અંજલિ આતુરતા પૂર્વક મેઘનાની વાત સાંભળી રહી હતી. વીરા મરક મરક હસી રહી હતી. મેઘનાએ આગળ કહેવાનું શરૂ કર્યું. "અમે અમારા બેગ્સ લઈને અહી આવ્યાં ત્યારે મારા ભાઈ અનુજે દરવાજો ખોલ્યો. તેને અહી જોઈને હું જાતે શોક થઈ ગઈ. અનુજ પણ મને જોઈને શોક થઈ ગયો હતો. અમને શું કહેવું તે સમજાતું નહોતું એટલે હું કે અનુજ પણ બોલ્યા નહીં.”
“ઘરમાં દાખલ થયા એટલે વીરા રાજવર્ધનને પગે લાગી પણ મને જોઈને એ થોડી મૂજાઈ ગઈ. એટલે રાજવર્ધને તેને મારો પરિચય આપતાં કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ છું. પછી આગળની વાત મે પૂરી કરતાં કહ્યું મારું નામ મેઘના છે. આ સાંભળીને વીરા શરમાઈ ગઈ એટલે મે અનુજ સામે જોયું તો મને તેની આંખોમાં ડર દેખાયો.”
ત્યારે વીરા બોલી, “ભાભી આગળની વાત હું કહું ?” મેઘનાએ હસીને કહ્યું, “હા, કેમ નહીં.” એટલે વીરા હસીને કહેવાનું શરૂ કર્યું, “જ્યારે ભાઈએ મને ભાભી વિષે કહ્યું ત્યારે હું શોક થઈ ગઈ. મે મારા ભાઈને સરપ્રાઈજ કરવાનું વિચાર્યું હતું પણ ભાઈએ મને જ સરપ્રાઈજ કરી દીધી. મે એ વખતે ભાઈ અને ભાભી માટે બ્રેકફાસ્ટ બનાવી રાખ્યો હતો. એટલે અમે બધા એકસાથે જ બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા.”
“હું અનુજ સાથે બેઠી અને ભાઈ ભાભી સાથે બેઠા હતા, તે સમયે મારું ધ્યાન અનુજ પર ગયું. તે ભાભી સામે જોઈને થોડો ડરી રહ્યો હતો. મને તેની આ વાત અજીબ લાગી કે અનુજ ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ડરતો નહોતો તો તે ભાઈની ફ્રેન્ડ ને જોઈને કેમ ડરી રહ્યો હતો. બ્રેકફાસ્ટ કર્યા પછી તેને પૂછવાનો પ્રયત્ન કરું તે પહેલાં ભાઈ તેની સાથે વાતો કરવા લાગ્યા અને ભાભી મારી મદદ કરવા લાગ્યા. પણ અનુજ નું ધ્યાન વારાંવાર ભાભી તરફ જતું હતું એ વાત મે નોટિસ કરી.”
‘મે ભાભીને નિખાલસતાથી પૂછી લીધું કે તે અનુજને ઓળખો છો ત્યારે ભાભીએ હસીને કહ્યું કે હા તેને બાળપણથી ઓળખું છું. તે મારો ભાઈ છે. આમ કહીને ભાભી હસવા લાગ્યા. તેનાથી મને લાગ્યું કે તેઓ કદાચ મજાક કરતાં હશે. બપોરે ભાઈ અને ભાઈ અને ભાભી ગેસ્ટ રૂમમાં આરામ કરતાં હતાં. ત્યારે મે અનુજને મારા બેડરૂમમાં બોલાવીને પૂછ્યું કે મારા ભાઈની ગર્લફ્રેન્ડને કઈ રીતે ઓળખે છે?”
વીરા બોલી રહી ત્યારે ડોરબેલ રણક્યો. મેઘના દરવાજો ખોલવા માટે ઊભી થઈ પણ વીરાએ તેને બેસવા માટે કહ્યું. તેણે જાતે દરવાજો ખોલ્યો તો અનુજ દરવાજે ઊભો હતો. અનુજ ને જોઈને વીરા આશ્ચર્ય સાથે બોલી, “કેમ આજે આટલી જલ્દી કામ પૂરું થઈ ગયું ?”
“હા, આજે કોઈ વધારાના પેશન્ટ હતાં નહીં એટલે રૂટિન ચેકઅપ કરીને અડધી રજા લઈને આવી ગયો.” આમ કહીને અનુજે મેઘના પાસે આવીને એક બોક્સ તેના હાથમાં મૂક્યું. મેઘનાએ તે બોક્સ ખોલ્યું તો તેમાંથી એક સુંદર કાચનો ગ્લોબ નીકળ્યો. જેમાં એક બરફની ચાદર પર કપલ ડાન્સ કરતું હોય તેમ લાગી રહ્યું હતું.
આ જોઈને મેઘના ખુશ થઈને બોલી, “wow અનુજ આ બહુ સરસ ગિફ્ટ છે. પણ તું આ શા માટે લાવ્યો?” અનુજે એક હળવી મુશકાન સાથે જવાબ આપ્યો, “આ મારા તરફથી તને અને જીજાજી ને મેરેજ એનિવર્સરી ગિફ્ટ છે.”
મેઘના ઊભી થઈને અનુજ ગળે મળીને બોલી, “thank you so much, ભાઈ.” અનુજે અંજલિ અને મેઘનાને ડાઈનિંગ ટેબલ પર જોઈને બોલ્યો, “તમે બધા અહી બેસીને શું કરી રહી છો ?”
વીરાએ હસીને કહ્યું, “ભાભી અને હું અંજલિને આપણી લવસ્ટોરી કહી રહ્યા હતાં અને તું આવી ગયો.” આ સાંભળીને અનુજ તેના રૂમ જતો રહ્યો. એટલે અંજલિ બોલી, “હવે આગળ શું થયું એ તો કહે.”
“હા, જરૂર.” વીરા તેની જગ્યાએ બેસતાં બોલી,”મારી વાત સાંભળીને અનુજનો ચહેરો ગંભીર થઈ ગયો. તે બોલ્યો કે તે મેઘનાને બાળપણથી ઓળખે છે. તે અને મેઘના બાળપણથી સાથે જ મોટા થયાં હતા. એ સાંભળીને મને તેના અને ભાભી પર ગુસ્સો આવ્યો. હું સમજી કે તે મારા ભાઈની ગર્લફ્રેન્ડ ને પ્રેમ કરતો હશે. એટલે હું તરત ભાઈના રૂમમાં ગઈ.”
“ભાઈ અને ભાભી તે સમયે વાતો કરી રહ્યા હતાં. હું ગુસ્સામાં ભાભી ને બોલી ગઈ કે તેઓ અહી શા માટે આવ્યા છે? અનુજને પ્રેમ કરે છે તો મારા ભાઈ સાથે પ્રેમ કરવાનું નાટક કેમ કરે છે ? મારી વાત સાંભળીને તે બંને ગુસ્સે થઈ ગયા.”