પરિમલ તેના પપ્પાને વાત કરે છે.. પરિમલને પણ માનવતામાં પાછો પાડી દે એવા તેના પિતાને અણસાર તો આવીજ ગયો હતો..
પરિમલે ખુલ્લા દિલથી બધીજ વાત કરી દીધી...
તેના પિતા બોલ્યા "હં.... તારી વાત પરથી તને પુષ્પા પ્રત્યે ખાલી લાગણી કે, હમદર્દી હોય એવું નથી લાગતું પરંતુ ક્યાંક દીલના ખૂણામાં એના પ્રતિ પ્રેમ હોય એવું દેખાય છે"...
પરિમલ વિચારતો રહ્યો એનુ હ્રદય પાસે કાંઈ ઊપજ્યું નહીં!!!દિલ કે દીમાગ પર એનો કોઈ કાબુ રહ્યો નહોતો!!
ઉનાળાના અસહ્ય બફારાથી ત્રસ્ત ધરતી આકાશ સામે અનિમેશ દ્રષ્ટિએ જોયા કરે અને વરસાદની પહેલી બુંદ ધરતી પર ઝીલાય અને ધરતી ટાઢક પામી આશિર્વાદ વરસાવે અને, તૃપ્તિ નો ઓડકાર ખાય એમ પરિમલ પણ પ્રેમ પામી તૃપ્તિ પામ્યો હતો...
હવે પુષ્પાને કેમ કહેવું?પુષ્પાતો એક વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતી છે, શું બધા સ્વિકાર કરશે? પોતાનું હ્રદય એને પવિત્ર કેમ માનશે? કદાચ પોતે તેના પ્રેમનો પ્રસ્તાવ મૂકશે તો પુષ્પા એનો સ્વીકાર કરશે? આવા ઘણા બધા વિચારોના વમળમાં એ ઘેરાઇ ગયો હતો.. પુરી રાત એને નિદ્રા આવી નહીં..
બીજા દિવસે સવારે એણે પોતાનું મન મક્કમ કરી નાખ્યું.પુષ્પા પોતાના પિતાને બચાવવા આ વ્યવસાય કરે છે!! એની પાસે આ દુનિયામાં પોતાના પિતાને બચાવવા બીજો કોઈ રસ્તો છે નહીં એટલે એને અપવિત્ર કેમ ગણવી? પાંચ પતિ હોવા છતા દ્રૌપદી જો સતિ ને પવિત્ર ગણાય તો લાચાર અને દયનીય સ્થિતિ માં રહેલી પુષ્પા પણ પવિત્ર ગણાય...
મારો પ્રેમ ગંગા ના નીર કરતા પણ વધુ પવિત્ર હોવો જોઇએ...એક નાનકડા સ્ફટિક સમો પ્રેમ પુષ્પા પાસેથી તે મેળવીને જ રહેશે એવો નિર્ધાર કરી તે પાછો તેજ શેરીમાં, તેજ ગલીમાં પાછો આવી ગયો...
આજે તે શરમથી બીડાઈ ગયેલી લજામણી ના છોડ જેવો લાગતો હતો.. તેના મનમાં અસંખ્ય વિચારો આવ-જા કરતા હતા...
પુષ્પ પાસે તે બેઠો પરંતુ તે કાંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતો...
પુષ્પાતો જાણે કાંઈ બન્યુ જ નથી એમ બેઠી હતી.
આખરે પરિમલ ચુપ્પી તોડી.પુષ્પા હું એક વાત કહેવા માંગુ છું.હું જે માંગુ તે મને મળશે? મારી વાતનું તને ખોટું નહીં લાગેને? "
પપ્પાની ઉમર ભલે નાની હતી પણ તેણે આ એરિયામાં આવતા કેટલાય પુરૂષોનુ પડખું સેવ્યું હતું.તેને બહુ સમજતા વાર નહોતી લાગી કે પરિમલના મનમાં શું રમે છે?તે ભલે ભલી હતી પણ એટલી ભોળી પણ નહોતી કે પુરુષના હ્રદયની વાત જાણી ન શકે!!!
તે બોલી: "કહો આપ શું કહેવા માગો છો? "
પરિમલ બોલ્યો:"તારા સઘળાં દુ:ખો મને આપી દે,બદલામાં મારા બધા સુખોમાં તારો સાથ માંગુ છું.મારી જીવનસંગિની બનવા તૈયાર છો? "
પુષ્પા:"હજુ તો તમે મળ્યા એને અઠવાડિયાની મુદત થઈ અને પ્રેમ પણ કરવા લાગ્યા છો? કાંઈ ગાંજો-બાંજો પી ને નથી આવ્યા ને? ને તમે મારા વિશે શું જાણો છો? એમ પ્રેમ પણ વિચારી ને કરવો જોઈએ,આતો લગ્ન છે..મારાથી હવે કોઈના વૈતરુ નથી કરવા.
પરિમલ:"મે બધો વિચાર કરીને જ તને પસંદ કરી છે. જો હું તને પસંદ હોઉ તો મારી જાતને ભાગ્યશાળી માનીશ. પણ તારા સિવાય હવે આ દીલને કોઈ ગમશે નહીં એ ફાઈનલ છે. "
પુષ્પા:"હું મારા પિતા સિવાય કોઇ વિશે વિચાર કરી શકુ એમ નથી. પ્રેમ નિભાવવો એ વેશ્યાના લક્ષણ નથી. આ રસ્તો છે તમે જઈ શકો છો."
પરિમલ રડસમ ચહેરે ત્યાંથી નીકળી ગયો.
પુષ્પા તરત પોતાના ઘર તરફ ચાલી નીકળી..શું ચાલતુ હતી પુષ્પાના મનમાં?
એવુ નહોતુ કે પુષ્પાને પહેલી નજરથી પરિમલ ગમ્યો નહોતો. પુષ્પાને ગમતો હતો માટે જ તે પોતાના ઘરે લઇ આવી હતી, પણ પોતાને લીધે કોઈ પરિમલ તરફ આંગળી ચીંધી જાય તે પુષ્પાને મંજૂર નહોતુ.
કેટલાય નવાબજાદા ત્યાં આવીને પુષ્પાનો દેહ ચૂંથી જતા રહ્યા હતા!! કોઈતો એવુ નીકળે કે જે પુષ્પાને ઓળખી જાય ને પછી કોને ખબર હતી કે પોતાના પિતાની દવા માટે પોતે આ રાહ પકડી હતી?
બધાજ પરિમલ ન હોય.. પરિમલ તેના મનમંદિરમાં સમાઈ ગયો હતો. ભગવાન કરતા તેનો વિશ્વાસ વધુ હતો.એક વેશ્યા કોઈની રખાત બને પણ પત્ની કેમ બને?!!!! એ પણ પરિમલ જેવા માણસની?
એ દિવસે તે ખુબ રડી!!!
પરિમલ પણ ક્યાં એને ભૂલ્યો હતો?એ રોજ પુષ્પાને નિહાળવા માટે પાછો એજ જગ્યા પર આવી જતો હતો!!!! પણ હવેથી મૂલાકાતોમાં કોઇ કશુ બોલતા નહોતુ.
પુષ્પા સરસ મજાની નાજુક નમણી હતી. લાંબા કાળા ભમ્મર ચૌટામાં એક સરસ મજાની લટ કાઢતી, કુદરતી રીતેજ નજર ન લાગે તેમ કાળો તલ ગાલ પર, પાતળી કમર, હરણી જેવી આંખો, બહુ રૂપાળી નહીં ને કાળી પણ નહીં!!!! કોઈ પણ એને પ્રેમ કરવા લાગી જાય એવી નમણી વેલ હતી.
પરિમલ પણ સાક્ષાત કામદેવનો અવતાર હતો.. 6 ફુટ ઉંચો, કરતી બદન, આત્મવિશ્વાસથી ભરપુર!!!!
પરિમલ કશુ બોલે નહીં પરંતુ તેની લટ સાથે રમ્યા કરતો!!! પંદર દિવસ આમજ ચાલ્યું ..
આજે પુષ્પ ખરેખર ભાંગી પડી હતી. મોઢેથી હા ભલે ન કહે પણ તેનો માહ્યલો જાણતો હતો કે તે ફક્ત પરિમલ ને અથાગ ચાહે છે.. પુષ્પ વાળ સાથે રમત કરતા પરિમલને ખીજાણી"ખાલી વાળ સાથે રમવા આવો છો? આટલા સમજાવ્યા તોય તમે મારો પીછો છોડતા નથી!!!મહેરબાની કરીને તમે ન આવો.. હું તમને ચાહીને પાપની ભાગીદાર નહીં બનુ".
પરિમલ એટલોજ સામે પ્યાર વરસાવતો બોલ્યો મેં કયાં પરાણે કહ્યું કે મને પ્રેમ કર? તારો ગ્રાહક બની આવુ છું તો તને શું વાંધો છે?
ત્યાંજ પુષ્પાનો ફોન આવ્યો.વાત કરતા તેના હાવભાવ બદલાઈ ગયા!!એક ચીસ નીકળી ગઈ એના મુખમાંથી!!!!
તેના પિતાનું અવસાન થયું હતું!!તરતજ બન્ને પરિમલની ગાડીમાં પુષ્પાના ઘરે જવા નીકળ્યા..રસ્તામાં છેક સુધી પરિમલ તેને હિંમત આપતો રહ્યો....
પુષ્પાતો અર્ધબેભાન અવસ્થા માં જ હતી...તમામ ઉતરક્રિયા પરિમલ નિભાવતો રહ્યો!!! કોઈપણ સ્વાર્થ વગર...
થોડા દિવસોમાં પુષ્પાનું દુ:ખ હળવું કરવા માટે પરિમલના પિતા ત્યાં આવી ગયા.. પુષ્પાને તેમણે કહ્યુ "એક પિતા છીનવાઈ ગયા પણ હું છું હજુ. મને તારા પિતા માનજે.. કોઈના ચાલ્યા જવાથી જીંદગી પૂરી નથી થઈ જતી..નવેસરથી તારી જીંદગી શરૂ કર.. પરિમલ તને ચાહે છે અને તારા વિશે મને બધું કહ્યું છે,પણ તુ સ્વમાની છો, તારા જેવી પુત્રવધૂ મળશે તો મને આનંદ થશે".
પુષ્પા જોઈ રહી"આવા પણ માણસો હશે એવી એણે કલ્પના પણ નહોતી કરી...
પુષ્પા હવે પોતાની ખોલીમાં જવા માંગતી હતી.તેણે પરિમલ ને એના પિતાની રજા માંગી...
પુષ્પા જતી હતી પરંતુ વિચારો એ તેના પર કબ્જો જમાવી દીધો",હું ક્યાં જાઉ છું?કોના માટે જાઉ છું?મારા જીવનનો હેતુ શું? આટલા પ્રેમ કરનાર પિતા સમાન પરિમલના પિતા અને જીવથી વધુ જતન કરનાર પરિમલને છોડી હું શું કરીશ? "
સમાજમાં જીવવા માટે હવે વેશ્યાવૃત્તિ કરવાની જરૂર નથી પણ પિતાને ગુમાવ્યાનો અફસોસ હતો.. ત્યાંજ પાછળ કોઈકે હોર્ન માર્યા,પણ પુષ્પાના મનના વિચારોમાં ખોવાઈ ગઈ હતી...
અચાનક નિંદ્રાધીન અવસ્થા માંથી જાગી તેણે પાછળ વળી જોયુ તો પરિમલ હતો...
"હાલો મેડમ ઘર સુધી મુકી જાઉ"
"હા ચાલો કેમકે હવે મને તમે કોઠા પર નહીં મળી શકો"
કેટલૂયે મન ના પાડતુ હોવા છતાં પુષ્પા બેસી ગઈ.
શું થશે પરિમલ ને પુષ્પાનું જાણવા માટે વાંચતા રહો...