સ્મૃતિ સંવેદના Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સ્મૃતિ સંવેદના

સ્મૃતિ સંવેદના

એ વાત હું કેમ ભૂલી શકું?

હાલમાં તો નિવૃત્ત થઇ ભૂતકાળને વાગોળું છું અને આમ મારો સમય પસાર કરૂ છું. મારા જીવનમાં કાંઈ કેટલાય પ્રસંગો એવા બની ગયા છે જે સ્મૃતિપટ પર છવાયેલા રહે છે સ્વાભાવિક છે કે તેમાં કેટલાક સારા તો કેટલાક નરસા પ્રસંગો હોવાના પણ તે બધામાં જે પ્રસંગ હું વારંવાર વાગોળું છું તે આજે આપ સમક્ષ રજુ કરતાં જાતને રોકી નથી શકતો.

આ વાત છે જ્યારે હું એક વૃદ્ધાશ્રમમાં નિયામકની ફરજ બજાવતો હતો. મારા સમયમાં જુદા જુદા કારણોસર લોકોને વૃદ્ધાશ્રમમાં દાખલ કરાતા હતાં. આપ સૌ તો આ બધું જાણો જ છો કે કેવું માનસ ધરાવતા લોકો આવા વૃદ્ધાશ્રમનો લાભ લે છે એટલે તેની ચર્ચા અસ્થાને છે

પણ એક અજનબી કિસ્સાને આજે હું ફરીથી યાદ કરી પુત્રના માતા પ્રત્યેના પ્રેમને સલામ કરૂ છું.

હમેશની જેમ એક દિવસ એક યુવાન તેની માતાને લઈને મારી ઓફિસમાં આવ્યો. અહી આપણે તેમને મનોજ અને સુમનબેનના નામે વાત આગળ વધારશું.

તેઓ આવ્યા એટલે પ્રણાલી મુજબ તેમને બેસવા કહ્યું અને કારણ જાણવા છતાં પૂછ્યું કે આવવાનું પ્રયોજન શું?

મનોજે કહ્યું ‘આ મારી મા છે, સુમનબેન. અમારે કોઈ નજીકના સગાસંબંધીઓ નથી. મને આગળ ભણવા માટે તક મળી છે અને તે માટે એક વર્ષ સુધી અમેરિકા જવું પડશે. હવે મારી માને ક્યા રાખવી તેનો પ્રશ્ન ઉભો થયો. એટલે મા સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે કોઈ વૃદ્ધાશ્રમમાં તે રહે તો આ પ્રશ્નનું નિરાકરણ થઇ જાય.

‘વૃદ્ધાશ્રમ તો અનેક છે પણ કોઈ સારા વૃદ્ધાશ્રમમાં જો રાખું તો મારી તકલીફ દૂર થાય પણ સારૂં વૃદ્ધાશ્રમ કયું? આ એક પ્રશ્ન મને કેટલાક દિવસથી રંજાડતો હતો ત્યારે મારા એક મિત્રે તમારા આશ્રમનું નામ આપ્યું. મને એ પણ કહ્યું કે ન કેવળ આશ્રમમાં વૃદ્ધો માટે સારી સગવડ છે પણ સાથે સાથે બધી જ જાતની તકેદારી રખાય છે જેને કારણે રહેનાર ઘર જેવું વાતાવરણ અનુભવે છે.

‘મેં મારી રીતે તપાસ કરી અને મને આપના આશ્રમ માટે અન્યો પાસેથી પણ તેને માટે સારો અભિપ્રાય મળ્યો. મને એ પણ જાણવા મળ્યું કે આપ સૌને આપના પોતાના સમજીને તેમની સારસંભાળ લો છો. એટલે આપની પાસે આવ્યો છું મારી માને દાખલ કરવાની અરજી લઈને.’

‘જુઓ ભાઈ, અહી બધા આ જ રીતે વાત કરે છે અને પોતાનાને દાખલ કરાવી જાય છે. સાચી કહીકત જુદી જ હોય છે એટલે અમે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને દાખલ નથી કરતાં. વળી જેમણે પોતાનાને દાખલ કરવા હોય તેમણે તેમના માટે યોગ્ય આર્થિક સગવડ પણ કરવી જોઈએ. અને તે માટે નિયમ મુજબ યોગ્ય પુરાવા પણ આપવા જોઈએ. તમે એ બધી પ્રક્રિયા પૂરી કરો પછી દાખલ કરવા કે કેમ તે નક્કી કરીશું. આજે તો તમે તમારી માને ઘરે લઇ જાઓ. કાલે તમે એકલા આવી બધી વિગતો દેખાડો પછી હું આગળની કાર્યવાહી કરીશ કે કેમ તે તમને જણાવીશ. જો દાખલ થઇ શકે એમ હશે તો પરમ દિવસે જ હું સુમનબેનને રહેવાની સગવડ કરી આપીશ.’

આટલું કહી મેં મનોજને ક્યા ક્યા કાગળિયાં જરૂરી છે તે જણાવી રવાના કર્યો.

બીજે દિવસે મનોજ જરૂરી કાગળિયા લઇ આવ્યો જે ઠીક તો લાગ્યા પણ સાથે સાથે તેણે જે એક બીજી વાત કરી તે સાંભળી હું અવાચક થઇ ગયો. સુમનબેનને દાખલ કરવાનું મારા માટે અનિવાર્ય થઇ ગયું એટલે મેં તેને સુમનબેનની દેખરેખ માટે યોગ્ય રકમ જમા કરવાનું કહ્યું જે તેણે જમા પણ કરી.

શરૂઆતમાં તો સુમનબેનને આ નવું વાતાવરણ ગોઠતું નહીં અને મૂંઝવણ અનુભવતા પણ હું એમને સાંત્વના આપતો કે સમય જવા દો પછી તમને કશું અજાણ્યું નહીં લાગે. મેં કહ્યું કે અહીના અન્ય લોકો પણ શરૂઆતમાં આમ જ ફરિયાદ કરતાં અને સમય કેમ પસાર કરવો તેની મૂંઝવણ અનુભવતા. પણ પછી એક બીજા સાથે પરિચય કેળવાતો ગયો તેમ તેમ તેઓ વ્યવસ્થિત થતાં ગયા અને હવે તો એક જ કુટુંબના સભ્યો હોય તેમ હળેમળે છે અને આનંદમાં દિવસો વિતાવે છે.

પછી તો હું સુમનબેનની ખાસ કાળજી લેતો જેથી તે આ નવા વાતાવરણમાં ધીરે ધીરે સમાઈ જાય અને અન્યો સાથે મળવા લાગે અને સમય પસાર કરી શકે. હું તેમને કહેતો કે તમે તો નસીબદાર છો કે આવો દીકરો તમને મળ્યો જેને તમારી ચિંતા હતી અને તે દૂર કરવા પ્રયત્નો કર્યા. જો અન્યોના દાખલા સાંભળશો તો તમે પણ તમારી જાતને નસીબદાર માનશો. કોઈના નામ આપ્યા વગર મેં સુમનબેનને જણાવ્યું કે કોઈ અહિયાં પુત્રના કારણે તો કોઈ અહિયાં પુત્રવધુના કારણે દાખલ થયા છે.

આવી વાતોથી તમે અજાણ નહીં જ હો તેમ હું માનું છું. સુમનબેને પણ કહ્યું કે હા ઘણું બધું સાંભળ્યું છે પણ હવે તે નજરોનજર જોઉં છું ત્યારે લાગે છે કે મારો મનોજ તો ઘણો સારો દીકરો નિવડ્યો.

પણ મનોજની યાદ તો આવે જ ને? એટલે થોડા દિવસ પછી મને કહે કે મારા મનોજનો ફોન આવ્યો? હું સમજાવું કે તેના અને આપણા સમયમાં ફરક છે એટલે કદાચ કામની વ્યસ્તતાને લઈને તે ફોન કરી નહીં શક્યો હોય. તેમ છતાં મને તેનો નંબર આપ્યો છે તો આપણે આજે સાંજે તેની સાથે વાત કરવા પ્રયત્ન કરશું.

તે સાંજે મેં તેમની વાત મનોજ સાથે કરાવી. મનોજનો અવાજ સાંભળી સુમનબેન ગળગળા થઇ ગયા અને બોલ્યા, ‘મનોજ બેટા, કેમ છે?’

સામેથી બહુ ધીમો અવાજ આવ્યો, ‘મા, હું સારો છું.’

‘પણ તારો અવાજ કેમ સાવ ધીમો થઇ ગયો છે? તબિયત તો સારી છે ને?’

‘હા મા, તબિયત સારી છે. ભણતરને કારણે થોડોક થાક છે એટલે તને મારો અવાજ બદલાયેલો લાગ્યો હશે. પણ તું ચિંતા ન કર. અહી હું સારી રીતે ગોઠવાઈ ગયો છું અને બધા સાથે હળીમળી ગયો છું.’

‘સારૂં બેટા, પણ તબિયત સાચવજે. યોગ્ય આરામ પણ કરતો રહેજે. મા છું એટલે ફિકર તો રહેને’

‘તારે મારી કોઈ ચિંતા ન કરવી અને ફોન પણ ન કરતી. હું જ થોડા થોડા દિવસે ફોન કરીશ.’

આ દરમિયાન સુમનબેનને અન્ય મહિલાઓ સાથે ધીરે ધીરે મેળ પાડવા માંડ્યો અને પોતાનો સમય વ્યતિત કરવા લાગ્યા. આઠ-દસ દિવસે પૂછે કે મનોજનો ફોન ન આવ્યો? હું પણ તેમને ધીરજ રાખવા કહેતો કે તે જરૂર વ્યસ્ત હશે એટલે વાત નહીં કરી શકતો હોય.

જયારે અન્ય લોકોને આ બાબતની જાણ થતી કે મનોજ ફોન નથી કરતો ત્યારે સ્વઅનુભવે કહેતા કે મનોજ પણ અન્યની જેમ સુમનબેનને ભૂલી ગયો છે. ફક્ત પરદેશનું બહાનું બતાવી સુમનબેનને અહી મૂકી ગયો છે અને હવે તે આવશે જ નહીં. આ સાંભળીને સુમનબેન બહુ નારાજ થતાં અને કહેતા કે ના મારો મનોજ એવો નથી. જરૂર કોઈ કારણ હશે જેથી તે ફોન નથી કરતો.

ત્યાર પછી એક બેવાર મનોજનો ફોન આવ્યો અને દરેક વખતે મનોજને સુમનબેન તેની તબિયતની ચિંતા વ્યક્ત કરે અને મનોજ તેનો તે જ જવાબ આપે.

ઘણા દિવસ થયા પણ મનોજનો ફોન ન આવ્યો એટલે મને કહે એકવાર તમે જ ફોન લગાવોને? તેમનું મન રાખવા એક દિવસ મેં આપેલા નંબર પર ફોન જોડ્યો તો સામેથી મનોજને બદલે અન્ય કોઈનો અવાજ આવ્યો. મેં પૂછ્યું કે તમે કોણ છો તો કહ્યું કે તે મનોજનો મિત્ર કંદર્પ છે. આ કંદર્પને તમે ઓળખો છે એમ મેં સુમનબેનને પૂછ્યું તો તેમણે મને કહ્યું ના. પછી ફોન મારા હાથમાથી લઇ સુમનબેને પૂછ્યું કે ભાઈ મનોજને ફોન આપને. સામેથી જવાબ આવ્યો કે તે તો અન્ય શહેરમાં કામસર ગયો છે. તમે ફોન કરશો જ માની તેનો ફોન મને આપી ગયો છે ને તમારી સાથે વાત કરી જણાવવા કહ્યું છે કે થોડા દિવસ પછી પાછા આવ્યા બાદ તમને ફોન કરશે.

પણ બીજા પંદર દિવસ સુધી કોઈ ફોન ન આવતા સુમનબેનથી ન રહેવાયું અને ફરી એકવાર ફોન કરવા કહ્યું, પણ કમનસીબે ફોન ન લાગ્યો એટલે સુમનબેન નારાજ થઇ ગયા. તેમને લાગ્યું કે અન્ય લોકો કહે છે તેમ જ મારો મનોજ હવે મારો નથી રહ્યો.

તે દિવસ પછી સુમનબેનની મનોદશા બદલાઈ ગઈ. તેમની માનસિક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ઉદાસ રહેવા લાગ્યા. ખાવાપીવા પ્રત્યે પણ અરૂચિ થવા માંડી. બહુ સમજાવ્યા બાદ પરાણે બસ બે કોળિયા ખાય.

અમારા સર્વેના પ્રયત્નો અસફળ રહ્યાં અને દસ દિવસ બાદ તે મૃત્યુ પામ્યા.

મને જાણ હતી કે એમનું નજીકનું કોઈ નથી એટલે તેમનો અગ્નિસંસ્કાર આશ્રમના ખર્ચે કરવા ટ્રસ્ટીઓની પરવાનગી માંગી. તે મળી અને યોગ્ય રીતે અંતિમસંસ્કાર પાર પાડ્યાં.

બધું પત્યા પછી અન્ય લોકો મારી ઓફિસે આવ્યા અને કહ્યું કે તમારે મનોજને તેની માના મૃત્યુના સમાચાર તો આપવા રહ્યાં, ભલે તે પોતાની માને ભૂલી ગયો હોય પણ આશ્રમના નિયમ અનુસાર તેને આ ખબર આપવી જરૂરી છે.

‘પણ મનોજ હોય તો એને ખબર આપું ને?’

‘એટલે? તમેં શું કહેવા માંગો છો? મનોજ હોય તો એટલે?’

‘એમ જ કે મનોજ આ દુનિયામાં છે જ નહિ. પંદર દિવસ પહેલા જ તે બ્લડકેન્સરને કારણે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે.’

‘તમે આ વાત જાણતા હતાં?’

‘હા, સુમનબેનને દાખલ કરાવવા જ્યારે મનોજ બીજે દિવસે એકલો આવ્યો હતો ત્યારે જ તેણે મને કહ્યું હતું કે તે ચાર પાંચ મહિનાનો મહેમાન છે. જો તેણે તેની માને આ વાત કરી હોત તો માંની શું હાલત થાત તે કલ્પી શકાય તેમ ન હતું એટલે જ તે સુમનબેનને અહી દાખલ કરવા આવ્યો હતો. મને તે પણ કહ્યું હતું કે હું કોઈ પણ ભોગે તેની માને આ વાત ન કરૂ અને હું પરદેશ ગયો છુ તેમ જ વર્તશો. એક રીતે તમને હું જૂઠું આચરવા કહી રહ્યો છું પણ બે જિંદગીનો સવાલ છે એટલે મને જરૂર સાથ આપશો. આમ મને મજબૂર કર્યો હતો અને હું આ નાટક ચલાવતો રહ્યો.’

પણ આ સમાચાર આપ્યા કોણે તેના જવાબમાં મેં કહ્યું કે તેના મિત્ર કંદર્પે. મનોજે તેને બધી વાત કરી હતી અને મારો સાથ પણ મળ્યો છે તેમ કહ્યું હતું. જે દિવસે સુમનબેને છેલ્લી વાર વાત કરી ત્યારે કંદર્પ સાથે જ વાત કરી હતી. તેમના રૂમમાં ગયા પછી કંદર્પનો ફરી ફોન આવ્યો હતો કે તે સવારે જ મનોજનું મૃત્યુ થયું છે પણ તમે સુમનબેનને સાચવી લેશો એમ મને મનોજે કહ્યું હતું. આશા છે તમે તેમ કરશો. પૈસાની જરૂર હોય તો મને જણાવશો કહી તેનો ફોન નંબર પણ આપ્યો.

મેં તેને નચિંત રહેવા કહ્યું અને કહ્યું કે મનોજે જે પૈસા જમા કરાવ્યા છે તે હજી ઘણા મહિના માટે પૂરતાં છે. પછીની વાત પછી.

‘તો પછી તમે મનોજના મૃત્યુના સમાચાર સુમનબેનને કેમ ન જણાવ્યા?’

‘ત્યારબાદ તે ઉદાસ રહેતા હતાં એટલે આવા માઠા સમાચાર આપી તેમની ઉદાસીમાં હું વધારો કરવા નહોતો માંગતો. અને કુદરત પણ કેવી કરામત કરે છે. સુમનબેનને સંકેત્ત મળ્યા જ હશે એટલે પંદર દિવસ પણ ન રોકાયા અને પોતાના પુત્રને મળવા પ્રસ્થાન કર્યું.’

આજે પણ હું આ યાદ કરૂ છું ત્યારે મને સંતોષ છે કે મેં બધું યોગ્ય જ કર્યું હતું, બરાબરને?

નિરંજન મહેતા