માંગે. અને મર્યા પછી પણ શું? ન પાછળ કોઈ રડવા વારું કે ના કોઈ યાદ કરવા વારું. આવી સમાજની દ્રષ્ટિએ દયા પાત્ર વ્યક્તિ, જેને સમાજમાં સૌથી ઉચ્ચ સ્થાન હાંસલ હોય એ વ્યક્તિને ઝુકાવે,જાણે રાજા ભોજ ગંગુ તૈલી સામે હારે. એ પીડા સહેવાની તાકાત દરેકમાં નહોય. રાણા ગૌતમ કપૂરની હાલત અત્યારે કંઈક આવી જ હતી.

ત્રિષાથી પોતાના પિતાની આ દશા જોવાતી નહતી. તેને રાઘવ પર ભયંકર ગુસ્સો ચડયો. પણ તેનાથી કંઈ થાય એમ હતું નહીં. તે તેના રૂમમાં જઈ ફ્રેશ થઈ, અગાસી પર ચાલી ગઈ.

જ્યારે પણ તેનું મન ઉદાસ હોય, ગુસ્સે હોય કે તેને શું કરવું? તે સમજાતું નહોય, ત્યારે તે અહીં ઘરની અગાસી પર આવી બેસતી. ઠંડી હવાની લહેરો તેના મનને શાંત કરતી. તેને ઘણા પ્રશ્નોના જવાબો અહીં જ મળ્યા હતા.

આજે પણ પવનની લહેરોએ તેના મનને શાંત કર્યું હતું. પણ તેને પ્રશ્ન થતો હતો કે, 'રાઘવનું સાચું સ્વરૂપ કયું? એ પોતાના મનમાં વિચારતી હતી અને જીપમાં તેના સ્પર્શથી પોતાને અનુભવાયું હતું એ? કોફી શોપમાં હતું એ? કે અત્યારે ઘરમાં હતું એ?'

તેને ખબર નહતી પડતી કે કોનો સાથ દે. એક તરફ તેના મનમાં રાઘવ માટે એક લાગણી અનુભવાતી હતી, તો બીજી તરફ પલ પલ બદલતું તેનુ વર્તન હતું, જે કળી શકાય એમ નહતું. તેના પર વિશ્વાસ કરવાનું મન થતું હતું, પણ સાથે જ એક અવિશ્વાસ પણ જન્મ લેતો હતો, કદાચ તે ભવિષ્યમાં સાથ ન આપે તો? એક તરફ તેના પિતા હતા, જેને લાલન પાલન કરી તેને આટલી યોગ્ય બનાવી હતી, તો બીજી તરફ એક વ્યક્તિ જેને તે ફ્કત બે દિવસથી જ ઓળખતી હતી. ના, સરખી રીતે ઓળખતી પણ નહતી, ફ્કત જાણતી હતી. અને જાણતી પણ શું હતી? ફકત નામ. એના સિવાય કશું જ નહીં.

આ રીતે જોવા જઈએ તો તેણે તેના પિતાનો સાથ આપવો જોઈએ. અને આ બાબતે વિચારવાની જરૂર જ નહતી. છતાં પણ તે વિચારતી હતી. કેમ? એની તેને પોતાને ખબર નહતી.

ત્રિષાને સમજાતું નહતું કે તે શું કરે? એટલામાં પાછળથી કોઈએ તેને કહ્યું, "વધારે વિચારવાની જરૂર નથી." તેને પાછળ ફરીને જોયું તો રાઘવ ઊભો હતો.

"તમે લોકો અમારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો?“ ત્રિષાએ રાઘવને પૂછ્યું.

"કેમકે, એજ અમારૂ કામ છે."રાઘવ ફરી એજ સપાટ સ્વરમાં બોલ્યો, જેવી રીતે સવારના બોલતો હતો.

"તને સમજવો મુશ્કેલ છે, તારૂ સાચું સ્વરૂપ ક્યું એ પામવુ મારી બસમાં નથી."ત્રિષાએ લાગણીસભર અવાજે રાઘવને કહ્યું. આજે પહેલી વાર તેણે રાઘવને તમે નહીં પણ તું કહીને બોલાવ્યો હતો. જે તેના અંતરનો અવાજ હતો.

"સમજાય જાય તો હું કંઈ કામનો નહીં, અને મારૂ સાચું સ્વરૂપ જે દિવસે તું જાણી લઈશ. એ દિવસે આપણી આખરી મુલાકાત હશે."રાઘવ પહેલી વખત લાગણીસભર અવાજે બોલ્યો. પહેલી વાર તેમા કોઈ છળ નહીં પણ આત્માનો અવાજ હતો.

"જો ત્રિષા, તારે અમારી સાથે ન આવવું હોય તો કંઈ વાંધો નહીં. હું બોસ સાથે વાત કરી લઈશ. હું નથી ઈચ્છતો કે મારા કારણે ફરી વખત કોઈ નિર્દોષની જાન જાય. "

"ફરી વખત એટલે? "ત્રિષાએ આશ્ચર્ય અનુભવતા પૂછ્યું.

"એ પછી કહીશ. પણ મારી વાત સાંભળ. તારા માટે આ અનુભવ નવો છે. તને આમાં કદાચ રોમાંચનો અનુભવ પણ થતો હશે, અને દેશ માટે પણ કંઈક કરવાની ભાવના તારા મનમાં હશે. પણ એટલું યાદ રાખજે, તું અમારા માટે ફક્ત એક પ્યાદું છે. અને શતરંજનો નિયમ તું જાણે છે. રાજા બચાવવા માટે ગમે ત્યારે પ્યાદાંને કુરબાન કરી દેવામાં આવે. અને કદાચ જો મને તારી જાન લેવાનું કહેવામાં આવે તો હું અચકાઇશ નહીં.માટે જે પણ ફેસલો કર. સમજી વિચારીને કરજે."રાઘવે સચ્ચાઈથી અવગત કરાવતા ત્રિષાને કહ્યું.

રાઘવ પોતાની જાન પણ લઈ શકે એ વાત ત્રિષાને અંદર સુધી ખૂંચી. તમે કોઈને ચાહતા હોય અને એ વ્યક્તિ તમારૂ ખરાબ ઇચ્છે, એ કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી સાંભળીને પણ તકલીફ થાય. જ્યારે અહીં તો રાઘવ તેની સામે વગર કોઈ ખચકાટે તેને મારવાની વાત કરી રહ્યો હતો. તેની આંખમાં આંસુ આવી ગયા. પણ રાઘવ તે જોવે એ પહેલાં જ રાણા કપૂરે રાઘવને બોલાવ્યો અને તે અગાસી પરથી નીચે ચાલ્યો ગયો.

ત્રિષા ફરી એકલી હતી. મન હજુ અશાંત હતું, કદાચ પહેલા કરતાં વધારે. પ્રશ્નો બદલી ગયા હતા. પણ હજુ અનુત્તર જ હતા.

********
શું ત્રિષા રાઘવ સાથે જશે? કે તેના પિતાનો સાથ આપશે? રાઘવ આગળ શું કરશે? જાણવા માટે માટે વાંચતા રહો, "અજાણ્યો શત્રુ "

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.